જગ્યાઓ જાગે
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના સંતસ્થાનકો વિશે અવારનવાર જુદાંજુદાં પુસ્તકો, સામયિકો કે વર્તમાનપત્રો ઉપરાંત આજે તો ફેઈસબુક, યુટ્યૂબ, વેબસાઈટ, બ્લોગ જેવાં જાહેર માધ્યમોમાં લેખો,સંતકથાઓ,સંતવાણીનાં અર્થઘટનો રૂપે અઢળક સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે. એમાં ઘણીવાર તો પૂરતી કે પ્રમાણભૂત માહિતીને બદલે પાર વિનાના વિગતદોષ્ાો સમાજમાં પ્રચાર-પ્રસાર પામતા હોય છે. સંતો-ભક્તો-મહંતો-મહાપુરૂષ્ાોના જીવન અંગે કશી ઐતિહાસિક માહિતી સહજ રીતે ન મળતી હોય ત્યારે કેટલાક ઉત્સાહી નવોદિત લેખકો જે તે સંતપરંપરા કે સંત વિશે બનાવટી કલ્પિત ચમત્કારોથી મંડિત એવું ભ્રામક ચિત્ર ખડું કરી દે ત્યારે ભાવિ પ્રજા કે સમાજમાં ખોટી કે ગેરરસ્તે દોરનારી વિચારપરંપરા ઊભી થવાનો ભય રહે છે.
ઘણીવાર તો એકની એક ચમત્કાર ઘટના લગભગ તમામ સંત-ભક્તો સાથે જોડવાની સાથે લેખકો એ સંત કે ભક્તના સેવા, સમર્પણ, ત્યાગ, તપ, તિતિક્ષ્ાા કે જીવનસાધનાને અન્યાય કરતા હોય એવું લાગે છે. સંતોના જીવનમાં ચમત્કારના મહત્ત્વ કરતાં સેવા, સાધના અને સ્મરણનું મહત્ત્વ વધુ છે. જિંદગીભર સમાજની કુરૂઢિઓ, કુરિવાજો, વહેમો સામે લડતા આવેલા સંતો પોતાની ભક્તિ કે સિદ્ધિના રજમાત્રના પ્રચારથી અકળાતા હતા, પોતાની ખ્યાતિ ગુપ્ત રાખવા મથતા અને ક્યારેક તો જીવતાં સમાધિ પણ લઈ લેતા હતા એવા દાખલાઓ આપણે ત્યાં ઓછા નથી. ત્યારે જેને એ સંત સાથે કશો જ સંબંધ ન હોય એવી કપોળકલ્પિત દંતકથાઓ પણ આજે લેખકો અને જાહેર મંચના સંતવાણી કે ડાયરાના કલાકારો દ્વારા પ્રચાર-પ્રસાર પામતી રહે છે.
જુદાજુદા સંત-ભક્તસ્થાનકો દ્વારા જ પ્રકાશિત થતી પુસ્તિકાઓમાં પણ ઘણીવાર તો જગ્યાના મૂળ સ્થાપક સંતના જીવનસિદ્ધાંતો, મૂળ સાધના પરંપરા, ઈષ્ટ-આરાધ્ય દેવી-દેવતા, ઉપાસનાપદ્ધતિ, ગુરુ પરંપરા અને શિષ્ય પરંપરા કે વંશ પરંપરા સાથે સ્થાનકનો મૂળ પ્રમાણભૂત ઈતિહાસ આપવાને બદલે નરી ચમત્કારમૂલક કાલ્પનિક દંતકથાઓની ભરમાર જોવા મળે. સાંપ્રત આધુનિક લોક્સમાજને એ સ્થાનક પ્રત્યે સાચી રીતે આકર્ષ્ાી શકાય, સંસ્થાની વિવિધ ક્ષ્ોત્રોની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી શકાય, મૂળ સનાતન ધર્મની ધર્મસાધના અને સંસ્કારોનું સિંચન કરી શકાય એવા સાહિત્યનું પ્રકાશન આજે ઘણા ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે.
કોઈપણ સંતસ્થાન કે ધર્મસ્થાનના વિકાસ માટે આજના વૈજ્ઞાનિક યુગમાં પ્રચાર-પ્રસારનાં માધ્યમોનો ઉપયોગ અનિવાર્ય બની રહે છે. પ્રાચીન સમયથી સાહિત્ય સર્જન દ્વારા- સંતવાણી કે સત્સંગ દ્વારા, પોતાના વિચારો આવા લોક્સંતોએ પોતાના અનુયાયીઓ સુધી પહોંચાડ્યા છે. ભારતીય સનાતન ધર્મની દરેક શાખાઓ- શૈવ, વૈષ્ણવ, શાક્ત, સૌર, ગાણપત્ય, તંત્ર, નાથયોગ, કબીર-સંતસાધના, બીજમાર્ગી-મહાપંથ, પ્રણામી, સ્વામિનારાયણ, નિરાંત ઉપરાંત અનેક નાનામોટા પંથ-સંપ્રદાયોની સાથોસાથ જૈન, બૌદ્ધ, શીખ, સૂફી એમ તમામ ધર્મ પરંપરાઓને જાળવી રાખી છે તેમાં થયેલા તેજસ્વી સાહિત્યસર્જક સંત-ભક્ત કવિઓએ.
પોતાની વાણીમાં જે તે સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન, દર્શન, સેવા, સાધના, ઉપાસના, વિચારધારાને સ્થાન આપીને આ સર્જકોએ પોતાની પરંપરાના પ્રવાહને પદો-ભજનો, આખ્યાનો, સંતકથાઓ દ્વારા આજસુધી જીવંત રાખ્યો છે. એ સમયે તો આજના વર્તમાનપત્રો, સામયિકો, પુસ્તકો, રેડિયો, ટેલિવિઝન, ફોટોગ્રાફ્સ, કેસેટ, સીડી, ફિલ્મ, મોબાઈલ, ઈન્ટરનેટ જેવાં પ્રચાર-પ્રસારનાં કોઈ જ સાધનો નહોતાં. હવે જ્યારે એક નવો જ યુગ આવ્યો છે ત્યારે દરેક જગ્યાઓના પ્રતિનિધિઓએ સજાગ રહીને જે તે સ્થાન, જગ્યા,પરંપરા વિશે પ્રકાશિત કે પ્રસારિત થયેલ- છપાયેલ કે બોલાયેલ-સાહિત્યની ચકાસણી કરીને, જુદાજુદા કવિઓ,લેખકો, કલાકારો,કથાકારો,સંશોધકો સુધી સાચો પ્રમાણભૂત ઈતિહાસ પહોંચે એ માટેના પ્રયાસો કરવા જોઈએ.
જગ્યા કે સંસ્થામાં આવનારા યાત્રાળુઓને દરેક સ્થાનનો મૂળ-સ્થાનીય ઈતિહાસ જાણવાની ઉત્કંઠા હોય છે. તેને જગ્યાના સેવાભાવી કાર્યકરો દ્વારા પ્રમાણભૂત માહિતી મળી રહે એવી ગોઠવણ પણ જરૂરી છે. આવનારા યાત્રાળુઓમાં કેટલાક જગ્યાના પરંપરાગત અનુયાયી હોય, કેટલાક માત્ર જિજ્ઞાસુ હોય, કેટલાક પ્રવાસી મનોરંજન માટે જ સહેલગાહે નીકળેલા હોય તો કેટલાક કવિ, સાહિત્યકાર, સંશોધક, કલાકાર કે કથાકાર પણ હોય. દરેકને પોતપોતાની અપેક્ષ્ાાઓ હોય. કોઈને અધ્યાત્મ સાધના માટે માર્ગદર્શન જોઈતું હોય તો કોઈ સંસારમાં દુ:ખી થઈને આશરો શોધવા નીકળ્યા હોય, કોઈ તો કીર્તિદાન માટે જ આવ્યા હોય, આવા તમામ પ્રકારના યાત્રિકોને સંતસ્થાન તરફથી યોગ્ય હૂંફ મળી રહે તો જ જે તે સ્થાનકના મૂળ પુરૂષ્ાની સેવા અને સાધના પ્રત્યે સાચું તર્પણ થયું ગણાય. માત્ર સદાવ્રત ખોલી દેવાથી- અન્નદાન આપવાથી આપણે એ મહાપુરૂષ્ાોના ઋણમાંથી મુક્ત થઈ શકીએ તેમ નથી…
કોઈપણ પંથ કે સંપ્રદાયના પ્રચાર-પ્રસાર માટે ગુરુ પરંપરાનો ઈતિહાસ જાળવતી સંતકથાઓ, સંતચરિત્રો, પરચરિ રચનાઓ,વિતક રચનાઓમાં જે તે સંપ્રદાયના મહાપુરૂષ્ાોના જીવન પ્રસંગોને અનેક પ્રકારની ચમત્કારમય ઘટનાઓ સાથે સાંકળીને રજૂ કરવામાં આવતા હોય છે. એમાં જે તે મહાપુરૂષ્ાોના પૂર્વજન્મોની કથાઓ પણ જોડવામાં આવે, પૌરાણિક પ્રતાપી પાત્રો સાથે સાંકળવામાં આવે, અને એ ચરિત્રને વધુને વધુ દિવ્ય,વધુ ભવ્ય,વધુ અલૌકિક બનાવવા એમાં કાલ્પનિક ચમત્કારિક ઘટનાઓ ઉપજાવી કાઢીને અવતારી પુરુષ્ા તરીકે એનું ગુણગાન કરવાનો જ આશય એમાં હોય. આવી મૂળ રચનાઓમાં શુદ્ધ પ્રમાણિક-પ્રમાણભૂત ઈતિહાસના કેટલાક અંશો હોય એમાં પણ પાછળથી આવનારી શિષ્ય પેઢીઓ પોતાના જાતિ-જ્ઞાતિગત સંબંધો, ગમા-અણગમા અને પોતાની વિચારધારા મુજબ ફેરફારો કરીને, પોતાના સંપ્રદાયના સ્થાપક મૂળ પુરુષ્ાની ગુરુપરંપરાના ઉલ્લેખોની બાદબાકી કરતા રહે અને એ મૂળ પુરુષ્ા પોતે કોઈના શિષ્ય નહોતા, કોઈની કંઠી નહોતી બંધાવી,એમના ગુરુસ્થાન કે ગુરુ પરંપરાની લોકકંઠે સચવાયેલી કે સંપ્રદાયની મૂળ હસ્તપ્રતોમાં નોંધાયેલી વિગતોને બનાવટી છે એવું પુરવાર કરવા માટે નવા નવા તર્કો-ધારણાઓ,પ્રસંગો,સમય-સાલવારીનું આયોજન કરતા રહે.
સ્વાભાવિક છે કે જે તે સંપ્રદાયના કંઠીબંધ અનુયાયીઓ દ્વારા આવા બનાવટી ઈતિહાસો લખાતા રહે, પણ એવી વિચારધારા લઈને આજના સંપૂર્ણ પ્રમાણભૂત સંશોધનના વૈજ્ઞાનિક યુગમાં પણ, સાહિત્ય કે ઈતિહાસના ક્ષ્ોત્રમાં જેમનું સ્થાન-માન -પ્રદાન એક તટસ્થ-નિષ્પક્ષ્ા-નીડર સંશોધક તરીકેનું હોય એમના દ્વારા પણ માત્ર ને માત્ર પોતાની જાતિ-જ્ઞાતિના સંત-ભક્તની યશોગાથા વર્ણવવા માટે સંપૂર્ણ કાલ્પનિક તથ્યો અને તર્કો ઊભા કરીને બનાવટી ઈતિહાસ લખવામાં આવે એવા બનાવો આજના સમયે વધતા રહ્યા છે. એ ચિંતાનો વિષ્ાય છે.