હવે એક જ ઉપાય એ છે કે તમારે વૃત્રાસુર પાસે જવું જોઈએ ને તેની માફી માગી, તેની સમક્ષ ત્વષ્ટા ઋષિનાં ગુણગાન ગાવાં જોઈએ
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
વૃત્રાસુરના મહાકાય સૈન્યની આગેકૂચ જોઈ સમગ્ર દેવસેના આતંકિત થઈ જાય છે. વૃત્રાસુરની શક્તિ સામે અગ્નિદેવ, પવનદેવ અને વરુણદેવ હારીને પલાયન થતાં જોઈ દેવસેના પણ ત્યાંથી પલાયન થઈ જાય છે. દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુરને શબ્દોની ઝાળમાં ફસાવવાની કોશિશ કરે છે, પણ અંતે શબ્દોની જાળમાં પોતે ફસાઈ જવાની બીકે વૃત્રાસુર દેવરાજ ઇન્દ્રને ઊંચકીને ગળી જાય છે. આ જોઈ દેવી સચિ ત્યાંથી પલાયન થઈ દેવગુરુ બૃહસ્પતિ પાસે પહોંચે છે. દેવગુરુ બૃહસ્પતિ દેવી સચિને સમજાવતાં કહે છે કે, વૃત્રાસુરે બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું છે કે, સ્વર્ગલોક કે અન્ય લોકના કોઈ પણ દેવ કે પુરુષ તેનો વધ કરી શકશે નહીં, દેવી તમારે માતા શક્તિના શરણે જવું જોઈએ.’ દેવી સચિ ત્વષ્ટા ઋષિએ સ્થાપેલ શક્તિ મંદિર પહોંચે છે અને માતાની આરાધના કરવા માંડે છે, ઘણો સમય વ્યતીત થતાં દેવી સચિ પોતાનું માથું માતા શક્તિનાં ચરણોમાં પછાડવા માંડે છે. આનાથી વ્યથિત થઈ માતા શક્તિ ત્યાં પ્રગટ થાય છે અને કહે છે, ‘સચિ તમારે ફિકર કરવાની જરૂર નથી, તમારા પતિનો અંત અસંભવ છે, તમારા પતિ જીવિત છે, તમે નિશ્ર્ચિંત રહો, તમારા પતિ અમર છે, તેઓ સુરક્ષિત છે, તેમને કંઈ નહીં થાય. હું કંઈક એવું કરું છું કે થોડા જ સમયમાં દેવરાજ ઇન્દ્ર પરત ફરશે.’ માતા શક્તિના આભામંડળમાંથી એક ગોળો નીકળી વૃત્રાસુરના આભામંડળમાં લુપ્ત થતાં વૃત્રાસુરને ઉંઘ આવવા માંડે છે અને થોડા જ સમયમાં વૃત્રાસુર ઊંઘી જાય છે. ઊંઘમાં ઘોરતી વખતે જોરશોરથી થઈ રહેલા અવાજ વખતે વૃત્રાસુરનું મુખ પણ થોડું ખૂલતાં તક જોઈ દેવરાજ ઇન્દ્ર ખૂલેલા મુખમાંથી બહાર આવી જાય છે. દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ લેતાં દેવગુરુ બૃહસ્પતિ તેમને સલાહ આપે છે કે, ‘દેવરાજ તમે અહીં સ્વર્ગલોકમાં સુરક્ષિત નથી, માતા શક્તિની કૃપાથી વૃત્રાસુર નિદ્રાધીન થયો છે. નિદ્રાથી બહાર આવતાં જ એ તમને લક્ષ્ય બનાવશે, તમે પૃથ્વીલોક જઈ છુપાઈ જાવ.’ દેવરાજ ઇન્દ્ર, દેવી સચિ અને દેવગણો ત્યાંથી પૃથ્વીલોક તરફ પ્રસ્થાન કરે છે.
- * *
નિદ્રાધીન વૃત્રાસુર નિદ્રાથી બહાર આવતાં જ તે સમજી જાય છે કે તેના ઉદરમાંથી દેવરાજ ઇન્દ્ર નીકળી ગયા છે. તે ખૂબ ક્રોધિત થાય છે.
વૃત્રાસુર: ‘સૈનિકો, દેવરાજ ઇન્દ્ર ક્યાં છે, તુરંત મારી સમક્ષ હાજર કરવામાં આવે.’
સૈનિક: ‘મહારાજ, આપ નિદ્રાધીન થતાં જ દેવરાજ ઇન્દ્રને તક મળી ગઈ અને તે બહાર આવી ગયો. તેને જીવિત જોઈ દેવસેના પણ ઉત્સાહિત થઈ ગઈ અને તેઓ આપણી સેના પર તૂટી પડયા. આપની ગેરહાજરીથી આપણી સેના પલાયન થઈ ગઈ છે અને તમે દેવરાજ ઇન્દ્રને જીવિત નહીં છોડો એ સમજતાં દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો પૃથ્વીલોક પર છુપાઈ ગયા છે.’
વૃત્રાસુર: ‘સૈનિકો ચાલો મારી સાથે, આપણે દેવરાજ ઈન્દ્રને શોધીને દંડ આપવાનો છે.’
વૃત્રાસુરનો આદેશ મળતાં જ અસુરગણો પૃથ્વીલોક તરફ પ્રયાણ કરવા લાગ્યા.
- * *
પૃથ્વીલોક ખાતે છુપાતાં છુપાતાં દેવગણો કૈલાસ પહોંચે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘અમારી અને સ્વર્ગની રક્ષા કરો. ક્રૂર વૃત્રાસુરે સ્વર્ગ પર પોતાનું સ્વામીત્વ જમાવી દીધું છે, તે આપણી દેવસેનાનો વિનાશ કરી રહ્યો છે, રક્ષા કરો ભોળેનાથ, અમારી રક્ષા કરો.’
ભગવાન શિવ: ‘એ તમારાં દુ:ષ્કર્મનું ફળ છે. તમે દુ:ષ્કર્મ કરતી વખતે વિચાર નથી કરતા કે આનું શું પરિણામ આવશે. તમારાં દુ:ષ્કર્મનું ફળ તમને મળે એટલે તમે ત્રિદેવ પાસે પહોંચી જાઓ છો મદદ મેળવવા. દર વખતે તમારાં દુ:ષ્કર્મનું ફળ દેવગણોએ શું કામ ભોગવવાનું? દેવી પાર્વતીએ તમને નવું જીવતદાન આપ્યું છે. હવે વધુ શું જોઈએ.’
વૃત્રાસુર: ‘દેવાધિદેવ, આ સંકટને તમે જ દૂર કરી શકો છો.’
માતા પાર્વતી: ‘દેવરાજ ઇન્દ્ર તમને ખબર પડવી જોઈએ કે વૃત્રાસુરને બ્રહ્માજીનું વરદાન છે કે તેને પૃથ્વીલોક કે અન્ય દેવલોકનો કોઈ પણ પુરુષ મારી શકશે નહીં, હવે તમારે યોગ્ય માર્ગદર્શન માટે શ્રીહરિ વિષ્ણુ પાસે જવું જોઈએ, તેઓ જ આનો માર્ગ કાઢી શકે છે.
માતા પાર્વતીનો આદેશ મળતાં જ દેવગણો કૈલાસથી નીકળી વૈકુંઠલોક તરફ પ્રયાણ કરે છે.
- * *
વૈકુંઠલોક પહોંચતાં જ દેવગણો અને દેવરાજ ઈન્દ્ર માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને જોઈ આનંદિત થઈ જાય છે.
દેવરાજ ઇન્દ્ર: ‘ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની જય હો… ભગવંત તમે જ અમને યોગ્ય માર્ગદર્શન આપી શકશો. દુષ્ટ વૃત્રાસુરે સ્વર્ગલોક પર આધિપત્ય જમાવી દીધું છે, તમે જ માગદર્શન કરો.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘તમારી વાત સાચી છે, પણ હું એમ ઇચ્છુ છું કે પરિસ્થિતિઓને નિર્ણાયક મુકામ સુધી પહોંચવા દેવી જોઈએ. સમયની પ્રતીક્ષા કરો.’
દેવરાજ ઇન્દ્ર: ‘પરિસ્થિતિઓ તેના નિર્ણાયક મુકામ પર ક્યારે પહોંચશે, સમગ્ર દેવગણ સ્વર્ગલોકથી વંચિત છે. હવે અમે શું કરીએ? અમે ક્યાં જઇએ.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘તો તમે નિર્દોષ યજ્ઞપુત્ર ત્રિશિરાનો વધ કેમ કર્યો? એણે તો તમારા પર આક્રમણ નહોતું કર્યું.’
દેવરાજ ઇન્દ્ર: ‘તો હવે અમારે શું કરવું જોઇએ…’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘હવે એક જ ઉપાય એ છે કે તમારે વૃત્રાસુર પાસે જવું જોઈએ અને તેની માફી માગી, તેની સમક્ષ ત્વષ્ટા ઋષિનાં ગુણગાન ગાવાં જોઈએ.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુનો આદેશ મળતાં જ દેવરાજ ઇન્દ્ર દેવસેના સાથે સ્વર્ગલોક પહોંચે છે.
- * *
દેવરાજ ઇન્દ્ર: ‘મિત્ર વૃત્રાસુર હું અહીં જ છું, તમારા યજ્ઞ પિતા ત્વષ્ટા ઋષિ અને તમારી માફી માગવા માગું છું.’
વૃત્રાસુર: ‘દેવરાજ આ તમારી કઈ ચાલ છે હું તમને નહીં છોડું.’
દેવરાજ ઇન્દ્ર: ‘નહીં મિત્ર વૃત્રાસુર, હું તમારી સમક્ષ કોઈ ચાલ નથી ચાલતો, અમે દેવગણો ફક્ત તમારી અને ઋષિ ત્વષ્ટાની માફી માગીએ છીએ.’
વૃત્રાસુર: ‘જો તમે ખરેખર માફી માગવા તૈયાર હો તો તમે માફીને પાત્ર ખરા. ચાલો, આપણે બંને સાથે મળીને સ્વર્ગલોકના સિંહાસન પર બિરાજીએ.’
સમગ્ર દેવગણો અને દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુર સાથે ઋષિ ત્વષ્ટાના આશ્રમ પર પહોંચે છે.
ઋષિ ત્વષ્ટા: ‘વૃત્રાસુર…. આ દેવગણ આપણા શત્રુ છે તેમનો નાશ કરો તુરંત…, તમને ઇન્દ્ર સાથે મિત્રતા કરતાં લજ્જા નથી આવતી.’
વૃત્રાસુર: ‘પિતાજી આ સમગ્ર દેવતાઓ અને દેવરાજ ઇન્દ્ર મારા મિત્ર છે, તેમણે લજ્જિત થઈ માફી માગી મિત્રતાનો હાથ લંબાવ્યો છે, મિત્રતા કરવામાં લજ્જા શેની? ઈન્દ્રને સ્વર્ગથી વંચિત કરી તમારો પ્રતિશોધ પૂર્ણ કર્યો છે, અને સામે મિત્રતા ઇચ્છતા દેવરાજ સાથે મિત્રતા કરી એમાં કંઈ ખોટું નથી.’
ઋષિ ત્વષ્ટા: ‘વૃત્રાસુર, તમને ખબર નથી આ ઇન્દ્ર તકવાદી છે. તક મળતાં જ તમને દગો આપશે.’
દેવરાજ ઇન્દ્ર: ‘ઋષિ ત્વષ્ટા વૃત્રાસુર સાચું કહે છે, હું લજ્જિત છું, મને ક્ષમા કરો. હું અને વૃત્રાસુર સાથે મળીને સ્વર્ગલોક પર રાજ કરીશું.’
ઋષિ ત્વષ્ટા: ‘પુત્ર વૃત્રાસુર એક વાત નક્કી છે કે દેવરાજ ઇન્દ્ર સાથેની તમારી મિત્રતા, તમારો અંત નિશ્ર્ચિત લાવશે.’
(ક્રમશ:)