ધર્મતેજ

ધર્મની સૂક્ષ્મતા

ચિંતન -હેમંત વાળા

વસ્તુ જેવી દેખાય છે તેવી ક્યારેક હોતી નથી. કોઈકના ગુસ્સામાં પ્રેમ પણ છુપાયેલો હોઈ શકે તો ક્યારેક મીઠી લાગણીની અભિવ્યક્તિ પાછળ સ્વાર્થી ગણતરી હોઈ શકે. દેખીતા અધર્મમાં પણ ધર્મ સૂક્ષ્મ સ્વરૂપે છુપાયેલો હોઈ શકે અને અધર્મ ધર્મનો આંચળો ઓઢીને ઊભું હોય તેમ પણ બને. સામાજિક વ્યવહારમાં દેખીતી રીતે જે અન્યાય જણાય તેની પાછળ, ન્યાયની ભાવના છુપાયેલી હોઈ શકે. સંસારમાં જે કોઈ ઘટના આકાર લેતી હોય તેની પાછળ ઈશ્ર્વરનો ન્યાય કે દૈવી સમીકરણ કાર્યરત હોય છે. ત્યાં સુધી નજર નથી પહોંચતી, અને જ્યારે પહોંચે છે ત્યારે તેની યથાર્થતા સમજાય છે. ધર્મ-અધર્મની વાત કરીએ તો જે સ્ત્રી પોતાનાં સાત સાત સંતાનોને જન્મની સાથે જ નદીમાં વહાવી મૃત્યુને હવાલે કરી દે તે સ્ત્રીને દેવીનો દરજ્જો તો ન જ મળે, છતાં મા ગંગા આપણી દેવી છે – તેઓ પૂજનીય છે – તેઓ પવિત્ર કરનાર છે. સત્યની જાણ થતા ધર્મ-અધર્મ માટેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય.

ગીતામાં કર્મની ગતિ ગહન છે એમ જણાવીને કર્મની સૂક્ષ્મતાની વાત કરાઈ છે. તેવી જ રીતે ધર્મની ગતિ પણ સૂક્ષ્મ છે. ધર્મ એ સામાન્ય સંજોગોમાં, સામાન્ય વ્યક્તિ દ્વારા યથાર્થ સ્વરૂપે ન સમજી શકાય તેવી હકીકત છે. ધર્મને પરિભાષિત કરવાની જરૂર છે. ધર્મ એટલે, સ્વાર્થ, અહંકાર, મોહ, માયા જેવાં આસુરી પરિબળોને બાજુમાં કરી, જે ઉચ્ચકક્ષાની નૈતિકતાને આધારે કરવું જરૂરી છે તે કાર્ય. ધર્મમાં ક્યાંય મેળવવાનો ભાવ ન હોય. ધર્મ એટલે હું અને મારું થી ઉપર ઊઠી સર્વના ભલા માટે કે કુદરતના સમીકરણ માટે કે ઈશ્ર્વરના ન્યાય સ્વરૂપે કે તટસ્થતાથી સાક્ષી ભાવે કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર કરાતું કાર્ય.

જરૂરી નથી કે ધર્મ સાથે સંપન્ન થઈ શકે એવું કાર્ય જોડાયેલું હોય. ધર્મ એ માનસિક પ્રક્રિયા પણ હોઈ શકે. કોઈની પણ વિશે અશુભ ન વિચારવું, મનમાં પાપ યુક્ત વિચાર ન આવવા, સપનામાં પણ અસત્ય ન બોલવું, મનને રાગ-દ્વેષના ભાવથી મુક્ત રાખવું – આ માનસિક ધર્મ છે. મનને હંમેશાં ઈશ્ર્વરપરાયણ રાખવું જોઈએ. મનની પ્રત્યેક પ્રેરણા વિવેક આધારિત હોવી જોઈએ. શાસ્ત્રો અને સત્સંગમાં શ્રદ્ધા હોવી જોઈએ. માનસિક ધર્મમાં આવી બાબતોનો પણ સમાવેશ થાય. મન જો ધાર્મિકતા સાથે જોડાયેલું હોય તો શારીરિક વ્યવહાર કે સામાજિક આચરણ પણ ધર્મયુક્ત રહે. સૂક્ષ્મ અસ્તિત્વમાં જો ધાર્મિકતા જળવાઈ રહે તો સ્થૂળ અસ્તિત્વ માટે આપમેળે પ્રગટ થાય.

ચોક્કસ માગણી સાથે કરવામાં આવતી ભક્તિ, જે તે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી સાધના, ફળની આશાથી કરાતું કર્મ કે જે તે પદાર્થની પ્રાપ્તિ માટે એકત્રિત કરાતું જ્ઞાન – આ ધર્મના કાર્ય નથી. ધર્મની મુખ્ય ભૂમિકામાં ફળની આશા વગર કરાતું કર્મ આવે – પછી તે માનસિક હોય કે શારીરિક.

એક પરિપ્રેક્ષ્યમાં જોતા જણાશે કે ધર્મ એટલે જન્મ અને સંજોગોને કારણે નિર્ધારિત થયેલું ઉત્તરદાયિત્વ. ટૂંકા દૃષ્ટિકોણ સાથે આવું ઉત્તરદાયિત્વ મા-બાપ સાથે વધારે જોડાયેલું હોય. પણ સામર્થ્યવાન વ્યક્તિ માટે આવું ઉત્તરદાયિત્વ સમગ્ર સમાજ અને માનવજાત ઉપરાંત બ્રહ્માંડના નિયમો સાથે વધુ જોડાયેલું હોય. એનું પાલન કરવું એ મહા-ધર્મ. એટલા માટે જ આદિ શંકરાચાર્ય દ્વારા માતાની સેવા કરતાં ધર્મની પુન:સ્થાપનાને વધુ મહત્ત્વ અપાયેલું. ભીષ્મ કે દ્રોણ આમ ન કરી શક્યા. તેમની દૃષ્ટિએ અધર્મનો સાથ આપવો એ તેમનો ધર્મ હતો. અહીં સમગ્રતા સામે વ્યક્તિગતતા મહત્ત્વની બની ગઈ. આ ધર્મથી વિપરીત બાબત છે.

મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે હતું. સામાન્ય સમજથી એમ જણાય છે કે, ધર્મની સ્થાપના માટે કરાયેલ આ અભૂતપૂર્વ યુદ્ધ જીતવા માટે અધર્મનો સહારો પણ લેવાયો હતો. ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે મહારથીઓને પરાસ્ત કરવા જેને ધર્મ ન કહી શકાય એવી ચેષ્ટાઓ કરાઈ હતી. સમજવાની વાત એ છે કે અધર્મના પક્ષે લડનાર વ્યક્તિ ક્યારેય ધર્મની દુહાઈ માગવા માટે હકદાર નથી.

ધાર્મિક વ્યક્તિઓનો આશય પણ ક્યારે અધાર્મિક હોઈ શકે, અને અધાર્મિક વ્યક્તિ પણ ધર્મ અનુસારનું આચરણ કરતા હોય છે. ધર્મને સૂક્ષ્મતાથી સમજ્યા પછી જ તે વિષય નિર્ણય લઈ શકાય. જો દુર્યોધન એમ કહેતો હોય કે ‘ધર્મ શું છે એની મને ખબર છે’, તો એ માની ન શકાય તેવી વાત છે. જે વ્યક્તિને સંપૂર્ણતામાં ધર્મની સમજ હોય એ ક્યારેય અધર્મનું આચરણ કરી જ ન શકે. દુર્યોધન પાસે માત્ર ધર્મ વિશેની માહિતી હશે – સમજ નહીં. ભીષ્મ તથા દ્રોણ જેવી વ્યક્તિઓએ સ્વયંના ધર્મને સમગ્રતાના ધર્મ કરતાં વધારે મહત્ત્વ આપ્યું – આ પણ અધર્મ છે.

કોઈને હાનિ પહોંચાડવી કે કોઈને મદદ ન કરવી એ અધાર્મિક કાર્ય ગણાય. હાથ પકડીને અંધ વ્યક્તિને રસ્તો ઓળંગવા માટે મદદ કરવી એ ધર્મ છે. પણ આનાથી તેનામાં ક્યાંક પરતંત્રતા વિકસે. અંધ વ્યક્તિ સ્વયં રસ્તો ઓળંગતા શીખે તેવી વ્યવસ્થા કરવી વધુ જરૂરી ગણાય. એક સમયે રસ્તો ઓળંગવામાં મદદ કરવી એ પણ ધર્મ છે અને તેનામાં સ્વતંત્રતા સાથે વિશ્ર્વાસ જાગે તેવા પ્રયત્ન કરવો તે પણ ધર્મ છે. આ બંને પ્રકારના ધર્મની ભૂમિકા અને પરિણામ ભિન્ન ભિન્ન રહેવાનાં.

અકસ્માત થયે શરીર પર ઘા પડે ત્યારે કેટલાક સંજોગોમાં તે ઘાના પ્રકારની સારવાર માટે તબીબ દ્વારા શરીર પર કેટલાક કાપ પણ મૂકવા પડે. સર્જરી માટે કરાયેલ આવા કાપ હકીકતમાં વધારાના ઘા સમાન જ ગણાય પણ સૂક્ષ્મતાથી જોતા સમજાશે કે આ એક સારવારની પદ્ધતિ છે. તબીબ દ્વારા કરાયેલ ઘા એ સારવારની શ્રેણીમાં આવે, અકસ્માતથી થયેલા ઘાની શ્રેણીમાં નહીં. તબીબ દ્વારા કરાયેલ કાપો એક પ્રકારનો સારવાર-ધર્મ છે. ધર્મનું અનુસરણ કરવા ન્યાયાધીશ દ્વારા કોઈને મૃત્યુ દંડ પણ દેવાય. વિદ્યાર્થીનો વિદ્યાર્થી-ધર્મ છે તો શિક્ષકનો શિક્ષક-ધર્મ. રાજાનો રાજ-ધર્મ હોય તો નાગરિકનો નાગરિક-ધર્મ. દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મ સંભાળવાના હોય છે.

ચાર પુરુષાર્થમાં ધર્મ સૌથી પહેલા આવે છે. સૂચિમાં છેલ્લો પુરુષાર્થ મોક્ષ છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ સમાય જાય છે. શરૂઆત ધર્મથી થાય. પહેલા ધર્મ પાળવાનો હોય. પ્રારંભમાં ધાર્મિકતા જળવાય તો તેની હકારાત્મક અસર ચોક્કસ જોવા મળે. મા-બાપની સેવા એ જન્મ સાથે જોડાયેલો ધર્મ છે. જો કોઈ વ્યક્તિ આ ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવે તો સ્વયં ઈશ્ર્વર પણ એક ઈંટ ઉપર ઊભા રહી જાય.

એમ કહેવાય છે કે કુટુંબના ભલા માટે વ્યક્તિનો ત્યાગ કરવો, ગામના ભલા માટે કુટુંબનો ત્યાગ કરવો અને દેશના ભલા માટે ગામનો ત્યાગ કરવો. ધર્મનું આ વ્યવહારુ સ્વરૂપ છે. ગીતામાં જ્યારે શ્રીકૃષ્ણ સ્વયં કહે કે “સ્વધર્મે નીધનમ્ શ્રેય ત્યારે તો સનાતન ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ જ ન હતો. તે વખતે તેઓ અર્જુનના ક્ષત્રિય ધર્મની વાત કરતા હતા. ક્ષત્રિય તરીકે અર્જુનનું એક ચોક્કસ ઉત્તરદાયિત્વ હતું – તે તેનો ધર્મ. આ ધર્મ, જન્મ ઉપરાંત, સમય અને સંજોગોને આધારે નિર્ધારિત થાય. આ પ્રકારનો ધર્મ સિદ્ધ કર્યા બાદ મોક્ષ માટેનો પુરુષાર્થ કેન્દ્રસ્થાને આવે. જોકે આ સમજ બધાને લાગુ ન પણ પડે.

ધર્મસંકટ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં નક્કી ન કરી શકાય કે શું કરવું. બે પ્રકારની જવાબદારી સામે આવીને ઊભી હોય અને બેમાંથી એકમાં જ જોડાવાની સંભાવના હોય – આ પરિસ્થિતિ એટલે ધર્મસંકટ કહેવાય. આના માટે ઉકેલ એ છે કે જીવનમાં લાગુ પડનારા ધર્મની સૂચિ માટે અગ્રતાક્રમ નક્કી થયેલ હોવો જોઈએ. સરહદ પર લડનારા જવાન માટે દેશની સેવા કરવી એ પણ ધર્મ છે અને પોતાનાં બાળકોની સંભાળ રાખવી તે પણ ધર્મ છે. તેમના અગ્રતાક્રમની સૂચિમાં દેશ ઉપર આવે, અને તેની પત્ની-બાળકો પ્રત્યેના ધર્મની સમીક્ષાએ દેશ-ધર્મ બજાવવામાં મોખરે રહે. ધર્મ સાથે જોડાતા અગ્રતાક્રમનો આધાર નૈતિકતા હોય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત