ધર્મતેજ

શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા

જીવનનું અમૃત -ભાણદેવ

વાત્સલ્યભાવથી રામલાલાની ઉપાસના
(ગતાંકથી ચાલુ)
(શશ) સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના જગદંબાની પ્રાપ્તિથી રામકૃષ્ણદેવની સાધનાની સમાપ્તિ નથી થતી, પરંતુ પ્રારંભ થાય છે. સાધનાના બીજા તબક્કામાં તેમણે ભગવાનનાં અનેકવિધ સગુણ સાકાર સ્વરૂપોની ઉપાસના કરી છે. આ ગાળા દરમિયાન મુખ્ય ઉપાસનાઓ નીચે પ્રમાણે છે:
(અ) હનુમાનના ભાવથી રામની ઉપાસના
(રૂ) વાત્સલ્યભાવથી રામલાલાની ઉપાસના
(ઇં) સીતાભાવથી રામની ઉપાસના
(હ્વજ) રાધાભાવથી કૃષ્ણની ઉપાસના
(ઇ) સખીભાવથી જગદંબાની ઉપાસના.
આ બધી ઉપાસનાઓ દ્વારા તેમણે પોતાના ઈષ્ટનો સાક્ષાત્કાર કર્યો. હનુમાનભાવે રામની ઉપાસનાના ગાળા દરમિયાન તેઓ હનુમાનભાવમાં તલ્લીન બની ગયા. દિનરાત રામના સ્મરણમાં રમમાણ બની ગયા. આ દિવસોમાં તેઓ વસ્ત્રનો એક છેડો પૂંછડાની જેમ લટકતો રાખતા, આખો દિવસ હૂપ હૂપ કરતા ઝાડ પર કૂદ્યા કરતા. આવી તીવ્ર સાધનાના પરિણામે તેમને ટૂંકા ગાળામાં જ શ્રીરામનો સાક્ષાત્કાર થયો.
જટાધારી નામના એક રામોપાસક સાધુ આ દિવસોમાં દક્ષિણેશ્ર્વરમાં આવ્યા. જટાધારી રામના બાલસ્વરૂપની વાત્સલ્યભાવે ઉપાસના કરતા. તેમની પાસે રામલાલાની એક અષ્ટધાતુની મૂર્તિ હતી. જટાધારી પાસેથી રામના બાલસ્વરૂપની-રામલાલાની વાત્સલ્યભાવની ઉપાસના રામકૃષ્ણદેવે ગ્રહણ કરી અને તેઓ આ સ્વરૂપની સાધનામાં તલ્લીન બની ગયા. થોડા જ વખતમાં તેઓ એવી અવસ્થામાં પહોંચી ગયા કે રામલાલા આખો દિવસ તેમની સાથે રમતા, જમતા, તરતા અને વિવિધ ક્રીડાઓ કરતા. રામકૃષ્ણદેવની વાત્સલ્યભાવની ઉપાસનાની તલ્લીનતા અને અનુભૂતિઓ જોઈને જટાધારી પણ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. રામલાલાને રામકૃષ્ણદેવ સાથે જ રહેવું છે, એમ જોઈને હલધારી અષ્ટધાતુની તે મૂર્તિ તેમને સોંપીને જ પોતાના માર્ગે આગળ ચાલ્યા ગયા.
તેમણે સીતાભાવે રામની ઉપાસના કરી, તેમણે રાધાભાવે કૃષ્ણની ઉપાસના કરી, તેમણે સખીભાવે જગદંબાની ઉપાસના કરી અને દરેક ઉપાસના દ્વારા તેમને ઈષ્ટનો સાક્ષાત્કાર થયો. તેમને રામ, કૃષ્ણ અને જગદંબાનાં વારંવાર દર્શન થયાં. તેમની ચેતના સાથે રામકૃષ્ણનું વ્યક્તિત્વનું તદાકાર થઈ ગયું. તેમની આ ઉપાસનાઓ દરમિયાન તેઓ તે-તે ભાવમાં તલ્લીન બની જતા. તેઓ સ્ત્રીઓનો પરિવેશ ધારણ કરતા, તેમની ચાલ, તેમના હાવભાવ, તેમની રહેણીકરણી-બધું જ સ્ત્રીઓની જેમ ગોઠવાઈ જતું. તેઓ આબેહૂબ સ્ત્રી જ લાગતા અને તેમની અતિનિક્ટના માણસો પણ એ વખતે તેમને ઓળખી શકતા નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button