ધર્મતેજ

“અલૌકિક દર્શન શત્રુઘ્નની વેદના

જીવનનું અમૃત -ભાણદેવ

ધ્યરાત્રિનો સમય છે. ઘનઘોર અંધારી રાત છે. અયોધ્યાનગરીમાં સૌ નિદ્રાધીન થયા છે. અયોધ્યાના રાજમહેલમાં વિષાદઘેરી સૂમસામ શાંતિ પથરાઈ ચૂકી છે. તે સમયે… હા, તે સમયે… તે અંધારી રાત્રિએ એક પુરુષ જાગે છે. રાજમહેલના મધ્યસ્થ ખંડમાં સુવર્ણના સ્તંભના ટેકે તે પુરુષ ઊભો છે. આંખમાં દડદડ આંસુ વહે છે. ક્વચિત્ હીબકાં ઊઠે છે. અંધારી રાતે અયોધ્યાના રાજમહેલમાં આ આંસુ અને આ હીબકાં! હા, આંસુ અને હીબકાં!

હવે આંસુ અને હીબકાંની સાથે વાણી પણ ફૂટે છે: ત્રણેય મોટા બંધુઓએ વનવાસ સ્વીકાર્યો અને મારે આ રાજમહેલમાં રહેવું શા માટે?

ત્રણેય મોટા બંધુઓએ મસ્તક પર જટા ધારણ કરી અને મારે મસ્તક પર આ સુવર્ણ મુગટ ધારણ કરવો પડે! શા માટે?

ત્રણેય વડીલ બંધુઓ ધરતી પર શયન કરે છે. અરે! તેમાંના એક તો ધરતી પર ખાડો કરીને ખાડામાં શયન કરે છે અને મારે આ સુવર્ણના પલંગ પર શયન કરવું પડે? શા માટે?

ત્રણેય ભાઈઓ વનમાં કંદ, ફળ, મૂળ આદિનું ભોજન કરે છે અને મારે આ સુવર્ણ થાળમાં છપ્પનભોગ આરોગવા પડે! શા માટે? શા માટે? શા માટે? શા માટે? મારો શો વાંક છે? મારો શું અપરાધ છે? આ રાજમહેલનું જીવન મને જેલવાસ જેવું આકરું લાગે છે.

આ ચીનાંશુકનાં વસ્ત્રો મને કાંટાની જેમ વાગે છે. આ સુવર્ણમુગટ મને મેરુપર્વત જેટલો વજનદાર લાગે છે.

આ સુવર્ણ પલંગ પર શયન કરતી વખતે મને નિદ્રા નહીં, અનિદ્રા જ મળે છે. આ સુવર્ણની થાળમાં પીરસેલાં છપ્પનભોગના કોળિયા મારે ગળે ઊતરતાં નથી. મને આ સજા શા માટે? મારો શું વાંક છે.? વાંક તો એટલો જ ને કે હું ઉંમરમાં સૌથી નાનો છું. ઉંમરમાં નાના હોવું, તે શું અપરાધ છે?

મેં તો સાંભળ્યું હતું કે લઘુબંધુને તો સૌના લાડ મળે અને આજ સુધી મને લાડ જ મળ્યા છે. હવે કેમ સજા મળે છે? ક્યાં ગયા તે લાડ? અને શા માટે આ સજા? મેં તો સાંભળ્યું હતું અને અનુભવ્યું પણ હતું કે રામના રાજ્યમાં સૌની ફરિયાદ સંભળાય છે. મારી ફરિયાદ કેમ સંભળાતી નથી? મેં તો સાંભળ્યું હતું અને અનુભવ્યું હતું કે રામના રાજ્યમાં સૌને ન્યાય મળે છે! મને કેમ ન્યાય મળતો નથી? છે કોઈ મારી ફરિયાદ સાંભળનાર? છે કોઈ મારા દુ:ખને, મારી વેદનાને સમજનાર? છે કોઈ મને ન્યાય આપનાર?

શબરીજી અને મંથરા
શબરીજીને રામનું સાંનિધ્ય મળ્યું. માત્ર બે ઘડીનું સાંનિધ્ય, પણ કેવું સાંનિધ્ય! શબરીજી તરી ગયાં. શબરીજી મતંગઋષિના શિષ્ય હતાં. પોતાના ગુરુદેવની શબરીજીએ ખૂબ સેવા કરી હતી. શબરીજીની સેવાથી અને તેમની તપ:પૂત સાત્ત્વિક જીવનપદ્ધતિથી ખૂબ પ્રસન્ન હતા. ગુરુદેવનો જવાનો સમય થયો. દેહત્યાગ કરતી વખતે ગુરુદેવે પોતાની શિષ્યા શબરીજીને કહ્યું હતું:
” બેટા શબરી ! મારી તો હવે જવાની વેળા આવી છે, પણ તું અહીં જ રહેજે. અહીં આ સ્થાને ભગવાન શ્રીરામ પોતાના અનુજ સહિત પધારશે. શબરી! તું તેમનો પ્રેમસહિત સત્કાર કરજે. તેમના દર્શનથી તું અક્ષયલોકને પામીશ. મને તો સદેહે તેમના દર્શન નહીં થાય, કારણ કે મારી તો અવધિ પૂરી થઈ ગઈ છે, પરંતુ બેટા! તું અહીં જ રહેજે. તને અનુજસહિત ભગવાન શ્રીરામના અહીં દર્શન થશે અને તું ધન્ય થઈશ. આટલા અંતિમ વચનમાં ગુરુદેવે શબરીજીને અંતિમ સંદેશ આપ્યો:
“તારા આ પવિત્ર આશ્રમ પર ભગવાન શ્રીરામ પધારશે અને પોતાના અનુજ શ્રીલક્ષ્મણજી સહિત તારા અતિથિ બનશે. તું તેમનો યથાવિધિ સત્કાર કરજે. તેમના દર્શન પામીને તું શ્રેષ્ઠ અક્ષયલોકને પામીશ.

વર્ષો સુધી શબરીજીએ શ્રીરામના આગમનની તીવ્ર આતુરતાપૂર્વક વાટ જોઈ. ગુરુવચનમાં શબરીજીની શ્રદ્ધા અડગ રહી. ક્યારેક ને ક્યારેક મારા નાથ અહીં જરૂર પધારશે. શબરીજી રોજ રસ્તો વાળીને સાફ કરે છે. ભગવાન જે રસ્તા પરથી પધારશે, તે રસ્તા પર કોઈ કાંટા-કાંકરા ન રહે, તેની કાળજી રાખે છે. શબરીજી રોજરોજ ફળફૂલ વીણીને, કંદમૂળ કાઢીને તૈયાર રાખે છે. દિવસો, મહિનાઓ અને વરસો વીતી ગયા, પણ શબરીજીની શ્રદ્ધા અને તેમનો નિત્યક્રમ અખંડ રહ્યો. આખરે શબરીજીની શ્રદ્ધા ફળી. અનુજ સહિત ભગવાન શ્રીરામ શબરીજીના આશ્રમે પધાર્યા. ભગવાનને આવતા જોઈને શબરીજી તો ઘેલાં-ઘેલાં થઈ ગયા. અરે! ભાન ભૂલી ગયાં.

प्रेम मगन मुख बचन न आवा।
पुनि पुनि पद सरोज सिर नावा॥
सादर जल लै चरन पखारे।
पुनि सुंदर आसन बैठारे॥
कंद मूल फल सुरस अति दिए राम कहँ आनि।
प्रेमसहित प्रभु खाए बारंबार बखानि॥
रा.च.मा.; अ. का. ः33-34

શબરીજી પ્રગાઢ ભક્તિપૂર્વક ભગવાનને ફળ અને કંદમૂળ પોતાના હાથથી ખવડાવે છે અને ભગવાન પણ ભક્તાધીન બનીને પ્રેમપૂર્વક શબરીના હાથથી ફળ (એઠાં બોર!) આરોગે છે.
શબરીજીની નમ્રતા તો જુઓ-

अधम ते अधम अधम अति नारी।
तिन्ह महँ मैं मतिमंद अधारी॥

પણ પછી ભગવાનની મોટાઈ તો જુઓ-
कह रघुपति सुनु भामिनि बाता।
मानऊँ एक भगति कर नाता॥

…પછી તો ભગવાન શ્રીરામ શબરીજીને ભક્તિનું તત્ત્વ અને નવધા ભક્તિનું સ્વરૂપ સમજાવે છે.

શબરીજીને માત્ર બે ઘડીનું સાંનિધ્ય! પણ કેવું સાંનિધ્ય! આ બે ઘડીના સાંનિધ્યથી શબરીજી તરી ગયાં, અરે! શબરીજી ધન્ય ધન્ય થઈ ગયાં!
ભગવાન અને લક્ષ્મણજી તે સ્થાને વધુ વખત રોકાઈ શકે તેમ ન હતાં.

શબરીજી તો રામદર્શનની અભિલાષાથી શરીરને ધારણ કરી રહ્યા હતા. પોતાની આ અભિલાષા પરિપૂર્ણ થઈ. રામ-લક્ષ્મણ હવે સીતાજીને શોધ માટે આગળ વધવા તત્પર થયા છે. હવે શબરીજીનું જીવનકૃત્ય પરિપૂર્ણ થયું છે. હવે શબરીજીને જીવન ધારણ કરી રાખવાની કોઈ અભિલાષા રહી નથી. ભગવાન શ્રીરામની આજ્ઞા મેળવી, તેમની સાંનિધ્યમાં મહામતિ શબરીજીએ દેહનો ત્યાગ કર્યો અને તેઓ યોગીઓ જે પદને પામવા કઠોર સાધના કરે છે, તે પરમપદને પામ્યા.

“શબરીજીએ પોતાની ચેતનાને સમાધિ અવસ્થામાં મૂકીને તે પુણ્યધામની યાત્રા કરી, જ્યાં પુણ્યાત્મા મહર્ષિજનો વિહાર કરતા હોય છે. જતાં-જતાં શબરીજીએ રામસેવાનું એક પુણ્યકાર્ય પણ કર્યું. શબરીજીએ ભગવાનને સુગ્રીવજીનું નિવાસસ્થાન બતાવ્યું અને ત્યાં જઈને સુગ્રીવજી સાથે મૈત્રી કરવાનું સૂચન પણ કર્યું. સાંનિધ્યનું આ એક સ્વરૂપ છે. શબરીજી પામ્યા તેવું સાંનિધ્ય ! સાંનિધ્યનું બીજું પણ એક સ્વરૂપ છે. મંથરા પામી તેવું સાંનિધ્ય! શબરીજીને તો માત્ર બે ઘડીનું સાંનિધ્ય અને મંથરાને જીવનભરનું સાંનિધ્ય! જીવનભરના ભગવદ્-સાંનિધ્ય છતાં મંથરા તો મંથરા જ રહી. મંથરા કૈકેયીની દાસી હતી અને આ સંબંધે તે સમગ્ર રાજપરિવારની દાસી હતી. નાની વયે ભગવાન શ્રીરામ અધિક સમય કૈકેયીના મહેલમાં જ ગાળતા. શ્રીરામે આદિ ચારે ભાઈઓના જન્મ પહેલાંથી જ મંથરા તો રાજમહેલમાં જ હતી. મંથરાએ ભગવાનને નવડાવ્યા હશે, રમાડ્યા હશે, જમાડ્યા હશે, તેમના વસ્ત્રો ધોયા હશે અને તેમની લગભગ સર્વ પ્રકારની સેવા કરી હશે, ભગવાન શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજી સાથે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા ત્યારપછી પણ મંથરા તો રાજમહેલમાં જ હતી. તેને કોઈએ કાઢી મૂકી નહીં. આમ લગભગ જીવનભર મંથરાને ભગવાનનું ઘનિષ્ઠ સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. આટલું દીર્ઘ અને ઘનિષ્ઠ ભગવત્- સાંનિધ્ય બહુ ઓછા લાકોને પ્રાપ્ત થાય છે. આવું અને આટલું સાંનિધ્ય છતાં મંથરા મંદમતિ જ રહી. મંથરાની ઉશ્કેરણીથી પ્રેરાઈને કૈકેયીએ રામને ચૌદ વર્ષ વનવાસ થાય, તેવું વરદાન માગ્યું હતું. આ મંદમતિ મંથરા માત્ર ભગવાનના માર્ગ પર જ નહીં, પરંતુ સમગ્ર રાજપરિવાર માટે કંકટરૂપિણી બની. જુઓ ! આ પણ એક સાંનિધ્ય છે. મંથરા શું પામી? શત્રુઘ્નજીના હાથનો માર પામી ! આ પાપિણીને ઘસડી ખેંચતા-ખેંચતા શત્રુઘ્નજી કહે છે:
“આ પાપિણીએ મારા ભાઈઓ અને પિતાને દુ:સહ દુ:ખ આપ્યું છે. પોતાના આ ક્રૂર કર્મનું ફળ ભલે તે ભોગવે.

આખરે ભરતજીના આદેશથી શત્રુઘ્ન મંથરાને છોડી દે છે અને છતાં ભગવાન શ્રીરામની રાજપરિવારની મહાનતા તો જુઓ! ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી અયોધ્યા પાછા આવ્યા ત્યારે અને પછી પણ મંથરા તો રાજમહેલમાં જ રહી. તેનો કોઈએ સર્વથા ત્યાગ કર્યો નહીં! સાંનિધ્ય! હા, જીવન અને જીવનઘડતરમાં સાંનિધ્યનો ઘણો મહિમા છે. સાંનિધ્ય આપણા જીવનને, આપણી જીવનશૈલીને, આપણા વિચારોને અને આપણા વ્યવહારને પ્રભાવિત કરે જ છે. સંગ તેવો રંગ- આ કહેવતમાં સાંનિધ્યના મહિમાનું જ કથન છે.

સજ્જનનું સાંનિધ્ય, સંતનું સાંનિધ્ય, ગુરુનું સાંનિધ્ય, તીર્થનું સાંનિધ્ય અને ક્વચિત્ ભગવત્-સાંનિધ્ય – આ બધા સાંનિધ્યના વિધાયક સ્વરૂપો છે. તેથી ઊલટું દુર્જનનું સાંનિધ્ય; દારૂડિયા, જુગારી, વ્યભિચારી આદિનું સાંનિધ્ય; પાપભૂમિન સાંનિધ્ય અને હીન કોટિના સ્ત્રી કે પુરુષનો સંગ- આ બધા સાંનિધ્યના નિષેધક સ્વરૂપો છે.

મહાન સંતાન સાંનિધ્યમાં જીવનભર રહેવા છતાં માનવીનું જરા પણ રૂપાંતર ન થાય એવા દૃષ્ટાંતો પણ છે જ. જેમ સંગ તેવો રંગ- આ કહેવત છે, તેમ તેની વિરુદ્ધની એક કહેવત પણ છે જ- અડસઠ તીર્થની યાત્રા કરી તોયે તુંબડી કડવી જ ! સાધુ અડસઠ તીર્થની યાત્રા કરવા નીકળે અને ત્યારે જળપાત્ર તરીકે સાથે તુંબડી રાખે. તુંબડી વસ્તુત: એક ફળમાંથી બને છે અને તેનો સ્વાદ કડવો હોય છે. અડસઠ તીર્થની યાત્રા દરમિયાન સાધુની સાથે હોવાથી તુંબડી પણ અડસઠ તીર્થની યાત્રા કરે છે. યાત્રા કરીને આવ્યા પછી પણ તુંબડી પણ કડવી જ રહે છે. તુંબડીનો અર્થ તુંબડી જેવા માણસ, એમ સમજવું જોઈએ. સંતના સાંનિધ્યથી દુર્જન માનવી પણ સંત જેવો અર્થાત્ સંત બની જાય, તેવા દૃષ્ટાંતો આપણી પાસે છે. દા.ત. વાલ્મીકિ, જગાઈ-મધાઈ વગેરે. સંતના સાંનિધ્યથી અરે, ભગવત્-સાંનિધ્યથી પણ માનવીમાં સાચું રૂપાંતર ન આવે તેવા દૃષ્ટાંતો પણ છે જ. શબરીજીને ભગવાનનું બે ઘડીનું સાંનિધ્ય મળ્યું. શબરીજી તરી ગયા. મંથરાને જીવનભરનું સાંનિધ્ય, તોયે મંથરા તરી તો નહીં, પણ કંટકરૂપિણી બની!

હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન એ છે કે સંતનું કે ભગવાનનું સાંનિધ્ય ક્યારે ફળે છે? ક્યા એવા પરિબળો છે, જે સાંનિધ્યને ફળદાયી બનાવે છે?

સાંનિધ્ય ફળદાયી બને તે માટે આ ચાર પરિબળો આવશ્યક છે.

૧. મહિમાનું જ્ઞાન: જે સંત, સિદ્ધ કે યોગીપુરુષના સાંનિધ્યમાં રહીને તેમના મહિમાનું જ્ઞાન હોય તે આવશ્યક છે. તેમના મહિમાને સમજ્યા વિના સાંનિધ્ય ફળે નહીં. આ મહિમાના જ્ઞાન વિના તો એક ડગલું પણ આગળ વધી શકાય નહીં. સંતનો મહિમા સમજીએ તેટલું પૂરતું નથી. સાંનિધ્યનો મહિમા પણ હૃદયમાં વસવો જોઈએ.

૨. શ્રદ્ધા: જેમના સાંનિધ્યમાં રહીએ, તેમનામાં ઊંડી શ્રદ્ધા હોય તે આવશ્યક છે. શ્રદ્ધા વિના સાંનિધ્ય ફળે નહીં. મહિમાના જ્ઞાન પછી શ્રદ્ધાનું સોપાન આવે છે. શ્રદ્ધાથી હૃદયના દ્વાર ખૂલે છે. અને સંકાથી આ દ્વાર બંધ થઈ જાય છે. શંકા દ્વારા જો હૃદયના દ્વાર બંધ થઈ જાય તો સાંનિધ્યનો પ્રભાવ હૃદય સુધી પહોંચી શકે નહીં.

૩. ભક્તિ: ભક્તિ એટલે હૃદયની નિષ્કામ પ્રીતિ. ભક્તિ દ્વારા સેવ્ય અને સેવક વચ્ચે હૃદયનો સેતુ પ્રસ્થાપિત થાય છે. આ સેતુ દ્વારા સાંનિધ્યનો પ્રભાવ કાર્યરત બને છે. ભક્તિ વિનાનું સાંનિધ્ય માત્ર બહરિંગ સાંનિધ્ય બની રેહ છે. ભક્તિ વિનાનું સાંનિધ્ય આત્મા વિનાના દેહ જેવું છે. મહિમાના જ્ઞાન અને શ્રદ્ધા પછી ભક્તિનું સોપાન પ્રગટે છે.

૪. સેવા: સેવાથી પ્રીતી વધે છે, અને ફળીભૂત થાય છે. ભક્તિ અને સેવા અન્યોન્ય અપકારક બને છે. સેવ્ય પુરુષની કઠોરતાના કવચને ભેદવા માટે સેવા જેવું કોઈ સાધન નથી. જુઓ!
શબરીજીના આ ચારે તત્ત્વો છે. શબરીજીને ભગવાન શ્રીરામના મહિમાનું જ્ઞાન છે. શબરીજીને શ્રીરામ પર શ્રદ્ધા છે અને અપરંપાર ભક્તિ પણ છે. શબરીજીએ ભલે સાવ થોડા સમય માટે પણ ભગવાનની સેવા કરી છે. આમ સાંનિધ્ય માટે આવશ્યક બધા જ તત્ત્વો હોવાથી શબરીજીને ભગવાન શ્રીરામનું સાંનિધ્ય ફળદાયી બની શક્યું. મંથરાને પણ ભગવાન શ્રીરામનું સાંનિધ્ય મળ્યું છે, પરંતુ તેનામાં આ ચારમાંથી એક પણ પરિબળ નથી. મંથરાને ભગવાન શ્રીરામના મહિમાનું જ્ઞાન તેનામાં શ્રદ્ધા અને ભક્તિ પણ નથી. મંથરાએ દાસી હોવાથી રાજપરિવારની નોકરી કરી છે, પણ તે તો નોકરી કહેવાય, સેવા નહીં. સેવા અને નોકરી વચ્ચે ઘણી ભિન્નતા છે.

જુઓ! બે ઘડીના સાંનિધ્યથી શબરીજી તરી ગયા, પણ જીવનભરનું સાંનિધ્ય મળ્યું હોવા છતાં મંથરા તરી નહીં !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત