ધર્મતેજ

શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા

જીવનનું અમૃત -ભાણદેવ

પ્રસ્તાવ:
ભગવદવતાર એક રહસ્યપૂર્ણ સત્ય છે. પરમાત્મા યુગે-યુગે (સમયે-સમયે) અવતાર ધારણ કરે છે, માનવ સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર આવે છે. પ્રભુ દરેક વખતે ભિન્નભિન્ન સ્વરૂપ ધારણ કરીને આવે છે. કોઈ પણ અવતાર ભૂતકાળના અવતારોનું અનુકરણ નથી. દરેક અવતારને પોતાની લાક્ષણિકતાઓ-વિશિષ્ટતાઓ હોય છે. દરેક અવતારના વ્યક્તિત્વનું સ્વરૂપ, તેમની કાર્યપદ્ધતિ, તેમનું અવતારકાર્ય, તેમનો જીવનસંદેશ આદિ ભિન્નભિન્ન હોય છે. દરેક વખતે ભગવદતાર કંઈક વિશિષ્ટ પ્રદાન કરે છે, પૃથ્વીની ચેતનામાં કોઈક નવું સત્ત્વ ઉમેરે છે, માનવજાતને કંઈક વિશિષ્ટ સંદેશ આપે છે, આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રમાં એક નવા પરિમાણનો ઉમેરો કરે છે.
રામકૃષ્ણદેવ નજીકના ભૂતકાળમાં થઈ ગયેલ એક અવતાર છે. દરેક અવતારની જેમ તેમનું પણ એક વિશિષ્ટ સ્વરૂપ છે, તેમનો જીવનસંદેશ છે, તેમનું વિશિષ્ટ પ્રદાન છે. આપણે અહીં રામકૃષ્ણાવતારની લાક્ષણિકતાઓ, વિશિષ્ટતાઓ સમજવાનો પ્રયત્ન કરીએ.
૧. ભક્તભાવમાં ભગવાન:
રામકૃષ્ણાવતારમાં ભગવાન પોતે ભક્ત બનીને આવ્યા છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ આદિ અવતારોમાં ભક્તવત્સલતા, દુષ્ટ નિર્બર્હણ આદિ અનેક વિશેષતાઓ જોવા મળે છે, પરંતુ ભગવાન પોતે ભગવદભક્ત સ્વરૂપે આવે, એ એક વિશેષ ઘટના છે, જે રામકૃષ્ણાવતારમાં જોવા મળે છે. જેમ બાળકને કોઈ બાબત શીખવવા માટે, મા પોતે બાળકનું પાત્ર લઈ બાળક સમક્ષ બાળક બની એક દૃષ્ટાંત રજૂ કરે છે, તેમ રામકૃષ્ણાવતારમાં ભગવાન પોતે ભગવદ્-ભક્ત બની માનવજાત સમક્ષ એક આદર્શ ભક્તનું દૃષ્ટાંત રજૂ કરે છે. તેઓ પોતાના જીવન દ્વારા કહી રહ્યા છે, “જુઓ! ભક્તિ આમ કરી શકાય! ભગવાનને ભક્ત તરીકે જોવા, તેમની ભક્ત તરીકેની લીલાઓ જાણવી-સમજવી, તેમના ભક્તભાવનું ચિંતન કરવું એ એક વિશિષ્ટ અનુભવ છે. રામકૃષ્ણાવતારની એ એક વિશિષ્ટતા છે કે ભગવાન આ વખતે મહદ્અંશે ભક્તભાવમાં રહ્યા.
૨. ઐશ્ર્ચર્ય નહીં, માધુર્ય:
દરેક અવતારની જેમ રામકૃષ્ણદેવમાં પણ અસાધારણ ઐશ્ર્ચર્ય અને અનેકવિધ સિદ્ધિઓ હોવા છતાં તેઓએ ઐશ્ર્ચર્યના આ પાસાને પડદા પાછળ જ રાખ્યું છે. અસાધારણ સંજોગો સિવાય તેમણે ભાગવત-ઐશ્ર્વર્યને બહુ વ્યક્ત થવા દીધું નથી, ઐશ્ર્વર્યને ઢાંકી રાખ્યું છે. ભગવાન જ્યારે ભક્તભાવમાં આવ્યા ત્યારે ભક્તભાવને અનુરૂપ જીવ્યા તેથી તેમના જીવનમાં ઐશ્ર્ચર્ય ઓછું અને માધુર્ય વધુ વ્યક્ત થયું છે. એક માનવભક્ત માટે પણ ભગવાનના ઐશ્ર્વર્યભાવ કરતાં માધુર્યભાવ વધુ પ્રતીતિકર અને વધુ રુચિકર બને છે, કેમ કે ઐશ્ર્વર્યભાવથી અહોભાવ ઉત્પન્ન થાય છે, જ્યારે માધુર્યભાવથી પ્રેમ-ભક્તિની સરવાણીઓ ફૂટે છે. રામકૃષ્ણદેવ તો ભક્તિની ગંગા વહેડાવવા આવ્યા છે તેથી જ તેમના વ્યક્તિત્વમાં માધુર્યભાવ વિશેષ અભિવ્યક્ત થયો છે. તેમના ભોજન, વાર્તાલાપ, દેવદર્શન, તીર્થયાત્રા, સાધનભજન આદિ સર્વ લીલાઓમાં માધુર્ય જ જોવા મળે છે. આ માધુર્ય જ તેમના વ્યક્તિત્વની ગરિમા છે, વિશિષ્ટતા છે.
૩. સર્વગ્રાહી સાધન પદ્ધતિ:
વિશ્ર્વના અધ્યાત્મક્ષેત્રમાં અનેકવિધ સાધન પદ્ધતિઓ છે. સાધક એકાદ-બે સાધન પદ્ધતિઓનું આલંબન લઈને અધ્યાત્મપથ પર પ્રયાણ કરે છે, પરંતુ જવલ્લે જ એવું જોવા મળે છે કે સાધક ઉપલબ્ધ બધી જ સાધન પદ્ધતિનો પોતાની સાધનામાં વિનિયોગ કરે છે, એક પછી એક એમ બધા સાધનમાર્ગો પર ચાલી બતાવવું અને એમ સિદ્ધ કરવું કે બધા સાધનમાર્ગો સાચા છે તેમ જ બધા સાધનમાર્ગોથી એક જ પરમસત્તા સુધી પહોંચી શકાય છે, એ એક વિરલ ઘટના છે. શ્રીરામકૃષ્ણદેવના સાધકજીવનમાં આ વિરલ ઘટના જોવા મળે છે. જે કોઈ સાધન પદ્ધતિ તેમની જાણમાં આવી તે બધી પદ્ધતિઓથી તેમણે ચાલી બતાવ્યું અને દરેક અધ્યાત્મપથના હાર્દને પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું અને સિદ્ધ કર્યું કે આખરે તો બધા માર્ગો દ્વારા ભગવાનમાં જ પહોંચાય છે.
હવે આપણે એમની સાધન પદ્ધતિઓ અંગે જોઈએ.
(શ) સૌથી પ્રથમ તો તેમણે માકાલીને તીવ્ર પ્રાર્થના કરવાનો માર્ગ અપનાવ્યો. દિનરાત એમનું સ્મરણ,
કાતરભાવે એમને પ્રાર્થના, એમના માટે આર્તભાવે રુદન-આ તેમનો સાધનમાર્ગ હતો. ભગવત્ પ્રાપ્તિ
માટે તીવ્ર ઝંખના, એ કેન્દ્રસ્થ પરિબળ હતું. જેમ બાળક બધાં રમકડાં છોડીને, પોતાની મા માટે
વ્યાકુળ બની જાય અને માને પુકારે, મા માટે રુદન કરે તેમ રામકૃષ્ણદેવ માકાલીને મળવા અતિ
વ્યાકુળ થયા અને ‘અરે! આજનો દિવસ પણ ચાલ્યો ગયો પણ મા ન મળ્યાં!’ એમ કહીને રુદન
કરતા. તીવ્ર અભીપ્સાનો આ માર્ગ છે. જેમ બાળકનો પુકાર મા સુધી પહોંચે જ છે તેમ સાધકનો
આર્તનાદ ભગવાન સુધી પહોંચે જ છે. અને ભગવાન એનો પ્રતિભાવ પણ આપે છે. ભગવાન પથ્થર
કે લાકડાનો ટુકડો નથી. ભગવાન ચૈતન્યની સર્વોત્તમ અવસ્થા છે. એટલું નહીં પણ ભગવાન
માતૃસ્વરૂપ પણ છે. જેટલા પ્રમાણમાં ભક્ત ભગવાનને મળવા આતુર થાય છે તેટલા જ પ્રમાણમાં
ભગવાન પણ ભક્તને મળવા આતુર થાય છે. રામકૃષ્ણદેવની આ વ્યાકુળતા એટલી તીવ્ર બની કે
તેમને માટે જગદંબાનો વિયોગ હવે અસહ્ય બની ગયો. તેઓ કાલીમંદિરમાં ગયા અને તલવાર લઈને
પોતાનું ગળું કાપી નાખવા તત્પર થયા. તલવાર હાથમાં લઈ ગળા પર મૂકી. વ્યાકુળતા ચરમસીમાએ
પહોંચી અને તે જ ક્ષણે મહાચૈત્યન સ્વરૂપિણી જગદંબા પ્રગટ થયાં. માએ હાથ પકડી લીધો અને
રામકૃષ્ણદેવની ચેતના માની ચેતના સાથે તદાકાર થઈ ગઈ. સર્વત્ર પ્રકાશનો સાગર રેલાઈ ગયો.
એમની સાધના અને સિદ્ધિનો આ પ્રથમ તબક્કો હતો. આ સાધના અને સિદ્ધિને પરિણામે એમનું
સમગ્ર જીવન માકાલીને સંપૂર્ણતયા સમર્પિત થયું. પછી તેમના જીવનમાં જે કાંઈ બન્યું તે બધું
માકાલીની આજ્ઞા અને અનુમતિથી જ બન્યું. ત્યાર પછીની બધી સાધનાઓ તેમણે માને પૂછીને જ
કરી છે. ક્ષણે-ક્ષણે તેઓ માના માર્ગદર્શન પ્રમાણે જીવતા થયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button