સર્વશક્તિમાન નિર્દોષો પર ક્યારેય અત્યાચાર કરતા નથી
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વરદાન દેવા આવ્યા છો કે ઉપયોગીતા પણ ભાષણ આપવા? જે તમે સદ્ઉપયોગીતા પર ભાષણ આપી રહ્યા છો તે માટે તો દેવગણ છે જ ને? રચનાત્મક અને સદ્ઉપયોગીતાવાળા કાર્ય કરવા સિવાય તમારી પાસે બીજું કંઈ કામ છે? વરદાન દેવા આવ્યા હોવ તો વરદાન આપો.’
બ્રહ્મદેવ: ‘દૂષણ… વરદાન મેળવવા પહેલા જ તમારામાં આટલો અહંકાર દૃશ્યમાન થાય છે, તો વરદાન મેળવી તમે શું કરશો.’
દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વિનાશ અને દુર્ગતીની ચિંતા છોડી વરદાન આપો.’
બ્રહ્મદેવ: ‘તમારી તપસ્યાથી પ્રસન્ન થઈ આવ્યો હતો એટલે વરદાન આપવા બંધાયેલો છું, છેલ્લે જણાવી દઉં છું કે વરદાન મેળવ્યા બાદ તમે ભગવાન શિવ અને તેમના ભક્તો વિરુદ્ધ તમારી શક્તિનો દુરુપયોગ નહીં કરી શકો, તમારું પતન નિશ્ર્ચિત છે.’
દૂષણ: ‘બ્રહ્મદેવ મને મંજૂર છે વરદાન આપો.’
બ્રહ્મદેવ: ‘તથાસ્તુ.’
વરદાન આપી બ્રહ્મદેવ વિદાય લેતાં દૂષણ પોતાનું પોત પ્રકાશવા માંડે છે અને સામે દેખાતા માનવો પર અત્યાચાર કરવાની શરૂઆત કરે છે. ભગવાન શિવના ભક્તોને બંદી બનાવી અસુરરાજ દૂષણની જય એમ બોલવા મજબૂર કરે છે. અત્યાચાર કરતાં કરતાં દૂષણ ઉજ્જૈન નગરીમાં દાખલ થાય છે અને ભગવાન શિવના ઉપાસક અને વેદના પ્રચારક વેદવ્રત અને ચાર પુત્રો ભગવાન શિવની આરાધના કરતાં હોય છે ત્યાં પહોંચે છે.
બીજી તરફ ઉજ્જૈન નગરીને રાજા રિપુદમને ઘેરી લીધી હતી અને તેનું લક્ષ્ય રાજા ચંદ્રસેનને બંદી બનાવી ઉજ્જૈન પર રાજ કરવાનો હતો. ઉજજૈનના સેનાપતીએ સીમા પર લડાઈ આપી. તેમનો દૂત રાજા ચંદ્રસેનને કહેવા આવ્યો કે ‘હે રાજન, શત્રુ રિપુદમને રાજ્ય પર આક્રમણ કરી દીધું છે તમે તુરંત યુદ્ધભૂમિ પર પધારો.’ રાજા ચંદ્રસેન ભગવાન શિવની ભક્તિમાં લીન હોવાથી તેમણે કંઈ જવાબ ન આપ્યો. તેમને ભગવાન શિવ પર પૂર્ણ શ્રદ્ધા હતી. તેમણે પોતાની આરાધના ચાલુ રાખી. થોડા જ સમયમાં રાજા ચંદ્રસેનનું સૈન્ય પીછેહઠ કરવા લાગ્યું અને છેલ્લે રિપુદમન અને સાથીઓનું લશ્કર રાજા ચંદ્રસેનના મહેલમાં ઘૂસી ગયા અને તેમને બંદી બનાવી રાજા રિપુદમન સામે ઉપસ્થિત કરે છે. રિપુદમન સૈનિકોને ચંદ્રસેનનો વધ કરી નાખવાનો આદેશ આપે છે. ત્યાં બાજુમાં ભગવાન શિવની આરાધના કરતો શ્રીકર ત્યાં ઉપસ્થિત થાય છે.
શ્રીકર: ‘જેણે પણ અમારા રાજાનો વધ કરવો હોય એ પહેલા મારો વધ કરે.’
આ જોઈ રિપુદમન બંનેનો વધ કરવાનો આદેશ આપે છે.
શ્રીકર અને રાજા ચંદ્રસેનના વધનો આદેશ સાંભળતાં ભગવાન પોતાના રુદ્ર અવતાર હનુમાનને પ્રગટ થવાનો આદેશ આપે છે. હનુમાન પ્રગટ થતાં ભગવાન શિવ કહે છે
ભગવાન શિવ: ‘હનુમાન સમય આવી ગયો છે કે તમે ઉજ્જૈન જઈ મારા પરમભક્ત શ્રીકર અને રાજા ચંદ્રસેન પર દમન કરનારા રિપુદમનને દંડ આપો. ભગવાન શિવની આજ્ઞા મળતાં જ હનુમાનજી ત્યાં પહોંચી જાય છે, તેમની અદૃશ્ય થવાની શક્તિથી રિપુદમન અને તેના સૈન્યને તેમની ગદાથી ખૂબ ફટકારે છે. રિપુદમન અને સાથીઓનું લશ્કર નાશ પામે છે.
પોતાનો લશ્કરનો નાશ થતાં રિપુદમન અને સિંઘાદિત્ય રાજા ચંદ્રસેનને વંદન કરી કહે છે, ‘હે રાજન, મને માફ કરો. અમે તમારી રાજગાદી છીનવી લેવા કોશિશ કરી, અમને નહોતી ખબર કે તમે પરમ શિવભક્ત છો. કૃપા કરી અમને માફ કરી દો, જીવનભર અમે તમારા દાસ રહીશું.’
રાજા ચંદ્રસેન: ‘તમે મારી નહીં ભગવાન શિવના અવતાર હનુમાનજીની માફી માગો તેઓ જ તમને માફ કરી શકે.’
શ્રીકર: ‘હે શિવ સ્વરૂપ હનુમાનજી કૃપા કરી તમે પ્રગટ થઈ આ ક્ષમાયાચકોને ક્ષમાદાન આપો.’
હનુમાનજી: ‘રિપુદમન અને સિંઘાદિત્ય તમને હવે સમજાઈ ગયું હશે કે આ બંને શિવભક્તોની ભક્તિ અજોડ છે, રાજા ચંદ્રસેનને તેમનું રાજ પાછું આપી દો.’
રિપુદમન: ‘ભગવંત અમે આજીવન રાજા ચંદ્રસેનના દાસ બની તેમની સાથે ભગવાન શિવની ભક્તિ કરીશું.’
ગોપા: ‘હે હનુમાનજી મને પણ ક્ષમા કરો મેં પણ મારા પુત્રની શિવ આરાધનામાં વિઘ્નો નાખ્યા હતા.’
હનુમાનજી: ‘તમારા પુત્રની ભક્તિમાં તમારો શિવદ્વેષ નામશેષ થઈ ગયો છે, હવે પછી શિવદ્વેષ નહીં શિવ આરાધના કરશો તો કલ્યાણ થશે.’
હનુમાનજીએ સૌની વચ્ચે બાળક શ્રીકરને પોતાના હૃદય સાથે ચાંપીને બોલ્યા: ‘હે રાજાઓ, તમે બધા લોકો અને બીજા દેહધારીઓ મારી વાત સાંભળો, એથી તમારું ભલું થશે. ભગવાન શિવ સિવાય દેહધારીઓને માટે બીજી કોઈ ગતિ જ નથી. એ બહુ મોટા સૌભાગ્યની વાત છે કે આ ગોપબાળ શ્રીકરે શિવની પૂજાનું દર્શન કરીને એની પ્રેરણા લીધી અને વગર મંત્રે પણ શિવનું પૂજન કરીને એમને પ્રાપ્ત કરી લીધા. ગોપવંશની કીર્તિ વધારનાર આ બાળક ભગવાન શંકરનો શ્રેષ્ઠ ભક્ત છે. આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને એ અંતે મોક્ષ પ્રાપ્ત કરશે. એની વંશપરંપરાની અંતર્ગત આઠમી પેઢીમાં મહાયશસ્વી નંદ તરીકે ઉત્પન્ન થઈ સાક્ષાત્ ભગવાન શ્રીહરિ વિષ્ણુ નારાયણના પાલક પિતા તરીકે ખ્યાતિ પામશે.
ઉજ્જૈનના બીજા છેડે ભગવાન શિવના ઉપાસક અને વેદના પ્રચારક વેદપ્રિય તેમના પુત્ર સાથે આરાધના કરતા હોય છે ત્યાં અસુરરાજ દૂષણ તેમને રંજાડતાં કહે છે:
દૂષણ: ‘મારી સમક્ષ તમે લોકો શિવઆરાધના કરી રહ્યા છો, તમારો વિનાશ આવશ્યક છે.’
એટલું કહી અસુરરાજ દૂષણ વેદપ્રિય અને તેમના પુત્રનો વધ કરવા આગળ વધવા જતાં તેને કોઈ અટકાવે છે.
દૂષણ: ‘અહીં મારો અવરોધક કોણ છે? મને આગળ કેમ વધવા નથી દેતો.’
ભગવાન શિવ: ‘તારો અવરોધક કાળ છું.’
દૂષણ: ‘હું સર્વશક્તિમાન છું અને સર્વશક્તિમાનનો કોઈ કાળ નથી હોતો. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે કે હું અજય, અભય અને સર્વશક્તિમાન છું.’
ભગવાન શિવ: ‘તું અજય કે અભય નહીં, મૂર્ખ છે. સર્વશક્તિમાન નિર્દોષો પર ક્યારેય અત્યાચાર કરતા નથી. બ્રહ્માજીએ વરદાન આપતી વખતે કહ્યું હતું કે ભગવાન શિવ અને તેમના ભક્તો વિરુદ્ધ તમારી શક્તિનો દુરુપયોગ નહીં કરી શકો, તમારું પતન નિશ્ર્ચિત છે.’
દૂષણ: ‘હું તમારી વાતથી વિચલિત થવાનો નથી, તમારું હિત સાચવવું હોય તો અહીંથી ચાલી જાવ.’
આટલા શબ્દો સાંભળતાં જ ભગવાન શિવ હૂંકાર કરતાં તેમાંથી નીકળેલી અગ્નિ અસુરરાજ દૂષણને ભસ્મ કરે છે.
વેદવ્રત: ‘પ્રભુ તમે ખરા સમયે આવી પહોંચ્યા એમ હનુમાનજીને પણ તમે ખરા સમયે મોકલ્યા, પણ પ્રભુ ઉજ્જૈનના સામાન્ય માનવીનું શું? અહીં આકાશ અને પૃથ્વી માર્ગે આવનારા અસુરો સામાન્ય માનવીને રંજાડે છે, મારી અરજ છે કે તમે જ્યોતિર્લિંગ સ્વરૂપે ઉજ્જૈનમાં સાક્ષાત્ બિરાજો, જેથી તેમનું કલ્યાણ થાય.’
ભગવાન શિવ તથાસ્તુ કહેતાં જ તેમના હૃદયમાંથી એક જ્યોત નિકળે છે અને તેમાંથી એક લિંગ સ્થાપિત થાય છે, જે આજે ઉજ્જૈન ખાતે વિદ્યમાન છે અને મહાકાલ તરીકે પ્રખ્યાત છે. તેમના દર્શનમાત્રથી માનવોમાં મૃત્યુનો ભય દૂર થાય છે. (ક્રમશ:)