કર્તા છતાં અકર્તા

ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં ભગવાનને સર્વત્ર નીરખનાર ભક્તની પરમ ગતિની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ યથાર્થ દૃષ્ટા ભક્તની વિશેષતા બતાવે છે, તેને સમજીએ.
કૃષ્ણ ભગવાન કહે છે-
“પ્ઇૈંટ્ટ્રૂેમ ખ ઇંપળૃરુઞ રુઇૃં઼્રૂપળઞળરુણ લમૃય:
્રૂ: ક્ષશ્રરુટ ટઠળટ્ટપળણપઇંટળૃર્ફૈ લ ક્ષશ્રરુટ ॥ ૧૩/૨૯ ॥
અર્થાત્ જે બધા કર્મોને માયાથી થતાં જાણે છે તથા આત્મા તથા પરમાત્માને (કર્તા હોવા છતાં નિર્લેપ હોવાને કારણે) અકર્તા જુએ છે, તે યથાર્થ દૃષ્ટા છે. ૧૩/૨૯
આજકાલ ચારેબાજુ અનેક અપ્રિય ઘટનાઓ બની રહી છે. ક્યાંક યુદ્ધ તો ક્યાંક ધરતીકંપ, ક્યાંક દાવાનળ તો ક્યાંક ભીષણ પૂર. વ્યક્તિગત રીતે જોઈએ તો પણ માણસ અનેક ન કરવાનાં કાર્ય કરતો જોવા મળે છે. ત્યારે ઘણા પ્રશ્ર્ન કરે કે ભગવાન જો સર્વકર્તા હોય શા માટે આવું કરવા દેતા હશે? સામાન્ય રીતે લોકો ભગવાનને જ આ માટે જવાબદાર ઠેરવતા હોય છે.
ગૂગલ જે એક મલ્ટીનેશનલ કંપની છે જેનાથી સૌ કોઈ પરિચિત છે. તેના સીઇઓ સુંદર પિચાઇ છે, જે અમેરિકામાં રહે છે. આ ગૂગલ કંપનીની બેંગ્લોરમાં આવેલી ઑફિસમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યાં જેવાં કે ઑફિસની દીવાલનો રંગ બદલવામાં આવ્યો, પટાવાળાને છૂટો કરવામાં આવ્યો, ઑફિસમાં સફાઈનું કામ કરતી વ્યક્તિને બદલવામાં આવી, એક કર્મચારીને પ્રમોશન મળ્યું, પણ બીજાને પ્રમોશન ન મળ્યું, કોઈની બદલી થઈ. આ ઑફિસમાં કામ કરતી એક વ્યક્તિને આ બધા ફેરફાર યોગ્ય ન લાગ્યા. આથી તેઓ ગૂગલનાં સીઇઓ સુંદર પિચાઈને આ માટે બધો દોષ દેવા લાગ્યા. આ વાત કેટલી યોગ્ય છે? સુંદર પિચાઈ ગૂગલના સર્વેસર્વા ખરા, તેમની પાસે બધી સત્તા પણ ખરી, પણ શું તેઓ ગૂગલની વિશ્ર્વભરમાં ફેલાયેલી ઑફિસમાં આવા નાના-નાના કાર્યોમાં દખલ કરે? તેમણે આ ઑફિસ ચલાવવા કોઈની નિમણૂક કરી જ હશે. અને તે ઑફિસને લગતાં આવા નિર્ણયો તે અધિકારી જ લેતા હોય. તમે જ્યારે કોઈને કાર્યની સોંપણી કરો છો ત્યારે તેને કામ કરવાની સ્વતંત્રતા આપવી જ પડે. અને તો જ કાર્ય વ્યવસ્થિત રીતે થાય. આ બધી નાની નાની વસ્તુઓના નિર્ણય પાછળ સુંદર પિચાઈ હસ્તક્ષેપ ન જ કરે તે સ્વાભાવિક છે.
એવી રીતે અસંખ્ય બ્રહ્માંડોના સર્વેસર્વા એવાં પરમેશ્ર્વરે માયા અને સંચાલક દિવ્ય તત્ત્વોને બ્રહ્માંડ ચલાવવાં પ્રવૃત્ત કર્યાં છે. આ અનેક સંચાલકો બ્રહ્માંડનો કારભાર સંભાળે છે. આ બ્રહ્માંડને ચલાવવામાં કાળ, કર્મ અને માયા દ્વારા થતાં પ્રત્યેક કાર્યમાં પરમાત્મા બિનજરૂરી દખલઅંદાજી નથી કરતાં. પરમાત્મા સર્વશક્તિમાન હોવા છતાં નિર્લેપભાવે માયાના કાર્યને નિહાળે છે. જેવી રીતે કંપનીનો સીઈઓ તેની નીચેના માણસને કાર્ય કરવાની પરવાનગી આપે છે અને સાથે સાથે કામ કરવાની સ્વતંત્રતા પણ આપે છે. તેમ પરમાત્માએ કાળ, કર્મ, માયાને પરવાનગી સાથે સ્વતંત્રતા પણ આપી છે. આમ પરમાત્મા સર્વ શક્તિમાન સર્વકર્તા છે તેનો અર્થ ક્યારેય ન હોય કે તેઓ અન્યને કાર્ય કરવાની સ્વતંત્રતા ન આપે, બધા નિર્ણયો પોતે જ લે. બ્રહ્માંડ ચલાવવા માયાએ કરેલી વ્યવસ્થામાં મહદંશે તેઓ દખલ નથી કરતા.
મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે પરમેશ્ર્વર બ્રહ્માંડ ચલાવવાનું કાર્ય પ્રકૃતિને સોંપે છે. આ પ્રકૃતિ એટલે જ માયા. બ્રહ્માંડમાં થતી નાની મોટી પ્રત્યેક ઘટનાનું કાળ અને માયા દ્વારા નિયમન થાય છે. મનુષ્યના વ્યક્તિગત જીવનમાં આવતાં ચડાવ-ઉતાર તેના કર્મોને આધીન છે. માયા, કાળ, કર્મ સર્વેનાં પ્રેરક પરમાત્મા હોવાં છતાં તેઓ પોતાની અકર્તુંમ શક્તિએ કરીને નિર્લેપ ભાવે વર્તે છે. આ વાત સમજાવતાં ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે …જે સાચો ઉપાસક છે તે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવાં ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવાં ન જાણે, પુરુષ જેવા ન જાણે અને એ સર્વ થકી ભગવાનને જુદાં જાણે અને એ સર્વના નિયંતા જાણે અને સર્વના કર્તા જાણે અને સર્વના કર્તા થકા પણ નિર્લેપ છે એમ ભગવાનને જાણે.
પ્રકૃતિનું કાર્ય નિયમબદ્ધ રીતે ચાલે છે. આ નિયમો પરમાત્માએ આપેલા હોય છે અને તેને અનુસરીને માયા આ સૃષ્ટિનું સંચાલન કરે છે. જે ભક્ત આ સંચાલનને યથાર્થપણે સમજે છે તે પરમાત્માનો સાચો ભક્ત છે. અને તેથી તે આ જગતનાં નાના-મોટા દુ:ખ કે ઉપાધિ માટે ભગવાનને દોષી નથી માનતાં. તે સારી રીતે સમજે છે કે આ બધી ભગવાનની લીલા છે. માયા એનું કામ કરે રાખે અને આપણે પરમાત્માની ભક્તિનું કાર્ય કરે રાખવાનું છે.