ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

માનસ મંથન : આપણામાં પ્રેમના અંકુર ફૂટે તેની ને પ્રેમ પ્રગટે તેની નિશાની શી ?

-મોરારિબાપુ

જેમના હૃદયમાં પ્રેમ પ્રગટ થઈ જાય છે એ પ્રેમનું પહેલું લક્ષણ દર્શાવતા શાંડિલ્યએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ છે ‘સમ્માન’. પ્રેમનું પહેલું લક્ષણ છે સમ્માન. મારી સમજ પ્રમાણે એના બે અર્થ છે. એક,પરમાત્મા પ્રત્યે સમ્માનભાવ જાગવા માંડે. પરમતત્ત્વ પ્રત્યે અધિકાધિક આદર જાગવા માંડે ત્યારે સમજવું કે મારામાં પ્રેમનાં અંકુર ફૂટ્યાં છે; પરંતુ એટલો જ અર્થ કરીને અટકી જવું મને યોગ્ય નથી લાગ્યું. ત્યાં પરમાત્મા પ્રત્યે સમ્માનની વાત નથી, કેવળ ‘સમ્માન’ શબ્દ છે. તો, ‘સમ્માન’ શબ્દનો એક અર્થ મને એવો પણ કરવા દો કે સમગ્ર સંસાર પ્રત્યે જ્યારે સમ્માન પ્રગટ થવા લાગે ત્યારે સમજવું કે પ્રેમનાં અંકુર ફૂટ્યાં છે.

પ્રેમનાં અંકુર ફૂટ્યાં પછી આખું જગત સારું લાગવા માંડશે. પછી તમે કોઈની ઉપેક્ષા નહીં કરી શકો કે કોઈની નિંદા નહીં કરી શકો.

માણસ પાસે પ્રેમ કરવાનો સમય નથી અને બીજાની નિંદા કરવાનો સમય એને કેમ મળે છે, એ હું સમજી નથી શકતો ! આ બહુ મોટું આશ્ર્ચર્ય છે કે આપણે બીજાનો દ્વેષ કરવાનો સમય કાઢીએ છીએ અને પ્રેમ કરવાનો સમય નહીં ! સમગ્ર સંસાર સમ્માન પામે અને ફૂલ પણ સમ્માન પામે; કોઈ ગાળો દે તો પણ આપણા માટે એ સમ્માનિત હોય અને કોઈ પ્રશંસા કરે એ પણ. હું સમજુ છું કે આ બોલી જવું બહુ આસાન છે, પરંતુ જેમણે સાધના કરવી છે, જેમણે સાવધાનીમાં જીવવું છે એ ભગવાનને પહેલાં કહી દે કે, મારી કસોટી કરજે; અને એ કસોટીમાંથી પાર ઊતરું ત્યારે મારા માથે હાથ રાખીને કહેવું કે, ‘બચ્ચા, બરાબર છે.’ પ્રત્યેક તત્ત્વ પ્રત્યે સમ્માન જાગે. કોઈ ગાળો દેશે તો એના પ્રત્યે સમ્માન નહીં થાય, દ્વેષ પ્રગટ થશે. આ બધી અસમંજસતા હોય ત્યારે સમજવું કે આપણામાં પ્રેમનું લક્ષણ દેખાતું નથી, એવું શાંડિલ્યનું માનવું છે. હું તમને એક વાત પૂછું, તમારું નામ તમે રાખ્યું છે ? આપણું નામ આપણે રાખ્યું નથી, આપણે ખુદ આપણું નામ બોલતા પણ નથી, તો એવા નામને જો કોઈ ગાળો દે તો નારાજ થવાની શી જરૂર છે ?
કૂછ તો લોગ કહેંગે
લોગો કા કામ હૈ કહેના
છોડો બેકારકી બાતોં મે
કહી બિત ન જાયે રૈના
કોઈ આપણને ગાળો દે તો એમ જ સમજવું કે એ એમની કોઈ ખાનદાનીનો પરિચય દઈ રહ્યા છે. એ ખુદનો પરિચય આપે છે. સૂત્ર પહેલું, બધાં પ્રત્યે સમ્માન. અમારા નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ગાયું અને ગાંધીબાપુ એ પોતાની પ્રાર્થનામાં સૌને રોજ ગવડાવીને વિશ્ર્વ પ્રસિદ્ધ કરી દીધું-

વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે
કેની રે,
વાચ-કાછ-મન નિશ્ર્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
મારા ગોસ્વામીજી કહે છે, ‘લ્રિૂફળપપ્રૂ લરૂ ઘઉં ઘળરુણ ’ સાહિત્યિક ભાષામાં કહું તો, આખું જગત પરમાત્માની કવિતા છે. આ ભગવાનનું કાવ્ય છે. એને સમ્માન ભરી આંખે વાંચવું કોઈએ. તો, પ્રત્યેક માણસ પ્રત્યે આપણા હૃદયમાં જ્યારે સમ્માન પ્રગટ થાય ત્યારે સમજવું કે એ પ્રેમનું પહેલું
લક્ષણ છે.

યુરોપના દેશોમાં અનેક ધર્મો પાળતી પ્રજા જોવા મળે છે પરંતુ ત્યાંના બહુમતી લોકોનો ધર્મ જુઓ તો મોટે ભાગે ખ્રિસ્તી ધર્મ જ જોવા મળે. અને ખ્રિસ્તી ધર્મની ઉપાસનાનું કેન્દ્રસ્થાન એટલે ચર્ચ. મારાં ભાઈ-બહેનો, આ વાત યુરોપના કોઈ શહેરની છે. એક ગામમાં એક નાનો છોકરો રહે. દૈવ યોગે એવું બનેલું કે તે નાની ઉંમરમાં જ અનાથ થઈ ગયો હતો. આ કિશોરના મા-બાપ એ નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતાં. આસપાસના લોકો તેનું થોડું ધ્યાન રાખતાં અને તેમ જેમતેમ એ કિશોરનું ગુજરાન ચાલતું. આ શહેરના ચર્ચમાં પણ દર રવિવારે પ્રાર્થના થતી હતી. આ રવિવારે આખું ચર્ચ શ્રદ્ધાળુ લોકોથી ભરાયેલું. કોઈ ચેર ખાલી નહીં. બન્યું એવું કે તે દિવસની પ્રાર્થના સભામાં પેલો અનાથ છોકરો પણ આવ્યો. પરંતુ ક્યાંય જગ્યા નહીં. એ છોકરાને કોઈ પોતાની પાસે બેસવા પણ ન દે. એટલે એ છોકરો જ્યાં પાદરી પ્રવચન કરતા હશે ત્યાં આગળના ભાગમાં નીચે બેસી ગયો. લોકો આ બધું જુએ છે પણ કોઈ કશું બોલતું નથી, કે નથી કોઈ તેને બેસવાની જગ્યા કરી આપે છે ! એટલામાં એક મોટી ઉંમરનો માણસ, જે તો પહેલેથી જ પોતાની ખુરશી ઉપર બેઠેલો. એમાંથી એ માણસ ઊભો થયો અને પોતાની ખુરશી છોડી અને પેલો છોકરો નીચે બેઠો’તો એની બાજુમાં બેસી ગયો. આશ્ર્ચર્યમાં પડી ગયેલા એ છોકરાએ પૂછ્યું, ‘દાદાજી ! તમે અહીંયા કેમ બેસી ગયા?’ ‘કહે, બેટા ! તને કંપની આપવા માટે…’

બાપ ! કોઈને કંપની આપવી એ પણ પ્રભુની પૂજા છે. આ લાઓત્સુ વિશે હું બોલું છું, તો એક ભાઈએ મને પૂછેલું કે, તમને લાઓત્સુમાંથી સૌથી વધુ શું ગમે ? ‘લાઓત્સુ કહે છે, મારી પાસે ત્રણ ખજાના છે.’ ત્રણ ખજાનાના તમે પહેરેદાર બનો અને એની સુરક્ષા કરો. બીજું કંઈ ન કરો તો કાંઈ નહીં. મને આ બહુ ગમતાં સૂત્રો છે. બાપ, ત્રણ ખજાના. કેવળ લાઓત્સુ પાસે છે એમ નહીં, આપણા બધા પાસે છે. પહેલો ખજાનો, પ્રેમ. જિસસ ક્રાઈસ્ટ એમ કહેતાં, પ્રાર્થના પછી અને પરમાત્મા તો એના પછી, પહેલાં પ્રેમ. અને વાત બિલકુલ પ્રેક્ટિકલ લાગે. આપણામાં પ્રેમ ન હોય તો આપણી પ્રાર્થનામાં પ્રાણ હોય ? પ્રેમ આદિ વસ્તુ છે. આપણામાં પ્રેમ હોય અને પછી બોલશું તો એ બધી પ્રાર્થના થઈ જશે. અને એ પ્રાર્થના થશે એટલે પરમાત્મા આપણો દરવાજો ખટખટાવતો આવશે. પ્રેમ જ પરમાત્મા છે. અમારા રામરાજ્યનું સૂત્ર છે-

કૂછ સબ નર કરહિ પરસ્પર પ્રીતિ
રામ હિ કેવલ પ્રેમુ પિઆરા
પરમાત્માને કેવલ પ્રેમ પ્રિય છે અને પરમાત્મા એટલે આખું જગત. એને પ્રેમ કરો.

શાંડિલ્યએ બીજા શબ્દનો પ્રયોગ કર્યો છે, ‘બહુમાન’. હવે સમ્માન લખ્યું છે, તો બહુમાન લખવાની શું જરૂર હતી ? અને ઋષિમુનિ અકારણ કોઈ શબ્દનો પ્રયોગ નથી કરતા. જગતને કોઈને સમ્માનનો ભાવ જાગે, પરંતુ જગતની વ્યાખ્યા સાંભળીને, જગતના જુદા-જુદા બદલાતા રંગો જોઇને પણ જગદીશની યાદ આવવા લાગે ત્યારે શાંડિલ્ય એને બહુમાન કહે છે.

છેલ્લું એક સૂત્ર કહીને હું તમારા પ્રશ્ર્નનો ઉત્તર પૂરો કરું. શાંડિલ્યમાં છેલ્લું સૂત્ર એવું આવે છે કે, જેમના પ્રત્યે આપણો પ્રેમ હોય એમને પ્રતિકૂળ એવું આપણું એક પણ વચન કે એક પણ કર્મ ન હોવું જોઈએ. એમના માટે પ્રતિકૂળ એવી આપણી એક પણ ક્રિયા ન હોવી જોઈએ. – સંકલન : જયદેવ માંકડ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button