શિવ, વિષ્ણુ અને બ્રહ્માની થિયરી લોકશાહીને સુસંગત છે
શિવ વિજ્ઞાન -મુકેશ પંડયા
ભૂતકાળમાં આપણી પ્રજામાં અર્થના અનર્થથી શિવમાર્ગી અને વિષ્ણુમાર્ગી એમ બે પંથ પડી ગયા હતા. આ પંથ એટલા કટ્ટર બની ગયા હતા કે શિવમાર્ગીઓ વિષ્ણુના અને વિષ્ણુમાર્ગીઓ શિવનાં દર્શન ન કરતાં. તે એટલે સુધી કે ‘કપડું સિવડાવવું’ છે એમ પણ ન કહેતા, કારણકે ‘સિવડાવવા’ શબ્દમાં શિવ જેવો ઉચ્ચાર થતો હતો. આવી કટ્ટરતા હજુ પણ કેટલાક લોકોમાં જોવા મળે છે. હકીકતમાં તો બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે શિવ હોય ત્રણેય સમગ્ર બ્રહ્માંડના કારણરૂપ એક જ શરીરનાં ત્રણ સ્વરૂપ છે. ત્રિમૂર્તિના રૂપમાં પ્રચલિત થયેલા ત્રિદેવે સૃષ્ટિ સુંદર રીતે ચાલે તે માટે કર્મોને વહેંચી લીધાં છે. બાકી, તેમનું અંતિમ ધ્યેય તો એક જ હોય છે. આ વાતને આજના સંદર્ભમાં સમજવી હોય તો એમ કહી શકાય કે લોકશાહી પદ્ધતિમાં જેમ ચૂંટણી કમિશનર ચૂંટણી યોજીને નવી સરકાર સર્જવામાં મદદરૂપ થાય છે એ જ રીતે બ્રહ્મા સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે છે. ચૂંટાયા પછી સમગ્ર દેશનું સંચાલન વડા પ્રધાન કરે છે. એ જ રીતે સમગ્ર સૃષ્ટિને ચલાવવાનું કાર્ય વિષ્ણુશક્તિ કરે છે. સરકારનાં કાર્યોની દેખરેખ અને નિયંત્રણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. એ જ રીતે ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિને નિયંત્રણમાં રાખે છે. ચૂંટણી કમિશનર ચૂંટણી કરી વિશ્રામ ફરમાવે છે. ખરો વ્યવહાર તો વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે જ થતો હોય છે. આ જ રીતે એકવાર બ્રહ્માંડનું સર્જન થયા પછી સમગ્ર સૃષ્ટિનો વ્યવહાર વિષ્ણુ અને શિવની શક્તિ વડે ચાલે છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન વચ્ચે ક્યારેક સિદ્ધાંતોને લઈને મતભેદ થતા હોય છે, પરંતુ તેમનું ધ્યેય તો લોકશાહીની જાળવણીનું જ હોય છે. આ જ રીતે વિષ્ણુ અને શિવ વચ્ચેની કશ્મકશ થતી આપણાં કેટલાંક શાસ્ત્રોમાં દેખાડાઈ છે. તેને કારણે તેમના અનુયાયીઓમાં બે ભાગ પડી ગયા હોય તે શક્ય છે, પણ તે યોગ્ય નથી, કારણ કે શિવ અને વિષ્ણુ વચ્ચે સંવાદ થાય કે વિવાદ, તે સૃષ્ટિના કલ્યાણ માટે જ હોય છે. સૃષ્ટિના રથમાં જીવન અને મૃત્યુ એ બે પૈડાં સમાન છે. જો બન્નેમાં સમતોલપણું ન હોય તો સૃષ્ટિનો રથ બરાબર ચાલી શકતો નથી. વિષ્ણુને જીવન ચલાવનારા બતાવ્યા છે, તો શિવને કલ્યાણકારી મૃત્યુના નિયંતા ગણાવ્યા છે. સૃષ્ટિના કલ્યાણ માટે યોગ્ય સર્જનની જેમ યોગ્ય વિસર્જન પણ જરૂરી છે. શરીરને યોગ્ય રીતે ચલાવવા ખોરાકનું ગ્રહણ કરવું જેટલું અગત્યનું છે તેટલું જ મહત્ત્વ મળવિસર્જનનું છે. આ જ રીતે વિષ્ણુ અને શિવ બન્નેનું સૃષ્ટિ ચલાવવા માટે સરખું જ મહત્ત્વ છે. માટે કટ્ટર શિવમાર્ગી કે કટ્ટર વિષ્ણુમાર્ગી બની રહેવું સંકુચિતતા છે.
જેમ વિષ્ણુ કલ્યાણકારી જીવનના દાતા ગણી શકાય છે તેમ શિવને કલ્યાણકારી મૃત્યુના દાતા ગણી શકાય. અપમૃત્યુ ટાળવા, પીડાદાયક રોગથી મુક્તિ મેળવવા, આયુષ્યમાં વૃદ્ધિ કરવા અને અંતમાં કોઈની પાસે સેવા લેવી ન પડે તે રીતનું મંગલકારી મૃત્યુ પ્રાપ્ત કરવા શિવનું અવલંબન જરૂરી છે. ફાંસી પામેલો ગુનેગાર પણ માનવતાના ધોરણે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે છે તે જ રીતે લાંબા આયુષ્ય તેમ જ અનેક રોગના કષ્ટથી બચી સ્વસ્થ અને કુદરતી મૃત્યુ માટે શિવની યથાશક્તિ પૂજા-પ્રાર્થનાના સ્વરૂપમાં તેમને દયાની અરજી કરી શકાય છે.
શિવરાત્રિનો પવિત્ર દિવસ ધર્મ ખાતર નહીં તો વિજ્ઞાન ખાતર પણ દરેક જણે, પછી તે વિષ્ણુમાર્ગી હોય કે અન્ય માર્ગી હોય સર્વે એ ઊજવવા જેવો છે. જે રીતે ચોમાસાના આગમન સમયે આવનારી અષાઢી એકાદશીના દિવસે ઉપવાસ કરીએ છીએ તે જ રીતે આવી રહેલા ઉનાળામાં તન, મન અને આત્માને સ્વસ્થ રાખવા શિવરાત્રિનો ઉપવાસ અને જાગરણ જરૂરી છે. દિવાળી પછી શિયાળાના ચાર (કારતક, માગશર, પોષ અને મહા) મહિનામાં આપણે ખૂબ મજા કરી લગ્નો ઊજવ્યાં. મીઠાઈ, ફરસાણ, ખાધાં, તેલની વાનગી ખાધી. ગછઈં મિત્રો અને સંબંધીઓ સાથે પાર્ટીઓ યોજી ખાધું-પીધું અને મોજ-મજા કરી, પણ ફાગણ મહિનાથી ગરમીના દિવસો શરૂ થાય છે. મહાવદ ૧૩ના દિવસે આવનારી મહાશિવરાત્રિને વૈજ્ઞાનિક રીતે ઊજવી ખરેખર તો આપણે આવનારી ઋતુમાં સ્વસ્થ રહેવાની શક્તિ જ મેળવીએ છીએ. મોટા ભાગના ઉપવાસ એકાદશીથી પૂનમ કે અમાસ સુધીમાં જ કરવાનું કેમ કહ્યું છે, તેની ચર્ચા આપણે ઉપવાસના પ્રકરણમાં વિગતવાર કરી હતી. એ જ રીતે જાગરણના ફાયદાની વાત પણ અગાઉ કરી હતી. છતાં અહીં ટૂંકમાં કહી દઈએ કે શિયાળાના ચાર મહિનામાં ખાવા-પીવામાં ધ્યાન ન અપાયું હોય કે પછી ઠંડી ઋતુના કારણે શરીરમાં કફ જમા થયો હોય કે પવનના કારણે વાયુનો પ્રકોપ થયો હોય, તો કફ અને વાયુનું શમન કરવા ઉપવાસ અને જાગરણ ઘણાં જ મહત્ત્વનાં છે. આવનારા ઉનાળાને સ્વસ્થતાથી પસાર કરવા તે ખૂબ જરૂરી છે. વિદેશમાં પ્રવેશ મેળવવો હોય તો તમારા શરીરનું ચેકઅપ કરાવવું પડે છે ને સ્વસ્થ લોકોને જ પ્રવેશ મળે છે. એ જ રીતે મહાશિવરાત્રિ એ પણ ઉનાળાની વિષમ પરિસ્થિતિમાં સ્વસ્થ રીતે પ્રવેશ કરવા માટેના ચેકનાકા સમાન છે.
વિષ્ણુને જેમ તુલસી વહાલી છે તે જ રીતે શિવને બીલીપત્ર વહાલું છે. તેનાં ઘણાં કારણો છે. આંખો જેવો આકાર ધરાવનાર ત્રણ પાનથી બનેલું બીલીપત્ર માત્ર રૂપમાં જ નહીં, સ્વભાવમાં પણ આંખને હિતકારી છે. શિવ સ્વભાવે ઉગ્ર પ્રકૃતિ ધરાવે છે. આ સાથે તેમને વધુ ગરમીશક્તિ ધરાવતું પ્રલયકારી ત્રીજું નેત્ર પણ છે. તેમની આ પ્રકૃતિને શાંત રાખવા મસ્તક પર શીતળ કિરણ ધરાવતો ચંદ્ર ધારણ કર્યો છે. જટામાં ગંગાની ધારા ધારણ કરી છે તેમ જ શીતળતા માટે જ ઘી-દૂધ બીલીપત્રનો અભિષેક અને ગળામાં, હાથમાં રુદ્રાક્ષને ધારણ કરવા તેમને અત્યંત પ્રિય છે. આ જ વસ્તુઓનો ઉપયોગ કરી ઉનાળાની ઉગ્ર ગરમીથી મનુષ્ય પોતાના શરીરને બચાવી પ્રકૃતિને શાંત અને શીતળ રાખી શકે છે. આયુર્વેદિક કોલેજોમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતા પ્રો. પ્રિયવ્રત શર્માના દ્રવ્ય-ગુણ વિજ્ઞાનના ગ્રંથ મુજબ આંખ જેવા નાજુક અવયવને સ્વસ્થ રાખવા બીલીપત્રનો રસ ઘણો અગત્યનો ભાગ ભજવે છે તેમ જ પાંપણ પર બીલીપત્ર વાટી તેનો લેપ લગાડવાથી પણ ખૂબ ફાયદો થાય છે.
આ ઉપરાંત બીલીપત્ર કફ અને વાયુનાશક હોવાનું જણાવાયું છે. તેથી કફ અને વાયુના દોષોને શાંત કરવા તે ખૂબ જ ઉપયોગી છે. શિવને ચઢાવેલા બીલીપત્રને પ્રસાદ સમજીને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે બીલીપત્રનાં પાન ચાવીને ખાવાથી બહુમૂત્રતાના રોગમાં ફાયદો કરે છે અને સાકરનું પ્રમાણ ઓછું કરે છે. આથા ડાયાબિટીસમાં બીલીપત્રનું સેવન ઉપયોગી નીવડે છે. ઉનાળામાં ગરમીના કારણે ભોજનમાં અરુચિ થાય છે તે બીલીપત્રનો રસ લેવાથી દૂર થાય છે. સાથેસાથે તે યકૃતને ઉત્તેજિત કરી પાચનશક્તિ પણ વધારે છે. આ રસ સ્ત્રીઓ માટે પણ એટલો જ ઉપયોગી છે. ગર્ભાશયના સોજા, શ્ર્વેત પ્રદર તેમ જ સૂતિકા રોગમાં ખૂબ જ ફાયદો કરે છે. બીલીપત્રના જેટલું જ બીલીફળ પણ ખૂબ ઉપયોગી છે. બીલીફળના સેવનથી શરીરમાં બળની વૃદ્ધિ થાય છે. બીલીના પાકા ફળનું શરબત પેટનાં દર્દોને દૂર કરી ભોજનમાં રુચિ વધારે છે. બીલીફળનું ચૂર્ણ મરડો, સંગ્રહણી જેવા પેટના રોગ દૂર કરે છે. બીલીના ઝાડનું મૂળ પણ આયુર્વેદની પ્રસિદ્ધ દવા દશમૂળ કાઢાનો એક અગત્યનો ઘટક છે.
ભગવાન શિવને જેમ કાચા દૂધનો અભિષેક કરીએ છીએ તેવી જ રીતે આપણી ત્વચા માટે પણ કાચું દૂધ ખૂબ ઉપયોગી છે. દૂધ એ કુદરતી ક્લિન્ઝર છે. તેથી કાચા દૂધથી ચહેરો કે ત્વચા સાફ કરવાથી તે મુલાયમ અને તેજસ્વી બને છે. દૂધમાં બીટા હાઈડ્રોક્સી ઍસિડ નામનું કુદરતી કન્ડિશનર ચામડીના મૃતકોષોને દૂર કરીને તેને વધુ સ્થિતિસ્થાપક અને ચમકીલી બનાવે છે. દૂધમાં રહેલો મોઈશ્ર્ચરાઈઝરનો ગુણ ઉનાળાની ગરમીમાં વધુ ઉપયોગી નીવડે છે. કાચા દૂધથી ચામડી સ્વચ્છ અને સુંદર તો બને છે, સાથે તેને ભરપૂર પોષણ પણ મળે છે. આમ, દૂધને પીવા જેટલું જ તેનું સ્નાન પણ હિતકારક બની રહે છે. દૂધની આ લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને જ ઘણી સાબુ બનાવનારી કંપનીઓ સાબુમાં દૂધને એક ઘટક તરીકે ઉમેરે છે. શિવજીએ ધારણ કરેલા રુદ્રાક્ષનું પણ ઘણું જ મહત્ત્વ છે. વ્રતકથામાં તમે વાંચ્યું હશે કે જે વ્યક્તિને કોઢ કે રક્તપિત્તનો રોગ થયો હોય તેને શિવનું શરણ લેવાનું કહેવામાં આવતું. તમને જાણીને નવાઈ લાગશે, પણ આજના વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે ચામડીના રોગ માટે રુદ્રાક્ષ ઉત્તમ ઔષધ છે. ગળામાં અને ભુજા પર રુદ્રાક્ષ ધારણ કરવાથી ચર્મરોગને જળોની માફક ચૂસી લે છે. રુદ્રાક્ષનો મણકો ન બાંધી શકાય તેવી જગ્યાએ ચર્મરોગનાં ચિહ્ન જણાય, તો તે ભાગ પર રુદ્રાક્ષનું ચૂર્ણ કરી ત્યાં લેપ કરવાથી ફાયદો થાય છે.
એક ભાગ રુદ્રાક્ષ ચૂર્ણ અને ચાર ભાગ ચણોઠી ચૂર્ણ મધમાં મેળવી માથા પર લગાડવાથી વાળ ખરતા અટકે છે અને વાળનો જથ્થો વધે છે. રુદ્રાક્ષ લોહી પર પણ સીધી અસર કરી રક્તના દબાણને કાબૂમાં રાખે છે. બન્ને જાતના પ્રેશરમાં રુદ્રાક્ષને ભુજા પર બાંધવું ઉપયોગી છે. પુરાણકથા પ્રમાણે રુદ્રાક્ષને શિવનાં અશ્રુ ગણવામાં આવ્યાં છે. આજે પણ રુદ્રાક્ષને ગાયના દૂધમાં ઘસીને આંખમાં આંજવામાં આવે તો બધા નેત્રરોગ મટે છે અને દૃષ્ટિ તેજસ્વી બને છે. આમ, શિવજીએ જે જે વસ્તુ ધારણ કરી છે તે આપણાં તન અને મનની સ્વસ્થતા માટે ખૂબ જ ઉપયોગી છે. શિવરાત્રિની વાર્તામાં આવે છે તેમ પારધીએ અજાણતાં રાત્રિએ બીલીના ઝાડ પર આશરો લઈ ઉપવાસ અને જાગરણ કર્યા અને નીચે રહેલા શિવલિંગ પર બીલીપત્રનો અભિષેક કરવામાં નિમિત્ત બન્યો તેથી તેને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું, તો પછી આપણે શિવ અને તેમણે ધારણ કરેલી વસ્તુઓનું જ્ઞાન જાણ્યા પછી તેના પદ્ધતિસર ઉપયોગ કરી શિવરાત્રિનું વ્રત કરીએ તો આપણાં તન, મન અને આત્માને પૃથ્વી પર જ સ્વર્ગની અનુભૂતિ ન કરાવી શકીએ?