સંસાર વૃક્ષ
ગીતા મહિમા -સારંગપ્રીત
પૂર્વ અધ્યાયમાં સાચા ભક્તનાં લક્ષણોની સાથે કેટલીક તત્ત્વચર્ચા કર્યા પછી હવે ભગવાન કૃષ્ણ પંદરમા અધ્યાયનો ઉઘાડ કરે છે.
ગીતા ઘોષણા કરે છે કે ‘પુરુષોત્તમ-યોગ’ નામના પંદરમાં અધ્યાયના અધ્યયનથી પરમ-તત્ત્વ પુરુષોત્તમના સર્વોપરી મહિમાનો બુદ્ધિયોગ ખૂબ જ સુલભ થઈ રહે છે.
આ અધ્યાયના આરંભમાં જ સંસારને વૃક્ષની ઉપમા આપીને, તેનું નાશવંતપણું જણાવીને સંસારની આસક્તિ છોડવાના સંકેતો સમાયા છે. ભગવાન કૃષ્ણ કહે છે-
હે પાર્થ! તત્ત્વજ્ઞાનીઓ આ નાશવંત સંસારને એક એવું વૃક્ષ કહે છે કે જેનું મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે ફેલાયેલ છે. તેના પાંદડા વેદો છે. તેની ડાળીઓને પોષનારા જળ તરીકે માયિક ત્રણ ગુણો છે. પંચ-વિષયો તેની કૂંપળો છે. મનુષ્યલોકમાં કર્મ દ્વારા બંધન કરાવનારી તેની ડાળીઓ ઉપર-નીચે આમ-તેમ ખૂબ જ ઘનીભૂત થઈને દેવ, મનુષ્ય, પશુ વગેરેના શરીરો-રૂપે ફેલાયેલી છે. જે આ સંસારવૃક્ષને જાણે છે તે વેદના રહસ્યને જાણી જાય છે.
હા, લૌકિક સંસારની આસક્તિ તૂટતા માણસ ખરા અર્થમાં જ્ઞાની બને છે. જે વ્યક્તિ આ સંસારના અસાર સ્વભાવને જાણે છે, તે જ જીવનના મર્મને સમજી શકે છે.
‘આપણો જીવનકાળ મર્યાદિત છે’ – એકવાર આપણે આ સત્ય સ્વીકારી લઈશું તો આપણે પરિપૂર્ણ, વધુ અર્થસભર અને સંતોષી જીવન જીવી શકીશું. મૃત્યુ આપણને જીવન વિશે શીખવે છે. આપણા જીવનની આ છેલ્લી ડેડલાઇનનો અહેસાસ કરવાથી આપણી કાર્યશક્તિ, સ્પષ્ટતા અને સ્થિરતામાં સુધારો થશે. જે લોકો આ શાણપણને સમજી શક્યા છે તેઓ અદ્ભુત વસ્તુઓ પ્રાપ્ત કરી છે.
iPhone અને બીજી એપલ પ્રોડક્ટના સર્જક તરીકે પ્રખ્યાત એવા ઇનોવેટિવ જીનિયસ સ્ટીવ જોબ્સ. ૨૦૦૩માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે બીજા વ્યક્તિની જેમ તેમણે પણ નહોતું વિચાર્યું કે મૃત્યુ આટલું જલ્દી આવશે. પણ જ્યારે તેઓ આ વાસ્તવિકતાને સ્વીકારી શક્યા ત્યારે એમાંથી ઘણું શીખ્યા અને પછી જીવનનો જે થોડો ઘણો સમય વધ્યો હતો તે સમય એમણે ઘણી બધી અદ્ભુત વસ્તુઓને પૂર્ણ કરવામાં ઉપયોગ કર્યો હતો.
તેથી જ મોક્ષમાર્ગે ચાલતા મુમુક્ષુઓને માર્ગમાં આવતી માયાનિર્મિત મુશ્કેલી-માત્રથી માહિતગાર કરતા માર્ગદર્શક માધવ માયામય સંસારનો મર્મ સમજાવે છે.
અહીં, ભગવાને મૂળમાયામાંથી ઉદભવેલા સમગ્ર સંસારના સૃષ્ટિ-સર્ગને અશ્ર્વત્થ(નાશવંત) વૃક્ષની ઉપમા આપીને સંસારની અસારતા સ્પષ્ટ કરી આપી છે. આ સંસારની ઉત્પત્તિ ઉપરથી એટલે કે મૂળમાયામાંથી શરૂ થતી-થતી મનુષ્ય, પશુ, વન, પર્વત વગેરે સ્થાવર-જંગમ સૃષ્ટિ સુધી વિસ્તાર પામે છે. તેથી આ સંસારરૂપી વૃક્ષનું કારણ
મૂળ (મૂળમાયા) ઉપર તરફ અને ડાળીઓ (સ્થાવર-જંગમ સૃષ્ટિઓ) નીચે તરફ
આલેખાય છે.
વળી, આ સંસારમાં અજ્ઞાનથી તપતા માનવીઓને વેદો જ્ઞાનરૂપી છાંયો આપનાર ઉપકારક થતા હોવાથી તે આ સંસારવૃક્ષમાં પાંદડઓનું સ્થાન શોભાવે છે.
જેમ વૃક્ષની ડાળીઓ પાણી વડે વૃદ્ધિ પામે છે, તેમ આ સંસાર માયાના સત્ત્વાદિક ત્રણ ગુણો વડે ચાલે છે. તેથી જ આ ત્રિગુણરૂપી જળથી પોષણ પામેલ સંસારવૃક્ષમાં શબ્દાદિક પંચવિષયોરૂપી કુંપળો ડાળીએ-ડાળીએ ફૂટી નીકળેલ છે. આવા પંચવિષયોની કુંપળોથી ફુલ્યા-ફાલ્યા સંસારવૃક્ષની દેવલોક વગેરે શાખાઓ વૃક્ષના ઉચ્ચભાગમાં, અને પાતાળલોક વગેરે શાખાઓ વૃક્ષના નિમ્ન ભાગમાં અતિશય ઘનીભૂત થઈને ફેલાયેલી છે. તે પ્રત્યેક ડાળીના મૂળમાં રહેલા બંધનકારી કર્મો, સંસારવૃક્ષનો ડાળી સાથેનો સાંધો-બાંધો મજબૂત કરી આપનારા છે. આમ, મૂળપ્રકૃતિ તો આખા સંસારવૃક્ષનું મૂળ છે જ, તેની સાથે-સાથે પંચવિષયની આસક્તિથી કરાયેલાં કર્મો પણ આખા વૃક્ષમાં વચ્ચે-વચ્ચે ફેલાયેલા દેવ,મનુષ્યાદિક શાખાઓને બાંધી રાખતા બંધનનું મૂળ બની
રહે છે.
સંસારનું આવું બંધનકારી સ્વરૂપ સમજાઈ જાય તો વિના વિલંબે વૈરાગ્યરૂપી કુહાડીથી તેનો ઉચ્છેદ થઈ શકે. પરંતુ, સંસારનું આવું સ્વજ્ઞપ જાણવું એ કંઈ સહેલી-સુલભ વાત નથી. અક્ષરબ્રહ્મસ્વજ્ઞપ ગુરુ દ્વારા જ સંસારનું નાશવંતપણું સમજાય છે, વૈરાગ્ય પમાય છે.
આવા વૈરાગ્યથી આસક્તિ ટાળવા ટુક-ટુક થઈ મંડી પડેલો મુમુક્ષુ અક્ષરધામમાં રહેલા પુરુષોત્તમ ભગવાનનું શરણું પામી શકે છે. આ જ વાત દૃઢાવતાં મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે, સંસારી જીવોને સંસારનું સ્વરૂપ જેમ છે તેમ જણાતું નથી. આ સંસાર કેવી રીતે ઉદ્ભવે? કેવી રીતે ટકે છે? કેવી રીતે નાશ પામે? તે બાબતે બધા બદ્ધ જીવો અબુદ્ધ-અજાણ છે. આવા અજ્ઞાનથી ઘનીભૂત થયેલા આ સંસારવૃક્ષને વૈરાગ્યરૂપી તીક્ષ્ણ કુહાડી વડે ઉચ્છેદીને નિર્મૂળ કર્યા પછી, એ અક્ષરધામમાં જવા માટે પ્રયત્નો આદરવા કે જ્યાં ગયેલા ભક્તો ક્યારેય સંસારના બંધનમાં પાછા ફરતા-અટવાતાં નથી.
હા, જીવની અંતિમ ગતિ પરમાત્માનું ધામ છે, જ્યાં અક્ષય સુખની પ્રાપ્તિ પછી બીજી કોઈ પ્રાપ્તિ બાકી રહેતી નથી.