ઉપમન્યુને કહો કે પોતાને શિવભક્તિમાં સમર્પિત કરી દે અને શ્રદ્ધાથી શિવભક્તિમાં ડૂબી જાય, બધું જ શુભમંગળ થશે

શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
થાકી-હારેલા માતા દેવિકા અને પુત્ર ઉપમન્યુ મામા સુશર્માને ત્યાં પહોંચે છે. તેઓ ઘરની બહાર જ સાંભળે છે….
તારા: ‘હું કંટાળી ગઈ છું તમારા આ ભક્તિમાર્ગથી. મારી આવશ્યકતાઓની તમને કંઈ પડી જ નથી, નાની-નાની વસ્તુઓ માટે મારે સંઘર્ષ કરવો પડે છે. મારા પુરોહિત પિતાએ મારા લગ્ન જો કોઈ રાજપુરોહિત સાથે કર્યા હોત તો હું રાણી બનીને રહેત અને અહીં દાસીની અવસ્થામાં જીવી રહી છું.’
તેજ સમયે તારાની નજર ઉપમન્યુ અને તેની માતા પર પડતાં તેમને કહે છે:
તારા: ‘હવે આ ભિક્ષુકો આવી પડ્યા છે, જાઓ અહીંથી, અહીં કોઈ રાજપુરોહિત નથી રહેતાં, કંઈ નહીં મળે.’
તે જ સમયે સુશર્માની નજર પોતાની બહેન પર પડતાં તેઓ દોડી આવે છે
સુશર્મા: ‘રોકાઈ જા તારા, આ મારી બહેન અને ભાણેજ ઉપમન્યુ છે. બહેન તારા દુ:ખમાં હું સહભાગી ન થઈ શક્યો મને માફ કર, પણ હવે તું અહીં જ રહેશે.’
તારા: ‘નહીં તેઓ અહીં નહીં રહી શકે.’
સુશર્મા: ‘તમે કોઈ શેઠ, સાહુકાર કે રાજા-મહારાજાના દરબારી નથી, તમે અમારા મા-દિકરાના ખર્ચા પૂરા ઉઠાવી શકતા નથી તો આ બે ભિક્ષુકને કેવી રીતે રાખશો.’
સુશર્મા: ‘આવું ન બોલાય તારા, આ તારો ભાણેજ છે, ભાણેજને જેટલું આપીશું તેનાથી દસ ગણું વધારે ભગવાન આપણને આપશે. જેના ઘરમાં ભાણેજ હોય એ ઘરમાં દુ:ખ કદીયે ફરકતું નથી. ભગવાનને પ્રસન્ન કરવાનો આ ઉત્તમ માર્ગ છે.’
તારા: ‘નહીં અહીં મારા ઘરમાં કોઈ નહીં રહી શકે.’
સુશર્મા: ‘હું પણ જોઈ લઉં છું કે મારી બહેન અને ભાણેજને મારા ઘરમાંથી કોણ બહાર કાઢી શકે છે.’
તારા: ‘આ લોકો અહીં એક શરત પર જ રહી શકશે.’
સુશર્મા: ‘બોલો તારા.’
તારા: ‘જો તેઓ મારા દાસ-દાસી બની રહેતા હોય, મારી દરેક આજ્ઞાનું પાલન કરવાના હોય તો જ તેમને હું અહીં રહેવા દઈશ.’
દેવિકા: ‘ભાભી, મને તમારી દરેક શરત મંજૂર છે, અમે અહીં તમારા દાસ-દાસી બનીને તમારી દરેક આજ્ઞાનું પાલન કરીશું.’
ઉપમન્યુ અને તેની માતા દેવિકા ભૂખા-તરસ્યા સંપૂર્ણ દિવસ તારાની ચાકરી કરતાં હોય છે, પણ કુબુદ્ધિ ધરાવતી તારા તેમને પૂરતું ભોજન પણ આપતી નથી. માતા-પુત્ર ભૂખ્યા તરસ્યા દિવસો પસાર કરવા લાગ્યાં. એક દિવસે રાત્રે દેવિકાને સ્વપ્ન આવે છે કે તે ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પહોંચે છે, ત્યાં જુએ છે કે તેમના મૃત્યુ પામેલા પતિ વ્યાઘ્રપાદ ભગવાન શિવના ગણ તરીકે ભગવાન શિવની સેવામાં લીન હોય છે. દેવીકા તેમને કહે છે:
દેવિકા: ‘સ્વામી…..’
વ્યાઘ્રપાદ: ‘કોણ છો દેવી તમે?’
દેવિકા: ‘સ્વામી હું તમારી પત્ની દેવિકા છું, તમે મને ન ઓળખી.’
વ્યાઘ્રપાદ: ‘નહીં દેવી હું તો ભગવાન શિવનો ગણ છું, તમે મારા પત્ની કંઈ રીતે હોઈ શકો?’
દેવિકા: ‘તમે મારા પતિ વ્યાઘ્રપાદ છો, તમારા નિધન બાદ હું અને તમારો પુત્ર નિરાધાર થઈ ગયા છીએ, અમે મારા ભાઈ સુશર્માના ઘરે રહીએ છીએ, અમને બે ટંકનું ભોજન પણ મળતું નથી, હું તો ચલાવી લઉં છું પણ તમારા પુત્ર ઉપમન્યુ દૂધ અને અન્નના એક-એક દાણા માટે તરસી રહ્યો છે, મારાથી એનું દુ:ખ જોવાતું નથી.’
વ્યાઘ્રપાદ: ‘દેવી ભગવાન શિવ પર વિશ્ર્વાસ રાખો, હું એટલું જ કહીશ કે ઉપમન્યુ શિવ કૃપાને પાત્ર બનશે. ઉપમન્યુને કહો કે પોતાને શિવભક્તિમાં સમર્પિત કરી દે અને શ્રદ્ધાથી શિવભક્તિમાં ડૂબી જાય, બધું જ શુભમંગળ થશે.’
સવાર થતાં જ દેવિકા નિદ્રામાંથી બહાર આવે છે અને નિત્યક્રમ મુજબ ગાયને દોહવા જાય છે. દૂધ પીવા આતુર ઉપમન્યુ માતા પાસે દૂધ માગે છે. માતા એને દૂધ આપવા જાય છે ત્યાં જ તારા આવી પહોંચે છે.
તારા: ‘આ શું થઈ રહ્યું છે, ઉપમન્યુને દૂધ શા માટે આપી રહી છે.’
દેવિકા: ‘ભાભી ઉપમન્યુએ ઘણા દિવસથી દૂધ પીધું નથી થોડું આપી દેશો તો કંઈ ઓછું નહીં થઈ જાય.’
તારા: ‘દૂધ માટે ગાય જોઈએ અને ગાય ખરીદવા માટે નાણાં જોઈએ, જે મારા પિતાએ આપ્યા હતાં જેનાથી મેં ગાય ખરીદી છે. દૂધ તો મારો પુત્ર જ પીશે.’
પોતાના હાથમાંથી દૂધનો પ્યાલો છીનવાઈ જતાં ઉપમન્યુ આક્રંદ કરે છે.
દેવિકા: ‘પુત્ર ઉપમન્યુ તારે દૂધ પીવું છે તો ભગવાન શિવની આરાધના કર, એ તને દૂધનો સાગર પ્રદાન કરશે.’
ઉપમન્યુ: ‘હું દૂધ માટે નહીં, પણ તમારા દુ:ખ દૂર કરવા ભગવાન શિવની આરાધના કરીશ.’
માતાની સલાહ માની ઉપમન્યુ ભગવાન શિવની આરાધના કરવા ચાલી નીકળે છે. વનમાં ‘ઓમ નમ: શિવાય’ના જાપ કરતાં કરતાં આગળ વધતો હોય છે. એક સ્થળે ગાયમાતા પોતાના આંચળથી એક પથ્થર પર દૂધાભિષેક કરતી નજરે પડતાં જુએ છે. નજદીક જઈ જુએ છે તો એને એક શિવલિંગ દૃશ્યમાન થાય છે. ઉપમન્યુ સમજી જાય છે કે શિવઆરાધના કરવા આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં હોય. તુરંત વનમાંથી પુષ્પો લઈ આવે છે અને એ શિવલિંગ સમક્ષ બેસી પોતાની આરાધના શરૂ કરે છે. (ક્રમશ:)