ધર્મતેજ

ભગવાન શિવ સાથે અનોખી રીતે જોડાયેલો ત્રણનો અંક

વિશેષ -રાજેશ યાજ્ઞિક

આમ તો આપણે અંક ૧૩ની જેમ અંક ત્રણને પણ બહુ શુભ માનતા નથી. એટલે તો આપણે ત્યાં કહેવત પડી છે કે ‘તીન તીગાડા કામ બીગાડા’. પણ ભગવાન શિવ સાથે ત્રણના અંકનો ગહન સંબંધ જણાઈ આવે છે. જાણીએ કેટલીક ત્રણ અંક સાથે જોડાયેલ રસપ્રદ વાતો

પ્રણવ મંત્ર ઓમ
પ્રણવ મંત્ર ઓમ સિવાય ભગવાન શિવના કોઈપણ મંત્રનું ઉચ્ચારણ અધૂરું ગણાય છે. તે ઓમ ત્રણ અક્ષર અર્થાત અ, ઉ અને મ ની સંધિથી બન્યો છે. ઓમ અથવા ઓમકાર એ ઈશ્ર્વરના મુખથી નીકળેલો પ્રથમ નાદ છે, જેણે આ વિશ્ર્વની રચનામાં પ્રાણ પૂર્યા. ઓમની ત્રણ માત્રા છે. અકાર, ઉકાર અને મકાર જે પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન કરે છે. અકાર સત્ત્વગુણનું પ્રતીક છે, ઉકાર રજોગુણનું પ્રતીક છે અને મકાર તમોગુણનું પ્રતીક છે.

ત્રિપુંડ
ભગવાન શિવના મસ્તક પર શોભતું ત્રિપુંડ પણ ત્રણ રેખાઓનું બનેલું છે. તેને શિવ તિલક પણ કહેવામાં આવે છે. જમણા હાથની ત્રણ આંગળીઓથી મસ્તક પર થતું ત્રિપુંડ શરીરની ત્રણ નાડીઓ ઈડા, પિંગલા અને શુષુમ્ણાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રિપુંડની પ્રત્યેક રેખામાં નવ દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. ત્રિપુંડની પ્રથમ પંક્તિમાં ગણાતા નવ દેવતાઓ છે અકાર, ગાર્હપત્ય અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયા શક્તિ, પ્રાત:હવન અને મહાદેવ. ત્રિપુંડની બીજી પંક્તિમાં ઓમકાર, દક્ષિણાગ્નિ, આકાશ, સત્ત્વગુણ, યજુર્વેદ, મધ્યદિનસવન, ઈચ્છાશક્તિ, અંતરાત્મા અને મહેશ્ર્વજીના નામ ગણાય છે. ત્રિપુંડની ત્રીજી રેખામાં મકાર, આહવનીય અગ્નિ, પરમાત્મા, તમોગુણ, દ્યુલોક, જ્ઞાનશક્તિ, સામવેદ , તૃતીયસવન, અને શિવજીનો વાસ છે.

ત્રિનેત્ર
ભગવાન શિવને બે સામાન્ય ચક્ષુની જેમ કપાળ પર એક દિવ્ય દ્રષ્ટિરૂપ ચક્ષુ ગણાય છે. ખરેખર ભગવાનને ત્રણ આંખ નથી. જે ત્રીજું નેત્ર આપણે કહીએ છીએ, તે હકીકતમાં જ્ઞાનચક્ષુ છે. તેમની ત્રણ આંખ ત્રણ કાળના જ્ઞાતા હોવાનું પ્રતિબિંબિત કરે છે. અર્થાત કે તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિમાં સર્વ કલ્યાણની ભાવના હોય અને ભવિષ્ય જોવાની ક્ષમતા હોય તેને જ ત્રીજી આંખ હોય છે.

ત્રિશૂળ
ભગવાન શંકરનું શસ્ત્ર એટલે ત્રિશૂળ. આ ત્રિશૂળનો અર્થ છે ત્રિ-શૂળ અર્થાત કે મનુષ્યને ત્રણ પ્રકારના શૂળ એટલે કે દુ:ખ સહન કરવા પડે છે, શારીરિક, માનસિક અને આત્મિક. આ પીડાનું ભેદન શિવની ઉપાસનાથી થાય છે. ઘણા એમ પણ કહે છે કે ત્રિશૂળ આઠ સિદ્ધિઓમાં સિદ્ધિ, પ્રાકામ્ય અને ઇશત્વાનું સૂચક છે. ત્રણ શૂળ ત્રણ અલગ-અલગ કોસ્મિક સિસ્ટમના પ્રતીકો છે. મધ્યનું શૂળ “સ્થિતિ સૂચવે છે. ડાબું શૂળ વિનાશનું પ્રતીક છે અને જમણું શૂળ સૃષ્ટિ અને સર્જનનું પ્રતીક છે. જેમ ત્રિશૂળના અસ્તિત્વ માટે ત્રણેય શૂળ જરૂરી છે, તેવી જ રીતે બ્રહ્માંડના અસ્તિત્વ માટે સર્જન, અસ્તિત્વ અને વિનાશ વચ્ચે સુમેળ જરૂરી છે.

બીલીપત્ર
શિવ પૂજનમાં જેનું અદ્વિતીય સ્થાન છે, તે બીલીપત્રને પણ ત્રણ પાંદડા હોય છે. શિવને અર્પણ થતું બેલ પાન પદાર્થના ગુણોને દર્શાવે છે. આ ભૌતિક ગુણો નિષ્ક્રિયતા, ઉદ્વગ્નિત અને સંવાદિતા છે. એટલે કે તમ, રજ અને સત્વ ગુણો. બેલ અક્ષર પણ ત્રણેય શરીરોને દર્શાવે છે. આપણે જ્યારે બીલીપત્રને ભક્તિ પૂર્વક અર્પણ કરીએ ત્યારે તેનો એક અર્થ એ પણ નીકળે કે આપણે મનસા, વાચા, કર્મણા એમ ત્રણેય પ્રકારે મહાદેવની ભક્તિ કરીએ છીએ.

શિવ સ્તુતિમાં બિલ્વાષ્ટકમમાં પ્રથમ ક્રમે ગવાય છે,
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રયાયુધમ્
ત્રિજન્મપાપસંહારમેકબિલ્વં શિવાર્પણમ્
ત્રણ દલવાળું બિલ્વ પત્ર, જે ત્રણ ગુણનું પ્રતીક છે, શિવના ત્રણ નેત્ર સમાન છે, અને ત્રણ આયુધ જેવું છે. તેવું ત્રણ જન્મોના પાપ હરિ લેનાર બિલ્વ પત્ર શિવને અર્પણ કરીએ છીએ. આપણે પણ આ પવિત્ર દિવસોમાં હૈયું, મસ્તક અને હાથના ત્રિવેણી સંગમથી પ્રભુ ભક્તિ કરીને ધર્મ માર્ગ પર આગળ વધીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button