ગંગાસતીના શબ્દોનું રહસ્ય

અલૌકિક દર્શન -ભાણદેવ
આ સુંદર પૃથ્વી પર અતિ પ્રાચીનકાળથી મીરાંઓ પ્રગટતી રહી છે. વેદકાળમાં મીરાંઓ આવી છે. ગાર્ગી, મૈત્રેયી, વાક્અમ્ભૃણિ, અપાલા, સૂર્યા, ઘોષા, વિશ્ર્વવારા. આજથી સત્તાવીસસો વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૭મી સદીમાં સૉક્રેટિસથી પણ પહેલાં ગ્રીસમાં એક મીરાં જન્મી સૈફો. સ્પેનમાં અવિલનના કિલ્લામાં એક મીરાં જન્મી થેરેસા. દક્ષિણમાં એક મીરાં જન્મી આંડાલ, કાશ્મીરમાં એક મીરાં જન્મી લલ્લેશ્ર્વરી. કર્ણાટકમાં એક મીરાં જન્મી અક્કમહાદેવી. રાજસ્થાનમાં એક મીરાં જન્મી મીરાંબાઈ અને સૌરાષ્ટ્રમાં એક મીરાં જન્મી ગંગાસતી. જ્યારે હું ગંગાસતીને સૌરાષ્ટ્રની મીરાં કહું છું, ત્યારે કેટલાક મિત્રો મને ઠપકો આપે છે કે મીરાં સાથે કોઈની તુલના ન હોય, ત્યારે કહેવાનું મન થાય છે કે તો હજી ગંગાસતીને સમજવાનું બાકી છે. મનમાં એક તુક્કો આવે છે, સંકલ્પ નથી. તુક્કો છે કે ગંગાસતીના બાવન ભજન પર બાવન ગ્રંથોની રચના કરું. એક્કેક ભજનો પર એક્કેક ગ્રંથ. એક્કેક શબ્દ પર એક્કેક પ્રકરણ થાય તો ગંગાસતી સમજાય. ગંગાસતીનાં બાવન ભજનો એ બાવનની બહાર જવાના એકેક સોપાન છે. ગંગાસતી કેમ સમજાતાં નથી? આપણે તેને સાહિત્યિક દૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ગંગાસતી સાહિત્યકાર નથી, સંત છે. તેમને સમજવા આધ્યાત્મિક દૃષ્ટિકોણ જોઈએ. જેમ ઉપનિષદને સમજવા ઉપનિષદના ઋષિએ બતાવેલ માર્ગ પર થોડાં પગલાં માંડવા જોઈએ, એમ ગંગાસતીને સમજવા તેમના સૂચિત માર્ગ પર પગલાં મૂકીએ તો ગંગાસતી સમજાય. ગંગાસતી જ્ઞાનમાર્ગનું અનુષ્ઠાન કરીને બ્રાહ્મસ્થિતિને પામ્યાં. યોગમાર્ગનું અનુષ્ઠાન કરીને નિર્વિકલ્પ સમાધિને પામ્યા, ભક્તિમાર્ગનું અનુષ્ઠાન કરીને પ્રેમલક્ષણા ભક્તિને પામ્યા અને સંતમાર્ગનું અનુષ્ઠાન કરીને વચન-વિવેકને સિદ્ધ કર્યો, આ બધાં માર્ગમાં ગંગાસતી પારંગત થયાં, એટલે એમની વાણીમાં અપરંપાર ગૂઢ શબ્દો છે. મધનો સ્વાદ કેવો, જેણે કદી મધ ચાખ્યું ન હોય એને મધનો સ્વાદ સમજાવી આપો. એ અશક્ય છે. મધનો સ્વાદ સાકર જેવો? ખાંડ જેવો? ગોળ જેવો? શીરા જેવો? મધનો સ્વાદ ત્યારે જ સમજાય જ્યારે મધ ચાખવામાં આવે એ સિવાય એ સમજવાનો કોઈ ઉપાય નથી. ગંગાસતીને સમજવા અધ્યાત્મપથ પર પગરણ મૂકવા જોઈએ ત્યારે તે સમજાય. અભ્યાસે જીતવો અપાન એટલે શું? જેને અભ્યાસે અપાન જીત્યો હોય તેને ખબર પડે. એનો અર્થ ગુજરાતી વિશ્ર્વકોશમાં કે ‘ભગવદ્ગોમંડલ’માં ન મળે, એ અર્થ અંદરથી સમજાય, એટલે ગંગાસતી નથી સમજાતાં અને ગંગાસતી સમજાશે ત્યારે સિદ્ધ થશે કે ગંગાસતીએ સૌરાષ્ટ્રની મીરાં નથી, સવાઈ મીરાં છે. ગંગાસતીના શબ્દોમાં એમનાં ભજનોમાં, બાવન ભજનોમાં અપરંપાર ગૂઢ શબ્દો છે. એમાંના ત્રીસ શબ્દો પસંદ કરી એમનું રહસ્યોદ્ઘાટન કરવાનો આ લખાણનો ઉપક્રમ છે.
શબ્દ – ૧ – ગંગાસતી:
ગંગાસતીમાં ગૂઢ અર્થ છે. ગંગાસતીનું મૂળ નામ તો ગંગાબાઈ છે, તો સતી શબ્દ ક્યાંથી આવ્યો? ગંગાસતી શા માટે? મૂળનામ તો ગંગાબાઈ છે, તો સતી કેમ કહેવાય છે? બાવનેય ભજનોના નામાચરણમાં ગંગાસતી એવો શબ્દ છે, ગંગાબાઈમાંથી ગંગાસતી કેમ થયું? એનું પણ રહસ્ય છે, સંતવાણીના બે શબ્દો છે: જતી અને સતી. જતી એટલે આત્મા, સતી એટલે આત્મામાં સ્થિર થયેલી સુરતા. સુરતા બે પ્રકારની છે: સંસારમાં ભટકતી હોય એ સુરતા ગણિકા છે, જ્યારે એ સુરતા આત્મામાં સ્થિર થાય ત્યારે સતી કહેવાય છે અને જ્યારે અને જેની સુરતા આત્મામાં સ્થિર થઈ તે પણ સતી કહેવાય છે. એ અર્થમાં ગંગાબાઈ ગંગાસતી છે.
શબ્દ – ૨ – મેરુ:
ભજન – ૧
મેરુ રે ડગે જેના મન ન ડગે, મર ને ભાંગી રે પડ ભરમાંડ.
ગંગાસતી પહેલા જ ભજનમાં કહે છે કે પાનબાઈ, મેરુ તો ડગે પણ મન ન ડગે, એ શા માટે એમ કહે? ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં ભારતીય અધ્યાત્મ પરંપરાનો પૂરો અધ્યાત્મપથ આપ્યો છે, પહેલું સોપાન કેવું છે? ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને અધ્યાત્મનું પહેલું સોપાન કયું કહે છે? પાર્થ, ‘રૂૂરુથ્રળજ્ઞર્ઉૈં ડડળરુપ ટજ્ઞ’ “હું તને બુદ્ધિયોગ આપું છું. બુદ્ધિયોગ પ્રથમ સોપાન, પછી તો ઘણાં આવે, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, સમર્પણયોગ. ‘ગીતા’માં બધું જ છે, પણ કર્મયોગ શરૂ કરતાં પહેલાં બુદ્ધિયોગ આપે છે તો બુદ્ધિયોગ અધ્યાત્મપથનું પહેલું સોપાન છે. બુદ્ધિયોગ એટલે શું? પહેલા તો બુદ્ધિ એટલે શું?
યોગશાસ્ત્રમાં બુદ્ધિની વ્યાખ્યા છે: ‘રુણહ્ય્રૂળાટ્ટપઇંળ મૈરુર્ણ્ળીં રૂૂરુર્થ્ીં’ નિશ્ર્ચય થાય, મનની જે ફેકલ્ટી નિશ્ર્ચય કરે તેને બુદ્ધિ કહેવાય, પણ બુદ્ધિ બુદ્ધિયોગ ક્યારે બને? જ્યારે અધ્યાત્મપથ પર મારે પગરણ મૂકવા છે એવો દૃઢ સંકલ્પ થાય તેને બુદ્ધિયોગ કહેવાય અને દૃઢ સંકલ્પ હોય તો જ ચાલી શકાય નહીં તો આ તો વીરોનો માર્ગ છે. અધ્યાત્મ તો વીરોનો માર્ગ છે. એ ચાલવા માટે વચ્ચે એવા માર્ગ – એવા ચઢાન આવે કે ભલભલાના છક્કાં છૂટી જાય, એટલે ગંગાસતી બુદ્ધિયોગ કહે છે – પહેલા જ ભજનમાં, મેરુ રે ડગે જેના મન ન ડગે એમ થયું છે, પાનબાઈ? તો ચાલો… બુદ્ધિયોગ સ્થિર થાય એ પહેલા ભજનમાં ‘મેરુ રે ડગે જેના મન ના ડગે મર ને ભાંગી રે પડ ભરમાંડ’ એ ગંગાસતી પાનબાઈને બુદ્ધિયોગ સમજાવે છે, જે બુદ્ધિયોગ ભગવાન કૃષ્ણે અર્જુનને સમજાવ્યો હતો તે જ.
આ શબ્દનો બીજો અર્થ પણ છે, મેરુ એટલે શું? કરોડરજ્જુને યોગની ભાષામાં મેરુદંડ કહેવાયા છે, અહીં મેરુ પર્વત છે એની વચ્ચેથી ઈડા-પિંગલા-સુષુમ્ણા નીકળે છે, જ્યારે કુંડલિની શક્તિનું જાગરણ થાય ત્યારે મેરુદંડ હચમચી જાય, મેરુ રે ડગે – મેરુ ડગશે ત્યારે મેરુદંડ હચમચી જશે તો પણ મન ન ડગવું જોઈએ – મર ને ભાંગી રે પડ ભરમાંડ – ભરમાંડ એટલે શું? આ શરીર જ બ્રહ્માંડ છે = પિંડે સો બ્રહ્માંડે – એટલે મેરુ તો ડગે પણ મેરુદંડ હચમચી જાય તો પણ મન ન ડગે, મર ને ભાંગી રે પડે ભરમાંડ – શરીરના ભલે ટુકડા થાય, પણ પાનબાઈ પાછા
વળવું નહીં. (ક્રમશ:)