ભયંકરમાં ભયંકર પીડા ભગવાન શિવની આરાધનાથી દૂર થઈ જાય છે, તમે શિવઆરાધના તુરંત શરૂ કરો
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ઘણાં વરસો સુધી અંધક સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થઈને પૃથ્વીવાસીઓને ત્રાસ આપી રહ્યો હતો. દાનવશ્રેષ્ઠ અંધકના ત્રણ મંત્રી હતા દુર્યોધન, વેધસ અને હસ્તી. એક સમયે ત્રણેએ એક રમણીય પર્વત પર એક પરમ રૂપવતી નારી જોઈ. મંત્રી હસ્તીની આ વાત સાંભળી દૈત્યરાજ અંધક કામાતૂર થઈ ગયો અને એણે તુરંત તેના મંત્રીઓને ભગવાન શિવ પાસે મોકલ્યા. મંત્રીઓની વાત સાંભળી ભગવાન શિવજીએ કહ્યું કે, ‘અસુર શિરોમણી અંધક કૃપણ, ક્રૂર અને સદાયે પાપ કર્મ કરનારો છે, શું એને સૂર્યપુત્ર યમનો ભય નથી? કયાં મારું સ્વરૂપ અને ક્યાં એની ક્રૂરતા. જો એનામાં કંઈ સામર્થ્ય હોય તો યુદ્ધ માટે તૈયાર થા અને આવીને કંઈ કરતૂત દેખાડ. મારી પાસે એના જેવા પાપીઓના વિનાશ કરવા ભયંકર શસ્ત્ર છે. આવી પરિસ્થિતિમાં વિચાર કરીને તને જે રુચિકર પ્રતીત હોય તે કર.’ અસુર અંધક આ વાત સાંભળી ખૂબ ક્રોધિત થયો અને દૈત્ય વિશાળ સેના લઈ કૈલાસ પહોંચ્યો. ત્યાં નંદીશ્ર્વર તેને પડકારતાં ખૂબ ભયાનક યુદ્ધ થાય છે. અંતે દૈત્ય અંધકની ભૂજાઓમાંથી છૂટેલા આયુધોના પ્રહારથી નંદીશ્ર્વર ગુફાદ્વાર પર પડતા જ મૂર્છિત થઈ જાય છે. એમના મૂર્છિત થવાથી ગુફાનો આખો દરવાજો જ ઢંકાઈ જતાં અસુરો માટે એ ખોલવાનું અશક્ય બને છે. ભગવાન શિવ ધ્યાનમગ્ન હોવાથી માતા પાર્વતી બ્રહ્માજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુનું સ્મરણ કરે છે. સ્મરણ કરતાં જ બ્રાહ્મી, નારાયણી, ઐન્દ્વી, કૌબેરી, યામ્યા, નૈઋતિ, વારુણી, વાયવી, યક્ષેશ્ર્વરી, ગારુડી વગેરે દેવીઓનારૂપે સમસ્ત દેવતાઓ પોતપોતાના વાહન પર બેસી માતા પાર્વતી સમક્ષ આવી પહોંચતાં દૈત્યો સાથે ધમસાણ યુદ્ધ થવા લાગ્યું. યુદ્ધના કોલાહલથી ભગવાન શિવની આરાધનામાં ભંગ થતાં ભગવાન શિવ પણ યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયા. યુદ્ધ દરમિયાન મૃતપાય થયેલા દૈત્યોને સંજીવન વિદ્યા દ્વારા ફરી જીવિત કરી રહેલા અસુર ગુરુ શુક્રાચાર્યને ભગવાન શિવ ગળી જાય છે અને યુદ્ધભૂમિમાં ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી અંધકને છેદી નાખ્યો. અંધક ભગવાન શિવનું સ્તવન પાઠ કરતાં કહે છે, ‘હે ભોલેનાથ – હે જગદંબા હું તમારો જ પુત્ર છું, મને મળેલા વરદાનથી ઉન્મત્ત થઈ ગયો હતો, મને તમારી શક્તિઓનું ભાન થયું છે, મને માફ કરો હવે પછીનું જીવન તમારા ગણ તરીકે વ્યથિત કરવા માગું છું.’
માતા પાર્વતી: ‘જેવી તમારી મરજી.’
અંધક ભગવાન શિવના ગણ તરીકે કાર્યરત થઈ જાય છે.
ભગવાન શિવના ઉદરમાં શુક્રાચાર્ય અષ્ટમૂર્ત્યષ્ટક સ્તોત્રનું સ્તવન કરે છે. અષ્ટમૂર્ત્યષ્ટક સ્તોત્રના સ્તવનથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અસુરગુરુ શુક્રાચાર્યને પોતાના ઉદર (પેટ)માંથી બહાર કાઢી મુક્ત કરે છે.
અસુરગુરુ શુક્રાચાર્ય અસુરોના ઉત્થાન માટે મંદરાચલની ટોચ પર જઈ આરાધના કરવા બેસે છે, પણ તેઓ આરાધના કરી શકતાં નથી, ત્યાં તેમને કોઈકના કણસવાનો અવાજ સંભળાય છે. તેઓ ધ્યાનથી જુએ તો તેમને દેખાય છે કે મંદરાચલ પર્વત જ કણસી રહ્યા છે.
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘મંદરાચલ તમે કણસી કેમ રહ્યા છો?’
મંદરાચલ: ‘દેવતાઓ અને અસુરોએ મળીને સાગરમંથન કર્યું હતું તેનાથી મને આટલા દુ:ખો છે.’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘એ કઈ રીતે?’
મંદરાચલ: ‘સાગરમંથનમાં મને અને વાસુકીનાગને રજજુ (દોરડું) અને મને મેરૂદંડ બનાવવામાં આવ્યો હતો. સાગરમંથનથી મારા શરીરની ચામડીઓ છોલાઈ ગઈ હતી અને નીકળેલું વિષ મારા શરીરમાં ફેલાઈ ગયું છે.’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘એ ઘટનાને તો યુગો વિતી ગયા છે અને આજે પણ તમે એના વિષથી પિડાઈ રહ્યા છો એ કોઈ વિચારી પણ નહીં શકે.’
મંદરાચલ: ‘હવે મારાથી આ પિડા સહન નથી થઈ રહી કોઈ ઉપાય બતાવો.’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘દુનિયાની ભયંકરમાં ભયંકર પિડા ભગવાન શિવની આરાધનાથી દૂર થઈ જાય છે, તમે શિવઆરાધના તુરંત શરૂ કરો, મને વિશ્ર્વાસ છે કે શિવઆરાધનાથી તમારા કષ્ટો અવશ્ય દૂર થઈ જશે.’
આટલું કહી અસુરગુરુ શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે.
મંદરાચલની આરાધના દિવસે ને દિવસે ઉગ્ર થતી જાય છે. મંદરાચલની તપનો ધ્વનિ કૈલાસ સુધી પહોંચવા માંડે છે. મંદરાચલના તપથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને કહે છે
ભગવાન શિવ: મંદરાચલ હું પ્રસન્ન છું તમે ઇચ્છિત વરદાન માગો.’
મંદરાચલ: ‘ભગવંત મેં કોઈ વરદાન માગવા તમારી ભક્તિ નથી કરી.’
ભગવાન શિવ: ‘તો તમને શું જોઈએ છે?‘
મંદરાચલ: ‘ભગવંત યુગો વીતી ગયા, પણ સાગરમંથનમાં મારા શરીરમાં પ્રવેશેલું વિષ મને બહુ કષ્ટ આપે છે, મારું કષ્ટ દૂર કરો.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ.’
ભગવાન શિવ તથાસ્તુ બોલતાં જ તેમના શરીરનું વિષ બહાર નીકળી જાય છે અને મંદરાચલ નિરોગી થઈ જાય છે.’
ભગવાન શિવ: ‘મંદરાચલ હું પ્રસન્ન છું તમને જોઈતું વરદાન માગી લો.’
મંદરાચલ: ‘ભગવંત મેં કોઈ વરદાન માગવા તમારી ભક્તિ નથી કરી, મારા કષ્ટો દૂર કરવા જ આરાધના કરી હતી, તમારે વરદાન જ આપવું જ હોય તો એવું વરદાન આપો કે મારા પર્વતની શિલામાંથી કોઈ મૂર્તિ બનાવવામાં આવે તો તે ક્યારેય ખંડિત નહીં થાય.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ.’ (ક્રમશ:)