ધર્મતેજ

દુ:ખ આકાંક્ષાને કારણે છે


મનન -હેમંત વાળા

શાસ્ત્રોમાં કહેવાયું છે કે દુ:ખના મૂળમાં આકાંક્ષા હોય છે. ક્યારેક એમ પણ કહેવાય છે કે જે તે બાબત સાથેની લિપ્તતા અર્થાત્ સંલગ્નતા દુ:ખનું કારણ છે. તો ક્યારેક એમ કહેવાય છે કે દુ:ખના મૂળમાં લોભ છે. પરંતુ થોડું ઊંડાણમાં જોતા એમ જણાય છે કે લિપ્તતાને કારણે જ જે તે બાબત પ્રત્યેની આકાંક્ષા ઊભી થાય. લોભને કારણે પણ ધનની આકાંક્ષા જન્મે છે. કામ કે અર્થના મૂળમાં પણ આકાંક્ષા જોવા મળશે. એકંદરે એમ કહી શકાય કે આકાંક્ષા એ જ દરેક દુ:ખનું મૂળ છે.

જેટલી આકાંક્ષા જટિલ તેટલું જટિલ તેની સાથે સંકળાયેલું દુ:ખ, જેટલી આકાંક્ષા વિસ્તૃત એટલો જ તેનાથી સંભવિત દુ:ખનો વ્યાપ વિસ્તૃત. જેટલી આકાંક્ષા મોટી તેટલું દુ:ખ મોટું. નાની આકાંક્ષા સિદ્ધ થઈ શકે, તે માટેનો પુરુષાર્થ પણ શક્ય હોય, તે કદાચ ઝડપથી પરિણામ પણ આપી શકે, પરંતુ જ્યારે આકાંક્ષા અતિ વિશાળ હોય ત્યારે તે માટેની પ્રાપ્તિ બહુ મુશ્કેલ બની રહે. જો પ્રાપ્તિ સંભવ ન બને તો દુ:ખ પણ એટલું જ વિશાળ હોય. પથ્થર ખસેડી શકાય, શીલાને ખસેડવા થોડો વધુ શ્રમ જોઈએ, પર્વતને ખસેડવાની આકાંક્ષા ન રાખવી જોઈએ. અહીં નિરાશાની વાત નથી, વાસ્તવિકતા સમજવાની વાત છે. અહીં નિરુત્સાહ કરવાની વાત નથી, સામર્થ્યને સમજવાની વાત છે. અહીં નકારાત્મકતાની વાત નથી, સકારાત્મકતા માટેનું ક્ષેત્ર નિર્ધારિત કરવાની વાત છે. આ વાત નીચું નિશાન રાખવા માટેની નથી, વાસ્તવિક પરિસ્થિતિને સમજવાની સલાહ છે. વાસ્તવિકતાને સમજ્યા બાદ નિશાન થોડું ઊંચું રાખી શકાય, પરંતુ તે એટલું ઊંચું તો ન જ હોવું જોઈએ કે જે સિદ્ધ ન થઈ શકે અને અંતે અપાર નિરાશા વ્યાપી જાય, નાસીપાસ થઇ જવાય.

દુ:ખ જિંદગીને કારણે નથી આકાંક્ષાને કારણે છે. જિંદગી તો સરસ છે. જિંદગી તો સંભાવનાઓથી ભરપૂર છે. જિંદગી રંગીન છે અને તેમાં દરેક પ્રકારનાં રંગ સમાયેલા છે. જિંદગી પ્રકાશ સ્વરૂપ છે જ્યાં અંધકારને કોઈ સ્થાન નથી. જિંદગી અપાર ક્ષમતાથી ભરેલી છે, માત્ર તે માટેનો પરિશ્રમ કરવો જરૂરી છે. જિંદગી સુંદર પણ છે અને રસિકતા સભર પણ છે. જિંદગી સત્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ પણ છે. જિંદગી એક પુરસ્કાર સમાન છે, જિંદગી પ્રાપ્ત થયેલા એક સન્માન સમાન છે, જિંદગીનું અસ્તિત્વ ઈશ્વરના અસ્તિત્વની સાક્ષી છે, અને જિંદગી તે જ ઈશ્વરના પ્રતિનિધિ સમાન છે. જિંદગી સાથે કોઈ તકલીફ નથી, જિંદગી સાથે કોઈ પ્રશ્ન નથી, પ્રશ્ન આકાંક્ષાનો છે. પ્રશ્ન આકાંક્ષા સાથે ઉદ્ભવતી ઘટનાની શૃંખલાનો છે. આ ઘટના જો ઈચ્છિત પ્રકારની અને ઈચ્છિત માત્રામાં ન હોય – મોટાભાગના કિસ્સામાં જેની સંભાવના વધુ હોય છે – તો અંતે દુ:ખની ભાવના જાગ્રત થાય.

જિંદગીમાં ઈશ્વરે દરેક તક આપી છે. નવધા ભક્તિ પણ કરી શકાય, જ્ઞાન માર્ગે આગળ વધી શકાય, યોગ-સાધના માટે પ્રયત્ન કરી શકાય, નિષ્કામ કર્મ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી શકાય, શાસ્ત્ર તથા ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવી આધ્યાત્મિકતા તરફનો પ્રવાસ શરૂ કરી શકાય, રુચિ અનુસાર પોતાના ઇષ્ટદેવનું શરણું સ્વીકારી શકાય, અને ધર્મ અને સત્યના સિદ્ધાંત પ્રમાણે જીવન વ્યતીત થઈ શકે. મજાની વાત એ છે કે, ક્યારેક એમ જણાય છે કે, આ બધી બાબતોમાં પણ ક્યાંક આકાંક્ષા હોય છે. સમજવાની વાત એ છે કે આકાંક્ષા સાત્વિક પણ હોઈ શકે, રાજસી પણ હોઈ શકે, અને તામસી પણ. જે પ્રકારની આકાંક્ષા તે પ્રકારનું દુ:ખ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, કોઈપણ કાર્ય પાછળ આ ચારમાંથી એક પુરુષાર્થ હાવી રહે છે. અહીં પણ આકાંક્ષા તો છે જ. પરંતુ જો આકાંક્ષા ધર્મ અને મોક્ષ લક્ષી હોય તો તેનું હકારાત્મક પરિણામ આવે, અન્યથા પરિણામ નકારાત્મક અને દુ:ખદ બની રહે.

આકાંક્ષાથી દુ:ખ જન્મે છે તે લગભગ બધા જાણે છે, પણ તેનાથી મુક્ત થઈ શકાતું નથી. આકાંક્ષા એક રીતે વ્યસન સમાન છે. જીવનમાં નિતનવા સોપાન સિદ્ધ કરીને આગળ વધવાનું મન દરેકને હોય છે, અને હોવું પણ જોઈએ. પ્રગતિ અને વિકાસ માટે આ પ્રકારની માનસિકતા જરૂરી પણ છે. વ્યક્તિ આગળનું વિચારે તો જ આગળ વિકસી શકે. વ્યક્તિ કંઈક વધુ આકાંક્ષા રાખે તો જ પ્રગતિ સંભવ બને. જો દુન્યવી પ્રગતિની જ વાત કરવી હોય, દુનિયાની દ્રષ્ટિએ જેને સફળતા કહેવાય તેની વાત કરવી હોય, તો આ દલીલ યોગ્ય છે. પણ જો સંતોષની વાત કરવી હોય, માનસિક શાંતિની વાત કરવી હોય, આધ્યાત્મિક પ્રગતિની વાત કરવી હોય, જીવનથી મુક્ત થવાની વાત કરવી હોય તો કોઈપણ પ્રકારની અપેક્ષા, આશા કે કામના બાધારૂપ બની શકે. કોઈક સમયે તો તેનો અંત આવવો જોઈએ. સમગ્ર અસ્તિત્વ જ્યારે દુન્યવી આકાંક્ષામાં – તેના સમીકરણમાં સંલગ્ન હોય તો ચિત્ત શાશ્વત સત્ય તરફ દ્રષ્ટિ જ ન કરી શકે. દુ:ખનું આ મૂળ છે.

પ્રત્યેક આધ્યાત્મિક બાબત સાથે પણ આકાંક્ષા સંકળાયેલી હોય છે. આ આકાંક્ષાના પ્રકાર દ્વારા જ માર્ગ નક્કી થતો હોય છે. પણ આમ માત્ર પ્રારંભિક તબક્કામાં થતું હોય છે. જ્યારે પ્રવાસ આગળ વધી જાય ત્યારે આકાંક્ષા પણ શૂન્યમાં પરિણામે. ઉપર ચઢવા માટે નિસરણી સમાન આ વાત છે. સાધન તરીકે નિસરણી જરૂરી છે પરંતુ ઉપર પહોંચી ગયા પછી નિસરણી અસંદર્ભિક બની રહે. પછી નિસરણીનો ત્યાગ કરવાનો હોય. પછી નિસરણી પાસે કોઈ અપેક્ષા ન હોય, નિસરણીના અસ્તિત્વ માટેની આકાંક્ષા ન હોય. પૂર્ણ સ્થિતિને પામ્યા પછી, પરમની અનુભૂતિ કર્યા પછી, સત્યનો સાક્ષાત્કાર કર્યા પછી, કોઈપણ સાધનની અપેક્ષા કે આ આકાંક્ષા ન હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button