ધર્મતેજ

અલૌકિક દર્શન : શિવતાંડવ એટલે સંહારરૂપી નૃત્ય – લીલા

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. શિવતાંડવ :
    તાંડવ શિવજીનું નૃત્ય છે, તેથી તે શિવતાંડવ કહેવાય છે. શિવ તાંડવનૃત્ય ઘણા ઉગ્ર સ્વરૂપનું નૃત્ય છે. શિવ પ્રલયકાળે આ નૃત્ય કરે છે, તેથી શિવતાંડવ-નૃત્યને પ્રલયકાળનું નૃત્ય પણ કહે છે.

શિવજી સંહારના દેવ પણ ગણાય છે અને પ્રલયકાળે બ્રહ્માંડના સંહાર માટે શિવ તાંડવનૃત્ય કરે છે. નૃત્ય તો એક લીલા છે. અહીં નૃત્ય અને સંહારને એકરૂપ ગણ્યાં છે. શા માટે? એમ સૂચવવા માટે કે સર્જન જેમ એક લીલા છે, તેમ સંહાર પણ તેની લીલા જ છે.

જેને આપણે સંહાર ગણીએ છીએ, મહાપ્રલય ગણીએ છીએ તે પણ શિવ માટે તો એક નૃત્ય છે, એક લીલા છે. આમ, શિવતાંડવ એટલે સંહારરૂપી નૃત્ય, સંહારરૂપી લીલા.

  1. શિવરાત્રિ અને મહાશિવરાત્રિ :
    કાળનો પ્રવાહ અખંડ સ્વરૂપે વહી રહ્યો છે. કાળના આદિ અને અંત જાણી શકાય તેમ નથી. કાળનો પ્રવાહ સમભાવે અને સમાન સ્વરૂપે વહી રહ્યો છે. આમ છતાં કાળનો કોઈક ખંડ વિશિષ્ટ પણ હોય છે. કાળના આવા ખંડને વિશિષ્ટ કાળ પણ કહે છે. શ્રીઅરવિંદ આવા વિશિષ્ટ કાળને ભાગવતી ક્ષણો (Hour of God) કહે છે.

પ્રત્યેક માસની કૃષ્ણપક્ષની ત્રયોદશીને શિવરાત્રિ ગણવામાં આવે છે. આ એક એવો સમય છે, જ્યારે શિવતત્ત્વ સાથે સંપર્ક સાધવાની ઘટના સરળ બને છે. સાધક માટે શિવતત્ત્વ માટે સંપર્ક સ્થાપિત કરવા માટે આ સમય વધુ અનુકૂળ સમય છે. તેથી આ તિથિને શિવરાત્રિ ગણવામાં આવે છે. પ્રત્યેક માસની કૃષ્ણપક્ષની ત્રયોદશીને આ કારણસર શિવરાત્રિ કહેલ છે. શિવરાત્રિ એટલે શિવ સાથે સંપર્ક સ્થાપિત કરવા માટેની રાત્રિ.

માઘમાસની શિવરાત્રિ આ બધી અર્થાત્‌‍ બારે શિવરાત્રિઓમાં પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે, સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે, તેથી તેને મહાશિવરાત્રિ ગણવામાં આવે છે, જે સમયનો સદુપયોગ કરી લે, તે ડાહ્યો માણસ ગણાય છે.

શિવજીનાં નામ:
શિવજીનાં અનેક નામ છે. `અષ્ટાધ્યાયી રુદ્રી’ના પાંચમાં અધ્યાયમાં શિવજીનાં અનેક નામો ગણાવેલ છે. આ ઉપરાંત પુરાણો તથા શિવસ્તોત્રોમાં પણ શિવજીનાં અનેક નામ ગણાવેલ છે. શિવજીનાં અનેક નામો અને તેમનો અર્થ શિવસ્વરૂપને સમજવામાં મહત્ત્વપૂર્ણ સહાય કરે તેમ છે. તેવાં કેટલાક નામ અને તેમના અર્થ અહીં પ્રસ્તુત છે:

  1. શિવ = મંગલસ્વરૂપ
  2. શંકર = કલ્યાણ કરનાર
  3. ગિરીશ = કૈલાસગિરિના અધિપતિ
  4. ભોળાનાથ = સરળ કે ઋજુ સ્વભાવના
  5. મહાકાલ = કાલના અધિપતિ અર્થાત્‌‍ કાલાતીત
  6. ત્ર્યંબક = ત્રિનેત્રયુક્ત
  7. નીલકંઠ = વિષ ધારણ કરવાને લીધે જેમના કંઠનો વર્ણ નીલ થયો છે તે
  8. ચંદ્રશેખર = મસ્તક પર ચંદ્રને ધારણ કરનાર
  9. ત્રિપુરારિ = ત્રિપુરાસુરનો નાશ કરનાર
  10. પશુપતિ = સો જીવના અધિપતિ
  11. શૂલપાણિ = જેમના હાથમાં ત્રિશૂલ છે તે
  12. આશુતોષ = તરત પ્રસન્ન થનાર

જ્યોતિર્લિંગ :
જ્યોતિર્લિંગ પણ શિવલિંગ જ છે, પરંતુ તેનું મહત્ત્વ વિશિષ્ટ છે, તેથી સૌ શિવમંદિરોમાં જ્યોતિર્લિંગનું વિશેષ સ્થાન ગણાય છે.

જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે અનેક કથાઓ પ્રચલિત છે. સૌથી સંતોષજનક અને પ્રતીતિકર ખુલાસો આ પ્રકારે છે:

પ્રાચીનકાળમાં મહાન યજ્ઞો થતા. કોઈ વાર આ મહાન યજ્ઞના સ્થાન પર તે મહાયજ્ઞની સ્મૃતિમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવતી હતી, જે સ્થાન પર યજ્ઞનો અગ્નિ હોય, યજ્ઞજ્યોતિ હોય, તે સ્થાન પર જ લિંગની સ્થાપના કરવામાં આવતી હતી, તેથી તે લિંગને જ્યોતિર્લિંગ કહેવામાં આવેલ છે. આ રીતે જ્યોતિર્લિંગ તે મહાન યજ્ઞના અવશેષરૂપ કે સ્મૃતિરૂપ છે. અગ્નિને જ્યારે ભારી દેવામાં આવે ત્યારે તેનો જે આકાર થાય છે, તેવો જ આકાર શિવલિંગનો પણ છે. આ સમાનતા સૂચક અને નોંધનીય છે.

જ્યોતિર્લિંગ યજ્ઞના અવશેષરૂપ હોવાથી તેની પૂરી પરિક્રમા થાય છે, કારણ કે યજ્ઞના અગ્નિકુંડની પૂરી પરિક્રમા થાય છે. જ્યોતિર્લિંગનો પ્રસાદ ગ્રહણ કરી શકાય છે, કારણ કે યજ્ઞનો પ્રસાદ-યજ્ઞપ્રસાદ ગ્રહણ કરી શકાય છે. આમ મહાયજ્ઞના અવશેષરૂપ હોવાથી જ્યોતિર્લિંગ પરિક્રમા અને પ્રસાદની બાબતમાં અન્ય શિવલિંગોથી ભિન્ન છે તે હકીકત નોંધનીય પણ છે અને સૂચક પણ છે.
ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે.

  1. સોમનાથ – પ્રભાસક્ષેત્ર સૌરાષ્ટ્ર
  2. મલ્લિકાર્જુન – શ્રીશૈલ, આંધ્ર પ્રદેશ
  3. મહાકાલ – ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
  4. ઓમ્કારમમલેશ્વર – ઓમ્કારેશ્વર, નર્મદાતટ, મધ્ય પ્રદેશ
  5. વૈદ્યનાથ : 1. મરાઠાવાડા – મહારાષ્ટ્ર, પરભણી જંકશનથી પરલી જવાય છે. પરલી ગામ પાસે છે.
  6. જસીડીહ કે ભાગલપુરથી જવાય છે. બિહાર રાજ્યમાં છે.
  7. હિમાચલ પ્રદેશ.
    નોંધ: આમ વૈદ્યનાથ ત્રણ છે.
  8. ભીમાશંકર – મહારાષ્ટ્ર – મુંબઈ અને પૂનાથી બસ દ્વારા જઈ શકાય છે.
  9. રામેશ્વર – તમિળનાડુ
  10. નાગનાથ – 1. મહારાષ્ટ્ર રાજ્યના મરાઠાવાડા વિસ્તારમાં ઔઢાગ્રામ પાસે છે.
  11. દ્વારિકા પાસે છે.
  12. અલમોડા (હિમાલય)થી થોડે દૂર જાગનાથ મંદિર છે. તે પણ નાગનાથ ગણાય છે. નોંધ : આમ નાગનાથનાં ત્રણ મંદિર છે
  13. વિશ્વનાથ – વારાણસી, ઉત્તર પ્રદેશ
  14. ત્ર્યંબકેશ્વર – નાસિક પાસે ત્ર્યંબકેશ્વર છે
  15. કેદારનાથ – ઉત્તરાખંડ, હિમાલય 12. ઘુશ્મેશ્વર – ઈલોરા પાસે છે. ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)થી જવાય છે.

શંકાનિવારણ:

  1. શિવ અનાર્ય દેવ છે?
    કેટલાક પશ્ચિમી વિદ્વાનોએ આ વિચાર વહેતો મૂક્યો અને તેમના અનુકરણમાં કેટલાક વામણા ભારતીય
    વિદ્વાનોએ પણ એ વાત સ્વીકારી લીધી કે શિવ મૂલત: અનાર્ય દેવ છે અને આર્યોએ પાછળથી તેમને પોતાના દેવ તરીકે સ્વીકારેલ છે.
    વસ્તુત: આ આક્ષેપ સાવ તથ્યહીન છે, આ આશંકા અર્થહીન છે.

શિવ અનાર્ય દેવ છે તેમ માનનારા વિદ્વાનો પોતાની આ માન્યતાના સમર્થનમાં આવી દલીલો કરે છે:

(1) શિવનો અમંગળ વેશ તેમની અનાર્યતા સૂચવે છે.
(2) શિવનો પ્રસાદ ગ્રહણ ન કરવાની પરંપરા તેમની અનાર્યતા સૂચવે છે.
(3) હડપ્પા અને મોહેં-જો-દડોના અવશેષોમાં શિવલિંગ મળ્યાં છે. આ બંને નગરો અનાર્ય પ્રજાનાં નગરો મનાય છે.
(4) શિશ્નપૂજા અને યોનિપૂજા અનાર્ય પરંપરાની સૂચક છે. શિવલિંગ શિવશિશ્ન છે, તેથી શિવ અનાર્ય દેવ હોય તેમ કહી શકાય. આ ચારે દલીલોના પ્રત્યુત્તર આ પ્રમાણે છે:

  1. શિવના સ્વરૂપમાં ભસ્મ, વ્યાઘ્રચર્મ, નાગ, ખોપરી આદિ છે. તેમનો સાંકેતિક અર્થ આપણે જોઈ ગયા છીએ. આ પદાર્થોને સ્થૂળ અર્થમાં લઈએ તો શિવના બ્રહ્મસ્વરૂપને સમજી શકાય તેમ નથી, તેથી આ પદાર્થોનો સૂક્ષ્મ અને સાંકેતિક અર્થ જ લેવો જોઈએ અને તો શિવને અમંગલવેશધારી કહી શકાય તેમ નથી.

એ ન ભૂલવું જોઈએ કે ભારતીય પરંપરામાં શિવને બાહ્ય દૃષ્ટિથી અમંગલ-વેશધારી ગણેલ હોવા છતાં સર્વમંગલદાયી ગણેલ છે. (શિવમહિમ્નસ્તોત્ર: 24)

(ક્રમશ:)

આપણ વાંચો:  માનસ મંથન: માણસના મનને ચગદી નાખો તો એનું કેટલું પાપ લાગે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button