ધર્મતેજ

વિશેષ : ત્યાગ, બલિદાન ને પરાક્રમનો ત્રિવેણી સંગમ એટલે સનાતન ધર્મના અખાડા

રાજેશ યાજ્ઞિક
સૂર્યના ઉત્તરાયણ સાથે જ તીર્થરાજ કહેવાતા પ્રયાગરાજમાં 144 વર્ષમાં એકવાર થતો મહાકુંભ આરંભ થઈ ગયો છે. મહાકુંભનો શુભારંભ સંન્યાસીઓના છાવણી પ્રવેશ સાથે થયો ગણાય છે અને જ્યારે નાગા સાધુઓના અખાડા રાજસી સ્નાન કરે ત્યારથી પવિત્ર સ્નાન કરવાની શુભ શરૂઆત થાય છે. અર્થાત્‌‍ પ્રયાગરાજ હોય કે ઉજ્જૈન, હરિદ્વાર કે નાસિક હોય, કુંભમેળાનું જ્યાં આયોજન થાય ત્યાં સાધુઓના અખાડા વિના કુંભનું આયોજન અશક્યવત્‌‍ છે. આખરે શા માટે છે સંન્યાસી અખાડાઓનું આટલું મહત્ત્વ? શું છે અખાડાઓનો ઇતિહાસ?

આપણે ત્યાં વારંવાર દોહરાવાતું એક વાક્ય એટલે ધર્મો રક્ષતિ રક્ષિત:. અર્થાત્‌‍ રક્ષિત થયેલો ધર્મ, રક્ષા કરનારની રક્ષા કરે છે. આ ઉક્તિનું પરમ પ્રમાણ કોઈ હોય તો એ છે આપણા દેશની મહાન નાગા સંન્યાસી સાધુઓની પરંપરા. સનાતન ધર્મની ધ્વજા ઊંચી રાખવા, ધર્મ અને રાષ્ટ્રની વિદેશી આક્રમણકારો અને વિધર્મીઓથી રક્ષા કરવાના હેતુથી, તથા ધર્મના પ્રચાર-પ્રસાર માટે, સંન્યાસીઓના અખાડાઓની સ્થાપના કરવામાં આવી હોવાનું કહેવાય છે.

શાહી સવારી, હાથીઓ અને ઘોડાઓની સજાવટ, ઘંટનાદ, નાગા-અખાડાઓનાં પરાક્રમો અને તલવારો અને બંદૂકોનું ખુલ્લું પ્રદર્શન અખાડાઓની વિશેષતા છે. આ સંન્યાસીઓનો એ સમૂહ છે જે શસ્ત્રવિદ્યામાં પારંગત છે. અખાડાઓ સાથે સંકળાયેલા સંતોના મતે જે શાસ્ત્રથી ન માને તેને શસ્ત્રથી સમજાવવા માટે અખાડાઓનો પ્રારંભ થયો હતો. સનાતનીઓના આદ્ય ગુરુ શંકરાચાર્યએ ચાર દિશામાં ચાર મઠની સ્થાપના કરી હતી. તેની સાથે જ કહેવાય છે કે પ્રથમ ચાર અખાડાઓની પણ તેમણે સ્થાપના કરી હતી, પરંતુ સાધુઓની સંખ્યા સેંકડોમાં નહીં લાખોમાં હતી (અને આજે પણ છે). તેથી તેમનું સંચાલન સુવ્યવસ્થિત થઈ શકે માટે ધીમેધીમે મૂળ અખાડાઓમાંથી નવા અખાડાઓની રચના પણ થઈ. બીજું કારણ એ પણ હતું કે પ્રથમ ચાર અખાડાઓ શૈવ સંપ્રદાયના જ હતા. પછી વૈષ્ણવ સંપ્રદાયના અને ઉદાસીન સંપ્રદાયના સંન્યાસીઓના અખાડાઓનો પણ સમાવેશ થયો. આમ કરતાં કરતાં 13 અખાડાઓ થયા. વર્ષ 2019માં, જ્યારે પ્રયાગરાજમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કિન્નર અખાડાના સત્તાવાર સમાવેશ પછી, અખાડાઓની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.

નાગા સાધુઓને કુંભ સ્નાનમાં પ્રથમ પંક્તિનું સ્થાન આપવા પાછળનું કારણ ઘણું રોચક તો છે જ, સાથે વીરતા, ધર્મ અને રાષ્ટ્ર માટે બલિદાન આપવાની તત્પરતા તથા શસ્ત્રવિદ્યાની પારંગતતાની અદ્ભુત અને ગર્વ થાય તેવી કથા છે. ત્યાગ, બલિદાન અને પરાક્રમનો ત્રિવેણી સંગમ એટલે સનાતન ધર્મના અખાડા.

1664માં કાશી વિશ્વનાથ મંદિર પર ઔરંગઝેબની સેનાએ પહેલીવાર હુમલો કર્યો હતો. તે સમયે નાગા સાધુઓની સેનાએ એવો જબરજસ્ત પ્રતિકાર કર્યો કે ઔરંગઝેબની સેના ધૂળ ચાટતી થઈ ગઈ અને પીછેહઠ કરી. આ યુદ્ધમાં 40,000 નાગા સાધુઓએ પોતાનું બલિદાન આપ્યાનું કહેવાય છે. ઔરંગઝેબ તે પછીના હુમલામાં મંદિર તોડવામાં સફળ થયો હતો. 1757માં અહેમદશાહ અબ્દાલીએ મથુરા, વૃંદાવન પર હુમલો કર્યો હતો.

હિન્દુઓના આસ્થા સ્થાનમાં જે ધાર્મિક સ્થાન દેખાય તે બધાને લૂંટવા અને જમીનદોસ્ત કરી નાખવાના સ્પષ્ટ આદેશ સાથે કરાયેલ આ હુમલામાં મથુરા અને વૃંદાવનમાં લોહીની નદીઓ વહેતી હતી અને લાશોના પહાડ લાગ્યા હોવાનું ઇતિહાસકારોએ નોંધ્યું છે. હજારો મહિલાઓએ યમુનામાં ઝંપલાવીને પોતાના શિયળની રક્ષા કરી હતી. ત્યાર પછી ગોકુળનો વારો આવ્યો. ત્યાં સુધીમાં નાગા સંન્યાસીઓ જ્યાં હતા ત્યાંથી ભેગા થઈ ગયા.

કહેવાય છે કે અબ્દાલીની સેનામાં 30,000 સૈનિકો હતા, જેની સામે માત્ર 4,000 નાગા સાધુઓ ગોકુળની રક્ષા માટે ઊભા હતા. પોતાની જાતનું જ જેણે પિંડદાન કરી નાખ્યું હોય તેને વળી મરવાનો ડર ક્યાંથી હોય? નાગા સાધુઓએ ધર્મરક્ષા માટે એવું પરાક્રમ બતાવ્યું અને અબ્દાલીની સેનાનો એવો સંહાર કર્યો કે મહાભારતના યુદ્ધની યાદ આવી જાય. અફઘાન સેનાને એવી શિકસ્ત મળી કે ત્યાર પછી ગોકુળ પર ક્યારેય હુમલો થયો
નહીં.

તેવી જ રીતે, 1770 પછી બંગાળમાં બ્રિટિશરો દ્વારા અનાજની ખુલ્લેઆમ લૂંટને કારણે પ્રજા ભૂખે મરવા લાગી હતી. ત્યારે ફરી એકવાર દશનામી સંન્યાસી નાગાઓએ તેનો જબરો વિરોધ નોંધાવ્યો અને તેમની સેનાનો પણ સામનો કર્યો. જેને કારણે બ્રિટિશ સેનાને અને સરકારને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. આ વાતની ગવાહી બ્રિટિશ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સના પત્રોમાં મળે છે. હેસ્ટિંગ્સે 9 માર્ચ 1773ના રોજ જોસિસ ડુ પ્રીને લખેલા તેમના પત્રમાં સંન્યાસીઓની કામગીરી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેઓ લખે છે કે `તેઓ ન તો કપડાં પહેરે છે કે ન તો કોઈ નગર કે ગામ કે પરિવારો છે અને તેઓ હિન્દુસ્તાનમાં સૌથી કઠોર અને સક્રિય માણસો છે.’ તેમણે અહીં ઉલ્લેખ કર્યો છે કે સંન્યાસીઓ ભારતમાં તમામ જાતિઓ દ્વારા આદરણીય હતા અને તેથી કડક આદેશો અને સજા હોવા છતાં કોઈએ તેમની હિલચાલ વિશે અંગ્રેજોને કોઈ ગુપ્ત માહિતી આપી નહોતી. સંન્યાસીઓ બંગાળ પ્રાંતમાં અચાનક જાણે સ્વર્ગમાંથી આવી ગયા હોય તેમ પ્રગટ થયા હતા.

આ પણ વાંચો…મમતા કુલકર્ણી અને બાગેશ્વર બાબા વચ્ચે વિવાદ વધવાની શકયતા, અભિનેત્રીએ બાબાને રોકડું પરખાવ્યું

આજે રાજકારણીઓ એકબીજા સામે આક્ષેપબાજી કરે છે કે કોણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો અને કોણે નહીં, પણ સનાતન ધર્મના સંન્યાસીઓએ મોગલોથી લઈને બ્રિટિશરો સામે જે યુદ્ધો લડ્યાં છે તેની વાત બહુ ઓછી થાય છે. નાગા સાધુઓના રાષ્ટ્ર અને ધર્મરક્ષા માટેના આ પરાક્રમ અને બલિદાનને ઉચિત સન્માન આપવા માટે કુંભના પ્રથમ સ્નાનના અધિકારી તેમને બનાવવામાં આવ્યા. ત્યારથી કુંભનું પ્રથમ સ્નાન નાગા સાધુ કરે, તે પછી અન્ય સંન્યાસીઓ કરે અને ત્યાર બાદ ગૃહસ્થો સ્નાન કરે તેવી પરંપરા ચાલી આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button