ધર્મતેજ

અનીતિનું આચરણ હંમેશાં વિનાશનું કારણ હોય છે, જીવનમાં જો અનીતિ અને અધર્મનું આચરણ કરશો તો તમારો વિનાશ નિશ્ર્ચિત છે

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
શુંભ-નિશુંભનો વધ થતાં જ દેવરાજ ઇન્દ્ર અને દેવગણ અસુર સેના પર આક્રમણ કરે છે. પોતાના અસુરશ્રેષ્ઠોના થયેલા વધને જોઈ અસુરગણ ભયભીત થઈ જાય છે અને પલાયન થવાની કોશિષ કરે છે પણ દેવગણ તેમનો ખાતમો બોલાવે છે. યુદ્ધ ભૂમિમાં માતા પાર્વતી અને દેવી કૌશિકીનો જયજયકાર થવા માંડે છે. એ જ સમયે ત્યાં ભગવાન શિવ પ્રગટ થાય છે. માતા પાર્વતી કહે છે, ‘પુત્રી કૌશિકી તમે અદમ્ય સાહસનો પરચો બતાવી તમારા પિતા ભગવાન શિવની પરાક્રમી રૂપની ગરીમા વધારી છે. તમે ચંડ-મુંડ અને શુંભ-નિશુંભના સૈન્ય સાથે યુદ્ધ ભૂમિમાં અજેય ભૂમિકા ભજવી છે, જ્યાં સુધી સૂરજ-ચાંદ ધરતી સાથે જોડાયેલા રહેશે ત્યાં સુધી પૃથ્વીવાસીઓ તમને યાદ રાખશે.’ દેવી કૌશિકી કહે છે, ‘મારો ઉદ્દેશ્ય અને કર્તવ્ય પૂર્ણ થયું, શક્તિસ્વરૂપીણી માતા શક્તિના અંગમાં સમાઈ જઈશ, મને આજ્ઞા આપો.’ ભગવાન શિવ તથાસ્તુ કહેતાં જ દેવી કૌશિકી તેજપૂંજના સ્વરૂપે માતા પાર્વતીના અંગમાં સમાઈ જાય છે. દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણ ફરી સ્વર્ગલોક પહોંચે છે અને શાસન સંભાળે છે. બીજી તરફ શુંભ-નિશુંભનો વધ તથા અસુર માતા દિતી દુ:ખ અનુભવે છે. અસુર માતા દિતી ક્રોધિત થઈ દેવશત્રુ દુન્દુભિનિર્હાદને બોલાવે છે. દુન્દુભિનિર્હાદ કહે છે, ‘માતા તમારે સમજવાની જરૂર છે કે, દેવતાઓનું બળ બ્રાહ્મણ છે, જો બ્રાહ્મણ નષ્ટ થઈ જાય તો યજ્ઞ સંસ્કૃતિ સમાપ્ત થઈ જશે અને યજ્ઞ સંસ્કૃતિ સમાપ્ત થશે તો દેવતાઓને ્રઆહાર પ્રાપ્ત નહીં થાય અને દેવગણો નિર્બળ થઈ જશે અને ત્યારે હું એમના પર આક્રમણ કરીને વિજય મેળવી લઈશ.’ આવો તે વિચાર કરીને બ્રાહ્મણોને મારવા લાગ્યો. બીજી તરફ ભગવાન શિવ મોકો મળતાં જ પ્રગટ થાય છે અને અસુર દુન્દુભિનિર્હાદને બગલમાં દબાવી તેના માથા પર વ્રજથી પણ કઠોર મુક્કો મ્ારતાં મૃત્યુ પામે છે. ભગવાન શિવે માનવ કલ્યાણ માટે કહ્યું ‘જે મનુષ્ય અહીં આવીને શ્રદ્ધાપૂર્વક મારા આ રૂપનાં દર્શન કરશે, નિ:સંદેહ હું એનાં બધાં ઉપદ્રવોને નિસંદેહ નષ્ટ કરી દઈશ, જે માનવ મારા આ ચરિત્રને સાંભળીને પોતાના હૃદયમાં મારા આ લિંગનું સ્મરણ કરીને સંગ્રામમાં પ્રવેશ કરશે એની અવશ્ય વિજયની પ્રાપ્તિ થશે અને આ અનુપમ આખ્યાનનું શ્રવણ કરનારને સ્વર્ગનું તથા આયુષ્યનું યશ અને કિર્તી પ્રાપ્ત કરશે.’


શુંભ-નિશુંભ અને દુન્દુભિનિર્હાદના વધ બાદ સમગ્ર સૃષ્ટિમાં દેવગણોનું સામ્રાજ્ય થતાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. ત્રિદેવ પોત પોતાના લોકોમાં નિવાસ કરી રહ્યાં હતાં. અચાનક બ્રહ્મલોક ખાતે ‘ૐ બ્રહ્મણે નમ:’નો નાદ ગૂંજવા લાગ્યો.

માતા સરસ્વતી: ‘હે સ્વામી હવે આ કોનો સ્વર ગૂંજી રહ્યો છે?’
બ્રહ્માજી: ‘દેવી આ બે અસુર કુમારો છે.’
માતા સરસ્વતી: ‘સ્વામી, શું અસુરોની તાસિર પ્રમાણે ફરી એ જ ઈતિહાસ રચાશે?’

બ્રહ્માજી: ‘દેવી આ બે અસુર કુમાર વિદલ અને ઉત્પલ છે, તેઓ કયા વરદાનની ઇચ્છાથી તપસ્યા કરી રહ્યા છે એ ખબર નથી, પણ હવે તેમનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચતાં મારે વરદાન આપવા જવું જ પડશે.’
માતા સરસ્વતી: ‘સ્વામી, શું હું પણ તમારી સાથે વરદાન આપવા આવી શકું?’

બ્રહ્માજી: ‘જરૂર દેવી.’
માતા સરસ્વતી અને બ્રહ્માજી શિલોંગના જંગલમાં પહોંચે છે જ્યાં વિદલ અને ઉત્પલ તપસ્યા કરી રહ્યા હોય છે.

બ્રહ્માજી: ‘હે વિદલ અને ઉત્પલ આંખ ખોલો.’
વિદલ: ‘બ્રહ્મદેવ તમે? માતા સરસ્વતી સાથે, અમે ધન્ય થઈ ગયા.’

માતા સરસ્વતી: ‘તમારો નિર્મળ અવાજની ધ્વની મને અહીં લઈ આવી છે, જુઓ પરમપિતા તમારી સમક્ષ ઊભા છે જે વરદાન જોઈએ એ માગી લો.’
ઉત્પલ: ‘બ્રહ્મદેવ તમે માતા સરસ્વતી સાથે દર્શન આપ્યા એ જ ઘણું છે, અમે કોઈ વરદાનની ઈચ્છાથી તપસ્યા નથી કરી.’
બ્રહ્માજી: ‘હે અસુર કુમારો તમે તપસ્યા કરી છે, તમારે વરદાન લેવું જ જોઈએ.’

વિદલ: ‘બ્રહ્મદેવ જો તમે વરદાન આપવા જ માગતા હોવ તો અમને એવું વરદાન આપો કે કોઈ પુરુષ અમને મારી ન શકે.’
માતા સરસ્વતી: ‘જુઓ કુમારો તમે જે વરદાન માગો છે એમાં એ ફલિત થાય છે કે કોઈ સ્ત્રી તમારો વધ કરી શકે, બરાબર ને.’
ઉત્પલ: ‘માતા સરસ્વતી અમે એવું માનીએ છીએ કે સંસારની દરેક સ્ત્રી અમારી માતા સમાન છે, અમે તેમનું સન્માન જ કરીશું.’
બ્રહ્માજી: ‘તથાસ્તુ, પણ કુમારો યાદ રહે અનીતિનું આચરણ હંમેશાં વિનાશનું કારણ હોય છે, જીવનમાં જો અનીતિ અને અધર્મનું આચરણ કરશો તો તમારો વિનાશ નિશ્ર્ચિત છે.’
વિદલ: ‘બ્રહ્મદેવ, અમારું જીવન નીતિ અને ધર્મ પર જ આધારિત રહેશે.’

માતા સરસ્વતી: ‘સુખી રહો અને સુશાસન કરો.’

માતા સરસ્વતી અને બ્રહ્માજી વરદાન આપી બ્રહ્મલોક પહોંચે છે.

દેવરાજ ઇન્દ્ર અને દેવગણોને એ વરદાનની વાત ખબર પડતાં તેઓ બ્રહ્મલોક પહોંચે છે.

દેવરાજ ઈન્દ્ર: ‘બ્રહ્મદેવ અનર્થ થઈ જશે, તમે વરદાન આપ્યું છે કે કોઈ પુરુષતેમનો વધ નહીં કરી શકે.’

માતા સરસ્વતી: ‘દેવરાજ ઇન્દ્ર તમે હંમેશાં આવું કેમ કરો છો? તમારે ત્રિદેવ પર વિશ્ર્વાસ રાખી તમારું કાર્ય કરતા રહેવું જોઈએ, અધર્મનો ખાતમો કરવા ભગવાન શ્રીહરિ વિષ્ણુ, ભગવાન શિવ હંમેશાં તત્પર જ હોય છે અને અંતે સ્ત્રીશક્તિનો પરચો આપવા દેવી શક્તિ પણ હાજર છે. બંને અસુરકુમારોએ નીતિ અને ધર્મ પર શાસન કરવાનું આશ્ર્વાસન
આપ્યું છે.’

બ્રહ્માજી: ‘દેવગણ નિશ્ર્ચિંત રહો. ભગવાન શિવ અને માતા
શક્તિનું આદરપૂર્વક સ્મરણ કરી ધૈર્ય ધારણ કરો, એ બંને દૈત્યો
નિશ્ર્ચિત જ દેવીપાર્વતીના હાથે માર્યા જશે અને લોકોનું કલ્યાણ થશે.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button