ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

વિશેષ : જે શાંત ન હોય એ સાધુ કેવો?

-રાજેશ યાજ્ઞિક

એકવાર એક માણસ ગૌતમ બુદ્ધ પાસે ગયો અને પૂછ્યું, મનને શાંત કરવા શું કરવું? બુદ્ધ બોલ્યા, તમારા મનને સમજવા માટેનું પ્રથમ પગલું એ છે કે તેના દ્વારા આપવામાં આવેલી લાલચની નિરર્થકતાને જોવી અને સમજવી.
પછી તે વ્યક્તિ બુદ્ધને પૂછે છે, પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણું મન આપણને લલચાવી રહ્યું છે અને તે લાલચ વ્યર્થ છે?

આનો જવાબ આપતા બુદ્ધ કહે છે- ‘અનુભવ દ્વારા.’ માણસ પોતાના મનના લોભને લીધે જે પણ કાર્યમાં અતિરેક કરે છે, તેને નુકસાન જ થાય છે અને નુકસાન થયા પછી જ તે વ્યર્થતા અનુભવે છે.

પછી વ્યક્તિ બુદ્ધને પૂછે છે કે, જો કોઈ વ્યક્તિ પ્રથમ તબક્કાથી જાણી લે કે મનની લાલચને લીધે વ્યક્તિ દુ:ખી છે, તો પછી બીજો તબક્કો શું છે? બુદ્ધ કહે છે – ‘શોધ પર નીકળવું’.

નગરચર્યામાં જીવનની વ્યર્થતા જોયા પછી અશાંત થયેલા રાજકુમાર સિદ્ધાર્થ શાંતિની શોધમાં નીકળ્યા પછી આપેલા આ ઉપદેશમાં ધર્મનો મર્મ છુપાયેલો છે.આજના સમયમાં આપણે જે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ, તેનો ઉદ્દેશ્ય શું છે? સફળતા મેળવવી, સુખ મેળવવું, સંપત્તિ મેળવવી, સગવડો મેળવવી વગેરે, પણ એ બધું મળી ગયા પછી પણ જે નથી મળતું, એ છે શાંતિ!

સનાતન ધર્મમાં કોઈપણ મંત્રોચ્ચાર કે પૂજા પછી અંતે આપણે અવશ્યમેવ બોલીએ, તે શબ્દો છે, ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:. આનો સીધો અને સરળ અર્થ એ છે કે ધર્મના કાર્યનો અંતિમ અને સર્વોચ્ચ ઉદ્દેશ્ય ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા કે અન્ય ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ નહીં, પરંતુ શાંતિ પ્રાપ્ત કરવાનો છે.

તેથી જ જે સાધુ વ્યક્તિ, અર્થાત્ સજ્જન છે તેનામાં શાંતિનો ગુણ નિ:સંદેહ જોવા મળવો જોઈએ. ઉચ્ચ કોટિના જીવોએ જે પણ તપ, ત્યાગ, સાધના કર્યા તે અંતે તો આ જીવનમાં પરમ શાંતિ અને જીવન સમાપ્ત થયા પછી મોક્ષની એ અવસ્થા જ્યાં આત્મા પણ પરમ શાંત અવસ્થાને પામે છે, તેના માટે જ કર્યા છે.

જે શાંત ન હોય એ સાધુ ક્યાંથી હોય? વાલિયો લૂંટારો જ્યારે શાંત થયો ત્યારે જ વાલ્મીકિ બન્યો છે. તો પ્રશ્ન એ થાય કે શાંતિ એટલે શું? માત્ર ક્રોધ ન કરવો એટલે શાંત હોવું? ક્રોધ ન કરવો એ તો ક્રિયા છે, પણ મનમાં જો ક્રોધ હોય તો એ શાંતિ કહેવાય? તો શાંતિનો જો અર્થ કરવો હોય તો એમ કહી શકાય કે મન જ્યારે સ્થિર થઇ જાય તે અવસ્થાને શાંતિ કહે છે,

જ્યાં સુધી મનમાં ચંચળતા મોજુદ છે, ત્યાં સુધી મન અશાંત કહેવાય. ક્રોધ તો મનનો માત્ર એક ભાવ છે, આવા તો કેટલાય વિચલિત કરનારા ઘટકો મનમાં ધરબાયેલા પડ્યા છે, જેમ સૂકાં લાકડાને અગ્નિનો સ્પર્શ થતાં જ સળગી ઊઠે છે, તેમ મનને એકાદ બાહ્ય કારણ મળ્યું નથી, કે એ વિચલિત થયા વિના રહેશે નહીં.

આપણે કેટલા અશાંત છીએ તેનો અંદાજ લગાવો. આપણે જાગતા હોઈએ ત્યારે તો ઠીક, રાત્રે ઊંઘી જઈએ તો પણ આપણું મન સતત વિચારોના વમળમાં અટવાયેલું રહે છે. એક ક્ષણ પણ આપણું મન વિચારશૂન્ય હોતું નથી. જો આપણે વિચારશૂન્ય થઇ જઈએ તો ધ્યાનની પરમ અવસ્થાને પામી જઈએ!

એક ધનાઢ્ય શેઠ પાસે જગતના બધા સુખ હતા, તેમ છતાં મનને ચેન પડતું નહોતું. એક વખત તેઓ એક સંતના સત્સંગમાં ગયા. પ્રવચન પૂરું થતાં જ શેઠે સંતને પ્રશ્ર્ન કર્યો કે મન શાંત કેમ નથી થતું?

આ પણ વાંચો…અલૌકિક દર્શન : પ્રણવ-ઉપાસના: મનથી ઉપરી અવસ્થામાં પહોંચવાનું સમર્થ સાધન

સંતે કહ્યું, ચિંતા ન કર, આંખ બંધ કરીને ધ્યાન લગાવવા પ્રયત્ન કર. શેઠે ચર્મ ચક્ષુ બંધ કર્યા પણ મન તો ભટકવા માંડ્યું. કંટાળીને શેઠ ઊભા થઈને બહાર બગીચામાં ચાલવા ગયા ત્યાં જ પગમાં કાંટો વાગ્યો. કાંટો ભોંકાતા જ શેઠના મોઢેથી ચીસ નીકળી ગઈ. સંતે માર્મિક સ્મિત કર્યું અને કહ્યું, શેઠ, એક કાંટો વાગતા જ તમે જો આટલા વિચલિત થઇ જતા હો, તો વિચાર કરો, તમારા મનમાં ક્રોધ, લોભ, દ્વેષ જેવા અનેક કાંટાઓ છે. તમારું મન ક્યાંથી શાંત થાય?!

આપણી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, સ્વાર્થ, ઈર્ષા જેવાં અનેક કારણો આપણા મનને સતત અશાંત રાખે છે. શારીરિક કારણો પણ આપણા મનને અસર કરે છે. ભૂખ, તરસ, પીડા, આંખથી જોવાયેલા દ્રશ્યો, કાનથી સાંભળેલા વિવિધ અવાજો, નાકથી અનુભવેલી ગંધ, કે વિવિધ સ્પર્શ પણ આપણા મનને વિચલિત કરવાના કારણો બને છે. તેથી જ ધર્મ કહે છે કે આપણે મનને જીતવાનું છે. ‘મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર.’ આ મનને જીતવું એ જ શાંતિ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button