અલૌકિક દર્શન : સ્વપ્ન ઘણી વાર આધ્યાત્મિક અનુભૂતિનું માધ્યમ બને છે…
–ભાણદેવ
સાંઈ મકરંદ
૧. કેટલાક જીવો પ્રચંડ અધ્યાત્મસાધના, પ્રચંડ સ્વાધ્યાય અને પ્રચંડ કર્મો દ્વારા મહાપુરુષની પદવી પ્રાપ્ત કરે છે, પરંતુ કેટલાક મહાન આત્માઓ જન્મથી જ મહાપુરુષ હોય છે. આવા જન્મોજન્મના મહાપુરુષ છે – આપણા મહાન આત્મા સાંઈ મકરંદ!
૨. પરબ્રહ્મ પરમાત્મા અનેક અને અનેકવિધ કારણોસર આ મહાભાગ્યશાળી પૃથ્વી પર માનવસ્વરૂપે પ્રગટ થાય છે. તે વખતે પ્રભુ પોતાના મંડળ સાથે આવે છે. તેમના મંડળમાં અનેક આત્માઓ હોય છે. તે મંડળમાં પણ કેટલાક અસાધારણ વિરલ મહાન આત્માઓ હોય છે અને આવા વિરલ આત્માઓ પ્રભુના ઘનિષ્ઠ પરિકર-સ્વરૂપે હોય છે. આવા જ એક આત્મા પ્રભુના અવતાર વખતે તેમના ઘનિષ્ઠ પરિકર તરીકે આવે છે. આવા અવતારના ઘનિષ્ઠ પરિકર છે – આપણા મહાન આત્મા સાંઈ મકરંદ!
૩. ક્યારેક તેઓ અવતારના ભાઈ તરીકે આવે છે, ક્યારેક તેઓ શિષ્ય તરીકે આવે છે અને ક્યારેક તેઓ મિત્ર તરીકે પણ આવે છે, આવે છે તો ખરાં જ!
૪. કોણ છે આ સાંઈ મકરંદ?
ભગવદવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પોતાના મોટા ભાઈની પરિક્રમા કરી હતી. આ મોટા ભાઈ કોણ છે? તેઓ જ છે આપણા આ સાંઈ મકરંદ!
૫. ભગવદવતાર ઠાકુર શ્રીરામકૃષ્ણદેવ પોતાના માટે બાળકનું સ્વરૂપ ધારણ કરીને જાય છે અને સપ્તર્ષિમાંના એકનો ચરણ પકડીને તેમને ધરતી પર લાવ્યા હતા. આ સપ્તર્ષિમાંના એક કોણ છે? અરે! તમે ન ઓળખ્યા? તેઓ જ છે આપણા સાંઈ મકરંદ!
૬. એક ઋષિ હતા. તેઓ મંત્રદ્રષ્ટા હતા. તેમના દ્વારા આપેલા મંત્રો વેદમાં છે. કોણ છે આ ઋષિ? આ ઋષિ કોણ છે? તે જ છે આપણા સાંઈ મકરંદ!
૭. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુધર્મનો દુનિયાને પરિચય ન હતો. ભારતવર્ષની મહાનતાથી દુનિયા અજાણ હતી ત્યારે વિશ્ર્વભરમાં ભારતવર્ષ, ભારતીય સંસ્કૃતિ અને હિન્દુધર્મનો ડંકો કોણે વગાડ્યો? એક યુવાન સંન્યાસીએ! કોણ હતા તે યુવાન સંન્યાસી? જે હતા તે યુવાન મહાન સંન્યાસી, તે જ છે આપણા સાંઈ મકરંદ!
૮. પૂ. શ્રી મકરંદભાઈ તેમના પુસ્તક ‘યોગી હરનાથના સાંનિધ્ય’માં પાના નંબર ૧૨ પર બે સમાધિઓની વાત લખે છે. તેમણે આ બે સમાધિઓના દર્શન પહેલાં ધ્યાનમાં અને પછી પ્રત્યક્ષસ્વરૂપે કરેલા છે. આ બંને સમાધિઓ ક્યાં છે?
હવે પૂ. શ્રી મકરંદભાઈના મુખેથી સાંભળેલી વાતો અહીંથી આગળ ચાલે છે અને વિશેષ પ્રકાશ પાડે છે:
“આજથી દશ હજાર વર્ષ પહેલાં ઋષિકેશથી બદ્રીનાથ જવાના માર્ગ પર ગરુડચટ્ટી પાસે યોગી હરનાથ અને મકરંદભાઈ એક કુટિયા બનાવીને રહેતા હતા. એક ગાય રાખી હતી. પહાડોમાં વિહરણ કરતા. આ સ્થાનની સામે ગંગાજીના સામેના કિનારે એક ત્રિકોણાકાર મેદાન છે. આ મેદાનની વચ્ચે એક ઝરણું વહે છે. આ મેદાનમાં highly cultured (ઉચ્ચ સંસ્કૃતિસંપન્ન) ઋષિકુલો હતા.
હવે આપણે જરા ઊંડાણથી જોઈએ: આ બંને મહાપુરુષોની કુટિયા ક્યાં હતી? ઋષિકુલો ક્યાં રહેતાં હતાં? અને આ બંને સમાધિઓ ક્યાં છે?
મેં હિમાલયની અપરંપાર યાત્રાઓ કરી છે અને આ યાત્રાઓ દરમિયાન યોગી હરનાથ અને તેમના આ શિષ્યની સમાધિઓ અને તેમના તે અવતાર વિશે સંકળાયેલાં આ સ્થાનોને શોધવા માટે મેં અપરંપાર મથામણ કરી છે. આ માટે મેં અનેક સાધુસંતોને પૂછયું છે અને આજુબાજુ વસતા ગ્રામજનોની મદદ પણ મેળવી છે. જેટલું જાણી શકાયું છે તે અહીં પ્રસ્તુત છે:
૧. યોગી હરનાથ અને તેમના શિષ્યની કુટિયા-નિવાસસ્થાન ગરુડચટ્ટીની સાવ પાસે જ હોવું જોઈએ. ગરુડચટ્ટીમાં ગરુડજીનું મંદિર અત્યારે હયાત છે અને સારી હાલતમાં છે અને અત્યારે ત્યાં નિત્ય સેવાપૂજા-આરતી થાય છે.
૨. ગરુડચટ્ટી પાસે ગંગાકિનારે ઊભા રહીને સામે કિનારે જોઈએ તો ત્રિકોણાકારનું મેદાન જોઈ શકાય છે અને મેદાનની વચ્ચે વહેતું ઝરણું પણ જોઈ શકાય છે. આ સ્થાનમાં ઋષિકુલો વસતાં હશે, તેમ જણાય છે.
અત્યારે આ ત્રિકોણાકાર મેદાનમાં ખૂબ વૃક્ષો ઊગી નીકળ્યા છે, પરંતુ મેદાનનો ત્રિકોણ આકાર અને વચ્ચેથી વહેતું ઝરણું તો જોઈ જ શકાય છે.
૩. બંને સમાધિઓ ક્યાં છે?
આ વિસ્તારમાં અગ્નિસંસ્કાર અથવા ગંગાનદીમાં દેહવિસર્જનની પરંપરા પ્રાચીન કાળથી વર્તમાનકાળ સુધી ચાલુ રહી છે, તેથી સમાધિઓ તો અહીં હોય જ ક્યાંથી? પરંતુ ઘણી શોધ પછી બે સમાધિઓ મળી આવી છે.
ગરુડચટ્ટીથી આગળ પહાડ પર જતાં નીલકંઠ મંદિરથી થોડે દૂર એક નાની પહાડી પર બે સમાધિઓ હયાત છે. સ્થાનિક લોકો આ સમાધિસ્થાનને સિદ્ધબાબાની સમાધિ તરીકે ઓળખે છે. પહેલાં આ સમાધિઓ તૂટીફૂટી દશામાં હતી, પરંતુ હવે તેને નવેસરથી સારી રીતે બનાવી છે.
આ સમાધિસ્થાનની બાજુમાં બે વિશાળ મહેલો છે. બંને સાવ જર્જરિત હાલતમાં છે. સ્થાનિક નિવાસીએ કહ્યું:
“આ બંને મહેલો નેપાળના રાજા અને રાણીના છે. તેઓ બંને સિદ્ધબાબાના ભક્તો હતા અને અવારનવાર અહીં આવીને રહેતાં હતાં.
નીલકંઠ અને આ સમાધિસ્થાન સુધી અમે પહેલી વાર ચાલીને ગયા હતા, પરંતુ હવે મોટરમાર્ગ બની ગયો છે, તેથી નીલકંઠ સુધી બસ કે મોટર દ્વારા પહોંચી શકાય છે. નીલકંઠથી સિદ્ધબાબાની સમાધિ નજીક જ છે.
આ સમગ્ર વિસ્તારમાં અન્ય કોઈ સમાધિસ્થાન નથી. પૂ. મકરંદભાઈ કહે છે, તે સમાધિસ્થાન આ જ કે બીજું તે નિશ્ર્ચિતપણે જાણવાનો આપણી પાસે કોઈ ઉપાય નથી, પરંતુ અનુમાનથી એમ લાગે છે કે તે સમાધિસ્થાન આ જ હોવું જોઈએ.
૯. આ બંને મહત્પુરુષો ત્રણસો વર્ષ પછી કલકત્તામાં અવતાર ધારણ કરશે. તે વખતે તેમના શરીરનો વર્ણ ગૌર હશે. તો બંને ૧૧-૧૨ વર્ષની વયે એકબીજાને મળશે. તેઓ બંને કલકત્તાના એક ચિકિત્સકના દવાખાને મળશે. પહેલી મુલાકાતમાં જ તેઓ બંને એકબીજાને ઓળખી જશે. તે વખતે પૂ. ભાઈના તે અવતારના પગે ફ્રેક્ચર થયું હશે.
આ બંને મહત્ પુરુષો એટલે કોણ? પૂ. નાથાલાલ જોશી અને પૂ. મકરંદભાઈ.
૧૦. એક વાર પૂ. ભાઈ (પૂ. નાથાલાલ જોશી) અને પૂ. મકરંદભાઈ વચ્ચે વિવાદ થયો. પૂ. મકરંદભાઈનું કહેવાનું હતું કે શક્તિપાત શક્ય નથી. પૂ. ભાઈનું કહેવાનું હતું કે શક્તિપાત શક્ય છે. વિવાદ વધી પડ્યો. આખરે પૂ. ભાઈએ પૂ. મકરંદભાઈને કહ્યું:
‘જોવું છે?’
મકરંદભાઈએ હા કહી.
પૂ. ભાઈએ મકરંદભાઈની આંખ સામે આંખ માંડી. પૂ. ભાઈની જમણી આંખમાંથી પ્રકાશનું એક કિરણ નીકળ્યું અને મકરંદભાઈની ચેતનામાં પ્રવેશ્યું. પરિણામ એ આવ્યું કે મકરંદભાઈની ચેતના બદલાઈ ગઈ. મકરંદભાઈની અવસ્થા જ બદલાઈ ગઈ.
આ વિશિષ્ટ અવસ્થામાં મકરંદભાઈ થોડા દિવસો રહ્યા. પછી મકરંદભાઈ પૂ. ભાઈના ઘરે, તેમની પાસે જાય છે. મકરંદભાઈ પૂ. ભાઈને કહે છે:
‘ભાઈ! તમે મને આ શું કરી નાખ્યું છે?’
પૂ. ભાઈ કહે છે:
‘આવી ગયા? મને ખબર જ હતી કે તમે આવશો જ! આવો!’
પૂ. ભાઈએ પૂ. બહેનને કાંઈક ખાવાનું લાવવા કહ્યું. પૂ. બહેન થેપલું અને દહીં લઈ આવ્યા. મકરંદભાઈને આ દહીં-થેપલું ખવડાવ્યાં. મકરંદભાઈ પોતાની મૂળ અવસ્થામાં આવી ગયા.
૧૧. સ્વપ્ન પણ ઘણી વાર આધ્યાત્મિક અનુભૂતિનું માધ્યમ બને છે અને સ્વપ્ન વિગત જન્મની સ્મૃતિનું માધ્યમ પણ બને છે.
પૂ. મકરંદભાઈને વારંવાર એક સ્વપ્નદર્શન થાય છે. સ્વપ્ન આ પ્રમાણે છે:
એક વિશાળ નદી છે. લાંબા પગથિયાંવાળો એક મોટો ઘાટ છે. કેટલાક મિત્રો સાથે મકરંદભાઈ તે મહાનદીમાં સ્નાન કરે છે. સૌ સાથે મળીને હરિકીર્તન કરે છે. સ્નાન કરીને સૌ તો વિશાળ ઘાટનાં પગથિયાં ચડે છે. ત્યારપછી ઊંચાણવાળો રસ્તો આવે છે. તદનંતર સૌ ડાબી બાજુ વળે છે. આ રસ્તા પર ઘણા માણસોની અવરજવર ચાલુ છે, તેમ જણાય છે.
એક નાનું શિવમંદિર દેખાય છે અને બાજુમાં એક બેઠા ઘાટનું મકાન છે. મકાનની ઓસરીમાં અનાજ ભરવાની મોટી કોઠીઓ પડી છે. મકાનને ખપાટની જાળી છે. સૌ મકાનમાં પ્રવેશ કરે છે, તેમ દેખાય છે. બીજી બાજુ લાંબી ઓસરી છે. તેનાં પગથિયાંની નજીક કેળનાં વૃક્ષોનું ઝુંડ દેખાય છે. બીજી બાજુ ઓસરીમાં પાટલા નખાય છે અને ભોજનની તૈયારી થતી હોય તેમ દેખાય છે.
અહીં મકરંદભાઈનું સ્વપ્ન પૂરું થાય છે. મકરંદભાઈને આ સ્વપ્ન વારંવાર આવે છે.
પૂ. મકરંદભાઈએ પોતાને આ વારંવાર આવતાં સ્વપ્નની વાત પૂ. ભાઈને કરી. મા કહે છે:
‘તે તારા એક વિગત જન્મની ઘટનાનું પૂર્વસ્મરણ છે. તે મકાનમાં તેં ખૂબ હરિનામ લીધું છે. તે સ્થાન નદિયા(નવદ્વીપ)નું છે.’
પૂ. મકરંદભાઈ માને પૂછે છે:
‘નદિયામાં તે સ્થાન ક્યાં આવેલું છે?’
મા કહે છે:
‘તે સ્થાન ગંગાના પ્રવાહમાં ડૂબી ગયું છે. હવે તે સ્થાન કે મકાન કશું જ ત્યાં નથી. તે બધું ગંગાના પ્રવાહમાં તણાઈ ગયું છે.’
(ક્રમશ:)