ધર્મતેજ

જાણો છો એક એવું મંદિર, જ્યાં દેવતાઓ અરસપરસ વાતો કરે છે?!

વિશેષ -રાજેશ યાજ્ઞિક

ભારતના કણકણમાં ધર્મ અને અધ્યાત્મનો વાસ છે. એટલે જ ભારતના ખૂણે ખૂણે મંદિરો પણ જોવા મળે છે. પછી એ હિમાલયની ટોચ પર હોય કે રામેશ્વરમના દરિયાકિનારે હોય. પછી એ કોઈ જંગલમાં હોય કે રણપ્રદેશમાં હોય. દરેક મંદિર સાથે કેટલીક અદ્ભુત કહાણીઓ પણ જોડાયેલી છે. ક્યારેક ચમત્કાર લાગે તેવી ઘટનાઓ પણ સંકળાયેલી હોય છે. આજે આપણે આવા એક ચમત્કારિક મંદિરની વાત જાણીએ. આ મંદિર છે બિહારમાં આવેલું રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર.

આ મંદિર બિહારના બક્સર જિલ્લામાં આવેલું છે. જે પોતાની અંદર ઘણા વણઉકેલ્યા રહસ્યો ધારણ કરીને બેઠું છે. આ મંદિર આજે પણ વૈજ્ઞાનિકો માટે એક કોયડો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે. તે પ્રખ્યાત તાંત્રિક ભવાની મિશ્રા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના મુખ્ય દેવતા લલિતા ત્રિપુરા સુંદરી છે, પરંતુ આ મંદિરમાં દસ મહાવિદ્યા કાલી, ત્રિપુરા ભૈરવી, ધૂમાવતી, તારા, છિન્નમસ્તા, ષોડસી, માતંગી, કમલા, ઉગ્ર તારા, ભુવનેશ્વરીની મૂર્તિઓ સ્થાપિત છે. આ સિવાય અહીં બગલામુખી માતા, દત્તાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, કાલ ભૈરવ અને માતંગી ભૈરવની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

એવું કહેવાય છે કે દેવીની તમામ મૂર્તિઓની સ્થાપના કર્યા પછી, તાંત્રિક ભવાની મિશ્રાએ દેવીનું કઠોર તપસ્યા સાથે ધ્યાન ધર્યું હતું. ત્યારપછી આ બધી મૂર્તિઓ જાગૃત થઇ ગઈ હતી. કહેવાય છે કે ત્યારપછી દેવીઓની મૂર્તિઓ બોલવા લાગી હતી. કહેવાય છે કે આ મંદિરની દેવીઓની મૂર્તિઓ અરસપરસ વાતો કરે છે. મોડી રાત્રે જ્યારે બધે સન્નાટો પથરાયો હોય ત્યારે મંદિરમાંથી અવાજો આવતા હતા. કહે છે કે, અવાજો એટલા સ્પષ્ટ હતા કે પહેલા તો લાગ્યું કે કદાચ માણસો આસપાસ હોય, પરંતુ તપાસ કરતા કોઈ દેખાતું નહોતું. ઉપરાંત આ અવાજો સ્પષ્ટ હોવા છતાં શું બોલાય છે તે સમજાતું નહોતું. વિશિષ્ટ અનુષ્ઠાનોના દિવસે પણ આ રીતે જ અવાજો આવતા હતા. રહસ્ય ઘેરાવા લાગ્યું હતું. ઘણા તેને વહેમ તો ઘણા અંધશ્રદ્ધા પણ કહેતા હતા. છતાં હકીકત એ હતી કે અવાજો તો આવતા જ હતા. ભગવાન સાક્ષાત આવીને સાધક સાથે સંવાદ સાધે તેવી વાતો આપણે ઘણી સાંભળી છે. પરમાત્મા આવીને પરીક્ષા લઇ જાય કે દર્શન દઈ જાય તેવું પણ આપણે સાંભળ્યું છે. પરંતુ દેવતાઓ સ્વયં અરસપરસ સંવાદ કરે, એ કદી ન સાંભળેલી વાત હતી, અનુભવની તો વાત જ દૂરની છે. પણ અહીંયા કોઈપણ સામાન્ય માણસ તેનો સાક્ષાત અનુભવ કરી શકતો હતો.

જ્યારે વૈજ્ઞાનિકોને મંદિરના ગર્ભગૃહમાં દેવીની મૂર્તિઓ એકબીજા સાથે વાત કરતી હોવાની જાણ થઈ તો તેઓએ આ કોયડો એક વાર નહીં પરંતુ ઘણી વખત ઉકેલવાનો પ્રયાસ કર્યો. આ માટે વૈજ્ઞાનિકોએ મંદિરમાં ઘણા આધુનિક મશીનો લગાવ્યા. સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ દેવીના મંદિરમાં વિજ્ઞાનનું તમામ ચાતુર્ય નિરર્થક સાબિત થયું. જોકે, અંતે વૈજ્ઞાનિકોએ પણ મંદિરની અંદરથી આવતા રહસ્યમય અવાજની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ કોઈ વહેમ નથી.

દેશના ખૂણે-ખૂણેથી પ્રખ્યાત તાંત્રિકો આ મંદિરમાં તેમની તંત્ર સાધનાને સિદ્ધ કરવા આવતા રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ તાંત્રિકો દિવસ દરમિયાન ભાગ્યે જ જોવા મળે છે. રાત્રે તેઓ તેમની વિદ્યા સફળ બનાવવા પૂજા કરે છે. કહેવાય છે કે તેમની સાધના સિદ્ધ પણ થાય છે. આ મંદિરની ચમત્કારિક ઘટના અને તાંત્રિક સિદ્ધિઓને કારણે મંદિર ઘણું પ્રસિદ્ધ થયું છે. અહીં દર્શન કરવા શ્રદ્ધાળુઓની લાંબી લાંબી કતારો લાગે છે. તમે જો આ મંદિરના દર્શન ન કરી શક્યા હો તો ક્યારેક અવશ્ય કરીને તેની ચમત્કારિક શક્તિનો અનુભવ કરવા જેવો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button