સ્વાધ્યાય એ સંસ્કૃત શબ્દ છે, જેમાં ‘સ્વ’ એટલે કે પોતાનું અને ‘અધ્યાય’ એટલે અભ્યાસ-સારંગપ્રીત

ગત અંકમાં સત્યની છણાવટ કરીને હવે ભગવાન કૃષ્ણ અન્ય દૈવી ગુણ ‘સ્વાધ્યાય’ પર પ્રકાશ પાથરે છે, તેને સમજીએ.
સ્વાધ્યાય એ સંસ્કૃત શબ્દ છે, જેમાં ‘સ્વ’ એટલે કે પોતાનું અને ‘અધ્યાય’ એટલે અભ્યાસ આ શબ્દનો અર્થ થાય છે: પઠન અને અધ્યયનનો નિત્ય અભ્યાસ! ‘સ્વાધ્યાય’ શબ્દ પોતાનો અભ્યાસ કરવા, જાતને જાણવા અને આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસ માટે પ્રયાસ કરવાનો સૂચક શબ્દ છે. અહીં સ્વ-મૂલ્યાંકન અને શીખવાની ઇચ્છા મુખ્ય છે. આ માત્ર અભ્યાસક્રમ પૂરતું મર્યાદિત નથી પરંતુ જીવન નિર્માણની બધી જ અવસ્થાઓમાં ઉપયોગી છે.
હા, સ્વાધ્યાય એટલે પોતાને સારી રીતે ઓળખવાનો, શીખવાનો અને પોતાના જીવનમાં ઊંડાણપૂર્વક પરિવર્તન લાવવાનો માર્ગ. આજના ઝડપભર્યા જીવનમાં જ્યાં તમામ કીર્તિ અને સમૃદ્ધિ બાહ્ય પ્રગતિ પર આધાર રાખે છે, ત્યાં સ્વાધ્યાય જીવનને આંતરિક દૃષ્ટિથી મજબૂત અને અર્થપૂર્ણ બનાવે છે.
આપણાં શાસ્ત્રો કહે કે કે સ્વાધ્યાયના માધ્યમથી વ્યક્તિના વિચારશક્તિનો વિકાસ થાય છે. તે પોતાના ઘડેલા નિર્ણયો અને વિવેકશક્તિમાં સુધારો કરી શકે છે. સ્વાધ્યાય દ્વારા નીતિ, પરમાર્થ અને જીવનના ઉદ્દેશ્યનું સમજણ થઈ શકે છે. વળી, આપણા પ્રાચીન ગ્રંથો અને આધ્યાત્મિક સાહિત્યના અધ્યયન દ્વારા જીવનમૂલ્યોને સારી રીતે સમજવા મદદ મળે છે. જીવનમાં શું મહત્ત્વનું છે તે સમજી શકાય છે. તેનાથી સમયનો યોગ્ય ઉપયોગ કરવો અને કામને મહત્ત્વ પ્રમાણે વર્ગીકૃત કરવું શક્ય બને છે.
ગીતાના સંદર્ભમાં, સ્વાધ્યાય માત્ર એક લૌકિક અભ્યાસ વિધિ નથી, તે જીવન જીવવાની એક રીત છે. તે જીવનના વધુ ઊંડા પ્રશ્નો, જેમ કે ‘હું કોણ છું?’ ‘મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે?’ નો ચિંતન કરવા માટે પ્રેરિત કરે છે. તે આપણને આત્મા અને પરમાત્મા વચ્ચેના બંધને મજબૂત કરવા પ્રેરિત કરે છે. સ્વાધ્યાય એ આધ્યાત્મિક વિકાસ માટેનું સાધન છે, જે જીવનને મોક્ષ
માર્ગે અગ્રેસર કરે છે. આનાથી સમજાય છે કે પોતાના આદર્શો અને કાર્યોનું અવલોકન કરવું નિતાંત આવશ્યક છે. એટલે જ અહીં સ્વાધ્યાયને જીવનમાં દૈવી ગુણોના વિકાસ માટે જરૂરી ગણવામાં આવ્યો છે.
મહાત્મા ગાંધીજીના જીવનમાં સ્વાધ્યાયને વિશેષ સ્થાન હતું. તેમના જીવનની અનેક પ્રેરક ઘટનાઓ સ્વાધ્યાયના મહત્વને વ્યક્ત કરે છે. ગાંધીજી પોતાની ઉંમરના ત્રીજા દાયકામાં જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા.
ત્યાં તેમના જીવનને નવી દિશા આપે એવી એક પરિવર્તનકારી ઘટના બની. તેઓ પોતાનાં જીવનના કેટલાક નિર્ણયો અને માન્યતા અંગે સંશયમાં હતા. આ સંદર્ભે તેમને ‘ભગવદ્ ગીતા’ અને અન્ય શાસ્ત્રો વાંચવાની પ્રેરણા મળી. તેઓ દક્ષિણ આફ્રિકા દરમિયાન રોજે-રોજ ગીતાનું અધ્યયન કરતા. એટલે કે સ્વાધ્યાય કરતા. આ ક્રિયા તેમના આંતરિક વ્યક્તિત્ત્વને મજબૂત બનાવતી હતી.
આપણ વાંચો: અલૌકિક દર્શન : શિવતત્ત્વ ને મહિમા અનંત છે…
તેમણે એક વાર લખ્યું છે:
‘સ્વાધ્યાયનો લાભ એ છે કે તે તમે જે કંઈ વાંચો છો તે તમારા જીવનના સાચા જીવનમૂલ્યો સાથે જોડાવા
શીખવે છે.’
તેઓ અન્ય ઉત્તમ પુસ્તકોનો પણ સ્વાધ્યાય કરતા. એક દિવસ, ગાંધીજી પૌષ્ટિક આહાર વિશે પુસ્તક વાંચી રહ્યા હતા, જેમાં માનવ શારીરિક શક્તિ માટે શ્રમ, સાધનાનું મહત્ત્વ અને નિયમિત જીવનશૈલી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાંથી પ્રેરિત થઈને તેમણે સ્વચ્છતા અને શ્રમની મહત્તા સમજવામાં ઊંડાણપૂર્વક રસ લેવો શરૂ કર્યો.
આ વાંચનના પરિણામે તેઓએ પોતે નક્કી કર્યું કે બિનજરૂરી ઢોંગ અને આડંબરથી દૂર રહેવું જોઈએ. પોતાના કામકાજ માટે તેઓ પોતાની સાથે જોડાયેલા મજૂરોને શ્રમ કરવા માટે પ્રેરણારૂૂપ બન્યા. તેઓએ પોતાના કામકાજ માટે અન્ય પર આધાર રાખવાને બદલે પોતે ઘરકામ અને નાની-મોટી સેવાઓ કરી શ્રમનું મહત્ત્વ સમજાવ્યું.
આ વિષયે મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે –
ઉત્તમ પુસ્તકોનું વાંચન, જેવા કે શ્રદ્ધાસ્પદ સાહિત્ય, ધર્મગ્રંથો અને આત્મવિશ્વાસ વધારનારા લેખન સાથે સમય પસાર કરો. તમે જીવનમાં શું કરવા માગો છો અને કેમ, તે પ્રશ્નોનો ઉત્તર શોધો. નિત્ય સ્વાધ્યાય દ્વારા મનને શાંત કરી જીવનના ધ્યેય તરફ પ્રયાણ કરો.
ગ્રંથોના વાંચન દ્વારા તમારામાં રહેલી ખામીઓ પર કામ કરો અને તમારા ગુણોને વધુ મજબૂત બનાવો. હા, આવો જ અભ્યાસ વ્યક્તિના આત્મમૂલ્યાંકન અને આત્મશોધનો માર્ગ દર્શાવે છે.
ટેકનોલોજી અને સામાજિક પ્રસાર માધ્યમો પર નિર્ભરતાના સમયમાં આજના લોકો ભૂલી જાય છે કે સ્વાધ્યાય જીવનના સાચા અર્થ અને ધ્યેયને ફરીથી શોધવામાં મદદરૂપ થાય છે. તે વ્યક્તિને તેની આંતરિક શક્તિઓને ઓળખવામાં અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ કરે છે. સ્વાધ્યાય એ જીવનનું સૌંદર્ય છે, જે દરેકને પોતાની અંદરના સત્યને શોધવા પ્રેરિત કરે છે.