ધર્મતેજ
સ્વામી સરજ્યુગિરી ગુરુ મોહનગિરીજીની વાણી-ર
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
અર્વાચીન સમયના સાધક સંત-કવિ સરજ્યુગિરીજી મહેસાણા તાલુકાના બલોલ ગામની ઉત્તરદિશામાં આવેલ જોશીમઠના મહંત હતા. એમણે ૪૦૦ વધુ પદ્ય રચનાઓનું સર્જન કરેલું છે. ‘અનુભવ પ્રકાશ મુક્તાવલી ૧-ર’ (૧૯૪૬). જેમાં સરજ્યુગિરીજીના કેટલાક શિષ્યોની રચનાઓ પણ
મળે છે.
બીજમારગ છે જોગનો રે ભાઈ એને સાધો તો સુખ થાય જી..
નિરવરતીને આદરો વીરા સાધન કરો મન લાઈ,
મૂળ તપાસો આપણો, કહાં સે આવે ક્યાં જાય ?
સોહમ્ મંત્રને સાધવા વીરા ચક્કર શોધો સાત જી,
મન વરતીને એક ઘરે લાવો, તબ કરો નિજારની વાત…
- ભાઈ એને સાધો તો સુખ થાય જી..૦
અપાનને જો વશ કરો વીરા રોકો કંઠમાં પ્રાણ જી,
ઓહં સોહં શબ્દ સાધી લ્યો ,તો વાગે આકાશમાં બાણ…
સ્થંભ ગતિ હોય પ્રાણની વીરા સૂરતા શૂનમાં સમાય જી,
સુખમણાને મારગે રે સહજ સમાધિ થાય… - ભાઈ એને સાધો તો સુખ થાય જી..૦
ઈ આનંદના ભોગિયા વીરા કરોડમાં કોક હોય જી,
નિષ્કલંકી જ્યોત જગાડે તો , પછી ભેદ ન ભાસે કોય…
અનુભવલીલા અટપટી વીરા સમજણ વિનાનો ત્રાસ જી,
સ્વામી સરજુગિરિ બોલિયા ભાઈ કરો એનો અભ્યાસ… - ભાઈ એને સાધો તો સુખ થાય જી..૦
***
ગવરી નંદન,તુમ જગ વંદન, હરખે શીશ નમાવું રે હો જી, હો જી,
મહેર કરોને સ્વામી સુંઢાળા (ર), હરખે દરશન પાઉં… - મનાઉં મેં સદગુરુ દેવ રીઝાવું રે હો જી..હો જી….૦
અલખ પુરુષ્ા અવિનાશી પોતે , એને ખોજન જાઉં રે હો જી.. હો જી..
વેદ વદે છે તે હી તૂં છો (ર) , ઔર કહાંસે બતાઉં ?
અગમ જ્ઞાનકી અનંત કૂંચી, સતગુરુ સહજ બતાવું રે હો જી..હો જી..
કરમ ક્રિયા કોઈ કામ ન આવે (ર) , સમજ સમજ મલકાઉં.. - મનાઉં મેં સદગુરુ દેવ રીઝાવું રે હો જી..હો જી….૦
જગતાકાર હોય જબ દ્રષ્ટિ, આતમ રૂપ ભૂલાઉં રે હો જી.. હો જી..
દેખ છાંયલો ભૂત જો ભાસે (ર), ભૂવા ભગત ટેરાવું..
પાનીમેં સે ઉઠે બુદબુદા, પાનીમેં મિલ જાઉં રે હો જી.. હો ..જી..
હરખ શોક કરવો નહીં કોઈ (ર), બાર બાર સમજાઉં.. - મનાઉં મેં સદગુરુ દેવ રીઝાવું રે હો જી..હો જી….૦
એવું સમજે વોહી જ્ઞાની, ફેર જનમ નહીં પાઉં રે હો જી..હો જી..
સરજ્યુગિરી કહે ગુરુ મોહનગિર શરણે(ર) , સદ્ગુરુ કે ગુણ ગાઉં.. - મનાઉં મેં સદગુરુ દેવ રીઝાવું રે હો જી..હો જી….૦
સરજ્યુગિરી સ્વામીનાં શિષ્યા માણેકબાઈની સાતવાર રચના-
ગુરુ ગમ રૂદિયામાં ધરીએ, આડા મારગ કદીએ નવ ફરીએ… - ગુરુ ગમ રૂદિયામાં ધરીએ….૦
આદિત્યે અંતરમાં જોયા, માણેક મેલ જમુનામાં ધોયા,
સંશય મારા સરવે તો ખોયા.. - ગુરુ ગમ રૂદિયામાં ધરીએ….૦
સોમે સમજણમાં સાર, તરવા ભવ જળ પાર,
ભજન કરીએ નર ને નાર.. - ગુરુ ગમ રૂદિયામાં ધરીએ….૦
મંગળે મમતા દિયોને મેલી, શીખામણ સંતોની છે સહેલી,
પ્રભુ ભજનમાં થઈ છું ઘેલી.. - ગુરુ ગમ રૂદિયામાં ધરીએ….૦
બુધે તો બેહદમાં જઈએ, હું ને મારૂં મેલી દઈએ,
તરવેણીમાંથી મોતીડાં લઈએ.. - ગુરુ ગમ રૂદિયામાં ધરીએ….૦
ગુરુવારે પૂરણ ગમ જાગી, મારી ભૂલ ભરમણા ભાગી,
તાળી ત્રણ ગુણ પર લાગી.. - ગુરુ ગમ રૂદિયામાં ધરીએ….૦
શુકરવારે શાંતિમાં રહીએ, પૂરણ હોય ન્યાં જઈને ભળીએ,
અગનાનીથી આઘાં ફરીએ.. - ગુરુ ગમ રૂદિયામાં ધરીએ….૦
શનિવારે વિધિ સરવે પૂરી, માણેક હવે નથી અધૂરી,
સતગુરુ ચરણુંમાં છું હજુરી.. - ગુરુ ગમ રૂદિયામાં ધરીએ….૦