ધર્મતેજ

‘મારી નાડ તમારે હાથ હરિસંભાળજોે રે..’ (કેશવ હરિરામ ભટૃ)

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે,
મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે…

  • મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે…૦
    આદિ અનાદિ વૈદ છો સાચા, કોઈ ઉપાય વિશે નહીં કાચા,
    વધુ ન ચાલે વાચા, વેળા વાળજો રે..
  • મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે…૦
    પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ભરાતું,
    મને હોય જે થાતું, નાથ નિહાળજો રે..
  • મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે…૦
    વિશ્ર્વેશ્ર્વર ના મને વિસારો, આપને હાથ છું પાર ઉતારો,
    મહા મૂંઝારો મારો નટવર ટાળજો રે..
  • મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે…૦
    કેશવ હરિ મારું શું થાશે ? ઘાણ વળ્યો જો ગઢ ઘેરાશે,
    લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે..
  • મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે…૦
    અર્વાચીન સમયના ભક્ત કવિ કેશવ હરિરામ ભટૃ દ્વારા રચાયેલું અને લોકભજનિકોમાં અત્યંત લોકપ્રિય બનેલું આ પદ વૈદકની પરિભાષ્ાામાં સાધકની શરણાગતિ વર્ણવે છે. ઈશ્ર્વરને આદિ-અનાદિના સાચા નાડીપારખુ વૈદ જાણીને એના હાથમાં પોતાની નાડી સોંપનારો-આશ્રય લેનારો ભક્ત પોતાની બધી જ જવાબદારી હવે પરમાત્માના ચરણે ધરી દે છે. કવિ ગાય છે શે ‘હે માલિક હે વિશ્ર્વંભર નાથ હે દયાના સાગર મેં મારી નાડી તમારે હાથમાં સોંપી દીધી છે, હવે મને આપનો પોતાનો જાણીને તમારું ભક્તવત્સલનું બિરુદ-તમારું પ્રભુપદ જાળવી રાખજો, અને મને આ ભવ વ્યાધિમાંથી મુક્ત કરજો.

તમે જ તો આદિ-અનાદિના સાચા વૈદ્ય છો, તમારી પાસે તમામ દર્દના ઈલાજ છે. તમામ પ્રકારની સારવાર જાણનારા તમે અનેક જાતના ઉપાયો કરવા સક્ષ્ામ છો, હું વધારે તો કહી શક્તો નથી પણ મારું ટાણું તમે સાંચવી લેજો, કારણ કે શું કરવું,શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, શું પીવું,શું ન પીવું એવા પથ્ય-અપથ્યની જાણકારી મારામાં નથી.

મારું દર્દ કાયમ વધતું રહ્યું છે,મને શું થાય છે એની પણ ખબર મને પડતી નથી. હે પ્રભુ તમે જ મારી નાડી તપાસીને નક્કી કરો કે મારી કઈ પીડા છે ? હે વિશ્ર્વેશ્ર્વર મને ભૂલશો નહીં. હવે માત્ર તમારો જ આશરો છે, હું શરણે આવ્યો છું તો મને આ ભવસાગરમાંથી પાર ઉતારી દેજોે. મારી તમામ મૂંઝવણોનો ઉકેલ માત્ર તમારી પાસે જ છે. હે દીનદયાળ આ કાયાનો ગઢ વૃદ્ધાવસ્થાને લીધે ઘેરાઈ જશે તો ઘાણ વળી જશે. માયાના ચક્કરમાં અટવાઈ જઈશ ને અવળે માર્ગે ચડી જઈશ તો તમારી શાખ-તમારી આબરુ જશે માટે હે હરિ મારી સંભાળ જલદી લઈ લેજો..

સંપૂર્ણ શરણાગતિથી આત્મસમર્પણ થાય, ઈશ્ર્વરને ચરણે તન-મન-પ્રાણ અર્પણ થઈ જાય તો જ આ ભવસાગરમાંથી પાર ઊતરવાનો કીમિયો હાથ લાગે.. એટલે તો આપણા દરેક સંત-ભક્તોએ વારંવાર આ એક જ પ્રકારની પ્રાર્થનાઓ કરી છે. ભવસાગરના તોફાનમાંથી પોતાની નાવડી હેમખેમ પાર ઊતરે અને સંસારસાગરના અતાગ ખારાં જળ જે તરસ્યા માટે નકામાં છે,ને જેમાં વારંવાર તોફાનો આવ્યાં જ કરે છે એમાંથી બચાવી લેવા માટે ‘શામળા સુકાની થઈને સંભાળ, નૈયા મધસાગર ડૂબતી.., સાચો કિનારો અમને બતાવ, તું છો ભવ ભવનો સારથી..’ એમ ભક્તો ગાયા કરે છે.

માની પોતાના જ્ઞાન, ડહાપણ, શિક્ષ્ાણ, સ્થાન, માન, અહંકારથી થાકે ત્યારે જ એ પરમાત્મા કે સદ્ગુરુને શરણે જાય છે. એને ખબર પડી જાય કે ‘હું’ કશું જ નથી,મારું કશું જ ચાલતું નથી, હું સાવ અસહાય છું, મારા તમામ સંકલ્પો-પ્રયત્નો તદ્દન વ્યર્થ જાય છે ને ઈશ્ર્વરની ઈચ્છા જ સર્વોપરિ છે ત્યારે જ એ સાચું શરણ શોધે છે. સાચી શીખ, સાચી સમજ, સાચું જ્ઞાન, સાચું માર્ગદર્શન મેળવવા અને પોતાની જાતને કેળવવા માટે આત્મ સમર્પણ કરે છે.

કેશવ હરિરામ ભટૃ પિતા: મોરબીના કથાકાર ભટૃ હરિરામ ઉર્ફે છોટાભટૃ. માતા: પોરબંદરના પ્રશ્ર્નોરા નાગર પુરુષ્ાોત્તમ વ્યાસની દીકરી ઝવેરબાઈ. એમને ત્યાં મોરબીમાં ઈ.સ.૧૮પ૧ વિ.સં.૧૯૦૭માં કેશવલાલનો જન્મ થયો. અગિયાર વરસની ઉંમર સુધી લખતાં-વાંચતાં આવડતું નહોતું. વિ.સં.૧૯૧૮, ઈ.સ.૧૮૬રમાં પોરબંદર આવ્યા. મામાને ત્યાં રહી સંસ્કૃતનો અભ્યાસ. ચાર વરસ પછી મોરબી આવ્યા. ત્યારબાદ એમના મામા જયકૃષ્ણ જીવનરામ સાથે એક વર્ષ્ા માટે મુંબઈ ગયા. અને શ્રીમદ્ ભાગવતનો અભ્યાસ ર્ક્યો. અઢાર વરસની ઉંમરે મોરબીમાં ગુજરાતી ત્રીજા ધોરણમાં દાખલ થયા. પછી કોઈ ગામડે પ્રાથમિક શાળાના થોડા સમય માટે શિક્ષ્ાક થયા. બે ભાઈઓ હતા, દલપતરામ તથા કાનજી. ત્રણે ભાઈઓના વિવાહ થઈ ગયેલાં. ઈ.સ.૧૮૭૦માં હરિ વ્યાસનાં દીકરી મોંઘીબાઈ સાથે વિવાહ. ૧૮૮૭માં પત્નીની વિદાય. ૧૮૮૯માં કુંડલા નિવાસી મહેતા કાલીદાસની પુત્રી મણિકુંવર સાથે પુનર્વિવાહ. પાછા જામનગર અને મોરબીમાં શંકરલાલ શાસ્ત્રી પાસે શાસ્ત્રોનો અને કાવ્યકલાનો અભ્યાસ. વિ.સં.૧૯ર૯ ઈ.સ.૧૮૭૩થી મુંબઈ ‘વેદધર્મસભા’ના સંચાલન તથા નર્મદયુગના પત્રકાર તરીકે મુંબઈના ‘આર્યધર્મ પ્રકાશ’ માસિકનું સંચાલન.. જ્યાં ર૩ વરસ ફરજ બજાવી. અવ.૧૮૯૬ વિ.સં.૧૯પર ફાગણ સુદી ૧ શુક્રવાર.

સંદર્ભ: (૧) ‘કેશવકૃતિ અથવા અનુભવનો ઉદ્ગાર’ (૧૮૮૯) પૃ.પ૦૦ (ભાવનગર મહારાજા ભાવસિંહજીની સહાયથી) સંપા. પ્રભાશંકર દલપતરામ઼ વિભાગ-ર પૃ.૬ર.(ર)‘કેશવકૃતિ’ આ.ર , ૧૮૯૦-૯૧, વિભાગ-ર, પૃ.૧૪૮ (૩) એમાંથી ૧૯૦૯ માં માત્ર ૪૮ ભજનોની ત્રીજી આવૃત્તિ- ‘કેશવકૃતિ પણ પ્રકાશિત થયેલી. (૪) ‘કલ્યાણ’ સંતવાણી અંક. પૃ.૪૪૯ (પ) ગુ.સા.કોશ-ર (અર્વાચીન) પૃ.૪૦૮.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button