અલૌકિક દર્શન: જાગૃત માનવી અર્થહીન ને અસંગત વર્તન ને વિચાર કરે નહીં…
- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
પ્રાણાયામ વિશે વિશેષ:
(1) પ્રાણાયામનો અભ્યાસ સવાર-સાંજ ખાલી પેટે કરવો જોઇએ.
(2) અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણના દરદીએ કુંભક કરવો નહીં. તેમના માટે માત્ર પૂરક-રેચકનો અભ્યાસ જ પર્યાપ્ત છે.
(3) સમયમર્યાદા અને આવર્તનોની સંખ્યાનું પ્રમાણ અહીં જે બતાવ્યું છે તે કોઇ દરદી માટે મુશ્કેલ હોય તો સમયમર્યાદા અને તેમની સંખ્યા ઓછી કરવી જોઇએ. અભ્યાસ વધતાં બંનેનું પ્રમાણ ધીમેધીમે વધારતા જવું જોઇએ. સમયમર્યાદા અને આવર્તનોની સંખ્યાનું પ્રમાણ વ્યક્તિગત ભિન્નતાને ખ્યાલમાં રાખીને નિર્ધારિત કરવું જોઇએ.
પ્રાણાયામના અભ્યાસથી શું થાય છે અને કેવી રીતે થાય છે તેની વિગતવાર વિચારણા “ડિપ્રેશનની યૌગિક ચિકિત્સા” નામના પ્રકરણમાં વિગતવાર કરવામાં આવેલ છે. અહીં મનોદબાણ -કૃતિદબાણના દરદીને પ્રાણાયામનો અભ્યાસ કઇ રીતે સહાયક થાય છે તે સંક્ષેપમાં જોઇએ.
અનિવાર્ય મનોદબાણ અને કૃતિદબાણમાં પ્રાણ અને મનની નબળાઇ ભાગ ભજવે જ છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ અને મનની શક્તિમાં સુધારો થાય છે. પ્રાણમનના સામર્થ્ય સુધારો થવાની દરદીને આ રોગાંથી મુક્ત થવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.
પ્રાણાયામનો અભ્યાસ ધ્યાનમાં પ્રવેશ પામવાનું એક મૂલ્યવાન સાધન છે. પ્રાણાયામના અભ્યાસથી દરદીના ચિત્તમાં ધ્યાનની એક ઝલક ઊતરી આવે તેવો સંભવ છે. આમ બને તો દરદીની સમજ અને આંતરિક જાગૃતિનું ધોરણ ઘણું ઊંચું આવે છે.
પ્રાણાયામના અભ્યાસથી દરદીના ચિત્તમાં વિષાદને સ્થાને પ્રસન્નતા પ્રગટે છે. આ બને એટલે દરદીને અનિવાર્ય મનોદબાણ અને કૃતિબદાણનો આશારો લેવાની જરૂર રહેતી નથી અને દરદી ધોમેધીમે આ બંને બીમારીની પકડમાંથી મુક્ત થવા માંડે છે.
- શવાસન:
શવાસનની વિગતવાર વિચારણા “તાણની યૌગિક ચિકિત્સા” નામના પ્રકરણમાં કરવામાં આવી છે, તેથી અહીંં પુનરાવર્તન નહીં કરીએ. અહીં આપણે એટલું જોઇશું કે શવાસનના અભ્યાસ દ્વારા અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણની બીમારીમાંથી કઇ રીતે રાહત પ્રાપ્ત થાય છે.
અનિવાર્ય મનોદબાણ અને કૃતિદબાણના દરદીના મનમાં કોઇક સ્વરૂપની તાણ રહ્યા કરે છે. દરદી સતત દબાણ હેઠળ જીવે છે. દરદી આ તાણમાંથી મુક્ત થાય અને દરદીનું મન હળવું થાય તો દરદીને આ રોગમાં ઘણી રાહત મળે છે. શવાસન શરીર અને મન બંનેને પ્રગાઢ વિશ્રાંતિ આપે છે.
આ પ્રગાઢ વિશ્રાંતિને કારણે મન પ્રસન્ન અને તાણમુક્ત બને છે. શવાસનના અભ્યાસ દરમિયાન બનતી આ ઘટના લાંબા ગાળે નિત્યજીવનનો ભાગ બની જાય છે. આમ બનવાથી દરદી તાણ અને દુ:ખદ મનોદશામાંથી મુક્ત થવા માંડે છે. તાણ અને વેદનાયુક્ત મનોદશા તો અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણ પેદા થવામાં ભાગ ભજવે છે. તેમનું નિવારણ થતાં દરદી મનથી સ્વસ્થ બનવા માંડે છે.
શવાસન સીધી અને સરળ પ્રક્રિયા હોવા છતાં મનના સ્વાસ્થ્ય માટે ઘણી ઉપકારક છે.
- યોગાસનો:
અનિવાર્ય કૃતિદબાણ અને અનિવાર્ય મનોદબાણનાં દરદી થોડી હળવાં યોગાસનોનો અભ્યાસ કરે તો તેમને ફાયદો થશે.
જાણકાર યોગશિક્ષક પાસેથી સારી રીતે શીખીને નીચેનાં યોગસાનોનો અભ્યાસ કરવો જોઇએ.
(1) વિપરીતકરણી અથવા સર્વાંગાસન
(2) ભુજંગાસન
(3) અર્ધશલભાસન
(4) વક્રાસન અથવા અર્ધમત્સ્યેન્દ્રાસન
(5) યોગમુદ્રા.
- સમજ:
દરદી પોતાની બીમારીનું સ્વરૂપ અને તે માટે કારણભૂત પોતાના મનની ગતિવિધિને સમજ શકે તો આ સમજ મનની બીમારીમાંથી મુક્ત થવા માટે ખૂબ મૂલ્યવાન ઉપાય છે.
પ્રશ્ન એ છે કે દરદી પોતાના મનની ગતિવિધિને પારખે કેવી રીતે? દરદી પોતાની જાતને સમજે કેવી રીતે? દરદીના ચિત્તમાં પોતાની જાતને સમજવા માટે થોડી દષ્ટિ (શક્ષતશલવિ)ં વિકસે તો બહુ મોટું કામ થાય.
આ હેતુ સિદ્ધ કરવા માટે યોગચિકિત઼્સકે યૌગિક પરામર્શકનું કાર્ય કરવાનું છે. યૌગિક પરામર્શ દ્વારા દરદીના મનમાં પોતાની જાતને સમજવાની એક દષ્ટિ વિકસાવી શકાય છે.
“યૌગિક પરામર્શ” વિશે વિગતવાર વિચારણા એક અલગ પ્રકરણમાં કરવામાં આવી છે. - જાગૃતિનો વિકાસ:
માણસ પોતાની જાત વિશે, પોતાના વ્યવહાર વિશે, પોતાના મનના પ્રવાહો વિશે અને પોતાની આજુબાજુના વાતાવરણ વિશે જાગૃત નથી. થોડીઘણી જાગૃતિ હોય તોપણ આ જાગૃતિ ઘણી આંશિક હોય છે. મહદંશે વ્યક્તિ અભાન હોય છે. આ અભાનપણું અનેક સમસ્યાઓને જન્મ આપે છે.
અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિકદબાણની બીમારી પેદા થવામાં આ અભાનપણું અર્થાત્ જાગૃતિનો અભાવ પાયારૂપ કાર્ય કરે છે. ક્રિયા કે વિચાર અવશપણે ચાલ્યા કરે છે, તે જ તો આ બંને બીમારીઓની મૂળ લાક્ષણિકતા છે. આ અવશપણાના પાયામાં આંશિક અભાનપણું હોય છે.
જાગૃત માનવી અર્થહીન અને અસંગત વર્તન અને વિચાર કરે નહી. પરિસ્થિતિ આવી છે, તેથી જો કોઇક રીતે મનોદબાણ- કૃતિદબાણના દરદીમાં જાગૃતિનો વિકાસ થઇ શકે તો તેની બીમારીની તીવ્રતા આપોઆપ ઘટવા માંડશે.
જાગૃતિ પ્રકાશનું કાર્ય કરશે અને પ્રકાશ પ્રગટતાં જેમ અંધકાર ઓસરવા માંડે છે તેમ જાગૃતિરૂપી પ્રકાશ પ્રગટતાં દરદીની અભાનાવસ્થામાં પ્રગટેલી સમસ્યાઓ પણ આપોઆપ ઓસરવા માંડશે.
હવે પ્રશ્ન એ છે કે દરદીમાં કે કોઇ પણ વ્યક્તિમાં જાગૃતિનો વિકાસ કેવી રીતે કરી શકાય.
જાગૃતિ શું છે અને જાગૃતિની વિકાસ કેવી રીતે થઇ શકે તેની વિચારણા ‘જાગૃતિ’ નામના એક અલગ પ્રકરણમાં કરવામાં આવેલ છે.
જાગૃતિ વિકાસના જે ઉપાયો બતાવેલ છે, તે ઉપાયો સર્વ વ્યક્તિઓને સમાન પદ્ધતિથી કે સમાન ક્રમે આપી શકાય નહીં. વ્યક્તિની અવસ્થાનો વિચાર કરીને અર્થાત્ તેની વ્યક્તિગત ભિન્નતાને લક્ષમાં લઇને જે-ત વ્યક્તિને જાગૃતિવિકાસની પદ્ધતિઓ આપવી જોઇએ.
જાગૃતિ વિકાસની માત્રા પણ સર્વ વ્યક્તિઓમાં સમાન સ્વરૂપે, હોઇ શકે નહીં. વ્યક્તિ કઇ રીતે કેટલી ગતિથી વિકાસ સાધી રહી છે તે નજર સમક્ષ રાખીને જે-તે વ્યક્તિ માટે જાગૃતિવિકાસનો કાર્યક્રમ નિર્ધારિત કરવો જોઇએ અને તદનુરૂપ આગળનાં સોપાનો નિશ્ર્ચિત કરવાં જોઇએ. જાગૃત શિક્ષક શીખનારની અવસ્થાને ખ્યાલમાં રાખીને જાગૃતિવિકાસની જે-તે પદ્ધતિમાં પણ આવશ્ક પરિવર્તન કરી શકે છે. - વિકૃત ચિંતા અને વિકૃત ભીતિની યૌગિક ચિકિત્સા
આધુનિક મનોવિજ્ઞાનના વર્ગીકરણ પ્રમાણે વિકૃત ચિંતા (anxiety) અને વિકૃત ભીતિ (phobia)- આ બંને ભિન્નભિન્ન મનોવિકૃતિઓ છે. આમ છતાં યૌગિક દૃષ્ટિકોણથી બંનેની કારણમીમાંસા અને ચિકિત્સામાં ઘણી સમાનતા છે. આમ હોવાથી આપણે અહીં આ બન્નેનો સાથે વિચાર કરીએ છીએ. પ્રથમ આપણે બંનેનો સ્વરૂપ અને કારણને સમજીએ. - વિકૃત ચિંતા (anxiety):
પ્રત્યેક માનવીના જીવનમાં ચિંતાનું તત્ત્વ હોય છે. પરંતુ આવી સર્વ જનની નિત્ય અનુભવાતી સામાન્ય ચિંતાને આપણે વિકૃતિ ગણતા નથી. અકારણ કે અલ્પકારણસર સતત અનુભવાતી તીવ્ર સ્વરૂપની ચિંતા એક વિકૃતિ છે અને તેને આપણે વિકૃત ચિંતા (anxiety) કહીએ છીએ.
ચિંતા એટલે અનિષ્ટની આશંકા. આમ ચિંતાનો સંબંધ મહદંશે ભવિષ્ય સાથે છે. ચિંતા સૌથી વ્યાપક વિકૃતિ છે. દરેક માનસિક રોગના મૂળમાં કોઇ ને કોઇ રૂપે ચિંતાનો પ્રવેશ હોય છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો ચિંતાને બધી વિકૃતિઓના મૂળ તરીકે એટલે કે બધી વિકૃતિઓનું પ્રવેશદ્વાર માને છે. (ક્રમશ:)