ધર્મતેજ

યોગનું આઠમું અંગ સમાધિ સમ્ + આધિ = સમાધિ

યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા

આધિ, વ્યાધિ, ઉપાધિ એવા ત્રણેય શબ્દો આમ, તો મુશ્કેલી સૂચવતા શબ્દો છે. પરંતુ ત્રણેયમાં થોડો થોડો ફરક છે. બહારથી આવતી કે હાથે કરીને વહોરી લીધેલી મુશ્કેલીને ઉપાધિ કહેવાય છે. શરીર અને મનને બીમાર કરી મૂકે એને વ્યાધિ કહેવાય છે. જ્યારે આત્માને સતાવતી મુશ્કેલી કે પ્રશ્ર્નોને આધિ કહેવાય છે. આ આધિ અને આત્મિક શબ્દો પરથી જ આધ્યાત્મિક શબ્દ બન્યો છે. ઉપાધિને દૂર કરવા બુદ્ધિનો ઉપયોગ થાય છે. વ્યાધિને દૂર કરવા વૈદ કે ડૉક્ટરોની સહાય લેવાય છે, પરંતુ આત્માના પ્રશ્ર્નનું નિરાકરણ કરે તેને આધ્યાત્મિક પ્રક્રિયા કહેવાય. પતંજલિના યોગ તમને આધ્યાત્મિક વિકાસ પણ કરાવે છે. લંડનના એક ચર્ચમાં યોગ શીખવવામાં આવતો હતો અને જ્યાં સુધી શરીર અને મનના વિકાસની વાતો થતી હતી ત્યાં સુધી વાંધો નહોતો આવ્યો, પરંતુ જેવી આત્માને લગતી વાતો આવી ત્યારે એ લોકોએ યોગના વર્ગો બંધ કરાવ્યા, વિદેશી લોકો આત્મા પરમાત્માની થિયરીમાં આજે માનતા નથી, પરંતુ આજનું વિજ્ઞાન હવે તે માનતું થાય એ દિવસો દૂર નથી, કેટલાય આત્માને લગતા કે પુનર્જન્મને સાબિત કરતા કિસ્સા પર હવે પશ્ર્ચિમના દેશોમાં પણ સંશોધન થઇ રહ્યું છે.

ઉપાધિ દૂર થાય તો વ્યાધિ અને આધિ દૂર થાય એ જરૂરી નથી. પરંતુ આધિ દૂર થાય તો વ્યાધિ અને ઉપાધિ રહેતાં જ નથી. યમ-નિયમ જો યોગ્ય રીતે પળાય તો દરેક વ્યક્તિ ઉપાધિથી દૂર રહી આ સંસારમાં જ સ્વર્ગ રચી શકે તેમ છે. તદુપરાંત પ્રાણાયામ કે યોગાસન દ્વારા વ્યાધિને પણ દૂર રાખી શકે છે, પરંતુ પ્રશ્ર્ન જ્યારે આધિને દૂર કરવાનો આવે છે (એટલે કે આત્માને લગતાં પ્રશ્ર્ન જેવા કે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? બ્રહ્માંડ શું છે? પરમાત્મા શું છે? પરમાત્માને કેવી રીતે મેળવી શકાય? ત્યારે આસ્તિક મનુષ્ય પ્રત્યાહાર, ધારણા અને ધ્યાનનો સહારો લે છે અને ધ્યાનની ઉચ્ચતમ કક્ષાએ જ્યારે તમે પહોંચો છો ત્યારે સમાધિ લાગી જાય છે. સમાધિ એટલે સમ આધિ, તમારી આધિ (આત્મિક મુશ્કેલી)ને શેર કરવા એટલે કે આધિમાં ભાગ પડાવવા પરમાત્મા ખુદ પધારે છે અને તમારા આત્માને એમનામાં સમાવી દે છે.

સમાધિ મળતાંની સાથે જ તમને આત્મિક, શારીરિક, માનસિક, જૈવિક, દુન્યવી કે બ્રહ્માંડકીય દરેક બાબતનુું જ્ઞાન મળી જાય છે. સમાધિ ભાવ આવે એટલે તમે ખુદ પરમાત્મા બની જાવ છો. પછી તમારે કાંઇ જાણવાનું બાકી રહેતું નથી. નદીઓ સમુદ્રમાં ભળી જાય પછી નદીઓ રહેતી નથી, ખુદ સાગર બની જાય છે. આમ મનુષ્ય પરમાત્મામાં ભળી સ્વયં પરમાત્મા બની જાય છે. કેટલી બધી લોકશાહી છે વેદ ધર્મમાં? જેમ લોકશાહી દેશમાં કોઇ પણ વ્યક્તિ વડા પ્રધાન બની શકે એવી જ રીતે આપણા વૈદિક અદ્વેતવાદમાં જીવ શિવ થઇ શકે એવી થિયરી છે. દેશ ચલાવવાની પ્રક્રિયાઓમાં લોકશાહી જેમ શ્રેષ્ઠ છે તેમ સંસારમાં અદ્વૈતવાદ શ્રેષ્ઠ છે. તમારી સ્વતંત્રતા પર કોઇ તરાપ મારીને કહે કે તમે આમ પ્રજા બનીને જે રહો, તમે સત્તા હાંસલ ન કરી શકો કે પ્રધાન ન જ બની શકો તો તમને કેવું લાગે? આ જ રીતે તમને એમ કહેવામાં આવે કે ભગવાન એ ભગવાન છે, તમે ભગવાન ક્યારેય ન બની શકો તો તમારી ક્ષમતાને, બુદ્ધિને લાગણીને અને સ્વતંત્રતાને કેટલો કારમો ફટકો લાગે? યોગની પ્રક્રિયા લોકશાહી જેવી છે. તમને “ધ્યાન દ્વારા ઇશ્ર્વરનાં દર્શન જ નથી કરાવતી, બલ્કે સમાધિ દ્વારા સ્વયં ઇશ્ર્વર બની જવાની પ્રેરણા આપે છે. કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર આવી પ્રક્રિયાથી પરમપદને પામ્યા અને તમે પણ એ જ રસ્તે આગળ વધી પરમપદ પામી શકો છો. આપણને કોઇ જોડે મતભેદ કે ઝઘડો હોય અને તેનું નિરાકરણ થાય ત્યારે સમાધાન થયું એમ કહેવાય. એજ રીતે આત્મા અને પરમાત્મા વચ્ચેના ભેદને દૂર કરીએ તેને સમ+આધાન એટલે કે સમાધાન કહેવાય, જે પ્રક્રિયા સમાધાન કરાવે તે સમાધિ કહેવાય. આ લોકશાહી દેશ છે. નાસ્તિક રહેવામાં વાંધો નથી, પરંતુ આસ્તિક રહેવામાં નાસ્તિકને મળતા બધા જ લાભ મળતા હોય અને વધારામાં ઇશ્ર્વર મળી શક્તા હોય તો આજના પ્રોફેશનલ યુગમાં આ ખોટનો ધંધો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button