રંગની આધ્યાત્મિકતા
ચિંતન -હેમંત વાળા
હોળી-ધુળેટીનો ઉત્સવ રંગ વિના ફીકો બની રહે. ધુળેટી એ રંગોનો તહેવાર છે. ધૂળેટીની ઉજવણીમાં રંગોનું આગવું મહત્ત્વ છે. કાવ્યાત્મક રીતે એમ કહી શકાય કે રંગ છે એટલે ધુળેટી છે અને ધૂળેટી છે એટલે રંગ છે. રંગ એટલે ધુળેટી અને ધુળેટી એટલે રંગ. પણ આ ધુળેટીનો રંગ સામાન્ય રંગ જેવો નથી હોતો. ધુળેટીના રંગમાં આધ્યાત્મિકતા, પવિત્રતા, નિર્મળતા તથા શુદ્ધતા ગૂંથાયેલી હોય છે.
જેમ દશેરા માટે કહેવાય છે તેમ ધુળેટીનો તહેવાર પણ અધર્મ પર ધર્મના વિજય માટેના પ્રતીક સમાન છે. અહીં અહંકાર સામે
સમર્પણ, મદ સામે ભક્તિ, કપટ સામે નિર્દોષતા, ક્ષણીક સામે શાશ્વતતા, અગ્નિના નિયમો સામે ભક્તિ, વ્યક્તિગત મૂઢતા સામે ચૈતન્ય, આસુરી શક્તિ સામે ઐશ્ચર્ય તથા સંકુચિતતા સામે વૈશ્વિક વ્યાપ વિજય પામે છે. આ બધાની ઉજવણી માટે રંગોનું માધ્યમ સ્વાભાવિક છે.
ઉજવણી પ્રકાશથી થઈ શકે, વ્યવસ્થિત શણગારથી થઈ શકે, ઇચ્છિત ખાદ્ય પદાર્થોની વહેંચણી થકી થઇ શકે, નિર્દોષ આનંદ માટેની રમત થકી પણ થઈ શકે અને ચોક્કસ પ્રકારના રમણીય માહોલના સર્જનથી પણ થઈ શકે.
આ દરેક પ્રકારની ઉજવણીમાં રંગ ભળેલો હોય છે. રંગ સિવાય પ્રત્યેક ઉજવણી નીરસ બની રહેવાની સંભાવના હોય છે. એમ
કહી શકાય કે રંગ છે એટલે રસિકતા છે, રંગ છે એટલે સચોટ અભિવ્યક્તિની સંભાવના છે, રંગ છે એટલે લાલિત્ય સભર વિવિધતા પ્રગટી શકે છે, રંગ છે એટલે પ્રતીકો સમજી શકાય છે અને રંગને જ કારણે વિશિષ્ટ ઓળખ ઊભરે છે. રંગ એ ઉજવણીનું અગત્યનું
માધ્યમ છે.
દિવાળીમાં વિવિધ રંગના ઉપયોગથી રંગોળીનું સર્જન થતું
હોય છે. વસંતોત્સવમાં પીળા રંગના વિપુલ ઉપયોગથી પવિત્રતાનું વાતાવરણ સર્જાતું હોય છે. ઉત્તરાયણના દિવસે રંગબેરંગી પતંગોથી આકાશને શણગાર પ્રાપ્ત થાય છે. જન્માષ્ટમી કે નંદોત્સવના દિવસે ગુલાલ પોતાનું મહત્ત્વ સ્થાપિત કરે છે. રંગ પ્રત્યેક તહેવાર સાથે જોડાયેલો છે, પરંતુ ધુળેટીના દિવસે આ રંગ વ્યક્તિ સ્વયં ધારણ કરે છે. તહેવારોની ઉજવણીના ઇતિહાસની આ એક અગત્યની
ઘટના છે.
રંગનું પોતાનું વિજ્ઞાન છે. લાલ કે કેસરી રંગ વધુ માનસિક
ઉત્સાહ વ્યક્ત કરવા સક્ષમ હોય છે તો રાખોડી કક્ષાના કેટલાક રંગ નિરાશાના પ્રતીક સમાન ગણાય છે. પીળો રંગ ઉત્તેજના કે જિજ્ઞાસા વ્યક્ત કરી શકે તો કાળા રંગથી અભાવની પ્રતીતિ થાય. દરેક રંગ ચોક્કસ અસર છોડે અને આ અસર મહદંશે જન માનસ માટે સામાન્ય રહે. રંગની મનોવૈજ્ઞાનિક અસર માટેના ચોક્કસ પ્રાયોગિક કારણો જણાવાય છે.
મજાની વાત એ છે કે દરેક રંગ જે રીતના માનસિકતાને અસર કરે તેમ આધ્યાત્મિકતાનું કોઈ એક ચોક્કસ પાસું પણ રંગ થકી વ્યક્ત થતું હોય છે. ધુળેટીના દિવસે જે રંગ વપરાય તે રંગ કોઈ ચોક્કસ પ્રકારની હકારાત્મક આધ્યાત્મિકતાને અસર કરી જવાની સંભાવનાવાળા હોય છે.
આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ સફેદ રંગ સંપૂર્ણતામાં શુદ્ધતા અને પવિત્રતા દર્શાવે છે તો પીળો રંગ પવિત્રતાની સાથે સુષુપ્ત શક્તિ નિર્દેશિત કરે છે. લાલ રંગ આધ્યાત્મિક સુચિતાનો સૂચક છે તો ગુલાબી રંગ તે આધ્યાત્મિકતામાં નિજાનંદનો ઉમેરો કરે છે. પ્રભાતના કિરણો સમાન કેસરી રંગ થકી આધ્યાત્મિક ઊર્જાનો પ્રાદુર્ભાવ થાય છે તો આછા લીલા રંગ થકી કુદરતના સમીકરણ સાથે નિષ્પાપ તાદાત્મ્યતાનો ભાવ સ્થપાતો હોય છે. વાદળી રંગથી સૃષ્ટિની વિશાળતા – તેનો વ્યાપ આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજી શકાય તો જાંબલી રંગ
વડે આધ્યાત્મના ગૂઢ ભાવ પ્રતીકાત્મક રીતે પ્રસ્તુત થતા હોય તેમ જણાય છે.
આ બધા જ, અને આવા અન્ય રંગોનું પણ આધ્યાત્મના ક્ષેત્રમાં પ્રતિકાત્મક મહત્ત્વ છે. ધુળેટીના દિવસે માનવી જાણે આ બધા જ રંગોમાં ઓતપ્રોત થઈ જવા માંગે છે – અને તે પણ પૂરતા ઉત્સાહ, આનંદ અને ઊર્જા સાથે. બધા જ તહેવારોમાં હોળી-ધુળેટીની, આધ્યાત્મના પ્રત્યેક રંગ સાથે સંલગ્ન થવાની આ પ્રથા અનેરી છે.
અહીં કંઈ ભૌતિક રંગનું મહત્ત્વ નથી. અહીં એકબીજાને રંગવાનું પણ મહત્ત્વ નથી. અહીં કયો રંગ છે તે પણ મહત્ત્વનું નથી. અહીં તો રંગમાં રંગાઈ જવાનું છે. અહીં તો રંગ-મસ્ત થવાનું છે. અહીં પ્રત્યેક રંગ માન્ય છે. અહીં રંગના પ્રત્યેક સ્વરૂપની સ્વીકૃતિનો ભાવ છે. રંગવા કરતા અહીં રંગાવાનું વધુ મહત્ત્વ છે. અહીં રંગ-ભીના થઈ નિજાનંદ મસ્તીમાં સત્યના વિજયને, અધર્મના પરાજયને, અહંકારના નાશને આત્મસાત્ કરવાનો છે. ખરેખર અહીં રંગાઈ જવાનું છે.
કોઈ એક રંગ મીરાંને ચડેલો હતો. નરસિંહ મહેતા પણ કોઈ રંગે રંગાયેલા હતા. દ્રૌપદીનો એક રંગ હતો તો રાધા એ રંગાવવા માટે અન્ય રંગ પસંદ કરેલો. એક રંગ તુકારામનો છે તો એક રંગ જ્ઞાનેશ્વરનો છે. શુક્રાચાર્ય એક રંગે રંગાયા છે તો બૃહસ્પતિ પણ એવા જ રંગમાં તરબોળ છે. સૃષ્ટિનું સમીકરણ જોતા સમજાશે કે ધર્મનો પણ રંગ છે અને સત્યનો પણ. અહિંસાનો પણ રંગ છે અને નિર્દોષતાનો પણ. સ્થિતપ્રજ્ઞતાનો એક રંગ છે તો ગુણાતીત સ્થિતિ પણ અનેરો રંગ ધારણ કરે છે. આધ્યાત્મની સૃષ્ટિ રંગમયી છે અને ધુળેટીના દિવસે તેની પ્રતીતિ કરવાની છે.
જ્ઞાનનો રંગ છે, ભક્તિનો પણ રંગ છે, સાધનાનો પણ અનેરો રંગ છે અને નિષ્કામ કર્મનો પણ પોતાનો આગવો રંગ છે. સનાતની સંસ્કૃતિમાં આ બધાના સંબંધથી રંગોળી ઉદ્ભવે છે. આ સંસ્કૃતિમાં બધા જ રંગોને સ્થાન છે. અહીં કશાનો નિષેધ નથી. હા, અંધકાર અને અહંકાર ભરેલા કાળા રંગનો અહીં પ્રવેશ નથી. એક રીતે જોતા કાળો એ `રંગ’ જ નથી રંગનો અભાવ છે. સફેદમાં જેમ સાતે રંગો સમાયેલા હોય છે, તેમ તેનાથી વિપરીત કાળા રંગમાં રંગ-શૂન્યતા હોય છે. તેથી જ ધુળેટીના દિવસે કાળો રંગ વર્જિત છે. અહીં તો રંગની ઈચ્છા છે રંગના અભાવની નહીં.
રંગમાં રંગ આવવાનું છે, દિલથી રંગાવવાનું છે, પૂરેપૂરા રંગ આવવાનું છે, અને તે બધા રંગ પાછળનો આધ્યાત્મિક ભાવ સમજી આગળ વધવાનું છે.