ધર્મતેજ

વિશ્વમાં રંગો અને મસ્તીભર્યા હોળી જેવા બીજા પણ છે અનેક તહેવાર

વશ્વમાં રંગો અને મસ્તીભર્યા હોળી જેવા બીજા પણ છે અનેક તહેવાર. આવા તહેવારોની સંખ્યા આમ તો બે ડઝન કરતાં પણ વધુ છે, પરંતુ પૃથ્વીના એક છેડાથી બીજા છેડા વચ્ચે રંગોના એવા પાંચ લોકપ્રિય તહેવાર ઉજવવામાં આવે છે જે બિલકુલ હોળી જેવા જ છે. આવો જાણીએ ભારત બહાર પણ આવા ક્યા તહેવાર છે જે બિલકુલ હોળી જેવા જ છે.

પર્વોત્સવ -રાજકુમાર દિનકર

હૅરોવિન ફેસ્ટિવલ:

સ્પૅનનો હૅરોવિન ફેસ્ટિવલ પણ બિલકુલ હોળી જેવો જ છે. આ તહેવારમાં યુવાનો વાઈન બૉટલથી લઈને બૂલ ફાઈટ્સ પણ કરે છે. આ તહેવાર દર વરસે 29 જૂને પૅટ્રન સૅન્ટ, સૅન પેટ્રો દિનના ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત વાઈન બૉટલથી થાય છે. આ તહેવારમાં કોઈ વ્યક્તિ પર ત્યાં સુધી વાઈન નાખવામાં આવે છે જ્યાં સુધી તે વાઈનથી સંપૂર્ણપણે ભીંજાઈ ન જાય અને તેનાં કપડાંનો રંગ જાંબૂડી ન થઈ જાય. આ તહેવારમાં પણ લોકો એકમેક પર એ રીતે વાઈન નાખે છે જે રીતે ભારતમાં હોળીના તહેવારમાં લોકો પિચકારીથી એકમેક પર રંગ નાખે છે.

સૉંગકરન ફેસ્ટિવલ:

આ પણ બિલકુલ હોળી જેવો જ પાણીનો તહેવાર છે. સામાન્ય રીતે દર વરસે 13થી 15 એપ્રિલ દરમિયાન આ તહેવાર ઉજવવામાં આવે છે. થાઈલૅન્ડમાં આ તહેવારની સાથે જ નવા વર્ષની શરૂઆત થાય છે. આ તહેવારમાં પણ સામાન્ય રીતે યુવાનો ખૂબ મસ્તી કરે છે અને એકમેક પર રંગીન પાણી ફેંકે છે, ડાન્સ કરે છે. આ મસ્તીભર્યા વાતાવરણમાં યુવાનો પોતાનો જોડીદાર શોધે છે અને નવી જિંદગીની શરૂઆત માટે સાથે મળીને આ તહેવાર મનાવે છે.

સંતરા ફેસ્ટિવલ:
ઉત્તર ઈટલીના ઈવૅરિયા શહેરમાં મનાવવામાં આવતો આ તહેવાર પણ હોળી જેવો જ છે. આને ફૂડ ફાઈટ પણ કહે છે. આ તહેવાર ઉજવવા યુવાનો જુદી જુદી ટોળી બનાવે છે અને આખેઆખા સંતરા તેમ જ તેનો ગર એકમેક પર ફેંકે છે. આ તહેવારમાં યુવાનો ખૂબ ખાય-પીએ છે અને ડાન્સ કરે છે. અન્ય દેશની જેમ આ તહેવારમાં પણ યુવાનો જોડીદાર
શોધે છે.

જ્યાં સુધી હોળીની વાત છે હિન્દુ પંચાગ મુજબ ફાગણ પૂર્ણિમાને દિવસે આ તહેવાર મનાવવામાં આવે છે. બે દિવસ મનાવવામાં આવતા આ તહેવારના પહેલા દિવલે હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજે દિવસે એટલે કે ધુળેટીના દિવસે લોકો એકમેક પર રંગો અને પાણી નાખી ઉજવણી કરે છે. આ તહેવારની ઉજવણી દરમિયાન ઢોલ વગાડવાની સાથે સાથે લોકો ડાન્સ પણ કરે છે. આ લોકપ્રિય પર્વને વસંત ઋતુના આગમનનો તહેવાર માનવામાં આવે છે. વસંત પંચમીથી જ ફાગ અને ઘમારનાં ગીતો ગાવાની શરૂઆત થઈ જાય છે. સરસોનાં પીળા ફૂલ ધરતીને રંગી દે છે. કેરીના ઝાડ પર મોર લાગે છે. ખેડૂતો લહેરાતો પાક જોઈને ખુશ થઈ ગીત ગાય છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના તહેવાર પાક તેમ જ મોસમ સાથે જોડાયેલા છે.

મૅલન ફેસ્ટિવલ:
ઑસ્ટે્રલિયાના ક્વિન્સલૅન્ડમાં બિલકુલ હોળી જેવો જ રંગો અને મસ્તીભર્યો આ તહેવાર ભારે ધામધુમથી ઉજવવામાં આવે છે.

આ તહેવારમાં સ્ટ્રીટ પરેડ કરવામાં આવે છે જેમાં લોકો મસ્તીમાં મૅલેન એટલે કે તરબૂચનો માવો એકબીજા પર ફેંકે છે. લોકો તરબૂચનો રસ કાઢીને બાટલીઓમાં ભરી લે છે અને જે રીતે હોળીમાં એકમેક પર રંગ છાંટવામાં આવે છે તે જ રીતે તરબૂચનો રસ એકમેક પર નાખવામાં આવે છે. અનેક યુવકો ગ્રૂપ બનાવે છે અને તરબૂચના માવાના ઢગલા પર ડાન્સ કરે છે અને ખૂબ મસ્તી કરે છે. ઘણા યુવકો જૂથ બનાવીને તરબૂચના માવાના ઢગલાની આસપાસ ઘેરો બનાવે છે અને વારાફતરી તેની ઉપર ડાન્સ તેમ જ મસ્તી કરે છે.

મડ ફેસ્ટિવલ:
ઑસ્ટે્રલિયાના મૅલન ફેસ્ટિવલની જેમ જ દક્ષિણ કોરિયાના બૉરિઑન્ગ શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મડ (કાદવ) ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. એક જમાનામાં ખનિજથી ભરપૂર બૉરિયાઑન્ગની માટીનો કોસ્મેટિક્સ તરીકે ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા આ તહેવારની ઉજવણી કરવાનું શરૂ થયું હતું, પરંતુ આજે બે સપ્તાહ ચાલતો આ તહેવાર માત્ર દક્ષિણ કોરિયાના યુવાનોનો જ મનપસંદ તહેવાર ન રહેતા વિશ્વભરમાંથી લોકો આ તહેવાર મનાવવા દક્ષિણ કોરિયા પહોંચે છે. આ તહેવારમાં પણ લોકો ખૂબ નાચગાન, મસ્તી, એકમેક પર ભીની માટી ફેંકવી, લગાડવી જેવી મસ્તી કરે છે. હોળીમાં પણ આ પ્રકારની જ મસ્તી લોકો કરતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button