કબીરપરંપરાનું તળપદું સ્વરૂપ: ભાણસાહેબની ભજનવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
ભાણસાહેબની શિષ્ય પરંપરામાં પ્રારંભે રવિસાહેબ અને ખીમસાહેબે તાત્ત્વિક સાધનાની વાણી વિશેષ્ા રૂપે વણી લીધી છે. હકીક્તે તો મૂળમાં કબીર છે. આ કબીરસાહેબનાં પદો ભારતીય સંતસાહિત્યનું ગૌરીશંકર શિખર છે. એની જ્ઞાનમાર્ગી, ભક્તિમાર્ગી વિચારધારાની અસરકારક અભિવ્યક્તિ ભારતીય કથનકળાશક્તિનું પણ સુંદર ઉદાહરણ છે. કબીર ભલે ઉત્તર ભારતીય વિસ્તારમાં ક્રિયાશીલ રહ્યા પરંતુ એનો પ્રભાવ પશ્ર્ચિમ ભારતીય પરંપરામાં પણ ઓછો નથી. કબીરનાં ગુજરાતી ભજનો પણ વિપુલ માત્રામાં મળે છે. કબીર સાધનાધારાના પ્રભાવથી ગુજરાતમાં બે પરંપરા ઉદ્ભવી. રામકબીર અને સતકબીર. રામકબીર પરંપરા દક્ષ્ાિણ ગુજરાતમાં વિશેષ્ા રૂપે પ્રસરી. જયારે સતકબીર પરંપરા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વિશેષ્ા રૂપે ફેલાઈ.
સતકબીરધારાનું આદ્યનાદબુંદ ભાણસાહેબ. કબીર શિષ્યપરંપરાના ષ્ાટ્પ્રજ્ઞદાસ. અહીં ઝાલાવાડમાં દૂધરેજની જગ્યા સ્થાપીને છઠ્ઠા આંબા નામછાપથી તળપદા વાતાવરણમાં ખ્યાતિ પામ્યા. એમના શિષ્ય તે ભાણદાસ. મૂળ ચરોતરનું કનખીલોડ ગામ઼ લોહાણા જ્ઞાતિમાં તેમનો જન્મ થયેલો. ગૃહસ્થાશ્રમ ધર્મમાં તેમને ખીમદાસ નામે પુત્ર થયેલો. એમને બુંદશિષ્ય તરીકે પણ પાછળથી સંપ્રદાયમાં સ્થિર કરેલા. ભાણદાસને શિષ્યત્વ સાથે કબીરપરંપરાની સાહેબ સંજ્ઞા પણ પ્રાપ્ત થઈ. પછી સંત કબીર પરંપરામાં એ સંજ્ઞા વધુ પ્રચલિત પણ થઈ. ભાણસાહેબથી વડોદરાના મુસ્લિમ સૂબા પણ પ્રભાવિત થયેલા. એમના પ્રભાવક નાદશિષ્ય તે રવિસાહેબ. રવિસાહેબે ગુરુ ભાણસાહેબ પાસેથી સંતકબીર પરંપરાની સાધનાધારા-સિદ્ધાંતધારા સમજી અને પછી ગુજરાતી ભજનવાણીમાં એને અવતારી. ભાણ અને રવિસાહેબના પ્રભાવથી સંતકબીરધારાને પછીથી રવિભાણસંપ્રદાય એવું નામાભિધાન પ્રાપ્ત થયું. ભાણસાહેબની સંતવાણી પણ સમજવા જેવી છે. મોટે ભાગે રૂપકાત્મક પદાવલિ દ્વારા તેઓ જનસમુદાયને-અનુયાયીઓને પ્રબોધે છે. તેમની ભજનરચનાઓ બહુ ઓછી છે, તેમાં ખૂબ જાણીતી એક રચના સમજીએ :
તમે કૂડ કાયાનાં કાઢો રે, (ટેક)
વીરા આવ્યો અષ્ાાઢો, વિખિયાનાં રૂઢ વાંઢો.
અવસર વારો તો કાંઈ નવ હારો, તમે કાલર ખેતર મત ખેડો રે,
પાર જોઈ જોઈ જાતર કિજે, તખે વિખિયા પળ મત વેડો રે. વીરા આવ્યો અષ્ાાઢો..૧
ખોટે મને જેણે ખેડયું રે કીધી, ખરે બપોરે નાસે રે,
આઘાં જઈને પાછાં ફરશે, એનાં કણ ક્વાયે જાશે રે. વીરા આવ્યો અષ્ાાઢો..ર
વિગત નવ જાણે ને બીજ લઈ વાવે, કાઢી કઢારો ચાવે રે,
ધાઈધૂતીને કાંઈક નર લાવે, એની આગમ ખાધુમાં જાશે રે. વીરા આવ્યો અષ્ાાઢો..૩
વાવ્યા તણો જે નર વિચાર જાણે, એ તો મૂઠ મેલે લઈ ટાણે રે,
ભાણ ભણે નર નીપજયા ભલા, એ તો મૂઠા ભરે લઈ માણે રે. વીરા આવ્યો અષ્ાાઢો..૪
કાયારૂપી ખેતર ખેડવાની વાત અહીં કહેવાઈ છે. અષ્ાાઢ મહિનો એટલે માત્ર વર્ષ્ાાૠતુનો આરંભ જ નહીં પણ ખરી ભક્તિનો સમય. ભાણસાહેબ કહે છે કે હવે અષ્ાાઢ મહિનો આવ્યો છે અને કાયામાંથી કૂડ-કપટ તથા વિષ્ાયરૂપી ઝાડ-ઝાંખરાં કાઢી નાખો. બધું સાફસૂફ કરો. ખેડીને તૈયાર કરો. ખોટા મનથી ખેતી-ભક્તિ કરશો તો તમે રોપેલા કણ ક્વા અર્થાત્ ખરાબ પવન – અવળી દિશાના પવનથી બધું ઊડી જશે. અષ્ાાઢ મહિનો આવ્યો છે – ખરું ભક્તિનું ટાણું આવ્યું છે. ભક્તિ કરો. ખંતથી ખેતી કરો. પાત્ર જોઈને ઉપદેશ આપવાની વાત પણ અહીં રૂપકાત્મક માધ્યમથી મૂકી છે. કઢારો અર્થાત્ આવક઼ આવક બધી વાપરવાની ન હોય. વિગત જાણ્યા વગર બીજની વાવણી પણ કરવાની ન હોય. કોઈને ધૂતીને કે છેતરીને પણ વધુ ન લેવાય. અહીં સાધનાધારામાં આચારશુદ્ધિની વાત ભાણસાહેબે ભારે કુનેહથી કરી છે. વાવણીની સાચી પદ્ધતિ જે જાણે એ મૂઠ્ઠી ધાનમાંથી મણ ધાન પ્રાપ્ત કરી શકે અને પછી મણના ભારથી મળેલા ધનને – મૂઠ્ઠા ભરીને છૂટથી વાપરીને આનંદ પામે છે.
ખેડ, ખેતર, વાવણી આવો રૂપકાત્મક વિનિયોગ તત્કાલીન સમયે વિશેષ્ારૂપે કૃષ્ાિકાર્યમાં વ્યસ્ત અનુયાયી વર્ગને સમજાય એ માટેનો ઉપક્રમ છે.
વીરા સંબોધન પણ ભારે સૂઝથી પ્રયોજયું છે. વીરા-ભાઈ કહીને ભાણસાહેબ બોધ-ઉપદેશ આપે છે એમાં એનો મહિમા વધે છે. એમાંથી વાત્સલ્યભાવ પ્રગટે છે.
આપણી રૂપકાત્મક ભજનવાણીમાં રવિભાણસંપ્રદાયની વાણીનું પ્રદાન ઘણું બધું છે. ભક્તિરૂપી ખેતી મનથી કરીને ઘણું બધું પ્રાપ્ત કરીને પાછું એને વહેંચવાની વાત અહીં નિહિત છે. તેન ત્યક્તેન ભૂજિથા અર્થાત્ ત્યાગીને ભોગવવાની વેદવાણી. કથિત ઉપદેશ અહીં ભારે સહજ અને સરળ રીતે ગોઠવાઈ ગયો છે.
રૂપકાત્મક અભિવ્યક્તિના માધ્યમે હકીક્તે ભાણસાહેબે પોતાને ગુરુજ્ઞાન મળ્યા પછી પોતીકી સાધનાધારાના સોપાનશ્રેણી ચઢતાં-ચઢતાં અવરોધક પરિબળ જણાયું એને દૂર કરવાનું વલણ દાખવ્યું. એ સાધના સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની યાત્રા હતી. પોતાના શિષ્યસાધકોને આખરે તો તેઓ આ રીતે હકીકતે તો દિશા નિર્દેશે છે. આવી રચના દ્વારા લોક્સંતોને પ્રાપ્ત સમજ, ઘડાયેલી સમજણ અને ચણાયેલી – અસ્તિત્વમાં આવેલી આવી સાધનાધારા કબીર પરંપરાના આગવા અનોખા રૂપે રવિ-ભાણ સંપ્રદાય તરીકે અસ્તિત્વમાં આવી. એટલે જ આ ડેવિએશન નથી પણ ડિવોશન છે.
રવિ-ભાણસંપ્રદાયની આરંભના ઉપદેશની આ ભજનવાણી પંથનો ભાવબોધ પણ પ્રગટાવે છે. માનવમાત્રને સાચા રસ્તે ચાલવાનું સૂચવીને એના માનવ વ્યક્તિત્વના ઉત્કર્ષ્ાની ઊંચાઈનું એક સોપાન જાણે કે આ ભજનરચના છે. કબીરના ગુજરાતમાં પ્રસરેલા બે પ્રવાહોમાંથી બીજા એક સંતકબીરથી અનુપ્રાણિત એવા અત્યંત તળપદા રવિ-ભાણ પંથના પ્રવાહમાં કબીરપરંપરા કેવી ઝિલાઈ એનું ઊજળું ઉદાહરણ ભાણસાહેબની ભજનવાણી છે.