ધર્મતેજ

અલૌકિક દર્શન : ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
વિષ્ણુ પરમ ચૈતન્ય છે.
તેમનાં ચરણમાંથી તે પરમ ચૈતન્યનો એક પ્રવાહ નીકળે છે તે ગંગાજી છે. તે બ્રહ્માજીના કમંડલુરૂપી કારણજગતમાં અવતરે છે, ત્યાંથી શિવજીની જટારૂપી સૂક્ષ્મ જગતમાં અવતરે છે અને આખરે પૃથ્વી પર નીચે ઊતરે છે, ગંગોત્રીથી ગંગાસાગર સુધી યાત્રા કરે છે. સગરપુત્રોની ભસ્મ પર ગંગાપ્રવાહ વહે છે અને સગરપુત્રોની મુક્તિ થાય છે. સગરપુત્રોનો ઉદ્ધાર એટલે સ્થૂળ ચેતનામાં રહેલાં પ્રાણમય સત્ત્વોનો ઉદ્ધાર.

ગંગાવતરણની ઘટના એટલે ઊર્ધ્વ ચેતનાનું નિમ્ન ચેતનામાં અવતરણ અને તે રીતે નિમ્ન ગોળાર્ધનાં ત્રણે તત્ત્વોનું રૂપાંતરણ. આ ત્રણે ભૂમિકામાં ઊર્ધ્વ ચેતના ક્રમેક્રમે ઊતરે છે. તે જ ગંગાવતરણનાં ત્રણ સોપાન છે.

આ પણ વાંચો…મોજની ખોજ: શેર માટીની ખોટ શેરબજારની મૂડીથી ન પુરાય!

  1. સગરના પુત્રોની મુક્તિ એટલે શું?

આપણે જોઈ ગયા તે પ્રમાણે સગરના પુત્રો અશ્વની શોધમાં નીકળેલા છે, અર્થાત્‌‍ પ્રાણના અગણિત પ્રવાહો છે, તેઓ અશ્વની શોધ માટે પૃથ્વી ખોદે છે, અર્થાત્‌‍ પ્રાણમય સત્ત્વો પૃથ્વીચેતનાના રૂપાંતરનો નિષ્ફળ પ્રયત્ન કરે છે અને અસદ્ગતિને પામે છે. પ્રાણ નિમ્ન ગતિને પામે છે. આ પ્રાણના પ્રવાહોની પુન: ઊર્ધ્વ ગતિ સિદ્ધ કરવી તે જ તેમનો ઉદ્ધાર છે.

સગરના પુત્રોરૂપી પ્રાણના પ્રવાહો પૃથ્વીચેતના અર્થાત્‌‍ શારીરિક ચેતનામાં નીચે ઊતરી આવ્યા છે અને ત્યાં જ અવરુદ્ધ થયા છે. પ્રાણના પ્રવાહોની શરીર-ચેતનામાં અવરુદ્ધ થવાની ઘટના તે જ તેમની નિમ્ન ગતિ અર્થાત્‌‍ અસદ્ગતિ છે અને પુન: તેમની ઊર્ધ્વ ગતિ સિદ્ધ થાય તો તે સદ્ગતિ કે ઉદ્ધાર છે. ઉદ્ધાર થવાની આ ઘટના માત્ર પોતાના બળથી થઈ શકે નહીં, તે માટે ઊર્ધ્વ ચેતનાની સહાયતાની જરૂર પડે છે. ઊર્ધ્વ ચેતનાને નીચે ઉતારવી જોઈએ. ઊર્ધ્વ ચેતનાની નિમ્ન ચેતનામાં નીચે આવવાની ઘટના તે જ ગંગાનું અવતરણ છે.

આધ્યાત્મિક પ્રગતિ તે વસ્તુત: ઊર્ધ્વીકરણની અને રૂપાંતરણની ઘટના છે. ચેતનાનું ઊર્ધ્વીકરણ અને ચેતનાનું રૂપાંતર માત્ર પોતાની શક્તિથી કોઈ કરી શકે નહીં. જેમ દૂધમાંથી દહીં આપોઆપ બનતું નથી, પરંતુ તેમાં મેળવણનું એક ટીપું ભળે તે પછી દહીં બનવાની ઘટનાનો પ્રારંભ આપોઆપ થવા માંડે છે. તે જ રીતે ઊર્ધ્વ ચેતનાનો પ્રવાહ જો નિમ્ન ચેતના સુધી પહોંચે તો આપણી ચેતનાના રૂપાંતરણની અને ઊર્ધ્વીકરણની ઘટના બહુ સરળતાથી સિદ્ધ થાય છે.

ઊર્ધ્વ ચેતનાની રૂપાંતરકારી શક્તિ દ્વારા નિમ્ન ચેતનાનું રૂપાંતર સિદ્ધ કરવું – આ અધ્યાત્મજગતનો એક રહસ્યપૂર્ણ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતનું કથાના માધ્યમથી કથન તે જ ગંગાવતરણની કથા છે.

ગજેન્દ્રમોક્ષ
ગજેન્દ્રમોક્ષની કથા શ્રીમદ્ભાગવત' અને મહાભારત’ એમ બંને ગ્રંથોમાં છે. ગજેન્દ્રમોક્ષની કથા એક અધ્યાત્મપ્રેરક કથા છે. કથાનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે:

ક્ષીરસાગરમાં ત્રિકૂટ નામનો એક પર્વત છે. આ પર્વતને ત્રણ શિખરો છે: એક શિખર ચાંદીનું, બીજું સોનાનું અને ત્રીજું લોઢાનું છે. આ ત્રિકૂટ પર્વતની તળેટીમાં ગાઢ જંગલ છે. આ જંગલમાં અનેકવિધ પ્રાણીઓ વસે છે. જંગલની વચ્ચે એક વિશાળ સરોવર છે.

એક વાર એક મહાન હાથી (ગજેન્દ્ર) પોતાના વિશાળ જૂથ સાથે તે સરોવરમાં પાણી પીવા માટે આવ્યો. પાણી પીવા માટે આ ગજેન્દ્ર ક્રીડાર્થે સરોવરમાં પ્રવેશ્યો. ગજેન્દ્ર પોતાની હાથણીઓ તથા બચ્ચાંઓ સાથે ક્રીડામાં વ્યસ્ત હતો તે વખતે સરોવરમાં વસતા એક મહાન ગ્રાહે (મગરમચ્છે) હાથીનો પગ પકડયો. ગ્રાહ જોરપૂર્વક ગજેન્દ્રને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. બંને વચ્ચે મહાન વિગ્રહ શરૂ થયો. ગજેન્દ્ર ગ્રાહની પકડમાંથી છૂટીને બહાર આવવા માટે માટે પ્રચંડ પુરુષાર્થ કરવા લાગ્યો, પરંતુ પાણીમાં ગજેન્દ્ર કરતાં ગ્રાહનું બળ વધુ હોય છે, તેથી ગ્રાહ ગજેન્દ્રને વધુ ને વધુ ઊંડા પાણીમાં ખેંચી ગયો. હાથણીઓએ ગજેન્દ્રને ગ્રાહની પકડમાંથી છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ પણ કશું કરી શકી નહીં. ગજેન્દ્રનું બળ ઘટવા માંડ્યું અને ગ્રાહનું બળ વધવા લાગ્યું.

આ પણ વાંચો…મનન : પ્રકાશની ગતિની સાંદર્ભિકતા

ગજેન્દ્ર અને ગ્રાહનું આ તૂમુલ યુદ્ધ એક હજાર વર્ષ સુધી ચાલ્યું. અતુલ પ્રયત્ન કરવા છતાં ગજેન્દ્ર ગ્રાહની પકડમાંથી છૂટી શકયો નહીં. ગજેન્દ્રને ખાતરી થઈ ગઈ કે હવે પોતાના પુરુષાર્થથી છૂટી શકાય તેમ નથી.

જ્યારે કોઈ ઉપાય ન રહ્યો ત્યારે ગજેન્દ્રને ભગવાનનું સ્મરણ થયું. ગજેન્દ્રે આર્તભાવે ભગવાનને પ્રાર્થના કરી. ગજેન્દ્રની આ પ્રાર્થના તે જ પ્રખ્યાત `ગજેન્દ્રમોક્ષસ્તોત્ર’ ગણાય છે. ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે. પાણીમાં નાક સુધી ડૂબી ગયેલા ગજેન્દ્ર સામે ગરુડ પર બિરાજેલા ભગવાન વિષ્ણુનું દર્શન કરે છે. પાણીમાં ઊગેલાં કમળોમાંથી એક કમળ સૂંઢ વડે પકડીને તેનાથી ગજેન્દ્ર ભગવાનની પૂજા કરે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button