ધર્મતેજ

શ્રીકૃષ્ણની મધુરતમ મધુરતા

મનન -હેમંત વાળા

આ વિશે તો ઘણું કહેવાઈ ગયું છે. શ્રીકૃષ્ણ મધુરતાના અધિપતિ છે, સ્વામી છે તેથી તેમની દરેક વાતો મધુર હોય તે સ્વાભાવિક છે. શ્રીકૃષ્ણ મધુરતાના સર્જક છે તેથી મધુરતા સાથેનું તેમનું સાંનિધ્ય સહજતામાં સ્થાપિત થઈ જાય. શ્રીકૃષ્ણ મધુરતાના નિયંતા છે તેથી મધુરતાની ભૂમિકા તેમને આધારે જ નિર્ધારિત થાય છે. શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં પ્રકૃતિના પ્રત્યેક ગુણધર્મની જેમ મધુરતા પણ કાર્યરત થતી હોવાથી તેના અસ્તિત્વમાં – તેના ગુણધર્મમાં શ્રીકૃષ્ણની છબી પ્રતિબિંબિત થતી રહે તે સમજવું સહેલું છે. શ્રીકૃષ્ણ સર્જક છે અને મધુરતા તેમનું સર્જન, તેથી બંને વચ્ચેનું ગાઢ સમન્વય સ્થાપિત થયેલો રહે છે. શ્રીકૃષ્ણ કર્તા છે અને મધુરતા તેમનું કાર્ય છે, તેથી બંને વચ્ચેનું સ્વાભાવિક સમીકરણ સૃષ્ટિમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે.

શ્રીકૃષ્ણ સ્વયં મધુર છે, મધુરતમ્ છે, અતિ મધુર છે, પરમ મધુર છે. શ્રીકૃષ્ણ મધુરતાની શ્રેષ્ઠતા છે, મધુરતાનો પર્યાય છે, મધુરતાનું આદર્શ ભૌતિક સ્વરૂપ છે. મધુરતાને લગતી એવી એક પણ બાબત નથી કે જે શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી ન હોય. સાથે સાથે શ્રીકૃષ્ણની પણ એવી એક પણ બાબત નથી કે જે મધુરતાની અનુભૂતિ ન કરાવે.

શ્રીકૃષ્ણની મધુરતા તો મધુર છે જ, સાથે તેમનો ક્રોધ પણ મધુર હોય. શ્રીકૃષ્ણનો પ્રેમ તો મધુર હોય જ, સાથે તેમનો વિરોધ પણ મધુર હોય. શ્રીકૃષ્ણની અનુકંપા મધુર હોય અને સાથે તેમની રુક્ષતા પણ મધુર હોય. ઊંડાણમાં જોતા જણાશે કે, રાધા અને કંસ, એ બંને સાથે શ્રીકૃષ્ણનો વ્યવહાર મધુર રહ્યો છે. રાધા પ્રત્યે વ્યક્ત થયેલી મધુરતા પ્રેમની ઉત્કૃષ્ટતા છે તો કંસ પ્રત્યે વ્યક્ત થયેલી મધુરતા કંસને મુક્તિના માર્ગ તરફ લઈ જવાની કરુણા સમાન છે. શ્રીકૃષ્ણનું વરદાન તો મધુર હોય જ, સાથે તેમનો શ્રાપ પણ મધુર હોય.

સુદામા સાથેની શ્રીકૃષ્ણની મિત્રતા મધુર છે, તો શિશુપાલ સાથે તેમની શત્રુતા પણ મધુર છે. ગાયો સાથેનો તેમનો સંબંધ મધુર છે તો અસુરોને મુક્તિ આપી તેમના તરફ દાખવેલી કરુણા પણ મધુર છે. પાલક માતા યશોદા પ્રત્યે દાખવેલી તેમની નટખટતા મધુર છે તો જન્મદાતા દેવકી પ્રત્યેની તેમની કૃતનિશ્ચયીતા પણ મધુર છે. તેમની માખણ ચોરી પણ મધુર છે અને તેમની વાંસળીમાંથી વહેતું સંગીત પણ મધુર છે. રણ છોડીને પલાયન થવાની તેમની ચેષ્ટા સાથે પણ મધુરતા સંકળાયેલી છે, જેમ જાંબવંત સામે તેમની જીત મધુર છે. શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો સૃષ્ટિનો એવો એક પણ ભાવ નથી જેમાં મધુરતાની અનુભૂતિ ન થાય. શ્રીકૃષ્ણના જીવનની એવી એક પણ બાબત નથી કે જેમાં મધુરતાની પ્રતીતિ ન થાય. શ્રીકૃષ્ણનું એવું એક પણ કાર્ય નથી કે જેનું પરિણામ મધુર ન હોય. શ્રીકૃષ્ણની એવી એક પણ શીખ નથી કે જે સૃષ્ટિની મધુરતા તરફ નિર્દેશ ન કરતી હોય.

હથિયાર ધારણ કરેલ શ્રીકૃષ્ણ પણ મધુર જણાય અને જ્યારે તેઓ અર્જુનના રથની લગામ ધારણ કરે ત્યારે પણ એટલા જ મધુર જણાય. રાસ રમતા શ્રીકૃષ્ણ તો મધુર જણાય જ પણ દુર્યોધનનો વધ કરવા ભીમને ચોક્કસ પ્રકારની પ્રેરણા આપનાર શ્રી કૃષ્ણ તેટલા જ મધુર વર્તાય. તેની મનોભૂમિકા પ્રમાણે, અર્જુનને ગીતાનું જ્ઞાન આપતા શ્રીકૃષ્ણ જેટલા મધુર ગણાય તેટલા જ મધુર તેઓ જ્યારે ઉદ્ધવને જ્ઞાન આપે ત્યારે પણ જણાય. ચતુર્ભુજ, શંખ-ચક્ર-ગદા-પદ્મધારી શ્રીકૃષ્ણ અને વિરાટ વિશ્ર્વરૂપ દર્શન વાળા શ્રીકૃષ્ણ, સમાન રીતે મધુર ભાસે.

સ્વાભાવિક છે, જેમના અસ્તિત્વમાં મધુરતા સંપૂર્ણતામાં સમાઈ ગઈ હોય, જેમના પ્રત્યેક લટકામાં મધુરતા સંપૂર્ણતામાં પ્રતિબિંબિત થતી હોય, જેમનું પ્રત્યેક કાર્ય સૃષ્ટિની મધુરતાને જાળવી રાખવા માટે હોય, જેમની પ્રત્યેક ક્ષણ સૃષ્ટિની મધુરતા માટે કટિબદ્ધ હોય, જેમની પ્રત્યેક લીલામાં મધુરતા સંપૂર્ણતાથી સંમિલિત હોય, જેમના પ્રત્યેક સંબંધોમાં – સમીકરણમાં મધુરતા ગૂંથાયેલી હોય, તેવા શ્રીકૃષ્ણના સ્મરણ ચિંતન મનન સાથે મધુરતા સમાઈ જાય તે સ્વાભાવિક છે. પરિસ્થિતિ તો એવી કંઈક છે કે શાસ્ત્રમાં શ્રીકૃષ્ણ શબ્દના સ્થાને મધુરતા લખાઈ જાય તો પણ તે શાસ્ત્રના ગુઢ અર્થમાં કોઈ બદલાવ ન આવે. શ્રીકૃષ્ણના કીર્તનમાં મધુરતા વ્યક્ત થતી હોય છે. શ્રી કૃષ્ણની ભક્તિ મધુરતા આધારિત હોય છે. શ્રીકૃષ્ણનું જ્ઞાન મધુરતાના પૂંજ સમાન જણાય છે. યોગના એક આયામ તરીકે શ્રીકૃષ્ણ પ્રત્યેની નિષ્ઠા મધુર પરિસ્થિતિની ખાતરી આપે છે. નિષ્કામ કર્મના ભાવથી નીકળતા પરિણામની મધુરતા માટે શ્રીકૃષ્ણ કૃતનિશ્ચયી છે. રુચિ પ્રમાણે વ્યક્તિ જે માર્ગને અનુસરે, અંતે તો શ્રીકૃષ્ણની કૃપાથી, બધું જ મધુરતામાં પરિણામે. કૃષ્ણ એટલે મધુરતા અને મધુરતા એટલે કૃષ્ણ.

શ્રીકૃષ્ણ થકી મધુરતા જાણે સાકારતાને પામે છે. શ્રીકૃષ્ણ મધુરતાની જાણે વાસ્તવિક સ્થિતિ છે, મધુરતાનું સ્વાભાવિક આલેખન છે. શ્રીકૃષ્ણના દર્શનમાં મધુરતાની જ પ્રતીતિ થતી હોય છે. શ્રીકૃષ્ણના સાંનિધ્યમાં મધુરતાની જ અનુભૂતિ થતી હોય છે. શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં જ મધુરતા અસ્તિત્વમાં આવે છે, અને સૃષ્ટિમાં કાર્યરત રહે છે. શ્રીકૃષ્ણ સિવાય મધુરતામાં અધૂરાશ રહી જાય. એમ પણ કહી શકાય કે, શ્રીકૃષ્ણ ન હોય તો મધુરતા જ અસ્તિત્વમાં ન આવે.

મધુરતા એટલે નિર્દોષ, સંપૂર્ણ, સહજ, રમ્ય, નિષ્કલંક, મનભાવન, મનોહર, પવિત્ર, સાત્વિક સુંદરતા. મધુરતા નિર્દોષ છે કારણ કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે. મધુરતા પવિત્ર છે કારણ કે શ્રીકૃષ્ણ પવિત્ર છે. શ્રીકૃષ્ણની સહજ ચેષ્ટા મધુરતામાં પ્રતિબિંબિત થાય તે પણ સ્વાભાવિક છે. શ્રીકૃષ્ણ મનોહર, મનભાવન, નયનરમ્ય વાસ્તવિકતા હોવાથી મધુરતા પણ મનને – અંતરાત્માને આનંદ પહોંચાડવા સમર્થ હોય. મધુરતા સુંદર છે કારણ કે શ્રીકૃષ્ણ સુંદર છે. જેનું સર્વસ્વ મધુર છે અને જે મધુરતાના અધિપતિ શ્રીકૃષ્ણ છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…