શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ
આ ઉપરાંત અનેક દેવદેવીઓનાં દર્શન તેમને વારંવાર થતાં રહેતાં.
તેમની ચેતના જગદંબાની ચેતના સાથે સદા જોડાયેલી જ રહેતી. તેઓ કોઈ પણ ક્ષણે એમની સાથે વાત કરતા, તેમનું માર્ગદર્શન મેળવતા અને સતત તેમના માર્ગદર્શન પ્રમાણે જ જીવતા.
(શશશ) સાધનાના આ ગાળા પછી રામકૃષ્ણદેવની તાંત્રિક સાધનાઓનો ગાળો આવે છે. યોગેશ્ર્વરીદેવી
(ભૈરવી બ્રાહ્મણી)ના માર્ગદર્શન પ્રમાણે, ચોવીશ વૈષ્ણતંત્રોમાં બતાવેલી બધી જ તાંત્રિક સાધનાઓમાંથી તેઓ પસાર થયા અને દરેક સાધનાને અંતે તેમના ઉદ્દિષ્ટને પામ્યા. તેમણે કોઈ સાધના, લક્ષ્ય સુધી પહોંચ્યા વિના, અધૂરી છોડી નથી. યોગેશ્ર્વરીદેવી અનેકવિધ દુર્લભ તાંત્રિક ઉપકરણો એકઠાં કરી લાવતાં અને સામાન્ય સાધક માટે અતિકઠિન એવી સાધનાઓમાંથી તેઓ પસાર થયા અને સિદ્ધિને પણ પામ્યા. વિવિધ સાધનાઓ એટલા ટૂંકા ગાળામાં અને ઉત્તમ રીતે પૂરી કરેલી કે યોગેશ્ર્વરીદેવી પણ આશ્ર્ચર્યચકિત થઈ ગયેલાં. આ બધી તાંત્રિક સાધનાઓ દરમિયાન તેમણે માતૃભાવે જ ઉપાસના કરી હતી.
(શદ) ત્યાર બાદ તેમની અદ્વૈત મતની સાધનાનો પ્રારંભ થાય છે. એક દિવસ તોતાપુરી નામના એક સંન્યાસી દક્ષિણેશ્ર્વર આવ્યા. તેમણે રામકૃષ્ણદેવને વેદાંત શ્રવણ કરવા કહ્યું. રામકૃષ્ણદેવે જગદંબાને પૂછીને વેદાંતશ્રવણ કરી, એ મુજબ સાધના કરવાની તૈયારી બતાવી. તોતાપુરી પાસેથી તેમણે વિધિવત્ સંન્યાસ દીક્ષા લીધી અને તેમની વેદાંતમતની સાધનાનો પ્રારંભ થયો. તોતાપુરી મહારાજ પાસે તેમણે અદ્વૈત વેદાંતનું શ્રવણ કર્યું અને શ્રવણ, મનન અને નિદિધ્યાસનના માર્ગે તેઓ ત્વરિત ગતિથી આગળ વધવા માંડ્યા. તેમનું ચિત્ત એટલું પરિશુદ્ધ અને તેમની નિષ્ઠા એટલી અમોઘ હતી કે તેમની અસાધારણ તીવ્ર ગતિથી તોતાપુરીજી પણ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. ગુરુના માર્ગદર્શન પ્રમાણે તેમણે ભ્રૂકુટિ ધ્યાનનો પ્રારંભ કર્યો અને પ્રથમ દિવસે જ તેઓ સડસડાટ નિર્વિકલ્પ સમાધિમાં પહોંચી ગયા. જે અવસ્થાએ પહોંચતાં તોતાપુરીજીને ચાળીશ વર્ષ લાગ્યાં હતાં તે અવસ્થામાં રામકૃષ્ણદેવ પ્રથમ દિવસે જ પહોંચી ગયા, તે જોઈને તેમને સાનંદાશ્ર્ચર્ય થાય તે સ્વાભાવિક છે. ત્રણ દિવસની આ અખંડ નિર્વિકલ્પ સમાધિ પછી ગુરુ તેમના શિષ્યને મુશ્કેલીથી જાગ્રત અવસ્થામાં લાવી શક્યા. પછી પણ તેમની બ્રહ્મચિંતન-નિર્વિકલ્પ સમાધિની સાધના ચાલુ રહી. આ ગાળા દરમિયાન છ માસ સુધી તેઓ મહદ્અંશે સમાધિની અવસ્થામાં જ રહ્યા છે. એ દિવસો દરમિયાન એક સાધુ આવી ચડ્યા. તે સાધુએ રામકૃષ્ણદેવની ખૂબ સંભાળ લીધી. તેઓ માથામાં લાકડીથી ફટકા મારીને તેમને બાહ્યદશામાં લાવતા અને જોરપૂર્વક તેમના મુખમાં ખોરાક ધકેલી દેતા. તે સાધુની આવી સંભાળને લીધે રામકૃષ્ણદેવનું શરીર ટકી શક્યું. એમ કહેવાય છે કે એકવીશ દિવસની નિર્વિકલ્પ સમાધિ પછી શરીર ટકી શકે નહીં એ અવસ્થા પછી સમાધિસ્થ પુરુષ પાછો ચેતનામાં આવી શકતો નથી, રામકૃષ્ણદેવ સામાન્ય સાધક નહીં, ભગવદવતાર હતા. લાંબા ગાળાની પ્રગાઢ નિર્વિકલ્પ સમાધિ પછી પણ તેઓ સામાન્ય ચેતનામાં પાછા ફરી શક્યા અને તેમનું શરીર પણ ટકી શક્યું! જીવકોટિ અનેઈશ્ર્વર કોટિની આ ભિન્નતા છે. (ક્રમશ:)