ગીતા મહિમા: ……જેના ઉપર આપણો કાબૂ છે!

-સારંગપ્રીત
ભગવાન કૃષ્ણ સત્ત્વ ગુણને ઉજાગર કરી રહ્યા છે, તે સમજીએ. દૈવી ગુણમાં સત્ત્વ અને દમ બંને તત્ત્વો મનુષ્યના આત્મ નિયંત્રણને અભિવ્યક્ત કરે છે. એક ઉદાહરણથી સમજીએ.
તપને MBA પૂર્ણ કરીને એક ફર્મમાં મેનેજરની નોકરી મેળવી. તેનો આઈ. ક્યુ. ઘણો ઊંચો છે. બધી બાબતોમાં હોશિયાર છે, છતાં ધારી પ્રગતિ કરી શકતો નથી. આરામપ્રિય નથી, છતાં દરેક કામ મોડેથી કરવાની એને આદત છે. ઑફિસે જવું હોય તો છેલ્લી ઘડીએ તૈયાર થાય. બહાર જવું હોય, ટ્રેઈન પકડવી હોય, ગમે તે કામ કરવાનું હોય, છેલ્લી ઘડી તૈયાર થાય અને પછી દોડાદોડી કરી મૂકે.
એક દિવસે તપનને તેના બોસે પૂછ્યું, ‘કેમ રોજ આવું થાય છે?’ તપને કહ્યું, ‘હું રોજ વહેલાં આવવાનો પ્રયત્ન કરું છું, છતાં સફળતા મળતી નથી. મને લાગે છે, હવે મારા હાથની વાત રહી નથી.’ શું અર્ધો કલાક વહેલાં ઊઠવું એ આપણા હાથની વાત નથી? અહીં કેવી વિચિત્રતા નજરે ચડે છે. એક બાજુ આપણે 21મી સદીમાં જીવીએ છીએ જ્યાં સ્વતંત્રતાની અવધારણા વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી ગઈ છે. અને બીજી બાજુ આ શતાબ્દીમાં સૌથી વધારે પરતંત્રતા આ શબ્દોથી અભિવ્યક્ત થાય છે, ‘મારા હાથની વાત નથી ! આમાં મારું કાંઈ ચાલે નહીં !’
લોકોને આમ કહેતાં ઘણીવાર સાંભળ્યા હશે, ‘શું કરું ક્રોધ ઉપર મારો કાબૂ રહેતો નથી.’ ‘આ વ્યક્તિ સામે દેખાય એટલે બોલાઈ જ જાય.’ ‘શું કરું ? આ વાનગી થાળીમાં આવે એટલે જમવામાં કાબૂ રહેતો જ નથી.’ આપણા ઉપર આપણો જ કાબૂ નથી એ જ મોટી પરતંત્રતા છે.
આવી પરતંત્રતાથી પોતાને જ નહીં અન્યને પણ મુશ્કેલીઓ નડે છે. કોકને કડવા વેણ કહેવાઈ ગયા હોય, પછી આપણી આ સમજણનો કોઈ અર્થ રહેતો નથી કે આપણે બોલવાની ઇચ્છા ન હતી પરંતુ બોલાઈ ગયું. પણ જેના પર વીત્યું હોય તેના હૃદયનો આઘાત તો કાયમી બની જાય છે.
હવે ખરેખર આપણે કહીએ છીએ કે અમુક વસ્તુ પર મારો કાબૂ નથી, સાચે જ એવું છે કે આપણે એવી માન્યતા ઊભી કરી છે! આને સમજીએ, ધારો કે તમારા પગમાં દુખાવો હોય અને ઑફિસે જવામાં મોડું થાય છે. કારણ પૂછવામાં આવે તો કહેશો, ‘પગમાં દુ:ખાવો છે. એટલે ગતિ ધીમી છે. આમાં હું શું કરું?’ પણ જ્યારે અચાનક તમારી પાછળ હિંસક સિંહ પડે ત્યારે શું થાય? તમારી ગતિ નહીં વધે? એટલે કે ગતિ વધારવા-ઘટાડવા માટે ઉત્તરદાયી તો આપણે પોતે જ છીએ.
ઘણીવાર લોકો માને છે કે લાગણીઓ પર માણસનું નિયંત્રણ નહીંવત્ છે, પરંતુ ખરેખર આવું છે ? જો નિયંત્રણ હોય તો લાગણીઓને કેવી રીતે નિયંત્રણમાં રાખવી? એક પ્રસંગથી આનો જવાબ જાણીએ.
તા. 24/9/2002 ના દિવસે સારંગપુરમાં સાંજે પ્રમુખસ્વામી મહારાજ વરિઠ સંતો સાથે કચ્છમાં સંસ્થા દ્વારા ચાલી રહેલી ભૂકંપરાહત પુનર્વસન પ્રવૃત્તિ અંગે મિટિંગ કરી રહ્યા હતા. 5:10 વાગ્યે ગાંધીનગરથી એક અર્જન્ટ ફોન આવ્યો. ફોનમાં જાણ કરી કે અક્ષરધામમાં આતંકવાદીઓ પ્રવેશ્યા છે ને અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. સ્વામીશ્રીની દૃષ્ટિ ક્ષણભર સ્થિર થઈ ગઈ પણ જરાપણ સ્વસ્થતા ગુમાવ્યા વિના તેમણે તત્ક્ષણ કહ્યું, ‘આતંકવાદીઓએ અક્ષરધામમાં ઘણી હિંસા કરી છે પણ હવે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે વધુ હિંસા ન થાય, ખુવારી ન થાય અને એ લોકો પકડાઈ જાય. એટલું કહી ધૂન- સ્મરણમાં જોડાયા. ધૂન પછી તરત જ અમુક સંતોને ગાંધીનગર પહોંચવા આજ્ઞા કરી. થોડી જ વારમાં સી. એમ. ની ઓફીસમાંથી ફોન આવ્યો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી તેઓને ઓપરેશન સફળતાથી પાર પડે તેવા આશીર્વાદ આપ્યા.
થોડાક સમય બાદ સુરતના વ્યવસ્થાપકો સાથે મિટિંગ કરી. સુરતમાં અદ્યતન સુવિધા સજ્જ હોસ્પિટલ, વિદ્યાર્થીઓ માટે છાત્રાલય તથા વરાછામાં નવા સંસ્કારકેન્દ્રના બાંધકામ માટે વિમર્શ કરીને સ્વસ્થતાપૂર્વક માર્ગદર્શન આપ્યું.
લાગણી ઉપરનું કેવું નિયંત્રણ ! એક તરફ નરરાક્ષસો માનવીને નિર્દય રીતે રહેસી રહ્યા છે, ત્યારે એ જ ક્ષણે એક સંત માનવીને નવું જીવન બક્ષવા એક સાર્વજનિક હોસ્પિટલના નિર્માણમાં વ્યસ્ત છે. એક તરફ કુસંસ્કારી યુવાનો નિર્મમ હત્યા કરવા તરસ્યા છે, ત્યારે એ જ ક્ષણે એક સંત એવા જ યુવાનોના શિક્ષણ, સ્વસ્થતા અને સંસ્કારનું જતન કરવા, છાત્રાલયના નિર્માણ માટે ચિંતિત છે. આજ જ છે દમ અને સત્ત્વ સંશુદ્ધિ.
આપણ વાંચો : ગીતા મહિમા : આસ્તિકતાનું ઊંડાણ