પામવાલાયક તે જ છે
ચિતન -હેમંતવાળા
“મારે માગવાલાયક ‘તે’ જ છે – કઠ ઉપનિષદમાં નચિકેતા યમરાજાને આમ જણાવે છે. અહીં વપરાયેલ ‘તે’ શબ્દ બહુ સૂચક છે. આ ‘તે’ તત્ત્વમસિનો ‘તે’ છે. કઠ ઉપનિષદમાં નચિકેતા યમરાજા પાસે મૃત્યુનું રહસ્ય પૂછે છે. આ ‘તે’ મૃત્યુના રહસ્યના સંદર્ભમાં પણ હોઈ શકે. આ ‘તે’ જ્ઞાનની સંપૂર્ણતા માટે પણ હોઈ શકે. પણ આ બધાનું તાત્પર્ય એ જ છે કે નચિકેતાને ‘આ’માં રસ નથી પણ તે’માં રસ છે.
‘તત્ત્વમસિ’ના સંદર્ભમાં જો વિચારીએ તો આ ‘તે’ તત્ત્વનું નામ નથી, જે છે તે એ જ છે. તેના સિવાય અન્ય કશું જ નથી. આ અક્ષરો પણ નથી અને તેનો ભાવાર્થ પણ નથી. પાઠક પણ નથી અને લેખક પણ નથી – અથવા બધું જ છે. તે લેખક પણ છે અને તે પાઠક પણ છે. તે શબ્દ પણ છે અને તે શબ્દનો અર્થ પણ છે. તે વિવિધ સ્વરૂપોમાં છે અને કોઈપણ સ્વરૂપમાં નથી. આવા ‘તે’ને સમજવા માટે જિજ્ઞાસા તો ભરપૂર હોવી જોઈએ. આવી જિજ્ઞાસા ત્યારે જ પ્રગટે જ્યારે ‘તે’ વિશે ઘણા પ્રશ્ર્નો ઊભા થયા હોય. આ બધા પ્રશ્ર્નોના નિરાકરણ માટે જો સ્વયં યમરાજા સમક્ષ હોય તો તો પૂછવું જ શું. નચિકેતા ભાગ્યશાળી હતા, અને આ ભાગ્ય તેમણે મેળવેલું.
પ્રશ્ર્ન એ થાય કે શું ‘તે’ જાણવાનો વિષય છે. શું ‘તે’ને જાણવાનો પ્રયત્ન થઈ શકે. અને લાખ પ્રયત્નો પછી પણ શું ‘તે’ને જાણી શકાય. અહીં પ્રયત્ન એ પ્રકારનો હોય કે ‘તે’ને જાણવા માટે આવરણો હટાવવા પડે. આવરણો હટાવવાથી ‘તે’ની પ્રતીતિ થઈ જાય. પ્રયત્ન આવરણો હટાવવાનો છે, ‘તે’ને પામવાનો નહીં. જ્યાં ધૂળ નીચે મણિ દટાયો હોય ત્યારે ધૂળને હટાવવાની હોય. ધૂળ હટાવવાથી મણિનો પ્રકાશ આપમેળે વ્યક્તિ સુધી પહોંચી જાય, મણિની પ્રતીતિ થાય અને તેની સાર્થકતા પણ સમજાય. પણ આ બધા માટે મણિ ધૂળ નીચે ઢંકાયેલો છે તેની પ્રતીતિ થવી જોઈએ. મણિના અસ્તિત્વ માટે થોડો ઘણો પણ અણસારો આવે તો તે દિશામાં પ્રયત્નો શરૂ થાય. પછી યમરાજા કે સદગુરુ જેવી કોઈ વ્યક્તિનું સાંનિધ્ય મળે તો વાત આગળ ચાલે. નહીં તો ધૂળ જ સત્ય છે અને ધૂળ જ સર્વસ્વ છે એમ માની જિંદગી પસાર થઈ જાય.
મણિ હોવાની પ્રતીતિ થયા પછી તેની પ્રાપ્તિ માટે અદમ્ય ઈચ્છા જાગૃત થાય. પછી એવાં સાધનો મેળવવાનાં પ્રયત્નો થાય કે જેનાથી ધૂળ દૂર કરી શકાય. સાચી સમજ – જ્ઞાન આ માટેનું એક અગત્યનું સાધન ગણાય છે. ઉપનિષદો જ્ઞાન તો આપે છે. જ્ઞાન એટલે મણિ હોવાની અને તેની કિંમતની યોગ્ય સમજ. જ્ઞાન એટલે મણિ પર લાગેલાં આવરણો પ્રત્યે તીવ્ર અરુચિ – તીવ્ર ઉદાસીનતા. જ્ઞાન એટલે ‘તે’ને પામવા માટે પવિત્ર મનમાં ઉદ્ભવે વિચાર-શૃંખલા. ઉપનિષદનો પ્રત્યેક શિષ્ય ગુરુ પાસે માત્ર જ્ઞાનની અપેક્ષા રાખે છે. અન્ય બીજી બધી જ બાબતો માટેની સદંતરની અપેક્ષા તેને જ્ઞાન માટે લાયક બનાવે છે. આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થયા બાદ જ ગુરુલાયક શિષ્ય સાથે જ્ઞાનનો સંવાદ વાણી થકી કે વાણી વિના સ્થાપે. આમ પણ ‘તે’ ત્યારે જ મળે જ્યારે અન્ય બીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા કે અપેક્ષા ન હોય. બ્રહ્મચર્યાશ્રમમાં મેળવેલ જ્ઞાન પછી પણ વ્યક્તિ ગૃહસ્થાશ્રમ ધર્મના પાલન માટે જીવન-નિર્વાહની ક્રિયામાં જોતરાઈ શકે. જ્ઞાનની પ્રાપ્તિ પછી વ્યવહાર સાક્ષી ભાવે ચાલુ રહે, પરંતુ અંતર-આત્મા તો ‘તે’ સાથે જોડાયેલો જ રહે.
જ્ઞાન એક બાધા નથી પણ યોગ્ય રીતે સંમિલિત થવાની ભૂમિકા છે. જ્ઞાની આ દુનિયામાં એવો જ વ્યવહાર કરતો રહે જેવો અજ્ઞાની કરે. ફેર એટલો અજ્ઞાની સાથે મોહ – માયા – કામ – ક્રોધ જેવા ભાવ જોડાયેલા હોય જ્યારે જ્ઞાની સર્વથી મુક્ત રહી માત્ર નિમિત્ત કર્મ કરતો જાય. તેનું ઉત્તરદાયિત્વ નિભાવતા નિભાવતા જ્ઞાની શુદ્ધ, સ્વસ્થ અને તટસ્થ રહી વ્યવહાર પૂર્ણ કરે. નિવૃત્તિમાં જે સાક્ષી ભાવ હોય તે જ સાક્ષી ભાવે તે પ્રવૃત્તિમાં પણ સામેલ રહે. પાંચેય જ્ઞાનેન્દ્રિય જે તે વિષયના સંપર્કમાં હોય તે છતાં પણ તેમાં રસ ન હોય. જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત કર્યા બાદ શરીર હોવા છતાં પણ વ્યક્તિ શરીરપણાથી પર હોય. તેમના ચાલતા પગ જાણે સ્થિર હોય અને તેમની બોલાયેલી વાણી જાણે મૌન હોય. બધું જ સહજ ભાવે થયા કરે અને ક્યાંય આવેગ કે ઉદ્વેગ ન હોય. વ્યવહારમાં રહ્યા પછી પણ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રહે. પછી તો જે હોય તે પણ સ્વીકાર્ય અને જે થાય તે પણ સ્વીકાર્ય. જ્ઞાનની આવી સ્થિતિ બાદ નચિકેતાના ‘તે’ની પ્રતીતિ થાય.
લાયકાત પ્રાપ્ત થતાં સ્વયમ્ યમરાજ સામેથી જ્ઞાન આપી જાય. લાયકાત પ્રાપ્ત થતાં સદગુરુલાયક શિષ્યને ગમે ત્યાંથી શોધી કાઢે. ગુરુ સામે મળતા પ્રશ્ર્ન-ઉત્તરની શૃંખલા ચાલુ થાય અને ઉત્તરને આધારે શિષ્યના જીવનમાં જે સંભાવના પ્રગટે તે આગળ જતાં ‘તે’ની પ્રતીતિ કરાવે. માર્ગમાં સદગુરુ રક્ષણ પણ કરે અને માર્ગદર્શન પણ આપે.
પ્રશ્ર્ન મણિની ઓળખનો છે. સૃષ્ટિમાં બાળકો તો ઘણા થઈ ગયા પણ પ્રહલાદ, ધ્રુવ અને નચિકેતા વિશેષ છે. એમાં પણ નચિકેતાનું સ્થાન ઉપર ગણાય છે, કારણ કે તેને ન હતું રાજ્ય જોઈતું કે ન હતું સ્થાન જોઈતું. તે તો માત્ર જ્ઞાનનો અભિલાષી હતો. અન્ય સર્વની અપેક્ષા એ જ્ઞાનની તીવ્ર ઈચ્છા અને અજ્ઞાનથી ઉપજેલ મોહ-માયા પ્રત્યે તીવ્ર અરુચિ વ્યક્તિને મણિની પ્રતીતિ કરાવવા જરૂરી છે.