ધર્મતેજ

ધાર્મિક વ્યક્તિનું કામ અનીતિ આચરનારને ઢંઢોળવાનું છે…

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
રાજા યશધવલનો આદેશ મળતાં જ મંત્રીઓ, પુરોહિતો, સૈનિકો, સેવકો, રાજનર્તકીઓ અને પ્રજાજનો પૂર્ણ ભક્તિભાવથી ‘ત્રિશૂળ’ તેમજ ‘નંદા-ઘુંઘુટી’ શિખરો પર પહોંચ્યા. થાકેલા યશધવલને પ્રફુલ્લિત કરવા રાજનર્તકીઓએ નાચગાનની મહેફિલનું આયોજન કર્યું. આ નૃત્યસંગીતનો જલસો જોઈ રાજપુરોહિત ક્રોધાયમાન થયા પણ રાજા યશધવલ નર્તકીઓનો નાચ જોવામાં મશગૂલ હતા તેઓએ રાજપુરોહિતની ગંભીર ચેતવણીનો દરકાર કરતાં નથી અને નાચગાનની મહેફલ માણતાં રહ્યા, પરંતુ આ શું? નર્તકીઓના ઘુંઘરું બાંધેલા પગ પથ્થર બનીને ધરતી સાથે જડાઇ ગયાં! સૌ ગભરાઈ ગયાં. રાજા યશધવલને પુરોહિતની વાત સમજાઈ ગઈ, રાજાએ પુરોહિતની અવગણના કરીને દેવભૂમિને ભ્રષ્ટ કરવાનું પાપ આચર્યું અને તે પવિત્ર ભૂમિને અપવિત્ર કરવાનો દંડ નગરવાસીએ ભોગવવો પડયો અને પ્રજા તે કોપમાંથી ઊગરી ન શકી. એકાએક વાદળો ઘેરાયાં, વીજળી ચમકી અને પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું. સમગ્ર કનોજ શહેર જળમાં એકાકાર બની ગયાં. ચોતરફ પાણી પ્રચંડ વેગથી વહેવા લાગ્યું અને જળપ્રવાહમાં સમગ્ર કનોજ શહેર ડૂબી ગયું. ગભરાયેલા યશધવલ અને રાણી વલ્લભા ‘નંદા-ઘુંઘુટી’ પર્વતની ટોચ પર પહોંચે છે અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા આરાધના કરવા માંડે છે. માતા પાર્વતી પ્રસન્ન થતાં રાણી વલ્લભા વરદાનમાં પોતાનું રાજ્ય ફરી માગે છે. માતા પાર્વતીનું વરદાન મળતાં જ કનોજ રાજયમાં ફરી વળેલું પાણી દૂર થઈ જાય છે. યશધવલ અને વલ્લભા ફરી રાજયની ધૂરા સંભાળવા લાગ્યા અને ઘણા વરસો સુધી તેણે રાજ કર્યું અને આજીવન શિવભક્તિનો પ્રચાર અને પ્રસાર કર્યો. બીજી તરફ નંદભદ્ર નામનો એક પ્રમાણિક વૈશ્ય હતો. સમગ્ર સંસારમાં કહેવાતું કે નીતિમત્તા તો નંદભદ્રની! ક્યારેય અનીતિ ન આચરે. આ વૈશ્ય વેપારી એવો તો ધર્મનિષ્ઠ હતો કે લોકો તેને ધર્માત્મા કહીને બોલાવતા. અહર્નિસ શિવભક્તિમાં ડૂબેલો રહેતો. રાત્રે સૂતી વખતે સરવૈયું માંડે તેમ વિચારતો કે, ‘પોતાનાથી દિવસ દરમિયાન ક્ોઈ ખોટું કામ તો નથી થયું ને?’ કદાચ કંઈ ખોટું થયું હોય તો પ્રાયશ્ર્ચિત્ત માટે તૈયાર રહેતો. નંદભદ્રની પડોશમાં સત્યવ્રત નામનો શૂદ્ર રહેતો હતો. તે હંમેશાં નંદભદ્રની નિંદામાં જ વ્યસ્ત રહેતો. નંદભદ્ર પૂરેપૂરો આસ્તિક હતો, ત્યારે સત્યવ્રત પૂર્ણ નાસ્તિક હતો. આ દૂરાચારી સત્યવ્રત એવા મોકાની રાહ જોતો રહેતો કે નંદભદ્રને ધર્મભ્રષ્ટ કરી શકાય.


અચાનક એક દિવસ ધર્માત્મા નંદભદ્રનો પુત્ર મૃત્યુ પામ્યો. પુત્રના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતાં થોડા દિવસ બાદ નંદભદ્રની પત્ની કનકા પણ મૃત્યુ પામી. પત્ની અને પુત્રના અકાળ અવસાને નંદભદ્રને ખૂબ આઘાત તો લાગ્યો પણ તે પ્રખર શિવભક્ત હોવાથી પોતાના મનને મનાવ્યું કે જેવી ભગવાન શિવની ઇચ્છા. તેણે પોતાના ધર્મ પરની શ્રદ્ધા જરાય ડગવા ન દીધી. પત્નીના મૃત્યુ બાદ ગૃહસ્થધર્મ નિભાવવાનું કપરું હતું, પણ પોતે અડગ રહ્યો.

એક દિવસ મોકો મળતાં જ સત્યવ્રત નંદભદ્રને કહે છે:

સત્યવ્રત: ‘મિત્ર નંદભદ્ર તમારા પર જે વિપત્તી આવી પડી છે તે જોતાં તો મને એમ લાગે છે કે ધર્મ ફક્ત આઘાત આપવાનું સાધન છે, જ્યારથી તમે પથ્થર પૂજવાનું શરૂ કર્યું છે ત્યારથી તમારી દુર્દશા થઈ છે. તમારો વહાલસોયો દીકરો અને પત્ની તમને નોંધારા મૂકીને ચાલી ગયાં, આવું ફળ તો કુકર્મીઓને મળવું જોઈએ તમારા જેવા ધર્મનિષ્ઠોને નહીં. હાલમાં તમે બ્રાહ્મણોને જમાડો છો તે શું મૃત્યુ પામેલા તમારા પુત્ર કે પત્નીને મળતું હશે. મને તો એમ લાગે છે કે, આ જગતનું નિર્માણ કરનાર ઇશ્ર્વર જેવું કંઈ હોતું નથી, અહીં મનુષ્ય જ સર્વોપરી છે. આકાશ, પૃથ્વી, તેજ, વાયુ વગરે સ્વાભાવિક જ છે.પાપ-પુણ્યની વાતો ફક્ત કલ્પનાઓ જ છે, ભયવગર પ્રીતિ ન થાય બાકી ધર્મ તો દ્રવ્યોપાર્જન કરવાનું એક સાધન અવશ્ય છે.

શુદ્ર સત્યવ્રત અત્યારે આશ્ર્વાસન આપવાને બદલે ઘા પર મીઠું ભભરાવી રહ્યો હતો, પરંતુ તેની વાતોથી નંદભદ્ર પર કોઈ અસર નહીં થઈ.

નંદભદ્ર: મિત્ર તારું નામ સત્યવ્રત છે. તમે કહો છો કે ધર્મનું આચરણ કરનાર હંમેશાં દુ:ખી રહે છે તે વાત તદ્દન અસત્ય છે, સત્યવ્રત તું મારી પાસે બેસ, તને હું ધર્મ વિશેની જાણકારી આપું. ધર્મની પ્રાચીન પરિભાષા એ છે કે, ‘યત અભ્યુદય નિ:શ્રેયસસિદ્ધિ: સ ધર્મ:’

અર્થાત્ : ‘જેના આચરણથી આ લોકમાં અભ્યુદ થાય, સુખશાંતિ મળે ને પરલોકમાં સુગતિ મળે તે ધર્મ.’ પ્રતિકૂળતા એ ઇશ્ર્વર તરફથી મોકલાવેલ કૃપાપ્રસાદ છે. પ્રતિકૂળતાથી માણસ ઘડાય છે, પ્રતિકૂળતાનો સમય પૂર્ણ થયા બાદ આપણને સ્વર્ગલોકની અનુભૂતિ થાય છે. ધર્મને અવગણનારો પણ ધર્મ વગર જીવી શકતો નથી. ધર્મનું પાલન કરનાર હંમેશાં પૂર્ણ સુખને પામે છે, મનને અપાર શાંતિ મેળવે છે. ધર્મની ભૂમિકા શુદ્ધ હોય છે. ધર્મનું બીજ એ પવિત્ર ભૂમિમાં જ પલ્લવિત થાય છે. ધર્મી મનુષ્ય સાચો શ્રીમંત છે. ધર્મ નિત્ય છે. સર્વ શત્રુઓનો ધર્મ નાશ કરે છે. ધર્મની શુદ્ધભાવના જે માનવ ધારણ કરે છે તે નિર્મળ અને પુનિત બને છે. ધર્મ દ્વારા મેળવેલી કમાણી આલોક અને પરલોકમાં પણ કામ આવે છે. ધર્મ વિનાનું જીવન પ્રાણ વિનાના શરીર જેવું છે, શબ સમાન છે. શિવકથા કે ધર્મકથા મનુષ્યના પાપને બાળી નાખે છે અને તન મનને શાંતિ આપે છે. ધર્મમાં અજબ પ્રકારની તાકાત છે, જે કોઈ માનવ ઇષ્ટદેવની આરાધના કે ઉપાસના કરે તો તે જીવ મોક્ષે જાય છે. ધર્મ જીવન જીવવાની કળા શિખવે છે.’

સત્યવ્રત: ‘મિત્ર તારી વાત મને યોગ્ય લાગતી નથી, માણસો પથ્થરની મૂર્તિને પૂજે છે એને એ નિર્જીવ મૂર્તિઓ શું આપી પાડશે.’
નંદભદ્ર: મિત્ર તને હું પૂછું છું કે શું આંધળો સૂર્યદેવને જોઈ શકે છે? બ્રહ્માથી માંડીને સર્વ દેવતાઓ, મહાત્માઓ, ઋષિમુનિઓ અને ચક્રવર્તી રાજાઓ પણ પોતાના ઇષ્ટદેવની આરાધના – ઉપાસના કરે છે. હજારો વર્ષ અગાઉ એમના દ્વારા સ્થાપિત મૂર્તિઓ આજેય મોજૂદ છે. શું તેઓ મૂર્ખ હતા. ઇશ્ર્વર નથી એવી વાતો તો કેવળ મૂર્ખ માણસનો બકવાસ છે, સાંભળ સત્યવ્રત કોઈ શાસક વિના પ્રજા રહી શકે ખરી? ધાર્મિક વ્યક્તિનું કામ સૂતેલાને જગાડવાનું અને અનીતિ આચરનારને ઢંઢોળવાનું છે. ધાર્મિક થવું તે સાધન છે. ધાર્મિક દેખાવું તે વિલાસ છે અને ધાર્મિક બનવું તે પોતાના આત્મહિતાર્થ માટે જ છે. ધર્મ દ્વારા વ્યવહાર ધર્મમય બનાવવામાં આવશે ત્યારે જ સાચા અર્થમાં ‘ધાર્મિક’ બની શકાશે. માટે ધાર્મિક અને પ્રેમમય વ્યવહાર દ્વારા જીવનને વિશુદ્ધ રાખવું જરૂરી છે. નારાયણના નામનું નાણું જેની પાસે છે તેનો ખજાનો ક્યારેય ખૂટતો નથી.

ધર્માત્મા નંદભદ્રની સામે લૂચ્ચો સત્યવ્રત ભોઠો પડી ગયો. સત્યવ્રતને ધર્માત્મા નંદભદ્રએ પંચાક્ષર મંત્ર ‘ઓમ નમ: શિવાય’ આપ્યો અને તે દિવસથી સત્યવ્રતના જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન આવી ગયું.

નંદભદ્ર ભગવાન શંકરના સાક્ષાત દર્શન કરવાના હેતુથી કપિલેશ્ર્વર મંદિરમાં ગયો અને પ્રાર્થના કરતાં કહ્યું, ‘પ્રભુ, જ્યાં સુધી આપ મને દર્શન નહીં આપો ત્યાં સુધી હું અહીં ઊભા રહીને નામસ્મરણ કરતો રહીશ.’

સ્કંદપુરાણ આ કથાને સુપેરે આલેખતાં કહે છે કે નંદભદ્રને ચોથે દિવસે ભગવાન શિવે બાળસ્વરૂપે દર્શન આપ્યા હતાં. ભગવાન શિવના સાક્ષાત દર્શનથી નંદભદ્ર કૃતકૃત્ય થઈ ગયો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button