નિરાંત સંપ્રદાયના ભક્ત કવિ આનંદી મહારાજની વાણી

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,
આ પદનો અરથ તમે દિયોને બતાઈ રે…૦
પરાપાર નર કોણ ખેલે, કોનાથી આ જગત બંધાણું રે ?
પાંચ તત્ત્વની કોણ ઉત્પત્તિ ? ત્રણ ગ્રણ ક્યાંથી આવ્યા રે ?
કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,
આ પદનો અરથ તમે દિયોને બતાઈ રે…૦
તમે કહી છો હંસ અમર છે, તો આ દેહમાં કેમ આવ્યો રે ?
એ હંસનો દેહ કેવો ? એના તત્ત્વ ગણીને બતાવો રે..
કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,
આ પદનો અરથ તમે દિયોને બતાઈ રે…૦
દેહ તત્ત્વને ધારણ ર્ક્યા વિના,
સાચાં મોતી હજમ કેમ થાવે રે ?,
કહેતા આનંદી, સૂણો ગજાનંદી,
આ પદનો અરથ કરી બતલાવો રે…૦
આજથી ૧૧૭ વરસ પહેલાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના રસુલપુર ગામે દેવીપૂજક જ્ઞાતિમાં આનંદી મહારાજનો જન્મ થયેલો. પિતાનું નામ હતું કચરાભાઈ વાલાભાઈ અને માતાનું નામ નવલબા. પૂર્વાશ્રમનું નામ હતું ધૂળાભાઈ. વતનમાં જ ગુજરાતી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. યુવાનવયે સુણોક ગામના કંકુબાઈ સાથે વિવાહ થયા પણ પુત્ર હીરાભાઈને જન્મ આપી કંકુબાઈએ જગતમાંથી વિદાય લીધી, પિતા અને પરિવારજનોના આદેશથી પુનર્લગ્ન કરેલાં અને સમય જતાં ત્રણ દીકરા અને એક દીકરીનો પણ જન્મ થયેલો.
આનંદી મહારાજને બાલ્યાવસ્થાથી જ ભજનો ગાવા અને સાંભળવાના સંસ્કારો મળેલા. ગ્રંથોનું વાંચન કરતાં એક્વાર ‘અનવરકાવ્ય’ પુસ્તક હાથમાં આવ્યું, અને આત્મજ્ઞાન મેળવવાની ઝંખના જાગી.
એવામાં મગરવાડા ગામે બાવલચુડી વતની નિરાંત સંપ્રદાયના ચેલારામ મહારાજ સાથે સત્સંગ થયો, એમના દ્વારા માલેસણા ગાદીના પુરુષ્ાોત્તમ મહારાજનો ભેટો થયો. વિ.સં.૧૯૮૭ના મહાસુદ બીજના દિવસે પુરુષ્ાોત્તમ મહારાજ પાસેથી ગુરુદીક્ષ્ાા પ્રાપ્ત થઈ અને નામ મળ્યું આનંદી મહારાજ. પછી તો સંતવાણી- ભજનોની રચનાઓ પણ થવા લાગી. ધીરે ધીરે અન્ય ભક્તોને બોધ આપતા થયા અને વિશાળ શિષ્યમંડળ થયું. સમાજના કુરિવાજો,બદીઓ, અંધશ્રદ્ધા,કુરુઢિઓ અને વ્યસનો સામે જાગૃત કરવાનો પ્રયાસ કરતા રહ્યા.
પોતે રસુલપુર ગામે ‘આનંદી આશ્રમ’ની સ્થાપના કરી અને અનેક શિષ્યોને સાધના પંથે ચડાવતા રહ્યા તથા લોકસેવાની અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા. અંતે વિ.સં.ર૦૩૪ના પોષ્ા સુદ બારસ તા. ૩૦/૧/૧૯૭૮ના રોજ ૭૪ વરસની વયે વડોદરા ખાતે એમનો દેહવિલય થયો. એમણે એમના પુત્ર ભગવાનદાસને ગુરુગાદી સંભાળવા બોધ-તિલક આપેલાં. એમની કેટલી યે ભજનવાણી આજે પણ લોકભજનિકોમાં ગવાતી રહી છે. એક ધીરાની કાફીના ઢંગમાં રચના છે –
‘નિરાંત દેશ ન્યારો રે,સમજે કોઈ ગુરુમુખી,
આનંદી ઘેર આવ્યા રે, મનના દ્વૈતા જાવે છૂટી..
એવો નિરાંત દેશ છે ન્યારો…૦’
‘મારી હેલી રે, નિરાંત દેશમાં મને નિશ્ર્ચે થયું ,
એવા પાંચ તત્ત્વથી પાર,
નામ ગુણ રૂપ એને નથી,
ઈ તો ગુરુગમથી જ ઓળખાય..’
(સૌજન્ય : સંદર્ભ ગ્રંથ – ‘શ્રી દેવીપૂજક પ્રતિભા દર્શન’- શ્રી શાર્દુલ તળપદા.)
નિરાંત મહારાજના સમયમાં એક ભાવદાસજી થયા, જંબુસર તાલુકાના છીદ્રા ગામે રબારી જ્ઞાતિમાં જન્મ઼ અભણ ભજનિક-અનેક પદો-ભજનોનું સર્જન કરેલું. બાવીસ જેટલાં ગામોમાં પોતાનાં સ્થાનકો- ‘ભાવદાસ મહારાજની ગાદી’ની સ્થાપના કરેલી. જંબુસર, મુવાલ(તા.પાદરા), વડોદરા, ભરૂચ, છીદ્રા… ડભોઈ જતાં કેલનપુર ગામે વડી ગાદી છે. જંબુસર ગામે રબારીવાસમાં પણ જગ્યા છે.