ધર્મતેજ

શકટનો ભાર કોઈ છોડાવે એ પહેલાં છોડી દેવામાં ડહાપણ

કશું આપણા હાથમાં નથી આમછતાં ‘હું’ અને મારું આ બે શબ્દો પર માણસનો અહંકાર લટકી રહ્યો છે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

આ જગતમાં કેટલાય એવા માણસો છે જે એમ માને છે કે આ જગત તેના દ્વારા ચાલી રહ્યું છે. તે નહીં હોય તો આ દુનિયા નહીં ચાલે. કુટુંબમાં, સમાજમાં અને રાજકારણમાં આવા માણસો ઠેરઠેર જોવા મળશે. તેવો કદી હોદ્દો છોડશે નહીં, નિવૃત્ત થશે નહીં. તેઓ માને છે કે તેમના વિના નહીં ચાલે. તેઓ જે કરી રહ્યા છે તે બીજા નહીં કરી શકે. તેમને બીજામાં વિશ્ર્વાસ નથી. જેને કારણે તેઓ ઘરમાં કે ઑફિસમાં જિંદગીભર બોજો ઢસડે છે અને હકૂમત ચલાવતા રહે છે. તેમને ઉચકીને ફેંકી દેવામાં ન આવે ત્યાં સુધી તેઓ મેદાન છોડતા નથી.

“વાર્યા નહીં પણ હાર્યા જાય તેવું તેમનું વલણ હોય છે. તમે એમને ગમે તેટલું સમજાવો પણ તેઓ માનશે નહીં. તબિયતથી લથડશે, લાચાર બની જશે, ગાત્રો ગળી જશે, ફટકાઓ પડશે અને પૈસે ટકે ખુવાર થઈ જશે ત્યારે તેઓ મને કે કમને ગાદી છોડશે. સમયસર નિવૃત્ત થઈ જવું અને કોઈ છોડાવે એ પહેલા છોડી દેવું એમાં ડહાપણ છે. કેટલીક વખત માણસ એટલું બધું પ્રસારીને બેસી જાય છે કે સમેટવું મુશ્કેલ થઈ પડે છે. સત્તા અને ધન બંને છોડવા મુશ્કેલ છે. ધન કદાચ છોડી શકાય, પરંતુ સત્તા અને હકૂમત છોડવાનું એટલું આસાન નથી. બીજા પર અંકુશ રાખવાનું, બીજાને તાબે રાખવાનું અને પોતે કહે તેમ બધા કરે એવું માણસને બહુ ગમતું હોય છે. આ પકડ જિંદગીભર છૂટતી નથી.

જિંદગીભર જેમણે આટાપાટા ખેલ્યા છે. જંજાળ ઊભી કરી છે, કાવાદાવા કર્યા છે, હકૂમત જમાવી છે તેવો નિવૃત્ત થઈ શકશે નહીં. આ બધું છોડી શકાશે નહીં. અને છોડશે તો ખાલીપો અનુભવશે. તેમને એમ થશે કે હવે જિંદગીમાં કશું બચ્યું નથી. બધું ખતમ થઈ ગયું. માણસે સમજવું જોઈએ કે વહેલું મોડું આ બધુ છોડવાનું છે. આપણા વિના આ દુનિયા ચાલતી હતી અને આપણા વિના પણ ચાલશે.

આ દુનિયાને કદી કોઈની ખોટ વર્તાઈ નથી. સમય અને કાળ પ્રમાણે બધું ચાલ્યા કરે છે. કશું આપણા હાથમાં નથી. પછી નાહકની ચિંતા શા માટે ? જગત માટે જે કાંઈ મહત્ત્વપૂર્ણ છે તે થઈ રહ્યું છે. જે બનવાનું છે તેને આપણે અટકાવી શકવાના નથી અને આપણી ઈચ્છા પ્રમાણે કશું કરી શકવાના નથી. આમ છતાં આપણે જગતમાં કર્તા હોઈએ તે રીતે વર્તીએ છીએ. મેં આ કર્યું મેં તે કર્યું, હું ન હોત તો આ ન થાત અને હું ન હોત તો તેમ ન થાત. આ બધી વાતો આપણે વારંવાર સાંભળીએ છીએ. આમાં માણસનો અહંકાર ડોકિયા કરતો હોય છે. અહીં નરસિંહ મહેતાની પંક્તિ આપણને થોડામાં ઘણું કહી જાય છે…
“હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે
કૂતરું ગાડા નીચે ચાલ્યું જતું હોય અને તે માને કે આખા ગાડાનો ભાર મારા પર છે એવી આપણી સ્થિતિ છે. કેટલાક માણસો પોતાની આવડત અને શક્તિના બણગા ફૂંકતા હોય છે. ક્યાંય સફળતા મળે તો બધો જશ પોતાને મળે તેવી તેમની પહેરવી હોય છે. કામ બીજા કરતા હોય છે અને પોતે જ આ બધું કર્યું તેવો તેમનો દેખાવ હોય છે. સામાજિક ક્ષેત્રે સંસ્થાઓમાં ઠેર ઠેર આવું બધું જોવા મળે છે.

કેટલાક માણસો ઢોલ નગારા પીટીને પોતાની જાતને પ્રોજેક્ટ કરતા હોય છે. હું અને મારું આ બે શબ્દો પર માણસનો અહંકાર લટકી રહ્યો છે. આ બે શબ્દો અદૃશ્ય થઈ જાય તો માણસ સ્વાભાવિકપણે વર્તી શકે. આ જગતમાં હું કશું જ નથી મેં કશું કર્યું નથી. જો હું કાંઈ કરી શક્યો હોઉં તો એ પરમાત્માની કૃપા છે. મને ધન, સાધનો અને શક્તિ ન મળી હોત તો આમાંનું હું શું કરી શક્યો હોત એવું જેને જ્ઞાન પ્રગટે છે તે માણસ સરળ અને સહજ બની જાય છે. માથા પરથી બોજો હટી જાય છે. ઓશોએ ટાંકેલી એક કથા આ અંગે પ્રેરક છે.

એક માણસ ટ્રેનના ડબ્બામાં આવીને સામાન પોતાના માથા પર લઈને બેસી ગયો. આસપાસના મુસાફરોએ તેને પૂછ્યું કે આ પેટી બિસ્તરા માથા પર શા માટે રાખ્યા છે ? એને નીચે રાખી દો. એ માણસે કહ્યું હું માથા પર નહીં રાખું તો બધું વજન ટ્રેન પર પડશે. તો માથા પર થોડું વજન હું પણ ઊંચકી લઉં.

મુસાફરો બહુ નવાઈ પામ્યાં. તેમણે કહ્યું તમે ગાંડા તો નથી થઈ ગયા ને ? તમે માથા પર વજન રાખ્યું છે તે વજન ટ્રેન પર જ પડવાનું છે. તો નાહકનો બોજો માથા પર રાખવાનો શો અર્થ છે?
મુસાફરોની આ વાત સાંભળીને તે માણસ હસવા લાગ્યો. તેણે કહ્યું હું તો માનતો હતો કે તમે બધા સંસારીઓ છો, પરંતુ હવે સંન્યાસી જેવા લાગો છો. મેં તો તમને જોઈને વજન માથા પર રાખ્યું હતું.

આ માણસ સંન્યાસી હતો. તેણે કહ્યું મેં તો તમને જોઈને માથા પર બોજો રાખ્યો હતો. આખી જિંદગી તમે વજન ક્યાં રાખ્યું છે ? તમારા માથા પર રાખ્યું છે કે પરમાત્મા પર છોડી દીધું છે ? કારણ કે તમે તમારા માથા પર રાખો તો પણ છેવટે વજન પરમાત્મા પર જ પડવાનું છે. કારણ કે બધો ભાર તો પરમાત્મા જ ઊંચકી રહ્યો છે. અને તમે એમ સમજો છો કે તમારું વજન તમે ઊંચકી રહ્યા છો. હું તો એમ સમજતો હતો કે અહીં બધા સંસારીઓ બેઠા છે. એટલે મારે તેમની રીતે બેસવું જોઈએ. મને શી ખબર કે અહીં સંન્યાસી બેઠા છે.

આ પછી તેણે કેવળ વજન નીચે ન મૂક્યું બલકે વજનની ઉપર બેસી ગયો. તેને કહ્યું હવે હું મારી બરાબર સ્થિતિમાં બેસી ગયો છું. મારી બેસવાની આ રીત જ છે, પરંતુ તમને બધાને અજબ ન લાગે તેટલા માટે તમારી રીતે માથા પર બોજો રાખીને હું બેસી ગયો હતો. આપણે માનીએ છીએ કે આપણે બધું કરી રહ્યા છીએ. જન્મ, મૃત્યુ, યુવાની, વૃદ્ધાવસ્થા, સુખ દુ:ખ શું આ બધા આપણને પૂછીને આવે છે, આપણી ઈચ્છા મુજબ આવે છે ? માણસે ગર્વ લેવા જેવું કશું નથી.

વિજ્ઞાનની આટલી બધી શોધ પછી પણ કુદરત પાસે માણસ લાચાર છે.

આ જગતમાં બધું યથાસ્થાને ચાલી રહ્યું છે. નાહકની બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. આખા ગામની ફિકર કરવાથી કોઈ ફાયદો નથી. કોઈ શું કરે છે શું નથી કરતો તેની ચિંતા કરવાથી શું વળવાનું છે. આપણે માત્ર એટલો જ ખ્યાલ કરીએ કે આપણે શું કરવું છે અને શું કરવું જોઈએ. આ જગતમાં કોઈને બદલી શકાય એમ નથી. આ માટેનો એક જ માર્ગ છે આપણે પોતે બદલી જવું.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?