ધર્મતેજ

ગિરનારી નાથસંતપરંપરાનો મેરુદંડ : વેલનાથ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

બંગાળી નાથ પરંપરાની સમાંતરે સૌરાષ્ટ્રની લોકધર્મ પરંપરામાં પણ નાથસંત પરંપરાનું પગેરું મળે છે. આમાં વેલનાથનું ચરિત્ર ભારે પ્રખ્યાત છે. વેલોબાવો, વેલો એમ નામછાપથી ઘણાં ભજનો આજે પણ જીવંત પરંપરારૂપે જળવાયેલાં છે. વેલનાથના ગુરુ તરીકે વાઘનાથનું નામ મળે છે. ગિરનારમાં ગુરુ દત્તાત્રેયની ટૂક સાથે અનેક નાથસંતો વિષ્ાયક વિગતો સંકળાયેલી છે. સૌરાષ્ટ્રની નાથસંતોની પરંપરામાં પણ બંગાળી નાથસંતોની માફક આકરી તપસ્યા, સરળ જીવન અને યોગસાધનાશક્તિ સાથે સંકળાયેલા અનેક પરચા ષ્ટિગોચર થાય છે. સંતસાહિત્યમાં આ સૌરાષ્ટ્રી નાથ-પરંપરાવિષ્ાયક બહુ અભ્યાસ થયો નથી.

વેલનાથનું ચરિત્ર પણ ભારે રસપ્રદ છે. આજે પણ તમે ગિરનાર યાત્રાએ ગયા હો અને વેલાબાવાની જગ્યાનાં દર્શન વગર પરત થાઓ તો યાત્રા અધૂરી ગણાય, એવી માન્યતા પ્રચલિત છે. કંઠસ્થ પરંપરામાં આજે પણ એમના જીવનના પરચાની વિગતો સાંભળવા મળે છે.

એક માન્યતા પ્રમાણે એક સામાન્ય શ્રમિક તરીકે જસમત પટેલના ખેતરમાં ખેતમજૂરી કરતાં કરતાં એકાંતે સાધનામાં રત રહેતા વેલાની સાધના-સિદ્ધિની જસમતને જાણ થઈ એટલે વેલો જસમતની વિદાય લઈને ગિરનારમાં નીકળી પડેલો. બનેલું એવું કે વેલો સાધનામાં રત હતો ત્યારે કોદાળી અને પાવડો વેલાની સાધનાના બળે આપમેળે ક્રિયાશીલ રહેતાં અને ખેતરનું કામ આપમેળે ચાલતું. જસમતને સમજાઈ ગયું કે આ વેલો કોઈ સામાન્ય શ્રમિક નથી પણ ભારે મરમી સંત છે. જસમતે ખોળો પાથર્યો અને સંતપુરુષ્ા પાસે મજૂરી કરાવવા બદલ પશ્ર્ચાત્તાપ વ્યક્ત ર્ક્યોે. વેલો તો વિદાય જ થયો, એને થયું કે મારી સમર્થ સંત તરીકેની છબિને કારણે હવે અહીં સરળતાથી સહજતાથી રહી શકાશે નહીં અને સાધના પણ થઈ શકશે નહીં, પણ જતાં જતાં જસમતને કશુંક માગવા કહ્યું.

જસમતને વેલાબાબાએ કહ્યું કે તમારો કોઈ પણ વંશજ મારા સમાધિસ્થાને ગિરનારે આવશે અને ત્યાં વીરડા પાસે શિવરાત્રિએ ભજન કરશે એટલે હું પાણીરૂપે આવીને તેમને મળીશ.

કહેવાય છે કે પછી બાર વરસ સુધી વેલાબાવાએ ગિરનારની પરિક્રમા ર્ક્યા કરી અને માત્ર કંદમૂળ કે ફળનો જ આહાર ર્ક્યો. અનેક ગુફાઓમાં વસતા સાધુસંતોની સેવા કરી. એમાં ગુરુ વાઘનાથનો ભેટો થઈ ગયો. તપ હતું, સાધના હતી, પણ વાઘનાથ પ્રતાપે એવું ગૂઢજ્ઞાન જીવનરહસ્ય પ્રાપ્ત થયું કે પછી વેલનાથની નામછાપથી ભજનરચનાઓ રચાવા લાગી. એમણે ત્રણસો જેટલાં ભજનો રચેલાં મનાય છે. મોટે ભાગે શિવરાત્રિના મેળામાં કોઈ રાવટી એવી નહીં હોય કે જયાં તમને વેલનાથનું ભજન સાંભળવા ન મળે.

એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે કંઈ જીવનરહસ્ય સમજાયું એ ભજનના માધ્યમ દ્વારા પ્રગટ થયું છે. મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી ધારામાં સમાવેશ કરવો પડે એવી કેટલીક ભજનરચનાઓ તો આજે પણ પરંપરામાં જીવંત છે. એનો મૂળભૂત મુદ્દો છે તત્ત્વદર્શનને સમજાવવાનો. ભારે માર્મિક રીતે વેલનાથ આ બધું સમજાવે છે. રૂપકાત્મક પરિભાષ્ાા, તત્ત્વદર્શન અને વેદઉપનિષ્ાદના આધારો એમનાં ભજનોની વિશિષ્ટતા છે. સંત વેલો અહીં યોગી વેલનાથ તરીકેની મુદ્રા પ્રગટાવે છે. એમની એક ખૂબ જ પ્રખ્યાત ભજનરચના દ્વારા એમના વ્યક્તિત્વની એ ઓળખને મેળવીએ.
બાજી કેમ આવે હાથ, બાજી કેમ આવે હાથ રે,
લાગી રે લડાયું કાયા શેરમાં જી રે
સમજે વાતું સમજાય, વેદે વાતું વદાય રે
મૂરખ નરને ક્યાં જઈને કેવું રે જી. બાજી…ટેક઼..

    હે વીરા  સાચી વસતુ હે તારા શેરમાં રે જી,
    દુનિયા અંધી મ થાવ  દુનિયા ભૂલી મ જાવ રે 
    રો દીપક ને ઘર ઢૂંઢીએ રે જી.     બાજી...૧

    હે વીરા  તરક્સ તીરડાં ભાથે ભર્યાં રે જી,
    થોથાં કાયકું ઉડાડ  થોથાં કાયકું ઉડાડ રે
    મરઘો ચરે છે તારા વનમાં રે જી.       બાજી...ર

    હે વીરા  તખત તરવેણીના તીરમાં રે જી,
    ધમણ્યું ધમે છે લુહાર  ધમણ્યું ધમે છે લુહાર રે,
    નૂર ઝરે ધણીનાં, શૂરા પીવે રે જી.        બાજી...૩

    હે વીરા  સાતમે શૂન મારો શ્યામ વસે જી,
    કસ્તૂરી છે ઘરમાંય  કસ્તૂરી છે ઘરમાંય રે,
    અકળ અવિનાશીનાં રાજ છે રે જી.    બાજી...૪

    હે વીરા  વાઘનાથ ચરણે વેલો બોલિયો રે જી,
    ગુરુ દૃશ્યુંનો દાતાર  ગુરુ મુગતિનો આધાર રે,
    અધમઓધારણ ગુરુને ધારવા રે જી.    બાજી...પ    

વેલનાથ કહે છે કે જીવનરૂપી બાજી કેવી રીતે જીતી શકશે કાયારૂપી શહેરમાં લડાઈ-ઘમસાણ યુદ્ધ ચાલે છે. જો સમજવા ધારીએ તો રહસ્ય અવશ્ય સમજાય, કારણ કે વેદમાંથી તમામ વિગતો મળે છે, પણ મૂરખાઓને ક્યાં સમજાવવું ?

હે વીરા-ભાઈ સાચી વસ્તુ તો તારા આ કાયારૂપી શહેરમાં જ છે. આંધળા થઈને દુનિયામાં ભૂલ્યા-ભટક્યાનો કશો અર્થ નથી. દીવારૂપી જ્ઞાનદીપક પ્રગટાવીને એને ઓળખવાનો છે. હે વીરા-ભાઈ તીરકામઠારૂપી સાધના માટેની તમામ આવશ્યક વસ્તુ તો તારી પાસે જ કાયામાં જ છે. શા માટે થોથાં ઊથલાવીને રહસ્ય પામવા પ્રયત્નશીલ બને છે. મરઘારૂપી ચેતનતત્ત્વ તો તારા આ કાયારૂપીવનમાં જ ચરે છે.

તરવણી-લલાટમાં શ્ર્વાસોચ્છ્વાસરૂપી ધ્યાન લગાવીને ધમણથી પ્રાણાયમથી કોઈ શૂરવીર-અટલ પુરુષ્ા સાધક એ અમરસ્થાન, ઝરણાનું ભજન કરી શક્વા સમર્થ બને છે. હે વીરા સાતમે શિખરે બ્રહ્મરંધ્રમાં અવિનાશીનો નિવાસ છે ત્યાં સુધી સાધના દ્વારા પહોંચવાનું છે. એ જ તો કસ્તૂરી છે. કાયાફળ ઘરમાં જ છે. ગુરુ વાઘનાથની દયાથી વેલનાથ કહે છે કે આ બધું ગુરુકૃપાથી જ શક્ય બન્યું છે. ગુરુ જ મુક્તિ માટેનો આધાર છે. અધમ અવસ્થામાંથી ઉગારનારા આવા સમર્થ ગુરુને અવશ્ય ધારણ કરવા.

વેલનાથે અહીં ગુરુમહિમાની અને ષ્ાટ્ચક્રભેદનની ક્રિયાનો નિર્દેશ કરીને એની સાધનાધારા સમજાવી છે. વેલાબાવાની વાણીમાંથી આમ યોગ-સાધનાનું રહસ્ય અને માર્ગરેખાબિંદુઓ પ્રાપ્ત થાય છે એના વ્યક્તિત્વની પરિચાયક છે. સંતવાણીમાંથી પ્રાપ્ત યોગ-સાધનાના રહસ્યની મીમાંસા આપણી વેદવાણી સાથેનો સંબંધ સ્થાપી આપનારી છે. વેદવાણીનું તેજસ્વી અનુસંધાન સંતવાણી છે એ હકીક્તના આધારરૂપ આવાં અનેક ભજનો મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button