લોભ – તૃષ્ણાની યાત્રા કદી પૂરી થતી નથી
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
્દુનિયાને જીતવા નીકળેલા સિકંદરો
અધવચ્ચે જ અટકી જાય છે
માણસ રોટલાના ખડકલા કરતો રહે
છે પણ ખાવાનો વખત આવતો નથી
જીવનમાં જે બધી મુશ્કેલીઓ છે, દુ:ખ છે, યાતના છે તેના મૂળમાં લોભ અને તૃષ્ણા રહેલા છે. લોભ અને તૃષ્ણાને કારણે ગમે તેટલું મળે તો પણ સંતોષ થતો નથી. મોટી હવેલીઓ અને મહેલાતો હોય, ગાડી બંગલા હોય, નોકર ચાકર અને સાહેબી હોય તો પણ માણસને એમ લાગે છે કે હજુ થોડું વધુ મળી જાય તો સારું. માણસ પાસે સોના ચાંદીના પર્વતો ખડકાઇ જાય તો પણ તેને સંતોષ નહીં થાય. તૃષ્ણાનો કોઈ અંત નથી. માણસ જેટલું પ્રાપ્ત કરે છે તેથી વધુ અધિક મેળવવાની સતત ઝંખના ઊભી થાય છે. હંમેશાં લાગ્યા કરે છે કે હજુ ઘણું ખૂટે છે. તૃષ્ણા અને લોભના કારણે માણસ પોતાની પાસે જે છે તેનો આનંદ અનુભવી શકતો નથી. લોભ અને તૃષ્ણા પર વિજય મેળવવાનું એટલું આસાન નથી. જિંદગીના છેલ્લા સમયમાં પણ આંખો ખુલતી નથી અને વસવસો રહ્યા કરે છે જિંદગીમાં જોઈએ તેટલું મેળવી શકાયું નહીં.
જીવવા માટે રોટલો રળવો જરૂરી છે. પૈસા કમાવા જરૂરી છે, પરંતુ એ બધું જીવન જીવવા માટે છે જીવન જ ના રહે તો એ પૈસા શા કામના ? માણસ રોટલા પર રોટલાના ઢગલા કરતો રહે છે અને ખાવાનું સાવ ભૂલી જાય છે. અને ખાવાનો વખત આવે ત્યારે ભૂખ રહેતી નથી. રોટલા એમના એમ પડ્યા રહે છે.
સિકંદર હિન્દુસ્તાન તરફ આવતો હતો ત્યારે ડાયોજિનસ સાથે તેનો ભેટો થયો. ડાયોજિનસે તેને પૂછ્યું ક્યાં જાય છે અને શું કરે છે ?
સિકંદરે કહ્યું હું વિજય યાત્રા પર નીકળ્યો છું પહેલા મારે એશિયા માઈનર જીતવું છે. ડાયોજિનસે કહ્યું બરાબર પણ પછી શું ઈચ્છા છે ? તેણે કહ્યું હિંદુસ્તાન પર વિજય મેળવવો છે. ડાયોજિનસે કહ્યું પછી ? તેણે કહ્યું આખી દુનિયા જીતવાની ઈચ્છા છે. ડાયોજિનસે કહ્યું એ તો સમજ્યા પણ આખી દુનિયાને જીતીને પછી શું કરવું છે? સિકંદરે કહ્યું બસ પછી તો આરામ કરવાની ઈચ્છા છે.
ડાયોજિનસે તો બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો અને તેઓ સમુદ્રનાં કિનારે રેતી પર સૂતા હતાં. કશું હતું નહીં. માત્ર લંગોટી પહેરીને સવારના તડકાનો આનંદ માણી રહ્યાં હતાં. સિકંદરની વાત સાંભળીને તેઓ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું તારે આરામ જ કરવો છે તો મારી બાજુમાં આવી જા. હું આરામ જ કરી રહ્યો છું. તેને માટે આટલો ઉપદ્રવ કરવાની શી જરૂર છે ?
સિકંદરે કહ્યું વાત તો તમારી પસંદ છે, પરંતુ અત્યારે હું આરામ નહીં કરી શકું. પહેલા હું દુનિયાને જીતી લઉં પછી નિરાંતે આરામ કરીશ.
ડાયોજિનસે કહ્યું જીતની સાથે આરામને શું સંબંધ છે ? અમે તો કશું જીત્યા વગર આરામ કરીએ છીએ.
સિકંદરે કહ્યું અત્યારે તો હું વિજય યાત્રા પર નીકળી ચૂક્યો છું. અડધે રસ્તેથી પાછો ફરી શકું નહીં.
ડાયોજિનસે કહ્યું અડધે રસ્તેથી પાછા ફરવું પડે એવું પણ બને. લોભ અને તૃષ્ણાની યાત્રા કદી પૂરી થતી નથી. અને એમ જ થયું. હિન્દુસ્તાનથી પાછો ફરીને સિકંદર ફરી ગ્રીસ સુધી પહોંચી ન શક્યો . વચમાં જ મરી ગયો. દુનિયાના બધા સિકંદરો અડધી યાત્રામાં જ મરી જાય છે. ધન અને સંપત્તિનો અંબાર લાગી જાય છે, પરંતુ ભોગવી શકતા નથી. ઊંઘી શકતા નથી. સુખ મેળવવા માટે આખું જીવન વીતાવી નાખે છે અને છેવટે હાથ ખાલી રહી જાય છે. ઘણું કરવાનું બાકી રહે છે અને યાત્રા અધૂરી રહી જાય છે.
ધન, દોલત, સંપત્તિ હોવા છતાં આનંદથી જીવી ન શકીએ તો બધું વ્યર્થ છે. જીવનમાં જેટલું જરૂરી છે તેથી વધુ મેળવવાની ઈચ્છા જ માણસને દોડાવે છે. તાણ અને ચિંતા ઊભી થાય છે. મહાવીર પ્રભુએ આપણને આ કળણમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. એ છે સમ્યક્ માર્ગ. કાંઈ પણ વધુ નહીં અને કાંઈ પણ ઓછું નહીં. જીવનમાં બધું પર્યાપ્ત માત્રામાં સારું. આ સમતુલા જળવાઈ રહે તો કોઈ વિટંબણા રહેશે નહીં.
લોભ માત્ર પૈસાનો હોય એવું નથી. સત્તા, માન અને પ્રતિષ્ઠાનો પણ હોઈ શકે છે. આમાં પણ વધુ મેળવવાની ઈચ્છા અને અપેક્ષા હોય છે. જે નથી મળ્યું એની લાયમાં જે મળ્યું છે એનો આનંદ માણી શકાતો નથી.
લોભનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. કોઈ લોભી છે તે જલ્દીથી કળી શકાતું નથી. લોભી માણસ પણ ઉદારતાની વાત કરતો હોય છે. મોહ માણસની આંખમાં દેખાય, ક્રોધ ચહેરા પર જણાઈ આવે, પરંતુ લોભ જોઈ શકાતો નથી. માણસ બહારથી ઉદાર દેખાતો હોય પણ અંદરથી કૃપણ હોઈ શકે છે. થોડું જતું કરીને વધુ મેળવવાની લાલસા હોઈ શકે છે.
તૃષ્ણાની સીડીનાં પગથિયાં કદી પૂરા થતા નથી. તૃષ્ણા અને લોભ ન કરવાનું કરાવે છે. આમાં માણસને ભાન રહેતું નથી. બુદ્ધિ વિચલિત થઈ જાય છે. લોભ અતૃપ્ત વાસનાને બહેકાવે છે અને અધ્ધરતાલ રાખે છે. જેમની જોળીઓ છલોછલ ભરેલી છે તેમને પણ વધુ જોઈએ છે. થેલી ફાટી જશે તેનો કોઈ વિચાર કરતું નથી. થેલી થોડી ખાલી રહે, ધન આવતું જાય અને સન્માર્ગે વપરાતું જાય અને તેનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તેની મજા અનોખી છે.