ધર્મતેજ

ભજનનો પ્રસાદ: પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ

-ડૉ. બળવંત જાની

શ્રીજી મહારાજે પૂછ્યું વિપ્ર ક્યાં રહો છો ? અને કઈ વિદ્યા ભણ્યા છો ?' વિપ્ર સેવકરામ કહે પહેલાં તો ઓગળ ગામમાં રહેતો. હમણાં ઘણાં વખતથી અમદાવાદ રહું છું.મહારાજ વિદ્યામાં તો મને માતાજીના ધોળ અને ગરબા ગાતા આવડે છે.’

મહારાજ કહે `ગાઓ’.

સેવકરામે ભારે કર્ણપ્રિય ઢાળમાં મીઠા અવાજે ગાયું :

`માજી મારે ગરબે રમવા આવો,

ભવાની માતા કાળકા રે લોલ.’

આખો ગરબો સાંભળી મહારાજ પ્રસન્ન થયા અને સભામાં પોતાની સમીપ બેઠેલા પ્રેમાનંદ સામું જોઈને કહે `સ્વામી આ ભુદેવે ગાયું એવા ઢાળમાં કીર્તન રચી શકો ?’

પ્રેમાનંદ સ્વામી કહે, `આપની આજ્ઞા હોય તો કશું અશક્ય નથી, સાંભળો’ કહીને સદ્ય રચાયેલું કીર્તનગાન ત્યારે ગરબાના ઢાળ અને મૂળ ઢંગથી પ્રસ્તુત કર્યું. તે કીર્તન આસ્વાદીએ.

`વંદુ સહજાનંદ રસરૂપ,
અનુપમ સારને રે લોલ,
જેને ભજતાં છૂટે ફંદ’
કરે ભવ પારને રે લોલ-1
સમરું પ્રગટરૂપ સુખધામ,
અનુપમ નામને રે લોલ,
જેને ભવ બ્રહ્માદિક ભજે,
તીજ કામને રે લોલ…2
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર,
પાર કોઈ નવ લહે રે લોલ,
જેને શેષ સહસ્ત્ર મુખ ગાય,
નિગમ નેતિ કહે રે લોલ…3
વર્ણવું સુંદર રૂપ અનુપ,
જુગલ ચરણે નમી રે લોલ,
નખશિખ પ્રેમસખીનાં નાથ,
રહો ઉરમાં રમી રે લોલ…4

(ક્રમાંક 1795)
સેવકરામ, સુનંદા, આખી સભા અને ખુદ સહજાનંદ સ્વામી પણ રસલીન થઈને સાંભળી રહેલા.

પછી શ્રીહરિએ પ્રસન્નતા વ્યક્ત કરીને સેવકરામ સામે જોઈને કહે. બીજું કાંઈ આવડે છે ! વિપ્રે હા ભણીને બીજો ગરબો ગાયો :

મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે, મા પરવરિયા ગુજરાત, પાવાગઢ વાળી રે'. ગરબો પૂર્ણ થયો એટલે પુન: પ્રેમાનંદ સ્વામી સામુું જોઈને શ્રીહરિએ કહ્યું,આ ઢાળમાં બીજું કીર્તન રજૂ કરો.’

પ્રેમાનંદ સ્વામીએ નિમિલિત નયને સદ્ય આરંભ્યું.

`પુરુષોત્તમ પુરણ બ્રહ્મ, સહજાનંદ સ્વામી
જેને ભજતા છૂટે ફંદ, સહજાનંદ સ્વામી… 1

હરિકૃષ્ણ નારાયણ દેવ, સહજાનંદ સ્વામી
કરીએ નિત્ય જેની સેવ,
સહજાનંદ સ્વામી…2

જેનો ગોલોકમાં વાસ, સહજાનંદ સ્વામી,
સમરીએ શ્વાસ ઉશ્વાસ,
સહજાનંદ સ્વામી…3

જેેને નિગમ નેતિ કરી ગાયે,
સહજાનંદ સ્વામી,
જેને શિવ બ્રહ્માદિક ધ્યાયે,
સહજાનંદ સ્વામી…4

જેનો પાર ન પામે શેષ, સહજાનંદ સ્વામી,
કીધો નર નાટક વેશ, સહજાનંદ સ્વામી…5

થયા સદ્ગુરુ રૂપે આજ, સહજાનંદ સ્વામી,
હરિ પ્રેમાનંદને કાજ, સહજાનંદ સ્વામી…

(ક્રમાંક 67)
આખું પદ અદ્ભુત રાગ, તાલ, લયથી શ્રીહરિ સમેત સભાજનોને મોહ પમાડી ગયું. શ્રીહરિ કહે, `ભગવાનની મૂર્તિનું જેણે આવું ચિંતવન કર્યું એવા સાધુને દંડવત પ્રણામ કરીએ’.

પછી સેવકરામ સામે જોઈને કહે `ભુદેવ તમારે કંઈ સંતાન છે?’

સેવકરામનું મોઢું પડી ગયું. ખિન્ન થઈને કહે. `ભગવાને એક બાળક આપેલો પણ ખોટી શંકા કરીને મેં એને ત્યજી દીધેલો પરમેશ્વરનું એક દાન પાછું ઠેલ્યું પછી બીજું દાન કેમ મળે?’

શ્રીહરિ કહે `ત્યજી દીધેલા છોકરાને ઓળખો ખરા.’

સેવકરામ કહે `ચહેરો તો કેમ ઓળખી શકું પણ તરછોડતા પહેલાં મેં તેના હાથ-પગની રેખાઓ અવલોકી હતી એટલું યાદ છે.’

મહારાજ કહે તો આ સ્વામીના હાથ-પગની રેખાઓને જુઓ' કહીનેપ્રેમાનંદ સ્વામી તરફ અંગુલિનિર્દેશ કરતાં કહૃુાં.

સેવકરામે હાથમાં ધ્વજ અને ચંદ્ર, ચરણમાં ઊર્ધ્વરેખા અને ભાલમાં ઉન્નત ભાગ્યરેખાના દર્શન કરીને કહે મહારાજ કંઈ સમજ્યામાં નથી આવતું ત્યજી દીધેલો દીકરો જીવતો ક્યાંથી હોય પણ આ એ જ લાગે છે.' શ્રીહરિ કહેએ જ છે.’

સેવકરામ શ્રીહરિએ ચરણે પડીને કહે, `વાહ કેવું સદ્ભાગી સંતાન આપના શરણે.’
(ક્રમશ:)

આપણ વાંચો:  ચિંતન: સૌથી જરૂરી છે મનની શાંતિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button