ધર્મતેજ

ત્રીજો યમ અસ્તેય: ચોરીના અનેક પ્રકાર છે

અધ્યાત્મ -મુકેશ પંડ્યા

ગયા પ્રકરણમાં આપણે અહિંસા અને સત્ય વિશે થોડુંક જાણ્યું. આ વખતે આપણે અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ અને તેનાથી મન કેવી રીતે શુદ્ધ થઈ શકે છે તે જોઈએ.

અસ્તેય એટલે ચોરી ન કરવી. અહીં માત્ર કોઈ ચોર કોઈના ઘરેથી પૈસા કે વસ્તુઓની ચોરી કરી જતો હોય છે તેની જ વાત નથી કરવાની. દરેકના મનમાં કોઈને કોઈ ચોર હોય છે. તેને દૂર કરવાની વાત છે. કરચોરી, દાણચોરી, ભેળસેળ આ બધાં પણ ચોરીના જ પ્રકાર છે. પરીક્ષામાં નકલ કરવી, પ્રશ્ર્નપત્રો ફોડવા કે ફોડાવવાં એ પણ એક પ્રકારની ચોરી જ છે.

એક જમાનો ભારતમાં એવો હતો જ્યારે બે દુશ્મનો વચ્ચેના યુદ્ધ પણ ધર્મની રીતે લડાતા અને વેપાર-ધંધામાં પણ ધર્મ-નૈતિકતા હતી. એ વખતે ગામડામાં પટેલને ત્યાં ગાય કે ભેંસનું દૂધ લેવા જતાં તો પટેલની સ્ત્રી એક શેર દૂધ આપે પછી થોડું વધારાનું દૂધ હંમેશાં વાસણાં રેડતી જેથી ભૂલેચૂકે દૂધ ઓછું અપાઈ ગયું હોય તો સરભર થઈ જાય, અથવા થોડું દૂધ વધારે જાય તો પણ વાંધો નહિ. નમતું જોખવાનો જે શબ્દપ્રયોગ પ્રચલિત થઈ ગયો છે તે પણ આવા ઉમદા ખ્યાલથી જ આવ્યો હશે. કોઈ પણ વેપારી ત્રાજવાના એક પલ્લુમાં સ્ટાન્ડર્ડ વજનનો લોખંડનો બાટ રાખતો અને બીજામાં અનાજ કે માલ ભરી આપતો ત્યારે નમતું જોખતો, એટલે કે માલ થોડો વધારે જ મળે એનું ધ્યાન રાખતો. આજે પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે. ઈલેક્ટ્રોનિક સ્કેલમાં પરફેક્ટ વજનનો માલ તો જોખાય છે પણ તે માલમાં પણ ભેળસેળ કરીને કે પાણીમાં ભીંજવીને માલનું વજન વધારી દેવાય છે અને નફાખોરી વધી જાય છે. હવે તો સાઈબર દ્વ્રારા ચોરીન કિસ્સા વધતા જાય છે. પૈસો જે પોતે મનુષ્યની શોધ છે. પૈસો જે એક નિર્જીવ વસ્તુ છે તેની પાછળ દોટ મૂકવાની લ્હાયમાં આપણે અલગ અલગ પ્રકારની ચોરી કરવાનું મનથી શીખી ગયા છીએ. આવા અશુદ્ધ મનમાં છુપાયેલો પરમેશ્ર્વર આપણને પછી ક્યાંથી દેખાય? અને એ નથી દેખાતો એટલે આપણે બૂમબરાડા પાડીએ છીએ કે એ નથી. માત્ર શરીર, ઈન્દ્રિયો અને પૈસા દેખાય છે. માટે આપણે એને જ પરમાત્મા માનીની આગળ વધતાં નથી. એક કાળે જે દેશમાં – વેપારમાં પણ ધર્મ હતો ત્યાં આજે ધર્મમાં વેપાર થાય છે. અગાઉ રાજકારણમાં પણ ધર્મનાં મૂલ્યો જળવાતાં. આજે ધર્મમાં પણ રાજકારણ ખેલાય છે.

તમને એમ લાગતું હશે કે આમાં નવું શું છે? બધાં જ ધર્મગુરુઓ આવી જ વાતો કરતાં હોય છે. આ બધી યમ-નિયમની વાતો જે અષ્ટાંગ યોગમાં આવે છે તે જૈન ધર્મમાં અણુવ્રત તરીકે આવે છે. બૌદ્ધ ધર્મમાં તે શીલવ્રત તરીકે ઓળખાય છે. ખ્રિસ્તી ધર્મમાં તેને ટેન કમાન્ડમેન્ટ્સ કહેવાય છે. એટલું જ નહિ સમાજમાં આ વ્રતોને કાયદાનું સ્વરૂપ પણ અપાયું છે. ચોરી કરવી, ખોટું બોલવું, વ્યભિચાર અને ભ્રષ્ટાચાર આ બધાને અપરાધ તરીકે જ જોવાય છે. યમનાં તત્ત્વોને વિવિધ ધર્મોમાં જ સ્થાન છે એવું નથી, ધર્મમાં ન માનનારા સામ્યવાદી દેશોમાં પણ તેને કાયદેસરની માન્યતા મળી છે. આ બધું પ્રખ્યાત ઑર્થોપેડિક સર્જન અને યોગોપચાર નિષ્ણાત ડૉ. ધનંજય ગુડેએ પોતાના પ્રસિદ્ધ પુસ્તક નિરોગી રહીએ, નિરાંતે જીવીએમાં લખ્યું છે. એટલે અહીં જે લખાયું છે તે નવું નથી પણ આ બધી બાબતો જો વિદ્યાર્થી અવસ્થામાં શાળામાં શીખવાડાય તો કંઈક નવું અવશ્ય થાય, ધર્મગુરુઓ જે વાતો કરે છે તે સાંભળવા જનારા વર્ગમાં મોટાભાગના રિટાયર્ડ કે ઉંમરલાયક સ્ત્રી-પુરુષો હોય છે. વિદ્યાર્થીઓને તો શાળા – કૉલેજ અને ખાનગી વર્ગોમાં કે ટ્યુશનમાંથી ફુરસદ જ નથી મળતી. આ સંજોગોમાં શાળામાં જ યોગ એક વિષય તરીકે કેમ ન શીખવાડી શકાય?

નાનપણમાં જો આવી વાતો શીખ્યા હોઈએ તો જીવનમાં કામ લાગે. બાકી અડધી જિંદગી પસાર થઈ ગયા પછી યોગના આઠ અંગોને સમજવા બેસો તો શું ફાયદો થાય? હજારો વર્ષ પહેલાં જેમણે બાળપણમાં ગુરુકુળ પદ્ધતિથી ભારતીય શિક્ષણ લીધું હતું. તેમાંથી કેવા કેવા મહાન પુરુષો પાક્યા હતા. પતંજલિ, પરાશર, વ્યાસ, ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, વરાહમિહિર, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, વિવેકાનંદ, રામકૃષ્ણ, મહાત્મા ગાંધી, પાણિનિ… હજુ તો કેટકેટલા નામ ઉમેરી શકાય. જૂની વાતો જવા દો – ૫૦ વર્ષ પહેલાં કાપડ માર્કેટની ગાદી પર બેસનારો ધોતિયાધારી વેપારી ફોન પર માત્ર મૌખિક સોદા કરતો તે નુકસાનીના ભોગે પણ પાળીને બતાવતો. જ્યારે આજે લિખિત કરાર કર્યો હોય તો પણ કરારને ભાંગી નાખતા લોકો અચકાતા નથી. વિદેશી પદ્ધતિનું શિક્ષણ અજમાવીને આપણે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર તો પેદા કર્યા પણ મહાન પુરુષો પેદા કર્યા છે? પૈસો અને માત્ર પૈસો, કંઈ લાઈન લેવાથી મળે એટલાં પૂરતું જ હાલનું શિક્ષણ સીમિત થઈ ગયું છે. શિક્ષણ એ માત્ર પૈસા કમાવવાનું સાધન જ નથી. ચારિત્ર્ય નિર્માણ કરવાનું પણ માધ્યમ છે એ વાત જ ભુલાઈ ગઈ છે.

શ્રેષ્ઠ ચારિત્ર્યનું નિર્માણ કરતા યોગનું શિક્ષણ તો શાળામાં નથી ભણાવાતું, ઊલટાનું જાતીય શિક્ષણ શાળામાં દાખલ કરવાની વાતો થાય છે. મનુષ્યજીવનના જે પ્રથમ પચ્ચીસ વર્ષ છે તેને આપણે ત્યાં બ્રહ્મચર્યાશ્રમ જેવું ઉમદા નામ અપાયું છે. આ કાળમાં વિદ્યાર્થીઓએ સ્વયંને ભૂલી પૂરા બ્રહ્માંડની ચર્ચા કરવાની હોય છે. જગત અને જગતકર્તાઓ ઓળખવાનો હોય છે અને પછી સમગ્ર જ્ઞાન પામી સભાનપણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો હોય છે. એને બદલે અત્યારનાં બાળકોને પૈસા કમાવવાની અને જાતીય શિક્ષણની જ વાતો શીખવાડાય તો એ એમ જ સમજે કે આ જ ખરી દુનિયા છે. એનાથી આગળ કંઈ છે જ નહિ.

અંધારા કૂવામાં રહેતા દેડકાને એમ જ લાગે છે કે આ જ મારું વિશ્ર્વ છે. સૂર્યપ્રકાશ, વહેતી નદી કે વિશાળ સમુદ્ર તો તેની કલ્પનામાં પણ ન આવે. એ જ રીતે આજના વિદ્યાર્થીને પણ એટલું જ શીખવા મળે કે ભણીને પૈસા કમાવવાના હોય અને ભૌતિક જરૂરિયાતો પૂરી કરવાની હોય – એનાથી આગળ, આત્મા-પરમાત્માની વાતો તો એને ભણવામાં આવતી જ ન હોય, એટલે એને તો એમ જ લાગે કે પરમાત્મા જેવું કંઈ છે જ નહિ, જે છે તે ફક્ત શરીર છે અને શરીરનિર્વાહ માટે ભણવાનું છે અને શારીરિક જરૂરિયાતો પૂરી કરવાની છે. અંતરાત્મા જેવું કંઈક છે – એની જ એને ખબર ન હોય પછી અંતરાત્મા ડંખે પણ ક્યાંથી? આવા વાતાવરણમાં વર્ષો પહેલાં ભારતમાં જે મહાન વિભૂતિઓની ફોજ પેદા થઈ તે હવે ન થાય એ સ્વાભાવિક છે. અત્યારે તો ફક્ત સ્વાર્થી પ્રોફેશનલ ડિગ્રી હોલ્ડરો જ પેદા થાય છે.

આવી પરિસ્થિતિથી બચવું હોય તો એક જ ઉપાય છે. જાતીય શિક્ષણ આપવાના વિચારને પડતો મૂકીને યોગવિજ્ઞાનને શાળામાં ફરજિયાત બનાવી દેવો જોઈએ. યોગ એ માત્ર હિન્દુ ધર્મની દેણ છે, એટલે સર્વધર્મ સમભાવને વરેલા ભારતની શાળામાં ન શીખવાડી શકાય, એવા ક્ષુલ્લક વિચારોમાંથી બહાર આવવું જોઈએ, યોગ વિજ્ઞાનમાં એવી એક પણ વાત નથી જે ધર્મ ઝનૂન ફેલાવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button