જે દિવસે પૂરતાં કારણો હોય છતાં ક્રોધ ન આવે તે દિવસ અધ્યાત્મની દિવાળી
માનસ મંથન -મોરારિબાપુ
બહુ ખતરનાક વાત છે, જો જો, સમજવાની ઉતાવળ નહીં કરતાં. ખુલાસો પછી આવે છે! પણ જેણે જેણે ભગવાનની કથા સાંભળી હશે તેનું અકાલ મૃત્યુ થશે! ભગવાનની કથા સાંભળે તેનું મૃત્યુ નહીં, અકાળે મૃત્યુ થાય! પ્રમાણ? રામાયણ, દશરથનું મૃત્યુ કેમ થયું? પ્રારબ્ધ પૂરું થાય એ પહેલાં મૃત્યુ. શ્રવણનું મૃત્યુ? અકાળે મૃત્યુ. મારાં ભાઈ-બહેનો, અકાળ મૃત્યુ એ સંદર્ભમાં કે ભગવાનની કથા જે સાંભળશે તેના મૃત્યુ પહેલાં ઘણું મરી જશે! અનેક વસ્તુઓ તેના સ્વાભાવિક મૃત્યુ પહેલાં મરી જશે. આપણને ખબર ન પડે એમ આપણો ક્રોધ વયો જશે. આપણને ખબર ન પડે તેમ આપણી ઈર્ષ્યાનું અકાળે મૃત્યુ થશે! તેથી કથા સાંભળ્યા કરો, સાંભળ્યા કરો ને સાંભળ્યા કરો. ટીકા કરે, બોલે, તેને બોલવા દો. એની વાતો એને મુબારક. શ્રવણ, કીર્તન, વિષ્ણો સ્મરણમ્ પાદસેવનં, અર્ચનમ્… જે શ્રવણ કરશે એના ભીતરના દોષોનું અકાળે મૃત્યુ થશે. એથી એનું નામ શ્રવણ બહુ સમજીને રાખ્યું છે.
ભગવાનની કથા જે કહેશે તેનું પણ અકાળે મૃત્યુ થશે! સ્વાભાવિક મૃત્યુની વાત જવા દો. એ મૃત્યુ તો જ્યારે આવે ત્યારે પણ અંદરની વસ્તુ મરી જાય. નહિતર આપણી ઈર્ષ્યા આપણું પ્રારબ્ધ પૂરું ન થાય ત્યાં સુધી મરવાની નથી. આપણો ક્રોધ આપણું પ્રારબ્ધ પૂરું ન થાય ત્યાં સુધી મરવાનો નથી. આપણી ઈર્ષ્યા દીર્ઘજીવી છે. કથા સાંભળો તો વ્યાસપીઠ તમારું અકાળે મૃત્યુ કરી નાખશે. આપણને ખબર પણ નહીં પડે અને સત્સંગનો વિવેક આડો આવશે. કોઈ તમારા પર ખીજાય ત્યારે તમને એ સમજાશે કે એ કથામાં નથી આવ્યો એથી તેને ખીજાવાનો અધિકાર છે, તું તો કથામાં ગયો હતો તેથી તેની વાતને હસીને ભુલાવી દેવાનો તને અધિકાર છે! આવા અધિકારોનું જતન કરો. કથા એ ક્રોધનું, વાસનાનું અને ઈર્ષ્યાનું અકાળ મૃત્યુ છે! ભગવાનની કથા જે કહેશે તેના પણ દોષો વયા જશે. બોલનારા ત્રણ રીતે બોલે અને સાંભળનારા ત્રણ રીતે સાંભળે. બોલનારો જીભથી બોલે, સાંભળનારો કાનથી સાંભળે. ઇન્દ્રિયની વાત ઇન્દ્રિય સુધી પહોંચે. જીભથી બોલાયેલું કાન સુધી પહોંચે. એ પ્રકૃતિનો નિયમ છે. જીભથી બોલે એ કાન સુધી પહોંચે, પરંતુ જીવથી બોલે એ શ્રોતાના પ્રાણ સુધી પહોંચે! અને જીવતરથી બોલાય એ શ્રોતાના રૂંવાડા સુધી પહોંચે! ત્રણ રીતથી બોલાય. જીવથી બોલાય-શ્રોતાના કાન સુધી પહોંચે. જીવતરથી બોલાય-શ્રોતાના રોમ રોમ સુધી પહોંચે! શ્રોતા-વક્તા જ્ઞાનનિધિ… આવી રીતનો અનુબંધ થાય ત્યારે બેયનું અકાળે મૃત્યુ થાય છે. એની વૃત્તિઓનું અકાળે મૃત્યુ થાય છે. આપણને ખબર ન હોય એમ આપણા દોષો ભાગે.
આપણો ક્રોધ બિલકુલ સ્વાભાવિક થઈ ગયો છે, ને તેથી દોષ છે. અહંકાર સ્વાભાવિક થઈ જાય તો દોષ છે. ક્યારેક તમારે એની આડ લેવી પડે તો ક્ષમ્ય છે. તેથી જ નરસૈંયો કહે-
હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જયમ શ્ર્વાન તાણે
જ્યારે સ્વભાવમાં વણાઈ જાય, ત્યારે એ દોષનું રૂપ ધારણ કરે છે. દોષ દુ:ખ આપે છે. દોષનું પરિણામ છે દુ:ખ, દોષી માણસ દુ:ખ પામે. મને આનંદ છે કે બહુ નાની ઉંમરમાંથી તમે ભાઈ-બહેનો કથામાં રુચિ લેતાં થયાં છો, તમે નાની ઉંમરમાંથી ક્રોધ પર બહુ વિવેક સાચવજો, તો મુનિ થતાં વાર નહિ લાગે. હું તમને વિનંતી કરું છું કે તમને બહુ ક્રોધ આવતો હોય, ક્યારેક ગમે તેવા પ્રસંગ ઊભા થાય અને તમને ક્રોધ ન આવે તો તે દિવસે હનુમાનજીને નારિયેળ વધેર જો. મા ખોડિયારને માથું નમાવજો કે હે મા જગદંબા, આજે મારા ક્રોધનું અકાળ મૃત્યુ થયું! હે હનુમાન, મારાં ઘરમાં રોજ તકરાર થતી હતી ને આજે ન થઇ. એવું થાય તે દિવસે ઘરમાં ઉત્સવ કરો. આપણી આધ્યાત્મિક જગતની દિવાળીઓ આવી હોવી જોઈએ. જે દિવસે આવું થાય તે દિવસ આધ્યાત્મિક જગતની દિવાળી છે!
મૃત્યુ અને અકાળમૃત્યુ ભગવદ્ કથાના શ્રવણથી થાય. બાકી આપણા દોષો એટલા દીર્ઘજીવી છે કે બીજા જન્મમાં પાછા એના એ આવશે. આ નિયમ છે, એનું એ મન પાછું આવશે. ઘણા કહે છે કે ઘરમાં શાંતિ નથી, બહારગામ જતા રહેવું છે. મન જે અશાંતિ કરે છે એને મૂકતો જા, એ તો તારી સાથે છે! એ તો તને ક્યાંય નિરાંત નહીં લેવા દે. બહારગામ જઈએ તો પણ આપણે તો એના એ જ છીએ ને? સ્વભાવ તો એનો એજ લઈ જવાના છીએ ને? અને ત્યાં સુધી તકરાર થવાની. સ્વભાવ મુકાઈ જાય તો અહીંયા જ હરિદ્વાર છે! પણ સ્વભાવ ક્યારે બદલે? સ્વભાવની વૃત્તિઓનું અકાળે મૃત્યુ ક્યારે થાય? જ્યારે વિવેક જન્મે અને વિવેક જન્મે સત્સંગથી. મને એક જણાએ કહ્યું કે સત્સંગથી જ જો સુધરી જવાતું હોત તો તુલસીદાસજીએ એમ કેમ લખ્યું છે કે-
खलउ करहिं भल पाई सुसंगू |
मिटई न मलिन सुभाऊ अभंगू ||
આ ચોપાઈ તો બિલકુલ વિરુદ્ધમાં જ જાય છે! આ સૂત્રથી, સત્સંગથી જો સ્વભાવ સુધરે એમ કહેવાતું હોય તો તુલસીજી આમ કેમ લખે છે? બાપ, તુલસીદાસજી બે રીતે લખે છે.
सठ सुधरहिं सतसंगति पाई |
पारस परस कुघात सुहाई ||
સત્સંગ મળે તો શઠ સુધરી જાય આવી સ્પષ્ટ બેટુક વાત લખી નાખી અને હવે એજ તુલસી કહે છે કે- खलउ करहिं भल पाई सुसंगू ? મલિન સ્વભાવ નહીં મટે, થોડો વખત સુધરે. મલિન સ્વભાવ નહીં મટે તો શું સમજવાનું? બહુ સીધું છે મારાં શ્રાવકો, ગુરુમુખથી માણસ સમજે. એક જગ્યાએ ‘સુસંગ’ શબ્દ છે અને એક જગ્યાએ ‘સત્સંગ’ શબ્દ છે. સત્સંગથી તો સુધરી જાય, પણ સુસંગ એ સત્સંગ નથી. ‘સત્સંગ’નો અર્થ છે જ્યાં સત્ય સિવાય કંઈ નથી. ‘સુસંગ’ તો ગામનો સરપંચ સારો હોય અને તેની સાથે તમે અંજાર જઈ આવો તોયે સુસંગ કહેવાય! પરંતુ એમાં કંઈ સ્વભાવ ફરી ન જાય! સત્સંગથી સ્વભાવ સુધરે.
(સંકલન: જયદેવ માંકડ)