ધર્મતેજ

ગ્રંથોના ગ્રંથ એટલે ભારતના વેદ વિદેશીઓને આપણા વેદમાં આટલો રસ કેમ પડ્યો?

સાંપ્રત -અભિમન્યુ મોદી

જગતસાહિત્યના સૌથી પ્રાચીનતમ ગ્રંથો. આ ગ્રંથોમાં પરમ જ્ઞાન અર્થાત્ ઈશ્ર્વર વિશેનું જ્ઞાન રહેલું છે. સાયણાચાર્ય કહે છે કે જે ઉપાય પ્રત્યક્ષ કે અનુમાનથી જાણી શકાતો નથી એને વેદથી જાણી શકાય છે. તેથી તેને ‘વેદ’ કહે છે. ઋગ્વેદ વગેરે જ્ઞાનની પ્રાપ્તિમાં સાધન હોવાથી ‘વેદ’ કહેવાય છે. ‘ઋગ્વેદભાષ્યભૂમિકા’માં સ્વામી દયાનંદ સરસ્વતી કહે છે કે – જેનાથી કોઈ પણ મનુષ્ય બધી સત્યવિદ્યાઓ જાણે છે, જેમાં બધી સત્યવિદ્યાઓ રહેલી છે, જેનાથી બધી સત્યવિદ્યાઓ મેળવી શકાય છે, જેનાથી બધી સત્યવિદ્યાઓ વિશે વિચારીને કોઈ પણ મનુષ્ય વિદ્વાન થઈ શકે છે તે વેદ છે. વિંટરનિત્ઝ કહે છે, ‘વેદ શબ્દનો અર્થ જ્ઞાન’, ‘પરમજ્ઞાન’, ‘પરમધર્મનું જ્ઞાન’ થાય છે. વેદ એટલે ‘વિદ્યા’. પવિત્ર અને આધારભૂત વિદ્યાથી ભરપૂર એવા આ જ્ઞાનભંડારમાં ભારતીય ધર્મ, તત્ત્વજ્ઞાન અને સમાજનું ઉત્કૃષ્ટ, અંતિમ કક્ષાનું, મહત્ત્વપૂર્ણ દર્શન થયેલું જોવા મળે છે.

ભારતનાં આસ્તિક દર્શનો અને વિવિધ વિદ્યાઓનાં મૂળ વેદમાં રહેલાં છે. તેથી તે ‘આમ્નાય’ અથવા ‘આગમ’ કહેવાય છે. ગુરુશિષ્ય-પરંપરાથી અથવા પિતા-પુત્રપરંપરાથી પ્રત્યક્ષ સાંભળીને કંઠસ્થ કરવા દ્વારા તે મેળવવામાં આવ્યા છે; તેથી ‘શ્રુતિ’ કહેવાય છે. વેદમંત્રોની અધિકાંશ રચના છંદોમાં થયેલી છે. તેથી ‘છંદસ્’ એવા શબ્દથી ઓળખાય છે. ઋષિઓને યજ્ઞક્રિયા દરમિયાન આ મંત્રોનું દર્શન થયેલું છે. તેથી તેઓ ‘દૃષ્ટા’ છે. આ સાહિત્ય ‘આર્ષ’ સાહિત્ય છે. આ અર્થમાં ભારતીય પરંપરાને માટે વેદ ‘અપૌરુષેય’ છે. સ્વામી દયાનંદ સરસ્વતી વેદને ‘નિત્ય’ કહે છે. તે અનાદિ છે. દૃષ્ટાઓએ તેમનું દર્શન કર્યું છે અને લિપિમાં ઉતાર્યા છે. આચાર્ય સાયણે લખ્યું છે કે વેદ અપૌરુષેય છે, તેના કર્તાઓ હોતા નથી. કલ્પના આરંભે ઈશ્ર્વરની કૃપાને કારણે જેમને મંત્રોની પ્રાપ્તિ થાય છે તેઓ ‘મંત્રકર્તા’ છે, એમ કહેવાય છે.

ભારતીય પરંપરા વેદને અપૌરુષેય માને છે, પરંતુ છેલ્લાં ત્રણ શતકોમાં પશ્ર્ચિમી વિચારણાના સંપર્કથી ઐતિહાસિક અભિગમ અપનાવીને વેદ ક્યારે રચાયા હશે. એની વિચારણા ભારતમાં થતી આવી છે. આ રચનાકાળ અંગે મેક્સમૂલર, મેકડોનલ, હ્યુગો, ડૉ. આર. જી. ભાંડારકર, બાલગંગાધર ટિળક, યાકોબી, ડૉ. હોગ, નારાયણ પારંગી, દયાનંદ સરસ્વતી વગેરેએ વિચાર કર્યો છે. આ અંગે મતભેદ સારા એવા પ્રમાણમાં છે. વિંટરનિત્ઝના મત મુજબ વેદોનો રચનાકાળ ઈ. પૂ. ૨૫૦૦થી ઈ. પૂ. ૫૦૦નો છે, તેમ છતાં હજુ પણ આમાં વિશેષ સંશોધનને અવકાશ છે.

માધવાચાર્યે પોતાના ગ્રંથ ‘ન્યાયવિસ્તર’માં જણાવ્યું છે તેમ, આ વેદની અભિવ્યક્તિની ત્રણ પદ્ધતિઓ છે : ગદ્ય, પદ્ય અને ગાન. આથી વેદ ‘ત્રયી’ કહેવાય છે. મંત્રો ત્રણ પ્રકારના છે: ગદ્યાત્મક, પદ્યાત્મક અને ગાનાત્મક. ચારેય સંહિતાઓમાં તે આવેલા છે. પદ્યાત્મક ઋકમાં છે. ગાનાત્મક સામવેદમાં છે. સામાન્યત: ગદ્યાત્મક યજુર્વેદમાં છે. ગદ્યપદ્યાત્મક અથર્વવેદમાં છે. સંહિતાઓ ચારમાં ગદ્યાત્મક વિભક્ત છે, તે વિષયભેદને આધારે છે.

મંત્રો ચાર સંહિતામાં કઈ રીતે ઊતરી આવ્યા, તે અંગે યજુર્વેદભાષ્યને આરંભે આચાર્ય મહીધરે સરસ નિર્દેશ આપ્યો છે. બ્રહ્મા પાસેથી પરંપરા દ્વારા વેદવ્યાસને વેદ મળ્યા હતા. મનુષ્યો મંદમતિના છે. તેથી તેમની ઉપર દયા કરવાના હેતુથી, તેઓ ગ્રહી શકે એટલા માટે વેદવ્યાસે વેદને ઋક, યજુ, સામ અને અથર્વના નામે ચાર ભાગમાં વિભક્ત કર્યા અને પછી અનુક્રમે તેમનો ઉપદેશ પોતાના શિષ્યો પૈલ, વૈશમ્પાયન, જૈમિની અને સુમન્તુને આપ્યો. આ કારણે તો તે ‘વેદવ્યાસ’ કહેવાયા છે. વેદવ્યાસે વેદને જુદી જુદી ચાર સંહિતાઓમાં પૃથક કર્યો છે.

સંહિતાઓ અખંડિત સ્વરૂપમાં જળવાઈ રહી છે; તેનો યશ ગૌરવશીલ મહામના ઋષિઓને છે. મંત્રોના સંહિતાપાઠને વધારે પ્રામાણિકપણે સાચવી શકાય એટલા માટે કાળક્રમે જુદી જુદી વિકૃતિઓ વિકસાવવામાં આવી છે. (વિકૃતિનો ભગવદગોમંડળ અનુસાર અર્થ- વેદમંત્રોના પદ સંધિ વિના જુદા પાડી તેના પાઠ કરવાની એકવડી, બેવડી કે ત્રેવડી એમ આઠ રીત.) સંહિતાપાઠને આધારે પદપાઠ, ક્રમપાઠ, જટાપાઠ, ઘનપાઠ જેવી આઠ પ્રકારની વિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે; જેમ કે –
સંહિતાપાઠ –
अग्निमीले पुरोहिते यजस्य देवमृत्विजम् ।
होतारं रत्नधातमम् ॥ ऋग्वेद 1-1-1

પદપાઠ –
अग्निम् । ईले । पुर ः हितम् । यजस्य । देवम् । ऋग्विजम् ।
होतारम् रत्मधातमम् ॥

‘યજ્ઞપરિભાષા’માં આપસ્તંબના મત મુજબ ‘મંત્ર’ અને ‘બ્રાહ્મણ’ બંનેને વેદ કહેવાય છે. બ્રાહ્મણમાં બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ સમજવાનાં છે. આ વેદ પોતપોતાની શાખાઓમાં હોય છે, જેમ કે, શાકલ સંહિતાનો ઋગ્વેદ. ઋગ્વેદને પોતાનાં બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ છે. વ્યાકરણમહાભાષ્યના પસ્પશાહ્નિકમાં પતંજલિનું વાક્ય છે – चत्वारो वेदाः साड्गा ः सरहस्या बहुधा भिन्ना વેદો ચાર છે. તે છ વેદાંગો સાથેના છે. તે બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ સાથેના છે. અનેક શાખાઓમાં વિભક્ત છે. વેદોને સમજવા માટે વેદાંગો, પ્રાતિશાખ્યો, બૃહદદેવતા અને અનુક્રમણી ગ્રંથો ઉપયોગી છે.

વેદાંગો છ છે : શિક્ષા, કલ્પ, છન્દ, જ્યોતિષ, વ્યાકરણ અને નિરુક્ત. વેદને સમજવામાં વેદાંગ ઉપયોગી છે, તે અંગે આ શ્ર્લોક પ્રસિદ્ધ છે :
छन्द ः पादौ तु वेदस्य हस्तौ कल्पोडथ पठयते ।
ज्योतिषामयनं चक्षुर्निरक्तं श्रोत्रमुच्यते ॥
शिक्षा ध्राणं तु वेदस्य मुखं व्याकरणं स्मृतम्।
तस्मात्साड्गमधीत्यैव ब्रह्मलौके महीयते ॥

અર્થાત્, આ વેદપુરુષ છે. છંદ એનાં ચરણો છે. કલ્પ એના હાથ કહેવાય છે. જ્યોતિષ એનું નેત્ર છે. નિરુક્ત એનું કર્ણ છે. શિક્ષા એનું ઘ્રાણ છે. વ્યાકરણ એનું મુખ છે. તેથી આ અંગો સાથેનો વેદ ભણી લે તે બ્રહ્મલોકમાં આદર પામે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button