જીવનનું તર્પણ શ્રીરામ
ચિંતન -હેમંત વાળા
એવી એક પણ બાબત નથી કે જે શ્રીરામ વિશે આજની તારીખ સુધીમાં કોઈના દ્વારા ન કહેવાઈ હોય. તેમની બધી જ વાતો, તેમની બધી જ ખાસિયત, તેમની સંપૂર્ણ જીવન-ચર્યાથી બધા જ જાણકાર છે. એમના વિશે પુસ્તક સ્વરૂપે, પ્રવચન સ્વરૂપે, ચર્ચા સ્વરૂપે, મનન-ચિંતન સ્વરૂપે, અને યાદદાસ્ત સ્વરૂપે સ્થાપિત થઈ ચૂક્યું છે. કળાના પ્રત્યેક માધ્યમથી શ્રીરામના અસ્તિત્વની પ્રત્યેક વાત વ્યક્ત થઈ ચૂકી છે. બધું જ, બધા જ જાણે છે. છતાં પણ નાદાનિયતમાં, બાળક સમાન બનીને તે જ વાતો કહેવાની ફરીથી ઈચ્છા થાય – વારંવાર ઈચ્છા થાય, તેવા શ્રીરામ છે.
બધા જાણે છે કે શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે જીવનમાં અતિ દૃઢતાથી આદર્શોનું – મર્યાદાનું પાલન કર્યું છે. ધર્મને જીવનની અન્ય પ્રત્યેક બાબત કરતા વધુ મહત્ત્વ આપ્યું છે. વ્યક્તિ તરીકે, પુત્ર તરીકે, પતિ તરીકે કે રાજા તરીકે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં તેમણે દરેક વ્યક્તિગત બાબતને બાજુમાં કરી દીધી છે. તેમનું સમગ્ર આચરણ સમભાવે તથા સાધુ ભાવે ઘટિત થયું છે. દરેક પ્રકારના સાંસારિક આવેગથી તેઓ મુક્ત છે. સત્ય તેમનો આધાર છે અને ધર્મ માર્ગદર્શક છે. તટસ્થતા તેમની પ્રકૃતિ છે અને કાર્યદક્ષતા તેમની શૈલી છે. નિર્દોષતા તેમના અસ્તિત્વમાં વણાયેલી છે અને નિર્લેપતાના તેઓ પ્રતિનિધિ છે. સ્થાપિત નીતિમત્તા તેમની માટે સંદર્ભ છે અને ધર્મ માટે અપવાદ ઊભો કરવા પણ તેમની તૈયારી હોય છે. દરેક પ્રકારની ક્ષમતાના તેઓ ધની છે અને તે છતાં પણ તેમની ક્ષમતા સંયમિત છે. અપાર સંભાવનાઓના સ્વામી હોવા છતાં તેઓએ ક્યારેય વિવેકનો ત્યાગ કર્યો નથી.
બધા જાણે છે કે શ્રીરામ દ્વારા, માનવ જીવનમાં શું શું શક્ય છે તે તેમણે તે પ્રકારનું જીવન જીવી બતાવીને વ્યવસ્થિત રીતે સ્થાપિત કર્યું છે. માનવીએ કેવા પ્રકારના સિદ્ધાંતોને મહત્ત્વ આપી જીવન વ્યતીત કરવું જોઈએ તે તેઓએ બતાવ્યું છે. તેમના જીવનમાં સામર્થ્ય સાથેની કરુણા છે, ન્યાય યુક્ત સમાનતા છે, દરેક પરિસ્થિતિમાં જાળવી રખાયેલી તટસ્થતા છે, નિષ્પક્ષ રહેવા સાથે સત્ય માટે તેમણે તરફેણ કરી છે. મર્યાદા પાળીને તેમણે ધર્મને સાચવી લીધો છે.
બધા જાણે છે કે શ્રીરામ પોતાના પિતાનો અગ્નિ સંસ્કાર પણ ન હતા કરી શક્યા. સામાજિક તેમજ રાજકીય માપદંડ સ્થાપવા તેમણે, જેની માટે વન વન રૂદન કરતાં કરતાં ભટકેલા, તેવી પોતાની પત્નીનો તેની સગર્ભાવસ્થામાં ત્યાગ કરેલો. રાવણ સાથે યુદ્ધ કરવા સમગ્ર ભારત-વર્ષની સેનાનો સહકાર મળી શકે તેમ હતો તો પણ વાનર-સેના પોતાના પક્ષે રાખી હતી. વિકલ્પ હોવા છતાં શબરીના એઠા બોર ખાધા હતા. જધન્ય અપરાધ કરનાર રાવણને પણ તેમણે અંતિમ તક આપવા અંગદને સમાધાન માટે મોકલ્યો હતો.
ક્યારેક સમજાવટથી પરશુરામનો ક્રોધ શાંત કર્યો છે તો ક્યારેક સમુદ્ર દ્વારા વિનંતી ન સ્વીકારાતા ક્રોધ પણ જાહેર કર્યો છે.
વાલીના વધ પછી તેના પુત્રને પુત્ર સમાન ગણ્યો છે, જેની સામે યુદ્ધ કરવા જવાનું હતું તેને જ પુરોહિત પદે સ્થાપી મહાદેવની પૂજા કરાવી છે. વનવાસથી પાછા ફરતા માતા કૌશલ્યાના સ્થાને વનવાસ માટે નિમિત્ત માતા કૈકેયીને વધુ મહત્ત્વ આપ્યું છે. વિરોધાભાસી જણાતી પરિસ્થિતિમાં પણ શ્રીરામ નૈતિક સૌમ્યતા જાળવી શકતા હતા.
મહાભારતમાં વિરોધી પરિબળો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી શકાય તે શીખવવામાં આવ્યું છે તો રામાયણમાં આદર્શ જીવન કઈ રીતે વ્યતીત થઈ શકે તે દર્શાવવામાં આવ્યું છે. મહાભારતમાં અધર્મની વ્યાખ્યા કરવી થોડી મુશ્કેલ જણાય, જ્યારે રામાયણમાં તે સ્પષ્ટ છે. મહાભારતમાં બહુમતી દુર્યોધનના પક્ષે હતી જ્યારે રામાયણમાં રાવણના પક્ષી માત્ર તેના સગાસંબંધીઓ જ હતા અને તે પણ ક્યાંક તેની વિચારધારા સાથે સહમત ન હતા. મહાભારતમાં ઉગ્રતાથી ઘણા બધા પ્રસંગો ઘટિત થાય છે, જ્યારે રામાયણ જાણે એક આદર્શ પ્રવાહમાં વહે છે. મહાભારતનો હેતુ ધર્મની સ્થાપના હતો જ્યારે એમ જણાય છે કે રામાયણનો હેતુ આદર્શની સ્થાપનાનો છે. એમ કહેવાય છે કે જે મહાભારતમાં નથી તે સમાજમાં ક્યાંય નથી. સાથે એમ પણ કહી શકાય કે જે આદર્શ રામાયણમાં વ્યક્ત નથી થતો તેને માનવ ઇતિહાસમાં ક્યાંય સ્થાન નથી.
શ્રીરામ નિષ્કલંક છે, નિષ્કપટ છે અને નિર્દોષ છે. શ્રીરામ કર્મનિષ્ઠ છે, કર્તવ્ય-વીર છે અને કાર્ય-પારંગત છે. શ્રીરામ સરળ છે, સુલભ છે અને સ્પષ્ટ છે. શ્રીરામ એક વ્યક્તિત્વ છે, એક મંત્ર-ધ્વનિ છે અને એક ઈશ્ર્વર પણ છે. શ્રીરામ પ્રેરણા છે, પ્રતિબદ્ધતા છે અને પરંપરા છે. શ્રીરામ આદર્શ છે, વાસ્તવિકતા છે અને કલ્પનાની સીમા છે. શ્રીરામ અનુજ છે, અગ્રજ છે અને ઉપસ્થિત છે. શ્રીરામ અધિભૂત છે, અધિદેવ છે અને અધિષ્ઠાન છે. શ્રીરામ પ્રારંભ છે, મધ્ય છે અને અંત છે. શ્રીરામ અત્ર છે, તત્ર છે અને સર્વત્ર છે. શ્રીરામ ગુરુ છે, ઈશ્ર્વર છે અને પરબ્રહ્મ છે. શ્રીરામ જીવ છે, આત્મા છે અને પરમાત્મા છે.
આવી જ રીતે, શ્રીરામના ઐશ્ર્વરીય ગુણોની વાત કરીએ તો તેઓ કર્તા છે, કારણ છે અને પરિણામ છે. તેઓ દૃષ્ટા છે, દૃશ્ય છે અને દર્શન છે. સાકારના તેઓ પ્રતિનિધિ છે અને નિરાકારનું તેઓ પ્રતિબિંબ છે. દ્વૈતની તેઓ સાક્ષી પૂરે છે અને અદ્વૈતને સ્થાપિત કરે છે. ક્રિયાકાંડમાં તેઓ સંમિલિત થયા છે અને જ્ઞાનની સ્થાપના માટે ઋષિ વશિષ્ઠ સાથે સંવાદ સ્થાપેલો છે. એક સાથે, એક સમયે શ્રી પરશુરામ તથા શ્રીરામ તરીકે એક સ્થાને તેઓ ઉપસ્થિત રહી શકે છે. દેવતા તેમના સહયોગી છે તો સ્વયં મહાદેવના તેઓ પ્રિય છે. સમગ્ર સૃષ્ટિના નિયંત્રતા હોવા છતાં તેઓએ જીવનમાં સૃષ્ટિથી નિયંત્રિત થઈને પણ શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપ્યું છે. અહીં સર્જક સ્વયં, સર્જનનો ભાગ બની જાય છે. પોતાની જ પ્રકૃતિનો આશ્રય કરી, પોતાની જ પ્રકૃતિના અસ્તિત્વમાં, પોતાની જ પ્રકૃતિની સહાયથી, પોતાની જ પ્રકૃતિ માટે પ્રવૃત્ત થવાની આ ચેષ્ટા છે, જે ઉપાદાન તેમ જ નૈમિત્તિક કારણ છે તે જ પરિણામ બનીને પ્રગટ થાય છે.
શ્રીરામની પૂર્ણતા સભર લીલાની વાત કરીએ તો અહીં, બ્રહ્મ સ્વયં બ્રહ્મની લીલાને આશ્રિત છે. બ્રહ્મ સ્વયં બ્રહ્મની લીલાના એક પરિણામ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે, જે જ્ઞાનનો આધાર છે તે અન્ય પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની લીલા કરે છે, જે ઇન્દ્રિયોના સ્વામી છે તે ઇન્દ્રિયોના સહારે જીવન વ્યતીત કરે છે. જે મનના અસ્તિત્વનું કારણ છે તે માનસિક કાર્ય કરે છે. સમગ્ર સૃષ્ટિ માટે જે આરાધ્ય છે તે અન્યની આરાધના કરે છે, જેનું વ્યાપ સર્વત્ર છે તે એક દેહમાં સ્થાપિત રહે છે, જે બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તે સામાન્ય માનવી તરીકે પદાર્થને જોવા માટે પ્રકાશની ઈચ્છા રાખે છે, જે અનંત છે, જેની કથા અનંત છે, તે સમય, સંજોગો અને સ્થળની સંકુચિતતામાં જીવન વ્યતીત કરતા જણાય છે, જેનું અસ્તિત્વ કમળ સમાન હોય, જેને અન્ય શણગારની જરૂર ન હોય, તે આભૂષિત થાય છે. આ અને આવી કેટલીય બાબતો શ્રીરામ વિશે કહી શકાય. આ બધા જ જાણે છે.
આદર્શ પિતા, આદર્શ મિત્ર, આદર્શ પુત્ર, આદર્શ રાજા, આદર્શ શિષ્ય, આદર્શ માનવી, આદર્શ યોદ્ધા, આદર્શ પ્રવાસી, આદર્શ યુગલનું એક અવિભાજ્ય અંગ, પ્રત્યેક કલ્પના પ્રત્યેક કાલખંડમાં આદર્શ સાથ નિભાવનાર આદર્શ પતિ, આદર્શ વ્યવસ્થાપક, આદર્શ સલાહકાર અને આદર્શ નિયતા; શ્રીરામમાં આ બધું જ અને આવું બધું જ સમાવિષ્ટ છે. શ્રીરામ આદર્શ માટે પણ આદર્શ છે.
સનાતની સંસ્કૃતિના સાથે શ્રદ્ધાની અન્ય પરંપરાના મૂળ સિદ્ધાંતો સાથે પણ શ્રીરામનો સમન્વય જોવા મળે છે. શ્રદ્ધાની એક પરંપરાના આધારગત મૂલ્યોમાં કરુણાને મહત્ત્વ મળ્યું છે તો અન્ય પરંપરામાં અહિંસા કેન્દ્રસ્થાને છે. કોઈ પરંપરામાં અલિપ્તતાને અન્ય કેટલીક બાબતો સાથે આધાર ગણવામાં આવે છે તો ક્યાંક સમાનતાને પ્રાધાન્ય અપાય છે. શ્રીરામના જીવનમાં આવી પ્રત્યેક બાબતો સમભાવે પ્રતીત થાય છે. શ્રીરામનું જીવન-દર્શન જોતાં જણાશે કે તેમના જીવનમાં આ પ્રત્યેક બાબતને પ્રતિબદ્ધતાથી પ્રાધાન્ય અપાયું છે. પ્રશ્ર્ન ક્યારેક અહિંસા માટે થાય, કારણ કે શ્રીરામે હથિયાર ધારણ કરેલા. સમજવાની વાત એ છે કે, જેમ અહિંસા પરમો ધર્મ: કહેવામાં આવે છે તેમ ધર્મ હિંસા તથૈવ ચ પણ કહેવામાં આવે છે. ધર્મની રક્ષા માટે અહિંસા માન્ય છે. ગીતામાં પણ આતતાઈનો વધ કરી શકાય તેમ કહેવાયું છે. અહિંસા ને સૂક્ષ્મતામાં સમજવામાં આવે તો શ્રીરામ દ્વારા હિંસા ક્યારે આચરવામાં આવી જ નથી. ધર્મ કે સત્યની સ્થાપના માટે કરાયેલું કોઈપણ કાર્ય હિંસક ન ગણાય.
શ્રીરામના જીવનનો અંશ દરેક શ્રદ્ધામાં જોવા મળશે – દરેક પ્રકારની શ્રદ્ધામાં શ્રીરામના આદર્શોની હાજરી જોવા મળશે. શ્રીરામ સમગ્ર માનવજાત માટે છે. તેમણે સમગ્ર માનવજાત માટે ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેઓ નથી મારા કે નથી તમારા, તેઓ બધાના છે. શ્રીરામ સર્વત્ર છે, સર્વકાલ છે.
શ્રીરામનું જીવન એટલે અણીશુદ્ધ પવિત્રતાનું અસ્તિત્વ, જીવનના ઉત્કૃષ્ટ આદર્શનું ઉદાહરણ, દિવ્યતા સભર દરેક ગુણોનું સંમેલન, કઠિનતમ પરિસ્થિતિ વચ્ચે પણ જાળવી રખાયેલું સંતુલન, શ્રેષ્ઠ સામાજિક વ્યવસ્થા સ્થાપવાના પ્રયત્નોનું પરિણામ, વ્યક્તિગતતાની સામે સામાજિક ઉત્કર્ષનું સીમાચિહ્ન, ચોક્કસ સમયગાળામાં આકાર પામેલ ઘટનાનું શાશ્ર્વત અને શ્રેયકર પરિણામ, સત્ય તરફના પ્રેમ તથા વિશ્ર્વાસનું પ્રતીક – જેવી અનેક દિવ્યતમ બાબતો વર્ણવી શકાય. શ્રીરામ સર્વ માટે અદમ્ય પ્રેરણા સમાન છે.