ધર્મતેજ

ત્યાગીને ભોગવવાની વાત

વિશેષ -હેમંતવાળા

અઘરી જણાતી પણ આ સરળ વાત છે. આ વિધાનને એક લેખમાં સમાવી લેવું મારી જેવી વ્યક્તિ માટે તો શક્ય નથી. અહીં ત્યાગીને ભોગવવાનું છે, ભોગવીને ત્યાગવાનું નથી.

ત્યાગવાનું છે કે ભોગવવાનું છે? શું ભોગવ્યા પછી ત્યાગી દેવાનું છે કે ત્યાગની ભાવના સાથે ભોગવવાનું છે? શું ભોગવટા ને ત્યાગ માનવાનો છે? શું ભોગવટાનો અંતિમ તબક્કો ત્યાગમાં પરિણમતો હોય છે કે ત્યાગ અને ભોગ એ અંતે એક જ પ્રકારની માનસિકતા – પણ જુદી જુદી બાબતોમાં – વ્યક્ત થાય છે ? આવા ઘણા પ્રશ્ર્નો પૂછી શકાય. બુદ્ધિજીવીઓના મનમાં પ્રશ્ર્નો આમ પણ વધારે હોય. આવા કોઈ પણ પ્રશ્ર્નનો ઉત્તર શોધવાનો હોય તો પ્રશ્ર્નની ભૂમિકા અને તેના હેતુની સાથે ઉત્તરનો આધાર નિર્ધારિત કરવો પડે.

સંસાર સાક્ષી છે કે ઉપનિષદો સનાતનની આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનનું એક મહત્ત્વનું પાસું છે. અહીં ભોગવટાની વાત તો હોય જ નહીં. ઉપનિષદોનો અર્થ જ જ્યાં પરમની સાથે સાંનિધ્ય સાધવાનો હોય ત્યાં ભોગવટાની વાત ક્યાંથી આવે. ઉપનિષદો આધ્યાત્મિક યાત્રા માટેનું નીવડેલું માધ્યમ છે. તેના હાર્દમાં સંસારની મોહમાયા કે વિષયોની જાળમાં પરોવાઈ જવાની વાત તો હોય જ નહીં. છતાં પણ જ્યાં ત્યાગીને ભોગવવાની વાત કરવામાં આવે ત્યાં તે ત્યાગ અને તે ભોગવટો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવો પડે.

કોઈપણ વિષય ત્યારે જ ભોગવી શકાય જ્યારે અન્ય વિષયો ત્યાગી દેવાયા હોય. એક પ્રકારના ભોગવટા માટે ઘણી બધી બાબતોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય તે જરૂરી છે. એક વસ્તુ જોવા માટે અન્ય વસ્તુ તરફથી આપણે નજર ફેરવી દેવી પડે. એક વિષયને ચરમબિંદુ સુધી માણવા માટે અન્ય દરેક પરિસ્થિતિમાંથી પોતાની જાતને બહાર ખેંચી લેવી પડે. ત્યાગ માટે પણ આવું જ કંઈક છે, ફેર એટલો કે ત્યાગ માટે બધી જ પરિસ્થિતિમાંથી જાતને બહાર ખેંચી લેવી પડે. જો ભોગવટો ચરમબિંદુ સુધી પહોંચતો હોય તો ત્યાગની ભૂમિકા બંધાઈ જાય. આ વાત જો દ્રઢતાથી મનમાં ગોઠવાઈ જાય તો આપમેળે સંપૂર્ણ ત્યાગની પ્રક્રિયા ચાલુ થઈ જાય.

એમ પણ પ્રશ્ર્ન થઈ શકે કે શું અહીં કર્મમાં અકર્મતાની વાત જોડાયેલી છે. જવાબ છે, હા. કોઈપણ કર્મનું બંધન આપણને ત્યારે જ ન લાગે કે જ્યારે નિર્લેપતાથી – નૈષ્કર્મ્ય ભાવથી – નિમિત્ત કર્મની પૂર્તિતા માટે – ધર્મના ભાગ સ્વરૂપે એ કર્મ કરવામાં આવે. આવા ભાવ સહિત કરાયેલું કોઈપણ કર્મ બંધનકર્તા થતું નથી. કોઈપણ કર્મ કરતી વખતે જો આ પ્રકારનો ભાવ ધારણ કરવામાં આવે તો વિષય વાસનાના ભોગવટા જેવું દેખાતું કર્મ પણ નિષ્કર્મતાને પામે. પૂર્વ શરત એ છે કે આવા કર્મ સાથે કોઈ પ્રકારની તાદાત્મ્યતા ન હોય – કર્તાપણાના ભાવ વગર જે તે સંજોગો પ્રમાણે ઊભા થયેલ પરિણામ તરીકે લેવાયું હોય – અને તે કર્મ પ્રત્યેથી કોઈ અપેક્ષા ન હોય. આ બધું શક્ય ત્યારે જ બને જ્યારે ગુરુના આશીર્વાદથી વ્યક્તિ વિવેકશીલ તથા જાગ્રત બની તે પ્રકારના વૈરાગ્ય માટે અભ્યાસ કરે.

જ્યાં સ્વયં શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં પોતાની જાતને દરેક પ્રકારના દ્વન્દ્વથીઅલગ કરીને કીધું છે કે પોતે અમૃત પણ નથી અને મૃત્યુ પણ નથી. એમ પણ કહેવાયું છે કે જે પરબ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. જે શૂન્ય છે તે પૂર્ણ પણ છે અને જે પૂર્ણ છે તે સંપૂર્ણતામાં શૂન્ય છે. આ બધા પાછળ સરળ તર્ક એ છે કે વર્તુળની અંદર ઘડિયાળની દિશામાં ફરતા ફરતા તમે તે જ જગ્યાએ પહોંચો જ્યાંથી શરૂઆત થઈ છે, એવું વિપરીત દિશામાં પણ. શૂન્યથી તમે પૂર્ણતા તરફ જવાનો પ્રયત્ન કરો તો અંતે તમારા પ્રવાસનો અંતે તે પૂર્ણતા સમાન શૂન્યને જ પામશો. તો પછી પૂર્ણ શું અને શૂન્ય શું – ત્યાગવું શું અને
ભોગવવું શું.

વળી એમ પણ કહી શકાય કે ત્યાગમાં જ ભોગવટો છે અને ભોગવટાને અંતે ત્યાગ જ બાકી રહે છે. જે સંન્યાસી બધું જ છોડીને જતો રહે છે તે ત્યાગને માણે છે – તેની માટે ત્યાગ જે આનંદ આપે છે તે જ આનંદ કદાચ ભોગ ભોગીને આપે છે. સંન્યાસી ત્યાગમાં એટલો તલ્લીન થઈ જાય છે જેટલો તલ્લીન ભોગી જે તે વિષયમાં થાય છે. આમ બંને લગભગ એક જ પ્રકારની અનુભૂતિ કરતા હશે. સંન્યાસી ત્યાગને ભોગવે છે અને ભોગવ્યા પછી ભોગી વિષયને ત્યાગે છે. વિષયનો ત્યાગ આધ્યાત્મની ઉન્નતિ માટે ખૂબ જરૂરી છે. ભોગીનો એ ત્યાગ સમય પૂરતો જ છે, પણ એકવાર જો ભોગની જેમ એને ભોગના ત્યાગનો પણ ચસકો લાગે તો તેને ત્યાગી બનતા વાર ન લાગે. એમ કહી શકાય કે ત્યાગ એ વિશેષ પ્રકારના ભોગની શરૂઆત છે અને ભોગ એ એક પ્રકારે ત્યાગની શરૂઆત છે.
આ વિધાનની સમજણ માટે નિર્લેપતાના ભાવનો ઉલ્લેખ થતો હોય છે. ભોગવવાનું એ રીતે કે જાણે પોતાનું કંઈ છે જ નહીં. એમ માનવાનું કે અકસ્માતે બધું ભેગું થયું છે અને વિવિધ ગુણો એકબીજામાં પ્રવૃત્તિ થાય છે. આમાં કર્તાપણું ગુણોને સોંપી દેવાય છે અને ગુણા ગુણેષુ વર્તન્તેના ન્યાય પ્રમાણે વ્યક્તિના કર્તાપણાનો લોપ થઈ જાય છે, પરિણામે જે તે કર્મ ફળનો ભોગવટો બાકી નથી રહેતો.

આમ તો આ વિધાન માટે ઘણું કહી શકાય, પણ જો મર્યાદિત શબ્દોમાં છેલ્લી વાત કહેવી હોય તો એમ કહી શકાય કે ભોગવટા અને ત્યાગ વચ્ચે જે રેખા દોરાય છે તેને સમજવાની છે. જો તે રેખા આધ્યાત્મિકતાના બળે લુપ્ત થાય તો ભોગવટો અને ત્યાગ એક થઈ જાય. ત્યાગીને ભોગવવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…