શ્રીહરિ વિષ્ણુએ અત્યંત ભયંકર, મહાકાય અને વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જે અર્ધું સિંહનું-અર્ધું મનુષ્યનું હતું
શિવ રહસ્ય -ભરત પટેલ
બુધવારે નરસિંહ જયંતી વૈશાખ સુદ ચૌદશ ને બુધવારના રોજ ભગવાન નરસિંહ જયંતી છે, એ દિવસે ભગવાન નરસિંહનું પ્રાગટય અને હિરણ્યકશિપુનો વધ થયો હતો. એ દિવસે આપણે પ્રણ લઈએ કે કળિયુગમાં ફૂલીફાલી રહેલા હિરણ્યકશિપુઓના વિચારોનો વધ કરી સૃષ્ટિને કળિયુગી હિરણ્યકશિપુથી બચાવીએ.
(ગતાંકથી ચાલુ)
દેવર્ષિ નારદની વાતમાં દમ લાગતાં હિરણ્યકશિપુ દેવરાજને પોતાનો દાસ બનાવી રાજસભામાં લઈ આવે છે. રાજસભામાં દાસ બનેલા દેવરાજ ઇન્દ્રને જોવા નગરજનો ઊમટી પડે છે. દેવરાજ ઇન્દ્રને દાસ તરીકે જોઈ કદાચ પ્રહ્લાદ ડરી જઈ શ્રીહરિ વિષ્ણુની આરાધના છોડી પણ દે તેવા વિચારે પ્રહ્લાદને રાજસભામાં બોલાવે છે. રાજસભામાં ઇન્દ્રને દાસ બનાવેલો જોઈ પ્રહ્લાદ હિરણ્યકશિપુને સમજાવે છે કે, ‘તમે દેવરાજ ઇન્દ્રને બંદી બનાવી રાખ્યા છે, જે યોગ્ય નથી. સૃષ્ટિના સંચાલન માટે તેમને છોડી દેવા જોઈએ.’ હિરણ્યકશિપુ પ્રહ્લાદની વાત ન સાંભળતા ઉલટું પ્રહ્લાદને જ કારાગારમાં પૂરી દેવાનો આદેશ આપે છે. ઘણા દિવસો વિતી જતાં પણ પ્રહ્લાદ પર કોઈ અસર થતી નથી. ચિંતિત થયેલા ભાઇ હિરણ્યકશિપુને જોઈ હોલિકા કહે છે, ‘મને એક યુક્તિ સૂઝી છે. તમને તો ખબર જ છે કે મેં બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું છે કે અગ્નિ મને બાળી નહીં શકે. હું પ્રહ્લાદને પ્રેમથી જમાડીશ, તે દરમિયાન સૈનિકો અમને બધી બાજુથી ઘેરી લાકડાઓ મૂકી સળગાવી દે, અને પ્રહ્લાદ જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી તમારે લાકડાં ભરતાં રહેવું.’ હોલિકા પોતાની સાથે જમવાનો થાળ ભરીને પ્રહ્લાદ પાસે પહોંચે છે અને પોતાના ખોળામાં બેસાડી જમાડે છે. એ દરમિયાન મોકો મળતાં જ સૈનિકો તેમને ઘેરી બધી બાજુથી લાકડાઓ મૂકી સળગાવી દે છે. લાકડાઓ ઊંચી ઊંચી અગ્નિએ બળતાં જાય છે. એ અગ્નિમાંથી પ્રહ્લાદનો શ્રીહરિના રટણનો સ્વર સંભળાતો જ રહે છે. સંપૂર્ણ રાત્રિ દરમિયાન સૈનિકો લાકડાં મૂકતાં જ જાય છે પણ પ્રહ્લાદના શ્રીહરિ રટણનો સ્વર સંભળાતો જ રહે છે. નગરજનો લાચારીવશ રાતભર આ દમન જોતા રહે છે, થાકી હારી હિરણ્યકશિપુ ત્યાંથી વિદાય લેતાં નગરજનો આગ પર પાણી છાંટે છે. તેઓ જુએ છે કે બળબળતી અગ્નિમાં બાળક પ્રહ્લાદ શ્રીહરિ વિષ્ણુની ભક્તિમાં લીન છે અને હોલિકાના અવશેષો અસ્થિ સ્વરૂપે ત્યાં વિદ્યમાન હોય છે. ક્રોધિત હિરણ્યકશિપુ બ્રહ્મલોક પહોંચે છે. બ્રહ્માજી તેને કહે છે ‘મેં વરદાન આપતી વખતે કહ્યું હતું કે વરદાનનો દુરુપયોગ કરશો તો વરદાન તમારા માટે અનિષ્ટકારી સિદ્ધ થશે. હોલિકાએ વરદાનનો દુરુપયોગ કર્યો તેનું આ પરિણામ છે.’
બ્રહ્મદેવ દ્વારા ચેતવણી મળતાં હિરણ્યકશિપુ ક્રોધિત થઈ બ્રહ્મલોકથી વિદાય લે છે.
માતા સરસ્વતી: ‘સ્વામી આ હિરણ્યકશિપુ તમારી ચેતવણીને નહીં સમજી શકશે.’
બ્રહ્માજી: ‘દેવી અંતે એ રહ્યો તો અસુર જ, અસુરોની કેળવણી જ એવી છે કે તેઓ કેટલીય આરાધના કરે પણ અસુરીવૃત્તિ છોડી શકતા નથી, તેઓની ભક્તિ કશુંક મેળવવા માટે જ હોય છે, તેઓ અસુરોના કલ્યાણ માટે જ કાર્ય કરતા હોય છે.’
માતા સરસ્વતી: ‘સ્વામી અસુરો આવું કયાં સુધી કરતાં રહેશે?’
બ્રહ્માજી: ‘દેવી ‘અસુરો સૃષ્ટિ પર હંમેશાં રહેશે અને તેઓનું કાર્ય દેવભક્તોેને રંજાડવાનું જ હશે, સમય આવ્યે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અવતાર ધારણ કરી અસુરોનો વિનાશ કરશે.’
ક્રોધિત હિરણ્યકશિપુ રાજસભામાં પધારે છે.
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘ત્રિલોક વિજેતા હિરણ્યકશિપુ મારે તમને એક જ સલાહ આપવાની છે કે અસુરોની સુરક્ષા તમારા હાથમાં છે.’
હિરણ્યકશિપુ: ‘ગુરુદેવ હું તમને વચન આપું છું કે હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી અસુરોની સુરક્ષા હું કરીશ અને દેવગણોમાં તાકાત નથી કે તેઓ મારી હત્યા કરી શકે, તમે નિશ્ર્ચિંત રહો અસુરો સદાય સકુશળ રહેશે.’
સૈનિક: ‘ત્રિલોકવિજેતા હિરણ્યકશિપુની જય…. રાજકુમાર પ્રહ્લાદ ફરી શ્રીહરિ વિષ્ણુની ભક્તિમાં લીન છે.’
હિરણ્યકશિપુ: ‘એ કુળકલંકને અહીં બોલાવો.’
સૈનિકો તુરંત રાજકુમાર પ્રહ્લાદને હિરણ્યકશિપુ સમક્ષ હાજર કરે છે.
રાજકુમાર પ્રહ્લાદ: ‘જય શ્રીહરિ વિષ્ણુ, જય શ્રીહરિ વિષ્ણુ, જય શ્રીહરિ વિષ્ણુ.’
હિરણ્યકશિપુ સૈનિકોને આદેશ આપે છે કે ‘રાજકુમાર પ્રહ્લાદને સામેના સ્તંભ સાથે બાંધી દો જેથી એને દેવરાજ ઇન્દ્રની પરિસ્થિતિ કેવી છે એ જોઈ શકે.’
હિરણ્યકશિપુ: ‘ખામોશ, રાજકુમાર પ્રહ્લાદ તમને કહેવામાં આવ્યું છે કે તમારે મારી ભક્તિ કરવાની છે એ શ્રીહરિ વિષ્ણુની નહીં.’
રાજકુમાર પ્રહ્લાદ: ‘નહીં પિતાશ્રી શ્રીહરિ વિષ્ણુ મારા આરાધ્ય છે, હું તેમની ભક્તિ નહીં છોડી શકું.’
હિરણ્યકશિપુ: ‘રાજકુમાર પ્રહ્લાદ જો તમે શ્રીહરિ વિષ્ણુનું રટણ બંધ નહીં કરો તો હું પોતે તમારો વધ કરીશ, એ શ્રીહરિ વિષ્ણુ તમને બચાવવા અહીં નહીં આવે.’
રાજકુમાર પ્રહ્લાદ: ‘નહીં પિતાશ્રી શ્રીહરિ વિષ્ણુ તો દરેક જગ્યાએ છે, તેમણે અહીં આવવાની ક્યાં જરૂર છે તેઓ આ રાજમહેલના કણ કણમાં છે .’
હિરણ્યકશિપુ: ‘રાજકુમાર શું તમારું કહેવું એમ છે કે જે સ્તંભ સાથે તમને બાંધવામાં આવ્યા છે એ સ્તંભમાં પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુ છે.’
રાજકુમાર પ્રહ્લાદ: ‘હા, પિતાશ્રી આ સ્તંભમાં જ નહીં, હું તો તમારા હૃદયમાં પણ શ્રીહરિ વિષ્ણુને જોઈ રહ્યો છું.’
હિરણ્યકશિપુ: ‘જો મારા હૃદયમાં અને સ્તંભમાં પણ જો શ્રીહરિ વિષ્ણુ હોય તો તેમની સામે જ તમારો વધ કરું છું, જોઉં છું તેઓ મારી સમક્ષ કઈ રીતે આવે છે.’
આટલું બોલી હિરણ્યકશિપુ રાજકુમાર પ્રહ્લાદ પર પોતાની તલવારથી ઘા કરવા જાય છે, હિરણ્યકશિપુની તલવાર રાજકુમાર પ્રહ્લાદ સુધી પહોંચી શકતી નથી એક અદૃશ્ય શક્તિ રાજકુમાર પ્રહ્લાદનું ચારેકોર રક્ષણ કરે છે.
માતા દિતી: ‘આ શ્રીહરિ વિષ્ણુની જ લીલા છે.’
હિરણ્યકશિપુ: ‘આ સ્તંભમાં છુપાઈને શ્રીહરિ વિષ્ણુ લીલા કરી રહ્યા છે ને… હું આ સ્તંભને જ તોડી નાંખું છું જોઈએ મારી સમક્ષ કઈ રીતે
આવે છે.’
હિરણ્યકશિપુ પોતાની ગદા દ્વારા એ સ્તંભ પર પ્રહાર કરે છે. એ જ સમયે એક મોટો વિસ્ફોટ થાય છે અને એ સ્તંભ તૂટી પડે છે. એમાં એક બટુક પ્રાણી જેવું દેખાતાં હિરણ્યકશિપુ અટ્ટહાસ્ય કરે છે અને કહે છે: ‘રાજકુમાર શું આ તમારા શ્રીહરિ વિષ્ણુ છે, આ તુચ્છ પ્રાણી મારું શું બગાડી લેશે.’
આટલું સાંભળતાં જ શ્રીહરિ વિષ્ણુ અત્યંત ભયંકર, મહાકાય અને વિકરાળ રૂપ ધારણ કરે છે, જે અર્ધું સિંહનું અને અર્ધું મનુષ્યનું હતું, એમનું મુખ ખૂબ જ ફેલાયેલું અને વિસ્તૃત હતું, નાક ખૂબ જ સુંદર અને નખ તીક્ષ્ણ અને અણીદાર હતા, ગરદન પર કેશવાળી (યાળ) લહેરાઈ રહી હતી. દાઢો આયુધ હોવાથી કરોડો સૂર્ય સમાન પ્રભા વેરાઈ રહી હતી અને એનો પ્રભાવ પ્રલયકાલીન અગ્નિ જેવો હતો, તેઓ નરસિંહરૂપે પ્રગટ થયા હતાં. ભગવાન નરસિંહને જોઈ હિરણ્યકશિપુુ તેમની તરફ દોડયો, ભગવાન નરસિંહ મહેલના દરવાજાની બહાર તરફ સરક્યા, હિરણ્યકશિપુુ દરવાજા તરફ દોડયો અને જેવો દરવાજાના મધ્યમાં આવ્યો એ જ સમયે ભગવાન નરસિંહે તેને ઉંચકી લીધો અને પોતાના ઘૂંટણ પર સૂવડાવી પોતાના તીક્ષ્ણ નખ-અંકુરોથી એની છાતી ચીરી નાંખી તથા લોહીથી લથબથ થયેલા એના હૃદય કમળને કાઢી લેતા એનું પ્રાણ પંખેરું ઊડી ગયું. એ સમયે હિરણ્યકશિપુ નહીં ઘરમાં હતા નહીં ઘરની બહાર, ન પૃથ્વી પર કે નહોતા આકાશમાં, ભગવાન નરસિંહ માનવ પણ નહોતા અને પ્રાણી રૂપે પણ નહોતા, તેઓ પશુ-અપશુ-પક્ષી, દેવ, દાનવ કે નાગમાંથી કોઈપણ નહોતા, તે સમયે સંધ્યા થઈ રહી હતી એટલે દિવસ પણ નહોતો અને રાત પણ નહોતી, ભગવાન નરસિંહ પાસે કોઈ અસ્ત્ર, શસ્ત્ર, પાશ કે વજ્ર નહોતું, તેમણે પોતાના તીક્ષ્ણ નખથી હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. સામે ઊભેલા માતા દિતી અને કયાધુ મૂર્છિત થઈ ગયા, અસુરગુરુ શુક્રાચાર્ય ત્યાંથી પલાયન થઇ ગયા. ખૂબ જ ક્રોધિત ભગવાન નરસિંહ હિરણ્યકશિપુનું હૃદય કમળ હાથમાં લઈ આગળ વધવા લાગ્યા, ક્રોધિત ભગવાન નરસિંહને શાંત પાડવા રાજકુમાર પ્રહ્લાદ આગળ વધે છે અને તેમના ચરણોમાં માથુ નમાવે છે, પોતાના ભક્તને હેમખેમ જોઈ ભગવાન નરસિંહ શાંત થાય છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના વાસ્તવિક રૂપમાં પ્રગટ થાય છે. ભક્ત પ્રહ્લાદને પોતાની છાતી સરસો ચાંપી અંતર્ધાન થઈ જાય છે. ગભરાયેલા અસુરો ત્યાંથી પલાયન થઈ જતાં દેવરાજ ઇન્દ્ર અને દેવગણો ભગવાન શ્રીહરિ વિષ્ણુનો જયજયકાર કરે છે, દેવર્ષિ નારદ ત્યાં પધારતાં રાજકુમાર પ્રહ્લાદનો રાજ્યાભિષેક કરી તેમને રાજ્યના રાજા તરીકે ઘોષિત કરે છે. (ક્રમશ:)