ધર્મતેજ

અલૌકિક દર્શન: ડાબી ઈંગલા ને જમણી પિંગલા, રાખવું સ્વરભેદમાં ધ્યાન રે

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
શબ્દ – ૨૦ પાંચ પ્રાણને એક ઘરે લાગવા.
ભજન – ૧૯
પાંચેય પ્રાણને એક ઘરે રાખવા, શીખવો વચનનો વિશ્ર્વાસ રે…
પાંચ પ્રાણ કયા એ તો આપણે જોયું. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એને એક ઘરે શા માટે લાવવા? એ એક ઘર કયું? કેવી રીતે લાવવા?

જ્યાં સુધી પ્રાણ હૃદયમાં પહોંચે નહીં ત્યાં સુધી એ ઘર સિદ્ધ થતું નથી. પાણીની પાંચ ધારા વહેતી હોય તો શક્તિ વહેંચાઈ જાય, પાંચેય ધારા એકત્રિત થાય તો શક્તિ વધી જાય અને શક્તિ વધે તો પ્રાણ ગ્રંથિઓને ભેદવા માટે શક્તિમાન થાય છે, આપણા શરીરમાં સાત ચક્ર છે.

એમાંના નીચેના છ ગ્રંથિ છે. એ ગ્રંથિનું ભેદન થાય તો ગ્રંથિ-ગ્રંથિને બદલે દ્વાર બની જાય છે અને ગ્રંથિનું ભેદન કરવા માટે પાંચેય પ્રાણને એકત્રિત કરવા જોઈએ એથી એની શક્તિ વધે. કયા સ્થાને? અનાહત ચક્રમાં. એ હૃદયમાં છે ત્યાં પાંચેય પ્રાણને એકત્રિત કરવાના છે, અપાનને ઊર્ધ્વ લેવાનો છે, અપાનનું સ્થાન નીચે છે અને ઉદાનનું સ્થાન મસ્તકે છે, તેને નીચે ઉતારવાનો છે.

હૃદયમાં પાંચેય પ્રાણ એકત્રિત થાય પછી ગ્રંથિઓનું ભેદનની ક્રિયા સરળ થાય છે એવું ગંગાસતીનું આ કહેવાનો યૌગિક અર્થ છે, એટલે ગંગાસતી કહે છે, પાંચેય પ્રાણને એક ઘરે રાખવા, શીખવો વચનનો વિશ્ર્વાસ રે.
શબ્દ – ૨૦ રાખવું સ્વરભેદમાં ધ્યાન:
ભજન – ૨૦
ભાઈ રે ડાબી ઈંગલા જે જમણે પીંગળા, રાખવું સ્વર ભેદમાં ધ્યાન રે…

આ સ્વરોપાસના છે. સંસ્કૃતમાં શિવસ્વરોદય નામનો એક ગ્રંથ છે, જે આપણી પરંપરામાં સ્વરવિદ્યાનો શ્રેષ્ઠ ગ્રંથ છે, એમાં એકમાં કહ્યું છે કે આપણા શ્ર્વાસ હંમેશાં બંને નસકોરાંથી સમાન રીતે નથી ચાલતા. જરા તપાસ કરીએ તો ખબર પડે કે બંનેમાં શ્ર્વાસ ચાલે છે, પણ એકમાં વધુ હોય છે, એકમાં ઓછો. ક્યારેક ડાબું, ક્યારેક જમણું એમ વારાફરતી ચાલે છે, ડાબું ચાલતું હોય ત્યારે એમ સમજવું કે ઈડામાં શ્ર્વાસ ચાલે છે, કારણ કે ઈડા ડાબી બાજુ છે, ચંદ્ર નાડી કહેવાય, પિંગલા જમણી બાજુ છે.

જમણામાં વધુ ચાલે ત્યારે પિંગલામાં ચાલે છે. વચ્ચે એક ક્ષણ એકમાંથી બીજે જતી વખતે ડાબામાંથી જમણામાં ને જમણામાંથી ડાબામાં શ્ર્વાસ જ્યારે બદલાય ત્યારે એ દરમિયાન થોડીક ક્ષણો એવી આવે છે કે જ્યારે બેયમાં સમાનભાવે ચાલે છે. એને શ્ર્વાસ સુષુમ્ણામાં ચાલે છે એમ કહેવાય અને એ ક્ષણ અતિકીમતી છે, એ ક્ષણમાં જો સાધન કરી લેવાય તો છલાંગ લાગી શકે છે. આ ગૂઢ વિદ્યા ગંગાસતી જાણે છે, એટલે કહે છે કે રાખવું સ્વરભેદમાં ધ્યાન રે.

આ સ્વરવિદ્યાના શિક્ષણથી ત્રણ વસ્તુ સિદ્ધ થાય છે:
ડાબી ઈંગલા ને જમણી પિંગલા, રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું, ચંદ્રમાં જળ પીવું, પરિપૂરણ વચનમાં વરતાય રે,
એમ કાયમ રાખવું ધ્યાન રે.
પહેલી વાત તો એવી થાય છે યોગીઓ યોગદંડ નામનો એક લાકડાંનો દંડ રાખે છે, એને દેશી ભાષામાં કૂબડી કહે છે. સંસ્કૃતમાં યોગદંડ કહે, એ શા માટે રાખે છે? ઘણા સાધુઓના હાથમાં હોય છે? એ શ્ર્વાસને બદલવાની યુક્તિ છે, બગલમાં રાખી અને શ્ર્વાસને બદલવા માટેની ટેક્નિક, શ્ર્વાસ બદલવા માટેના પ્રાણાયામ પણ છે, એના આસનો પણ છે, પણ યોગદંડ શ્ર્વાસને બદલવા માટે, ડાબામાંથી જમણામાં અને જમણેથી ડાબામાં લેવાની યુક્તિ છે. કેટલાક માણસોને કાયમી શરદી રહે છે, એનો શ્ર્વાસ કાયમ ડાબે નસકોરે ચાલતો હોય, ડાબે એટલે ચંદ્રનાડી, એ શીતળ છે, કેટલાકને કાયમી પિત્ત રહે છે.

કાયમી જમણે શ્ર્વાસે ચાલે એ સૂર્યનાડી છે, એ ગરમ છે. એને સમતોલ કરવાથી ઘણા રોગમાંથી મુક્તિ મળે છે, માટે યોગી લોકો કૂબડી રાખે છે એમ ગંગાસતી કહે છે.
બીજું છે જ્યારે શ્ર્વાસ બંનેમાં સમાન થઈ જાય, સમતુલ્ય – ઈડામાં નહીં, પિંગલામાં નહીં, ત્યારે સુષુમ્ણામાં હોય, દિવસો સુધી યોગીઓના શ્ર્વાસ સુષુમ્ણામાં ચાલે એ ધ્યાન માટેની ઉત્તમ અવસ્થા છે. એનો ઉપયોગ કરી લેવો જોઈએ.

ત્રીજી વાત છે- જ્યારે કુંડલિની શક્તિનું જાગરણ થાય અને કોઈ એક જ શ્ર્વાસ ચાલતો હોય, એક જ જગ્યાએ ચાલતો હોય ત્યારે કુંડલિની ડાબામાં અથવા જમણામાં -ઈડા અથવા પિંગલાના મારગે જાય તો ખાનાખરાબી થાય, એટલે કુંડલિની શક્તિ જાગ્યા પછી એને સુષુમ્ણાના માર્ગમાં કેમ લેવી એવી યુક્તિ યોગમાં છે, પણ એના માટે જાણવું જોઈએ કે અત્યાર કઈ નાડી ચાલે છે, માટે ગંગાસતી કહે છે રાખવું સ્વરભેદમાં ધ્યાન રે.

શબ્દ – ૨૧ – નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે:
ભજન – ૨૧
નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, તેમ જાણવું નક્કી નિર્ધાર રે…
આ નાડી શુદ્ધિ શું છે? પહેલા તો નાડી એટલે શું? નાડીશુદ્ધિ એટલે શું? નાડીશુદ્ધિ શા માટે કરવી અને નાડીશુદ્ધિ કેવી રીતે કરવી એમ ચાર પ્રશ્ર્નો છે. આ સ્થૂળ શરીરની વાત નથી, આ શરીરમાં જે રક્તવાહિનીઓ છે, જેમાંથી લોહી ભ્રમણ કરે છે એ નાડીની વાત નથી. આ પ્રાણમય શરીરની વાત છે, નાડી એટલે પ્રાણમય શરીરની એવી ચેનલ-એવી નળીઓ જેમાંથી પ્રાણના પ્રવાહો વહે છે. ‘ગોરખશતક’માં ગોરખનાથે કહ્યું છે કે આપણા શરીરમાં બોંતેર હજાર નાડીઓ છે, એ સૂક્ષ્મ શરીરની વાત છે. પ્રાણમય શરીરમાં ચેનલ છે, પ્રવાહો જેમાંથી વહે છે તેમાં, પ્રાણના પ્રવાહો છે, એટલે નાડીની વ્યાખ્યા કરવી હોય તો “The channels through which Pranik Currents are moving.” એવા પ્રકારની નાડીઓ જેમાંથી પ્રાણના પ્રવાહો વહે તે નાડીની એમાં વાત છે.

બીજી વાત છે નાડી શુદ્ધ કરવાની જરૂર શી? નાડી અશુદ્ધ હોય અને પ્રાણનું ઉત્થાન થાય તો ખાનાખરાબી થાય, મકાન નવું બનેલું હોય, ઈલેક્ટ્રિફિકેશન બરાબર ન હોય અને પાવર આવે – લાઈટ ઑન કરો તો શોટસર્કિટ થાય એવું ઘણાના શરીરમાં થયું છે, નાડી શુદ્ધ કર્યા પહેલાં ધ્યાનમાં પ્રવેશ કરવો નહીં, કરવા જશો તો ખાનાખરાબી થશે. પૂરી તૈયારી ન હોય તો એ ન કરવું, કેમ કે ધ્યાન સમયે આ શરીર પર અપરંપાર બોજો પડે છે.

રામકૃષ્ણદેવ કહેતા: ‘ઘાસની કુટિયામાં હાથી આવે તેવું થાય છે, મહાચૈતન્ય જ્યારે આમાં પ્રગટ થાય ત્યારે શરીર શુદ્ધ ન હોય તો તેનો બોજ ન ઝીલી શકે.’ શરીરમાં-મનમાં ગાંડપણ આવી શકે,
એટલે ગંગાસતી કહે છે પહેલા નાડી શુદ્ધ કરો, તે પછી પ્રાણનું ઉત્થાન થાય, ધ્યાનમાં પ્રવેશ થાય તો યોગ્ય તૈયારીપૂર્વક થવો જોઈએ. એક સામાન્ય મકાન બનાવવું હોય, દુકાન નાખવી હોય તો કેટલી તૈયારી કરવી પડે છે? તો અધ્યાત્મપથ માટે પણ ઘણી તૈયારી કરવી પડે છે.

જેમણે યોગસાધના કરી નથી એમનો ધ્યાનનો પ્રવેશ થાય છે, પણ ધ્યાનમાં પ્રવેશ થઈ કાં તો શરીરથી અને કાં તો મનથી ગાંડા બની જાય એ, પાંગળા બની જાય છે. પથારીવશ થઈ જાય એટલે ગંગાસતી કહે છે, નાડી શુદ્ધ થયા પહેલા ધ્યાનમાં પ્રવેશ ન કરવો, પ્રાણનું જાગરણ કરવું નહીં, કુંડલિની જાગરણના પ્રયત્ન કરવા નહીં.

શબ્દ – ૨૨ – પવન ઉલટાવવો:
ભજન – ૨૨
નિત્ય પવન ઊલટાવવો
ઘણા એમ માને છે કે નિત્ય પવન ઊલટાવવો અને અભ્યાસે જીતવો અપાન બંને એક હશે. બંને એક નથી, અભ્યાસે જીતવો અપાન એમાં માત્ર અપાન પરના વિજયની વાત છે, નિત્ય પવન ઉલટાવવો અને પાંચેય પ્રાણની વાત છે. નિત્ય પવન ઊલટાવવો એટલે શું? પવનની જે સ્વાભાવિક ગતિ છે, પ્રાણની બે સ્વાભાવિક ગતિ છે, કાં તો એ બહાર જાય છે ઈન્દ્રિયો દ્વારા, કાં તો એ નીચે જાય છે ભોગ દ્વારા, નિમ્નગતિ અને બહિર્ગતિ એ પ્રાણની સ્વાભાવિક ગતિ છે, જે અવિદ્યાવશ થાય છે એને બદલે બહાર જતો પ્રાણ અંદર આવે, નીચે આવતો પ્રાણ ઉપર આવે તો અધ્યાત્મપથ સુકર બને છે અને અધ્યાત્મપથમાં છલાંગો લાગે છે, એટલે ગંગાસતી કહે છે, નિત્ય પવન ઊલટાવવો. પણ નિત્ય પવન ઊલટાવવો કેવી રીતે? એની સાધના કરવી પડે, શક્તિચાલિની નામની મુદ્રા છે, મૂલબંધ નામનો બંધ છે.

ઉડ્ડિયાનબંધ છે. ત્રિબંધ પ્રાણાયામ છે, આ બધી સાધનાઓથી નિમ્નગામી પવન ઊર્ધ્વગામી થાય છે અને ગંગાસતી કહે છે નિત્ય પવન ઊલટાવવો રે અને રમવું સદા હરિની સંગ રે. હરિની સંગ ક્યારે રમાય? પવન જ્યારે ઊર્ધ્વ દિશામાં જાય, પ્રાણનું ઉત્થાન થાય ત્યારે હરિ સામે ઊભેલો દેખાય છે, એટલે કહે છે રમવું સદા…

શબ્દ – ૨૩ ગુંજાનો લાડવો:
ભજન – ૨૩
ભાઈ રે આ તો ગુંજાનો લાડવો પાનબાઈ, અહંભાવ ગયા વિના ન ખવાય…
સૂક્ષ્મ વાત છે – સાવધાન! ગુંજાનો લાડવો એટલે તમારી પાસે જ છે તે. ગુંજા એટલે ખિસ્સું. તળપદી ભાષામાં ગુંજું કહેવાય. લાડવો તમારી પાસે જે છે, પણ ખવાતો કેમ નથી? અહંકાર ગયા વિના ન ખવાય. ગુંજાનો લાડવો એટલે તમે પોતે – એ તમારી પાસે નથી, તમે પોતે જ છો.

છતાંય લાડવો ખવાતો કેમ નથી, એક પડદો આડો આવે છે, પડદાનું નામ છે અહંકાર. એક રાજા હતો. રાજાના રાજ્યમાં સર્વ વાતે સુખ પણ એક વાતનું દુ:ખ – ચોરી બહુ થાય, પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ. મહારાજા, આપણા રાજ્યમાં આવું કેમ? ચોરને પકડી નથી શકતા? રાજમહલમાં ચોરી, સેનાપતિના ઘરમાં ચોરી? રાજાએ ઢંઢેરો પીટ્યો કે આ ચોરને જે પકડશે એને અડધું રાજ્ય ઈનામ અને એને પોલીસદળનો વડો બનાવીશ. અરજીઓ પણ અરજી આવવા લાગી. ચોરે પણ અરજી કરી અને એની પસંદગી થઈ ગઈ. ચોરની પસંદગી થઈ ગઈ એ ચોરને પકડવા પોલીસદળનો વડો બન્યો એ કેમ પકડાશે?

અહંકાર તે આ ચોર. આત્માને પડછાયો, જેનું પોતાનું અસ્તિત્વ નથી એ અહંકાર. આત્માની ગાદી ઉપર બેસી ગયો છે અને તે આત્માની પ્રાપ્તિમાં આડો આવે છે એટલે ગંગાસતી કહે છે કે આત્મા તો ગુંજાનો લાડવો છે, પણ અહંભાવ ગયા વિના, ચોરને પકડ્યા વિના તો ન લેવાય. એને પકડવાનો ઉપાય શો? રાજા પોતે જ પોલીસદળનો વડો બને તો એમ થાય, આત્માપોતાના આસન પર પ્રતિષ્ઠિત થાય ત્યારે અહંકારને એ કાઢી શકે. (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button