ધર્મતેજ

સ્વામી, તમારા ભક્તનો સ્વર કૈલાસ સુધી ગુંજવા લાગ્યો છે…

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ભર્તૃહરિને વરદાન આપી માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પહોંચે છે. કૈલાસના આકાશ માર્ગે ધનપતિ કુબેર જઇ રહ્યા હોય છે અને તેઓ જુએ છે કે, નંદિગણ સાથે માતા પાર્વતી કૈલાસની સજાવટમાં વ્યસ્ત છે. તેઓ તુરંત માતા પાર્વતીને કહે છે, માતા બ્રહ્મલોક, વૈકુંઠલોક અને સ્વર્ગલોકની તુલનાએ કૈલાસની સાદગી નીહાળીને મારું મન કકળી ઉઠે છે, હું એવું ઇચ્છું છું કે, માતા આપ અને ભગવાન શિવ પણ સુવર્ણ મહેલમાં નિવાસ કરે. જો તમે આજ્ઞા આપો તો હું કૈલાસ ખાતે સુવર્ણ મહેલ બનાવું. માતા પાર્વતીએ કહ્યું, ‘કુબેરજી! મને સત્વરે સોનાનો મહેલ બનાવી આપો.’ ભગવાન કુબેરની આજ્ઞાથી ભગવાન વિશ્ર્વકર્મા મણિ, માણેક અને મોતી જડિત મેઘધનુષ્યની સપ્તરંગી આભાવાળો સુવર્ણમહેલ બનાવી આપ્યો. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ‘દેવી, અવશ્ય આપણે આ મહેલમાં રહીશું, તે પહેલા આપણે શાસ્ત્રોક્તવિધિ અનુસાર વાસ્તુ, પૂજાપાઠ વગેરે કોઈ વિદ્વાન આચાર્ય પાસે કરાવીને જ ગૃહપ્રવેશ કરીશું.’ ભગવાન કુબેર તેમના ભ્રાતા દશાનન રાવણ લઈ પૂજા કરાવવા કૈલાસ આવી પહોંચે છે. દશાનન રાવણે નવા સુવર્ણ મહેલની વાસ્તુ પૂજા કરાવી. ભગવાન શિવ તેમને દક્ષિણામાં શું જોઇએ છે એવું પૂછતાં દશાનન રાવણે કહ્યું, ‘પ્રભુ તમે જો આપવા માંગતા હો તો આ મહેલ સાથે માતા પાર્વતીને પણ દક્ષિણા પેટે આપી દો.’ ભગવાન શિવે માતા પાર્વતી અને સુવર્ણ મહેલ દશાનનને સુપરત કર્યા. દશાનન માતા પાર્વતી અને મહેલને લઈ લંકા તરફ જવા માંડયો. ભગવાન વિષ્ણુ માતા પાર્વતીની વ્હારે આવી દશાનન રાવણને કહે છે, ‘દશાનન તમે સાવ ભોળા છો, આ પાર્વતીજી નથી તેમની દાસી છે. પાર્વતીજીના શરીરમાંથી તો ગુલાબની સુગંધ આવે છે.’ દશાનન રાવણે ખાતરી કરી તેનું શરીર સુંઘી જોયું, તો નાક દુર્ગંધથી ભરાઈ ગયું. તેને લાગ્યું કે આ તો ખરેખર દાસી જ છે. ફરી વાર ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘લંકાપતિ! તમને આ લોખંડના મહેલનો શું મોહ લાગ્યો છે? આના પર તો ફક્ત સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે’. દશાનન રાવણે પથ્થરનો ટુકડો લઈ દીવાલ સાથે ઘસતાં લોખંડ નજરે પડયું, રાવણ મહેલ અને માતા પાર્વતીને છોડીને ત્યાંથી ચાલી ગયો. એજ સમયે ભગવાન શિવ ત્યાં પધારે અને કહે છે, ‘હે દેવી બધું તમારા લોભને કારણે બન્યું છે, લોભને વશ થઈ તમે સુવર્ણમહેલ બનાવી લીધો. રાવણે લોભને વશ થઈ મહેલ અને તમને માગી લીધા, માટે સર્વ પાપોનું મૂળ લોભ જ છે.’ માતા પાર્વતીએ કહ્યું: ‘હે પ્રભો! મને આજે સમજાઈ ગયું કે, શિવલોકની સાદગીમાં જ સઘળી સંપત્તિ છે. શિવલોકની અનેરી, અનોખી, અલૌકિક અને અદ્ભુત સંપત્તિની સરખામણીમાં કોઈ દેવલોકની સંપત્તિ ન આવે.’ ભગવાન શિવ અને માતા પાર્વતી પરત કૈલાસ પધાર્યા.


ભગવાન શિવ તપમાં લીન હતા કૈલાસ ખાતે ’ૐ નમ: શિવાય:’નો ધ્વની ગુંજવા લાગ્યો.

માતા પાર્વતી: ‘સ્વામી તમારા ભક્તનો સ્વર કૈલાસ સુધી ગુંજવા લાગ્યો છે હવે એના પર કૃપા દૃષ્ટિ કરો.’

ભગવાન શિવ: ‘અવશ્ય દેવી.’

ભગવાન શિવ ઋષિ સૌમિત્રને વરદાન દેવા પહોંચી
જાય છે.

ભગવાન શિવ: ‘ભક્ત સૌમિત્ર આંખ ખોલો અને વરદાન માંગો.’

પોતાના આરાધ્ય દેવને પોતની સમક્ષ ઊભેલા જોઈ ઋષિ સૌમિત્ર ગદ્ગદ્ થઈ જાય છે, તેમની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા માંડે છે.

ઋષિ સૌમિત્ર: ‘ભગવંત તમારો ખૂબ ખૂબ આભાર, તમારા દર્શનથી હું પાવન થઈ ગયો, હું કંઈ જ ઇચ્છતો નથી.’

ભગવાન શિવ: ‘સૌમિત્ર વરદાન તરીકે તમારે કંઈક તો માંગવું જ પડશે.’

ઋષિ સૌમિત્ર: ‘ભગવંત તમારી જે ઇચ્છા હોય તે તેમ જ આપો.’

ભગવાન શિવ તેમને એક શંખ આપતા કહે છે, ‘હે સૌમિત્ર આ શંખ તમને હું પ્રસાદીના રૂપે આપું છું, સૃષ્ટિમાં તમે જ્યાં જયાં જશો ત્યાં તમારો સર્વત્ર આદર-સત્કાર થશે.’

ઋષિ સૌમિત્ર ભગવાન શિવને નમન કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે અને શંખને પોતાની ઝોળીમાં મૂકી દે છે. તેઓ ધર્મના પ્રચાર – પ્રસાર માટે જ્યાં જયાં જાય ત્યાં ઝોળી અને શંખ સાથે લઈ જતા અને ભગવાન શિવજીની પૂજા અને આરતી વખતે એ શંખ વગાડતાં. એ શંખનો ધ્વની અલૌકિક હતો. સમય જતાં કક્ષીવાન નામનો યુવાન તેમના શિષ્ય તરીકે તેમની સાથે જોડાયો. કક્ષીવાનને કોઈએ કહ્યું કે, તારા ગુરુ પાસે જે શંખ છે તે પ્રસાદીનો શંખ છે. આ ચમત્કારી શંખને લીધે જ તારા ગુરુને સર્વત્ર આદર અને સત્કાર મળે છે.

એક વખત ગુરુ સૌમિત્ર અને શિષ્ય કક્ષીવાન યાત્રાએ નીકળ્યા. સૌમિત્રનો સર્વત્ર સત્કાર થયો. ફરતાં ફરતાં તેઓ આનર્ત રાજ્યમાં આવી પહોંચ્યા. સંધ્યાવેળાએ સૌમિત્ર શંખને સરોવરકાંઠે મૂકી સ્નાન કરવા ગયા. કક્ષીવાને વિચાર્યું કે, અપાર સિદ્ધિઓથી સભર આ શંખ જો મારી પાસે હોય તો હું પણ આદર સત્કારનો અધિકારી બનું, મારું પણ સર્વત્ર બહુમાન થાય અને લોકો મારી પૂજા કરે.’ લાલચુ શિષ્ય કક્ષીવાને તે શંખ સંતાડી દીધો. આરતી વખતે ગુરુ સૌમિત્રએ ઝોળીમાં જોયું તો શંખ મળ્યો નહિ, તેથી કક્ષીવાનને પૂછયું, ‘શંખ ક્યાં છે?’

કક્ષીવાન: ‘ગુરુદેવ શંખ વિષે મને કોઈ જાણકારી નથી, તમારી ઝોળીમાં જ હોવો જોઈએ.’

ગુરુ સૌમિત્ર: ‘જેણે શંખની ચોરી કરી હશે તે સ્વયં શંખ બની જશે.’

સૌમિત્રના શાપથી ભયભીત થયેલા કક્ષીવાને ચોરીની કબૂલાત કરે છે, પણ શાપનું નિવારણ હોતું નથી.

ગુરુ સૌમિત્ર: ‘એક તોં તે ચોરી કરી છે અને બીજું ગુરુ પાસે અસત્ય બોલ્યો છે. આ બંને પાપની સજા ભોગવ્યા વિના છૂટકો નથી.’

કક્ષીવાને પાપના નિવારણ અંગે પૂછતાં ગુરુ સૌમિત્રે કહ્યું, ‘આ પાપથી પિનાકપાણી જ બચાવી શકે. તારે શંખ સ્વરૂપે સરોવરમાં રહેવું પડશે, તારો જીવ શંખમાં સુરક્ષિત રહેશે. સરોવરમાં નિવાસ કરી શિવનું રટણ કરવાથી તારો ઉદ્ધાર થશે.’

કક્ષીવાને પાપ નિવારણઅર્થે સરોવરમાં સ્નાન કરવા ડૂબકી લગાવતાં શંખમાં રૂપાંતરિત થઈ ગયો. શંખમાંથી એકધારો શિવ… શિવ… ધ્વની નીકળવા લાગ્યો. શંખ સ્વરૂપે તે અહોનિશ શિવ… શિવ… રટતો જ રહ્યો.

બાર વર્ષની તપસ્યા બાદ એ ધ્વની કૈલાસ પહોંચવા માંડયો.

માતા પાર્વતી: ‘શિવ… શિવ…નો ધ્વની તમને નથી સંભળાતો, જુઓ તમારું સિંહાસન પણ ડોલી રહ્યું છે. ત્રિકાળદર્શી ભગવાન શિવ નંદી પર સવાર થઈ શિવભક્ત કક્ષીવાનનો ઉદ્ધાર કરવા નીકળી પડયા. સરોવર તટે પહોંચી ભગવાન શિવે કહ્યું, ‘કક્ષીવાન તારું તપ પૂર્ણ થયું, તું સરોવરની બહાર આવ.’

આટલું કહી ભગવાન શિવે હાથ લંબાવતા કક્ષીવાન પોતાના મૂળ સ્વરૂપે સરોવરની બહાર આવ્યો. સાક્ષાત ભગવાન શિવના દર્શન કરી તે હર્ષવિભોર બન્યો અને અંતે ભગવાન શિવની કૃપાથી શિવલોક સિધાવ્યો.

કક્ષીવાન તપને લીધે પાપમુક્ત બન્યો હતો તેથી આ સરોવર ‘શંખોદ્વાર’ નામનું તીર્થધામ બન્યું. અહીં સ્નાન કરવાથી શિવધામની પૂજા અર્ચનાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પવિત્ર સ્થળ પર શ્રાવણ માસ દરમિયાન મોટો માનવમહેરામણ ઊમટે છે અને સરોવરમાં સ્નાન કરી શિવધામની પૂજા અર્ચનાનું ફળ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button