લોકસંસ્કૃતિની સરવાણીનું નાજુક વહોળું: રાણીંગભગતની વાણી

ભજનપરંપરામાં ગુરુચરિત્રની વિગતોને અને આત્મચરિત્રોને ઘણું બધું સ્થાન પ્રાપ્ત થતું હોય છે
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
વેલનાથ શિષ્યપરંપરામાં ભારે સમર્થ શિષ્યોનાં ઉદાહરણો મળે છે.રામૈયે તો ભારે સમર્થ શિષ્ય છે, પરંતુ બીજા એક રાણીંગભગત નામના ગરાસિયાનાં પણ ઘણાં ભજનો પ્રચલિત છે. તેઓ જૂનાગઢ જિલ્લાના મયારી ગામના મૂળ વતની હતા. જ્ઞાતિએ ગરાસિયા હતા ને સંત વેલનાથનો સત્સંગ થયો. સત્સંગના રંગથી, સંતની સંગતથી પછી એની પંગતમાં ભળવાના ઓરતા જાગ્યા અને વેલનાથને ગુરુ ધારણ કરીને એમની સંતસેનામાં ભળી ગયા.
રાણીંગભગતના રાણીંગદાસ નામછાપથી જે ભજનો મળે છે એમાં મહિમા ગુરુ વેલનાથનો જ ગવાયેલો જોવા મળે છે. ગુરુપરંપરામાં ગુરુને દેવતુલ્ય માનીને એના શરણે-ચરણે નિત્ય નામસ્મરણ કરવું આવી પણ એક પરંપરા પ્રચલિત છે. રાણીંગદાસ આવી પરંપરાનું ઊજળું ઉદાહરણ છે. બીજું ભજનપરંપરામાં ગુરુચરિત્રની વિગતોને અને આત્મચરિત્રોની વિગતોને પણ ઘણું બધું સ્થાન પ્રાપ્ત થતું હોય છે. રાણીંગદાસનાં ભજનો આવી ચારિત્રાત્મક વિગતોથી પણ સભર જણાયાં છે. રાણીંગદાસ એકમના અને ટેકીલા શિષ્ય તરીકે પણ ઉદાહૃત થતા રહ્યા છે. માત્ર ગુરુચરણે જ પોતાને સમર્પિત કરીને એમાં શ્રદ્ધા રાખીને પોતાનું જીવન વ્યતીત કરવાનું વલણ અહીં રાણીંગદાસમાં દ્રષ્ટિગોચર થાય છે.
વેલનાથ ભારે મોટા યોગી અને મોટા ગજાના સાધક બની નાથયોગીની હરોળમાં સ્થાન-માન પામ્યા, પણ એની શિષ્યપરંપરામાં કોઈને નાથ એવી નામછાપ પ્રાપ્ત થઈ નથી. રવિભાણપરંપરામાં સાહેબ નામછાપ મોટા ભાગના શિષ્યોની સાથે જોડાઈ. એવી રીતે અહીં નામછાપ જોડાઈ જણાતી નથી. રામૈયો, રાણીંગદાસ અને એવા જ બીજા એક છે નારણ માંડળિયો. આ બધા સંતોએ વેલનાથની કેડીને વહેતી રાખી છે, જીવતી રાખી છે. પરંપરાને જીવંત રાખવી એ પણ મહત્ત્વનું પ્રદાન છે. સંતપરંપરામાંના આવી પરંપરાને જીવંત રાખનારા સંતોને ગૌણ ગણીને ઉવેખી શકાય નહીં. આજ સુધી મોટે ભાગે પરંપરાનો આરંભ કરનારા કે પરંપરાને સમૃદ્ધ કરનારા સંતોને જ વધુ ને વધુ મૂલવવામાં આવ્યા છે. પણ આવા કેડીને સાફસૂથરી રાખનારાની કે નાજુક નમણા વહેળાની તરફ બહુ ઓછાની નજર ગઈ છે. એને અવગણવાને બદલે એની વાણીનું અવગાહન કરીને એમાંથી ગુરુપરંપરાને જ્ઞાનને દ્રઢ કરનારાં તત્ત્વો અને સત્ત્વોની બનાવવા જોઈએ. એક ગરસિયો સંત બને, એ પરંપરા છે. એક ગરાસિયો ભજનિક બને એ પણ પરંપરા છે. મારી દ્રષ્ટિએ આ પરંપરાને પણ રાણીંગભગતે જીવતી રાખી છે એટલે રાણીંગદાસ પણ માત્ર વેલનાથ દર્શનને અને ગિરનારી સંતપરંપરાને જીવંત રાખનારા સંત નથી પણ એ તો ગરાસિયા જ્ઞાતિની ગરવાઈ ગણાવાય એવી પરંપરાના પણ મણકા છે. આવા મણકાઓથી જ માળા બનતી હોય છે. માળાને અખંડ, અક્ષ્ાુણ્ણ રૂપ મળે છે પરંપરાના આવા રખોપિયાઓ અને છડી પોકારનાર છડીદાર એવા સંતના પ્રદાનથી. રાણીંગદાસ આવા અહાલેક જગાડનારા સંત છે. એમની વાણીમાંથી પ્રાપ્ત થાય છે ચરિત્રાત્મક વિગતો. એક છેડે છે ગુરુ વેલનાથની ચરિત્રાત્મક વિગતો અને બીજા છેડેથી પ્રગટે છે આત્મચરિત્રાત્મક વિગતો. એમનું એક ખૂબ જ પ્રચલિત ચરિત્રાત્મક ભજન જ અવલોકીએ:
રાણીંગદાસ સરભંગી સાહેબના ચેલા,
રાણીંગદાસ ગિરનારી સાહેબના ચેલા,
મેલી મયારી ને મેલી રે મમતા,
હુવા ગરાસિયા ઘેલા. રાણીંગદાસ…૧
ગરવેથી ગેબી જોર બજાવે ને
પાયા પિયાલા લઈ પૂરા. રાણીંગદાસ…ર
પિયા પિયાલા મગન ભયા મન
છૂટી સેનામાં ગજ ગેલા. રાણીંગદાસ…૩
શબદે મારે ને શબદે જિવાડે ધણી
શબદે સૂકાંને કરે લીલાં. રાણીંગદાસ…૪
વેલનાથ ચરણે બોલ્યા રાણીંગદાસ
માતા મીણાંને પિતા વેલા. રાણીંગદાસ…પ
અહીં વેલનાથને સરભંગ ૠષ્ાિ સાથે અને ગેબી ગિરનારી સાહેબ સંત તરીકે સંબોધે છે જે ગુરુની મહત્તાનું પરિચાયક છે. આવા પ્રભાવક વ્યક્તિત્વ ધરાવનાર ગુરુને કારણે પોતાનું વતન મયારી તથા જયાં મમતા-માયા હતી એને છોડીને એમાં ઘેલા થવાને બદલે ગુરુ વેલનાથમાં ઘેલા થઈને ગુરુભજનમાં લીન થયાની વિગતો નિરૂપાઈ છે.
ગેરે વેલનાથ ગરવા ગિરનારેથી ભજનોની અને સાધનાની ઝૂંક બોલાવે છે. આવા ગુરુએ પ્રેમથી પૂરો પ્યાલો પાયો છે. શિષ્યત્વ પ્રાપ્ત થયા પછીના આનંદનો ઉદ્ગાર આ ભજનરચના છે એટલે આગળ ઉપર કહે છે કે ગુરુએ પીવડાવેલો જ્ઞાનપ્યાલો પીને પછી મન મગ્ન થયું. ગુરુભક્તિમાં લીન થવું એ છુટ્ટી સેનામાં હાથી ગર્વથી ઘૂમે એમ સંતોની મંડળમાં ઘૂમવા માંડવું.
શબદ-ભજન-જ્ઞાનવાણીથી જે જિવાડે છે – જીવતદાન આપે છે અને મોક્ષ્ા પમાડે છે, મારે છે એ જ સૂકાને લીલા કરે છે. એટલે કે, પ્રાણવાન અને ચૈતન્યવાન બનાવે છે એ મહિમાની વિગત અહીં નિરૂપાઈ છે.
આવા સમર્થ ગુરુ વેલનાથના ચરણે બિરાજમાન શિષ્ય રાણીંગ અહીં દાસ શબ્દ ભારે સાર્થક રીતે પ્રયોજે છે. કહે છે કે વેલનાથ ગુરુ છે પણ એ જ પિતા પણ અને મીણાંદેવી તેને (વેલનાથની પત્ની) માતા તરીકે સંબોધન થયેલ છે.
પ્રથમ દ્રષ્ટિએ સાવ જ સામાન્ય લાગે પણ અહીં ગુરુ અને શિષ્યની ચરિત્રાત્મક વિગતો પ્રગટતી હોઈને એનું દસ્તાવેજી દ્રષ્ટિએ અને લોક્સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનું ગણી શકાય એવું એનું સ્થાન અને માન છે. સંતવાણી એ સામાન્ય નહીં પણ આવા કારણે અસામાન્ય બની રહેતા હોય છે. એને લોક્સંસ્કૃતિની સરવાણી ગણવામાં આવે છે. આવી સરવાણીથી જ મૂળ પ્રવાહ વધારે ગતિશીલ, જીવંત અને સુદ્રઢ બનતો હોય છે. રાણીંગભગત આવી સરવાણીનું એક નાજુક નમણું વહેળું છે.